Sohamani sanjnu moun rudan books and stories free download online pdf in Gujarati

સોહામણી સાંજનું મૌન રુદન

' સોહામણી સાંજનું મૌન રુદન '
🍁🍂🍁🍂🍁🍂🍁
વિધવા , ત્યકતા કે પછી ઘરથી વિખુટા પડેલા લોકો જેમકે મહિલા , પુરુષ કે પછી અનાથ બાળકો માટે એક સુંદર મજાનો આશ્રમ હતો .
જ્યાં ભક્તિમય અને સંસ્કારી વાતાવરણ ,
શાંત , સ્વચ્છ અને મનને ભાવી જાય એવું વાતાવરણ ,
ચારે બાજુથી આવી રહેલી કેસૂડાંના ફૂલોની મધમાતી સુગંધ ... અને આશ્રમમાં આવેલા મંદિરમાંથી ફેલાય રહેલી ધૂપની સુગંધ ,
ચારે તરફ વાતાવરણ એકદમ પવિત્ર બની રહ્યું હતું ,

આ આશ્રમમાં એક નાનકડું હોસ્પિટલ પણ હતું . આશ્રમમાં રહેતા લોકોની સારવાર ત્યાં ફ્રી માં જ થતી .

સિંદૂરીયા કલરની સાડી અને સંધ્યાની સિંદૂરી સાંજને સજાવતી હોય એ રીતે ' આરતી ' સંધ્યાના સમયે આશ્રમના ઓટલે નિરાંતની પળોમાં બેઠી હતી .


આશ્રમમાં રહેલા મંદિરનો ઘંટ વાગતા જ આરતીની નજર સહજ એ શખ્સ ઉપર ગઈ ....
પોતાની ગરદનને આડીઅવળી કરી જોયા કર્યું , આમને તો અહીં પહેલી વાર જોયા ...
ખેર હશે , જે પણ હોય એ પણ મારી જેમ દુખિયારા હશે એટલે આજે અચાનક આવી ચડ્યા લાગે છે . એમના વસ્ત્રો ઉપરથી લાગતું હતું કે એમણે પણ આ આશ્રમમાં રહેવાનો નિર્ધાર કર્યો લાગે છે .

જીવનની વીતી ગયેલી નાની-મોટી , ખાટી-મીઠી ક્ષણો સંધ્યાના સમયે જ હળવી ટકોર કરે છે અને હૈયું ભીનું ભીનું કરી નાખે છે ,
આપણા મગજમાં ઉબડ-ખાબડ , આડા અવળા , ઉપરનીચે પડેલા વિચારો પાણીના પુરની માફક ધસી આવે છે .
વિચારોમાં ખોવાયેલા લોકોના ચહેરા પર ક્યાંક આંસુ તો ક્યાંક હોઠો પર હાસ્ય રેલાય છે ....

હર એકની જુદી જુદી છે જિંદગીની બાજી , કોઈ જીવે છે ને કોઈ જીવાડી જાય છે

કોઈની સાથે માણેલી સુખદ ક્ષણો એમની યાદમાં ક્યાંક આસું રુપે નીકળે છે
અને ક્યાંક....
જીવનભર સંગ્રહ કરેલી પીડાનો અનુભવ હાસ્યરૂપે વેરાય છે ,

આરતી પણ આજે નવરી બેઠી હોવાથી પોતાના ભૂતકાળને વખોડી રહી હતી ....
એ ભૂતકાળથી ભાગવા માંગતી હતી ..
પરંતુ આજે કોને ખબર ફરી ફરીને એને જૂની વાતો જ યાદ આવ્યા કરતી હતી .
આરતીને આ આશ્રમમાં આવ્યાને વર્ષો થઈ ગયા હતા ...

