ધર્મને ઝરૂખેથી .. પ્રથમ પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

ધર્મને ઝરૂખેથી ..



આજના સમયમાં હિંદુઓ માટે ધર્મ એટલે જેની સામે તે રોજ પૂજા કરે છે તે મૂર્તિ!મુસ્લિમો રોજ જેની બંદગી કરે છે તે અલ્લાહ!ખ્રિસ્તીઓ માટે તે રોજ જેની સામે મીણબત્તીની જ્યોત પ્રગટાવે છે તે ઈસુ!વિશ્વના ધર્મોનો ખ્યાલ આજે સંકુચિત બનતો જાય છે.તમામ ધર્મો જેના માટે સર્જાયા છે તે માનવ આસ્થાહીન બનતો જાય છે.માનવી માટે ધર્મ છે,ધર્મ માટે માનવી નહીં. માનવી થકી ધર્મ ઉજાગર થાય છે.ધર્મની પરંપરાનો મહિમા ખૂબ મોટો છે,પરંતુ આ સમગ્ર પરંપરાનું કેન્દ્રબિંદુ માનવ જ છે.પરંતુ આજના સમયમાં ફૂલ,હાર,શ્રીફળ, ચાદર,મીણબત્તીમાં સંડોવાયેલા ધર્મનું સાતત્ય ગાયબ થતું હોય એવું લાગે છે.જો ધર્મનું સાતત્ય હોય તો અત્યારે જે કંગાળ પરિસ્થિતિ માનવજાત ભોગવી રહી છે તે ન હોય.ધાર્મિક સાહિત્ય રચાય છે,ધર્મનું ગાન થાય છે અને છતાં દિન પ્રતિદિન બળાત્કારો વધતા જાય છે.એવો કયો બળાત્કારી હશે જેના ઘરમાં ધર્મનું અસ્તિત્વ નહિ હોય?

આ તમામ વિષમભાસોનું એક માત્ર કારણ છે:ધર્મનો આપણે ચીથરે હાલ કરેલો અર્થ.ધર્મ એટલે પૂજા અર્ચન કરીને ઈશ્વર ને રીઝવવા. આપણા પુરાણોમાં આને વિધિ કહેવાય છે,અર્થ નહિ.આપણે એ ભૂલી ગયા છીએ અને પરિણામે આપણા શાસ્ત્રકારોના કહેવાયેલા અર્થને આપણે પામી શક્યા નથી.આવા માત્ર પૂજા અને નિવેદ સુધી સીમિત બની ગયેલા આપણા ધર્મને સમારકામની જરૂર છે.વાત માત્ર શિવલિંગ પર ચડાવાતાં દૂધને અટકાવવાની નથી પણ વાત છે માનવ મનની અંદર જે ધર્મનો સાચો અર્થ ભૂંસાતો ગયો છે તેને નવપલ્લવિત કરવાની.સત્ય,પ્રેમ,કરુણા આ બધા જ શબ્દો ધર્મના જ અંગો છે.જ્યારે આજે આપણા માટે ધર્મ એ પૂજા,અર્ચના અને આડંબરની વસ્તુ બની ગઈ છે,જે માનવજાતની ખામી છે.

આજનો યુવાન કે આજની પેઢી ધર્મની પરંપરાને તર્કવિહીન ગણાવતો થયો છે.ધર્મની વિવિધ પરંપરાઓ તર્ક વિહીન છે કે ખોટી છે તેવું કહેવાનો અર્થ નથી પરંતુ માત્ર તે પરંપરા જ ધર્મ છે તે માનવું ભૂલભરેલું છે આપણો ભારત દેશ દુનિયાના અન્ય દેશો કરતાં મોટા પ્રમાણમાં સાધુ-સંતો અને નાગા બાવાઓ ની પરંપરા ધરાવતો દેશ છે. આ ભારત દેશ પર નરસિંહ મહેતા અને મીરાંબાઈ,ચૈતન્ય મહાપ્રભુ શંકરાચાર્ય થયા છે પરંતુ આજના ધર્મમાં આ બધાની જે પ્રભાવકતા અને દિવ્યતા હતી તે ક્યાંય લગીરે દેખાતી નથી ધર્મમાં માત્રને માત્ર ભૌતિક ચીજવસ્તુઓ નું સામ્રાજ્ય બનતું જાય છે અને અનુભૂતિનું સામર્થ્ય છે તેનો નાશ થતો જાય છે.કદાચ 15મી અને 16મી સદીમાં થયેલું ભક્તિ આંદોલન આવા ધર્મ સુધારની જ એક પ્રક્રિયા હશે.