આજે આશ્રમની અમુક બહેનો પ્રવાસમાં ગઈ હતી . આરતીની તબિયત આજે નાજુક હોવાથી એ આશ્રમમાં જ રહી . અને સાંજના સમયે પોતાના રૂમની બહાર આવેલ ઓટલા પર આવીને બેઠી હતી . આરતીનો રૂમ બરોબર મંદિરની બાજુમાં જ હતો .

આશ્રમમાં રહેલા મંદિરનો ઘંટ ફરી વાગતા આરતીનું ધ્યાન ફરી એ જ દીશા તરફ દોરાયું ...
ઘંટનો ધીમો પડતા નાદે આરતીની એ ક્ષણોને હલાવી દીધી ...
આરતી અને ઘંટ વગાડી રહેલા એ પુરુષની તરફ નજર જતા જ આરતી ખળભળી ઉઠી ....
તન્મય......????? ,

આરતી એકદમથી ઉઠીને પોતાના રૂમમાં દોડી ગઈ ....
એ સમયે મંદિરમાં ધીમી લયમાં એક ગીત રણકી રહ્યું હતું ....

' કર્મણ્યેવાધિકા રસ્તે માઁ ફલેશું કદાચન....'

રૂમમાં આવેલી આરતીએ બારીના સળિયા એકદમ જકડીને પકડી લીધા . આ તન્મય ન હોય શકે...
કોઈ બીજું ....????
ના પણ મારી આંખો ધોખો ન ખાય..
દરવાજાની તિરાડમાંથી એણે ફરીથી એ વ્યક્તિને જોઈ લીધું ....
' હા...... , એ તન્મય જ હતો .... '

આરતીના વિચારોનું વંટોળીયું ગુલાટી ખાતા ખાતા જુવાનીમાં જઇ પડ્યું....
🍁🍁🍁🍁🍁
આરતીની આજની સાંજે એને અતીતના દરિયામાં ધકેલી દીધી ,
🍁🍁🍁🍁

લાલ લિબાસમાં સજેલી આરતી , પરણ્યાની લાલ ચૂંદડી , ગળામાં સજાવેલા સોનાના દાગીના , કપાળ પર લાલ ચમકતો મોટો ચાંદલો ...
અને બાજુમાં જોધપુરી શૂટમાં સજેલો પોતાનો વરરાજો તન્મય ....

ચારે તરફ ખુશી ભર્યું વાતાવરણ , હર્ષોઉલ્લાસ સાથે લગ્ન પતાવી બધાજ ઘરના આંગણે વરઘોડિયા સાથે ઉભા હતા .

અક્ષત ચોખાથી ભરેલ તાંબાના લોટાને હળવેથી ઠેસ મારી આરતીએ તન્મયની નવવધૂ બની આ ઘરમાં ગૃહપ્રવેશ કર્યો ...

આરતીએ પોતે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા . પિતાના ઘરની જાહોજલાલીને ઠોકર મારી એ તન્મય સાથે રાતોરાત નીકળી ગઈ હતી . ઘરમાં રહેલી રોકડ રકમ , દાગીના બધું જ એક મોટી બેગમાં ભરીને ભાગી નીકળી હતી .......

તન્મય એટલે આરતીના પપ્પાના હાથ નીચે ઓફિસમાં સામાન્ય કલાર્કની પોસ્ટ ઉપર કાર્યરત હતો .

તન્મયની નજર હંમેશા એના પિતાની ખુરશી પર રહેતી ... મનમાં ને મનમાં બળીને રાખ થઈ જતો ...
અને વિચારતો આ માણસની પૂરેપૂરી પ્રોપર્ટી મારે નામ થઈ જાય ને તો ગંગે નાહ્યા ....

ત્યાં જ એકદિવસ એની નજર આરતી ઉપર પડી . આરતી કોઈને કોઈ કારણસર પપ્પાની ઑફિસે આવતી જતી રહેતી . તન્મયને આરતીના પપ્પાની પ્રોપર્ટી સુધી પહોંચવાની નિસરણી મળી ગઈ .