ધર્મનું કામ જ માનવની ચેતનાને ઢંઢોળીને તેને આ સૃષ્ટિના અમૃત જેવી શ્રદ્ધા તરફ વાળવાનું છે આજનો ધર્મ માનવ ચેતના કરતાં વધારે તો માનવીના ખિસ્સાને વધુ ઢંઢોળે છે આમ તો ભારતના સાધુ પોતાને સન્યાસી ગણાવે છે તો પછી જેને જીવનની મોહમાયા છોડી દીધી તેને મોટી ગાડીમાં ફરવા ની જરૂર છે?જૈન સાધુ અને બૌદ્ધ સાધુની આવડી મોટી પરંપરા માં મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ ગૃહત્યાગ કરી માનવ સેવા કરે છે.આજે ધર્મને નામે માત્ર આડંબર થાય છે એવું કહેવું ભૂલભરેલું નહીં ગણાય.ધર્મ અને સંપ્રદાય રાજકારણીઓને ચૂંટણી જીતવા માટે નું સાધન બની ગયું છે.ધર્મ તેના સાચા અર્થમાં અરવિંદ રૂપે પ્રગટ થતો હોય તો દિવસે ને દિવસે બળાત્કાર વધતા કેમ જાય છે ?આજે માનવી ખૂન કરતાં અચકાતો નથી.આજનો દરેક ગુનેગાર ધાર્મિક માણસ જ હોય છે ધર્મનું મુખ્ય કામ તો માનવની સુષુપ્ત ચેતનાને જગાડી સંસારની ભવ્યતા તરફ વાળવાનું છે.

ધર્મની પરંપરા કે આવડા મોટા ભારતીય સમાજની પરંપરા વ્યર્થ છે કે નિરર્થક છે એ વાત પણ માત્ર તર્ક જ છે આ પરંપરા અને રીવાજો તો આપણી સંસ્કૃતિ છે.જેમ કોઈ અનાથ બાળકને આ દુનિયા ધિક્કારે તેમ જો આ ભવ્ય સંસ્કૃતિ આપણી પાસે ન હોય તો આપણે પણ ધિક્કારને પાત્ર જ બન્યા હોત અધ્યાત્મની પણ એક અનોખી ગરિમા છે,તેને પોતાનું એક વિશ્વ છે.આપણે ધર્મને અધ્યાત્મની ઉચ્ચકક્ષા સુધી પહોંચવાનું એક માધ્યમ ગણ્યું છે પરંતુ તાજેતરમાં પ્રસિદ્ધિ સુધી પહોંચવાનું માધ્યમ બની ગયું છે. દરેક ટીલા ટપકાવાળા સંત જ હોય એવું જરૂરી નથી અને દરેક જીન્સ પેન્ટ વાળો નાસ્તિક જ હોય એવું પણ જરૂરી નથી. માનવજાતને ધર્મ એ એક મળેલી મોટી ભેટ છે પણ આપણે તેમને વિકૃત બનાવી દીધી છે.