તન્મયે ધીરે ધીરે આરતી સાથેના સંપર્ક વધે એ રીતે પોતાના વ્યવહારમાં શાલીનતા લાવી સરની ચાપલુસી કર્યા કરવાનું શરૂ કર્યું . એમાં પણ આરતી આવી હોય ત્યારે તો ખાસ જતો ...

તન્મયની વાત કરવાની લયબદ્ધ રીત , એનો મંત્રમુગ્ધ કરી દે એવો અવાજ , કપડા પહેરવાની ઢબ , ....
આરતી પોતાના પપ્પાની બાજુની ચેર પર બેઠી બેઠી તન્મયને જ જોયા કરતી .

તન્મય પણ એક મીઠી લોભામણી નજર નાખી આરતીને જોઈ જ લેતો ...

ધીરે ધીરે બંને વચ્ચે હાય , હેલો શરૂ થયું .... બંનેએ પોતાના મોબાઈલ નંબર લઈ લીધા .....
બંને વચ્ચે પ્રેમનો એક નકલી દ્રષ્ટિકોણ તૈયાર થઈ રહ્યો હતો...
હા , પણ આરતી તો પુરા દિલથી તન્મયને ચાહવા લાગી હતી . અને એમાં પણ જુવાની અને પહેલી નજરનો પ્રેમ....
પ્રેમમાં કાંઈ પારખા થોડી હોય ત્યાંતો અતૂટ વિશ્વાસ હોય....જીવનભર સંગાથે જીવી જવાના વચનો...

આરતીના પરિવારમાં એના પિતા સિવાય કોઈ હતું નહીં ... એનું બાળપણ માઁ ના પ્રેમથી વંચિત હતું . પિતા હંમેશા એના કામમાં બિઝી...
એટલે કોઈની રોકટોક પણ નહીં ...
હા , પણ સારા સંસ્કારોથી પરિપૂર્ણ હતી .

તન્મય અને આરતીના પ્રેમની દિશા ચારે કોર મહેકવા લાગી ... પિકચર , શોપિંગ , રેસ્ટોરેન્ટ , બગીચા.....
બધે જ ફરી લીધું ...

આરતીના પિતાને આ વાતની જાણ થતાં જ એણે આરતીને સમજાવીને કહ્યું , ' દીકરા તન્મયને હું ઓફિસમાંથી કાઢી શકતો નથી .પણ એના ચાલ-ચલન મને ખાસ જામતા નથી . જે પણ પગલું ભરે એ જોઈ વિચારીને ભરજે ....
વધારે તો તને શું કહું ....
હા , તારી માઁ હોતતો તને સરખી રીતે સમજાવી સકત '

પપ્પાની વાતને વચ્ચેથી જ રોકતા આરતી બોલી ' પપ્પા તમે નાહક ડરો છો , એવું કશું નથી , તન્મય ખૂબ સારો છોકરો છે ....
અને એના પિતાનો પણ ખૂબ સારો બિઝનેસ છે , પરંતુ તન્મયને પોતાની મહેનતથી આગળ વધવું છે . એટલે એણે પોતાના પિતાને પણ બિઝનેસમાં સાથ આપવાની ના પાડી દીધી....

એ....પછીના અમુક દિવસો દરમ્યાન આરતીના પિતાના ચહેરા પર હંમેશા ચિંતા રહેતી ...પોતાના કામમાં પણ સરખું ધ્યાન આપી સકતા નહીં...
આરતીની ચિંતા એમના મનને કોરી ખાતી હતી . એમણે આરતીને અલગ અલગ રીતે ઘણું સમજાવ્યું પણ એ બાબતમાં એ નિષ્ફળ રહ્યા , દીકરી પ્રત્યે બાપનો પ્રેમ અતૂટ હતું . એટલે જેટલું કહી શકાય એટલું કહેતા .