ધર્મનો મુખ્ય અર્થ જ છે:કર્તવ્ય. ધર્મ નો ઉદ્દેશ જ કોઈપણ વ્યક્તિ તેના કર્તવ્યનું પાલન કરતો થાય તે કરવાનું છે પણ પશ્ચાતાપ તો એ વાતનો છે કે આજે મોટા આંતકવાદી સંગઠનો ધર્મના નામે કામ કરતા થયા છે અનેક યુવાનો ધર્મને નામે પોતાનું મૃત્યુ વહોરી લે છે માણસ જો ધર્મ સાથે જોડાઈને કર્તવ્યવિમુખ થઈ જાય તો ધર્મ તો વ્યવસ્થા વિહીન કહેવાય ધર્મ કોઈ દિવસ આ સંસારને છોડીને જવાની વાત કરી જ ન શકે કારણ કે ધર્મના કેન્દ્ર સ્થાને કર્તવ્યનું નિર્વાહન છે. આપણા પુરાણોમાં અને સ્મૃતિમાં આ પ્રકારની વાત છે એ વાત સ્વીકાર્ય છે પરંતુ એ જ પુરાણો અને સ્મૃતિઓમાં સાંસારિક જીવન જીવતા જીવતા અધ્યાત્મ સુધી કેમ પહોંચાય તેની જડીબુટ્ટી પણ છે .પરંતુ ધર્મના માલિક બની બેઠેલા એ હીન પુરુષોએ ધર્મની એ બાજુ આપણને બતાવી જ નથી.

ધર્મ એટલે માનવમનની મોકળાશ.જે બીજાને હાનિ ન પહોંચાડે અને મનુષ્યની સ્વતંત્રતાને સ્પર્શ્યા વિના તેને બાંધી લેતી આચારસંહિતા. ધર્મ માણસને સ્વતંત્રતા બક્ષે છે પરંતુ આજનો ધર્મ માણસને પોતાને આધીન બનાવવા પ્રયત્નશીલ છે.ધર્મના દર્શનાર્થીઓને વાંચ્યા વિના જે લોકો પોતાને ' ધર્મ ધુરંધર' ગણાવે છે તેને પૂછવા જેવું છે કે તમે આનંદશંકર ધ્રુવને વાંચ્યા છે?તમે દર્શકનું ચિંતન સમજ્યા છો?તમે મરીઝની ગઝલોમાં છલકાતા દર્દને અનુભવ્યો છે?તમારામાં મેઘાણીના નાયકની નિર્ભયતા છે?નરસિંહ મીરાનો ધુની સ્વભાવ તમારામાં અંશમાત્ર પણ છે ખરો?જો આમાંથી એકાદ પ્રશ્નને તે સાર્થક કરી બતાવે તો તેને સંત કહેવો જોઈએ બાકી ભગવા પહેરીને ભક્તિ તો આખું ગામ કરે.ચપટી લોટની ભૂંડી ભીખ માંગવા જે બીજાને રંજડતો ફરે,પોતાનું અપમાન સહન ન કરી શકે,આત્મસમ્માન જાળવી ન શકે તેને અવધૂત કહેવો કેમ?

આપણા ધર્મના જ મહાન ચિંતકો થયા તે પછી વિવેકાનંદ હોય દયાનંદ સરસ્વતી હોય પાંડુરંગ શાસ્ત્રી હોય તે બધાનું જે દર્શન હતું તેનો અંશમાત્ર પણ આજે દેખાતું નથી તે બધાના મતે ધર્મ એટલે માનવીના કલ્યાણ માટે જ માનવીય ઊભી કરેલી વ્યવસ્થા અને એ વાતને પોતાના જીવન થકી તેમણે સાર્થક કરી છે જેવી રીતે યુરોપમાં ધર્મસુધારણા બાદ ખ્રિસ્તી ધર્મના પોપનું સામ્રાજ્ય ગયું તેમ આપણા દેશમાં પણ આવી જ એક ધર્મ સુધારણાની જરૂર છે પણ હા આ ધર્મ સુધારણા એ આખી પરંપરાનો નાશ નથી કરવાનો પરંતુ એ પરંપરા ઉપર જે આડંબરની ધૂળ છે તેને સાફ કરવાની છે આપણો ધર્મ એ તો સંત જ્ઞાનેશ્વર ને વલ્લભાચાર્યની ભેટ છે આપણા ધર્મ તે તો આર્ય ધર્મ છે. જે ધર્મમાં વિશ્વને માર્ગદર્શન આપવાનું સામર્થ્ય હોય તે ધર્મને આવી રીતે મલિન થતો જોવો એ આપણી કાયરતા નથી તો બીજું શું છે?ધર્મનો મુખ્ય સંદેશ આ જ હોઈ શકે:-

*"जाती पाति पूछे ना कोई,हरि को भजे सो हरि का होई।"*
- *स्वामी रामानंद*