એ દિવસે રવિવાર હતો . આરતીના પિતાએ સઘળી હિંમત ભેગી કરી આરતીને કહી દીધું . દીકરા ખરાબ ના લગાડીશ પરંતુ હું તન્મયને આપણી ઓફિસમાંથી કાઢું છું . ,
તું મહેરબાની કરી તન્મયને ભૂલી જા એમાં જ તારી ભલાઈ છે . એના વિશે મને ઘણી ખરાબ વાતો સાંભળવા મળી છે...
........પણ ...કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે ...' ,
પિતાની સમક્ષ પોતે માની ગઈ હોય એવું વર્તન કર્યું ....,
પરંતુ એ જ દિવસની રાતે તન્મય સાથે ઘરમાંથી રોકડ રકમ અને દાગીના લઈને ભાગી નીકળી ... એના માતા-પિતા અને ફ્રેન્ડ સર્કલ બધા જ હાજર હતા . અને વ્હેલી સવારના મંદિરમાં જઈને લગ્ન કરી લીધા ...
આરતી અને તન્મય હવે નવપરિણિત યુગલ બની ચુક્યા હતા .

તન્મયનો બંગલૉ અને જાહોજલાલી જોઈને આરતી તો પાગલ બની ગઈ , આટલો બધો પૈસો.... નોકર-ચાકર ....
તન્મયના ભાઈ-બહેનોનું પૂરું ટોળું આરતીને એના સુહાગરાતના રૂમ સુધી મૂકી ગયું ....
મનમોહક અત્તરની અને પરફ્યુમની સુગંધથી પૂરો રૂમ મહેકી રહ્યો હતો . લાલગુલાબના ફૂલોથી સજેલો બેડ....
બાજુના ટેબલ પર પડેલા દૂધથી ભરેલા ગ્લાસ ....
આરતીનું રોમરોમ નાચી ઉઠ્યું ...,
શરીરમાં એક ધ્રુજારી સાથે ડબલબેડમાં પથરાયેલા નાજુક ફૂલોની શૈયા પર બિરાજમાન થઈ . ઘૂંઘટની અંદર રહેલી પોતાની નમણી આંખોથી રૂમના પુરા સૌંદર્યને નીરખી રહી હતી .
અને મનમાં જ પોતાના પિતાને દોષ દેતા બોલી ... ' પપ્પા પણ નાહકની ચિંતા કરતા હતા... તન્મયના માતા-પિતા અને સગા સબંધી બધા જ કેટલા સરળ છે અને મને તો સોનાના દાગીનાથી જાણે .... નવરાવી જ દીધી હતી...

આરતીને પોતાના વિચારોમાં ભાન પણ ના રહ્યું .. ... ખાસ્સો અડધી કલાક જેવો સમય થઈ ગયો ... ,
હજુ સુધી તન્મય કેમ ન આવ્યો .? આરતી ઉભી થઈને રૂમની અંદર આવેલી બારીમાંથી નજર કરી ...
તન્મય પોતાના મિત્ર સાથે વાર્તાલાપ કરી રહ્યો હોય એવું લાગ્યું . અને નાનકડી એવી બ્રિફકેસ એના મિત્રના હાથમાં આપતો દેખાયો ...
વાતાવરણ એકદમ શાંત હોવાથી આરતીના કાનમાં તન્મયના બોલાયેલા શબ્દો અથડાયા ' આ બ્રિફકેસમાં જે રકમ છે એ બધા જ સરખે ભાગે વહેંચી લેજો...
પળભર માટે આરતીના ચહેરા પર અભિમાન આવી ગયું . અને મનમાં ને મનમાં બોલી
' તન્મય કેટલો દિલદાર છે. ,
પુરી બ્રિફકેસ ભરીને કોઈને રોકડ રકમ આપી , કોઈ જરૂરતમંદ લોકોને મદદ કરતો હશે . ,
.....' હવે ઉપર આવશે જ એવું વિચારી ફરી પોતાના બેડ પર આવીને બેસી ગઈ...

તન્મયની સાથે એકસાથે મોટું ટોળું જોઈને આરતી અચંભીત બની ગઈ . યુવક યુવતીઓનું ટોળું..???
અને એ પણ પુરા સેક્સી અંદાજમાં ....
આરતીએ એક એક ચહેરા ધ્યાનથી જોયા ...આ એ જ ચહેરા હતા જે લગ્ન વખતે સાડીઓમાં સજેલા અને શૂટબુટમાં સજ્જ યુવક યુવતીઓ....

આરતીને લાગ્યું આ તો તન્મયનો કોઈ નવો અંદાજ લાગે છે...
' આરતીએ હસ્તા હસ્તા તન્મયને પૂછ્યું , ' આ શું નવું છે તન્મય ? '

' તન્મય પોતાના ચહેરા પર લુખ્ખું હાસ્ય વેરતા બોલ્યો , ' આરતી દેવી આ નવું કાંઈ જ નથી , આજ તો મારી જિંદગી છે સમજી ?
અને બાજુમાં ઉભેલી એક યુવતીના શરીર પર હાથ ફેરવી અને એના હોઠો પર ચુંબન કરતા કરતા એણે આરતીની સામે લાલગુલાબનું ફૂલ ફેંક્યું ....
આરતીની દશા તો કાપો તોય લોહી ન નીકળે એવી થઈ ગઈ.... ,
પોતાના માથે આભ તૂટી પડ્યું.... ,
સમસમીને બેસી ગઈ , ગુસ્સામાં પૂરો ચહેરો લાલઘૂમ થઈ ગયો ....

તન્મય પુરા વટથી બધાની સાથે રૂમની બહાર નીકળી ગયો અને દરવાજો બહારથી બંધ કરી દીધો ...

આરતી દોડીને બારીમાંથી તન્મયને બૂમ પાડી ... અને બોલી ....
તન્મય ... 'આ શું છે બધુ ? ,
' તું શુ કરે છે તને કંઈ ખબર છે ? ,

તન્મય બારીની બહારથી જવાબ આપતા બોલ્યો , ' આરતીદેવી મને બધી જ ખબર છે કે હું શું કરી રહ્યો છું . , લગ્નમાં જેટલા પણ પાત્રો હતા એ બધા જ નકલી હતા . મારા માઁ-બાપ , ભાઈ- બેન ....
જો જરાક ધ્યાનથી આ ટોળામાં એ ચહેરા નજર આવે છે .... ???
અરે રે રે , પણ તું તો સાવ ભોળી , નાદાન જ રહી ...
તારા પિતાની સંપૂર્ણ પ્રોપર્ટી પણ હવે મારી જ છે...
આ બધી જ જાહોજલાલી જે તને દેખાય રહી છે .... એ બધી મેં ધીરે ધીરે રહીને તારા પૂજ્ય પિતાશ્રી થી જ પચાવેલી છે .
અને છેલ્લે એટલું જ કહું કે તારા પિતાની પુરી મિલ્કત મારા નામે થઈ ગઈ છે સમજી ? ,
.....અને હા, તારા પિતાતો જિંદગી અને મૌત વચ્ચે લડતા હશે ...
એમને ઓફીસમાં બેઠા બેઠા જ જબરો એટેક આવી ગયો....
અને હવે આ દરવાજો મારી રજા સિવાય કોઈ નહીં ખોલે સમજી .... બાય-બાય....
અને લુચ્ચું રાક્ષસી અટહાસ્ય વેરતો વેરતો પોતાના ટોળા સાથે રવાના થઈ ગયો....
આરતીને પૂરો રૂમ ગોળગોળ ફરતો લાગ્યો .....
આરતીના ચહેરા પર જુવાનીનું જે ઝનૂન સવાર હતું . એ પળભરમાં બળીને રાખ થઈ ગયું ...
પપ્પાએ કેટલી વાર ટોકી હતી .
પણ નહીં.... એમની વાતને એક ફૂંક મારીને ઉડાડી દેતી....
આરતીનું શરીર અને મન પૂરેપૂરું સળગી રહ્યું હતું . ,
આટલા મોટા બંગલોમાં કોઈ એટલે કોઈની અવાજ આવતી નહોતી , ચારે તરફ સન્નાટો છવાયેલો હતો ....
ન કોઈ ફોન કે બીજી કોઈ બારી જ્યાંથી કોઈને બોલાવી શકે ...
નિઢાલ બની બેસી રહેવા સિવાય કોઈ ઉપાય જ નહોતો....

થાકના કારણે ક્યારે નિંદર આવી ગઈ ખબર જ ના પડી વ્હેલી સવારે આંખ ખુલતા જ એણે ફરી બારીની બહાર નજર કરી ... કોઈ નજર આવે તો...
પૂરો દિવસ પોતાની જાતને કોસતી રહી ... પોતાને પોતાના આરતી નામથી જ નફરત થઈ ગઈ...
સાચા પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો...
' પ્રેમમાં પણ આવી રમત રમાતી હશે ? '
પુરુષો આવા રાક્ષસી હોતા હશે ?

પણ.....ના... એના પિતા...એ તો એક અનોખું વ્યક્તિત્વ જ હતું ...
એમની ઈમાનદારી , કાબેલિયત અને પુરા સંઘર્ષમય જીવન પછી એમણે આ મુકામ હાંસીલ કર્યો હતો .
અને આટલા ઈમાનદાર અને સેવાભાવી મનુષ્યની આવી અવદશા ? ,
હવે તો મને ઈશ્વર ઉપર પણ ભરોસો રહ્યો નથી ....
મારી જિંદગી પણ અહીં જ પુરી થઈ ગઈ કે શું ????

પણ અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો તો કાઢવો જ પડશે ...
બપોરના બાર વાગ્યા આસપાસ
ઘમ્મરઘેર ઘાઘરો પહેરેલી , પહોળા પહોળા ડગલા ભરતી કોઈ બાઈ પોતાના રૂમ તરફ આવતી દેખાય....
એણે ધીરેથી રૂમનો દરવાજો ખોલી પ્લાસ્ટિકની થેલી નાખીને તુરંત દરવાજો બંધ કરી દીધો...
અને બારીમાંથી બોલી ... ' આ થેલીમાં તારી માટે નાસ્તો મોકલ્યો છે ચૂપચાપ ખાઈ લે જે....
હવે પછી સીધુ કાલે સવારે આ ટાઈમે મળશે સમજી ???

પોતાના લાંબા ડગલા ભરતી ફરી એ બાઈ ભૂતની જેમ પલાયન થઈ ગઈ...

' આરતીએ જોયું એક સાવ નાનકડી બોટલમાં પાણી અને બાજરાનો સુખો રોટલો...એની સિવાય ત્રીજી કોઈ વસ્તુ નહીં.. '
પાણીની તરસના હિસાબે પાણી ગટગટાવી ગઈ...પણ આવો સુખો રોટલો કોણ ખાય..?
એક રાતમાં આરતીની હાલત કેટલી ખરાબ થઈ ગઈ...
રડી રડીને સુજેલી આંખો...કપાળમાં વિખરાયેલું કંકુ...
બે-ત્રણ દિવસતો માંડ સહન થયું ...
ચોથે દિવસે વિચાર્યું એ બાઈ થોડો દરવાજો ખોલે ત્યારે જ કૈક કરવું પડશે....
સવારનો ફરી એ જ બાર વાગ્યાનો સમય અને એ બાઈ લાંબા ડગલાં ભરતી પોતાના રૂમ તરફ આવી રહી હતી.
એ સમયે આરતી બરોબર દરવાજા પાસે જ ઉભી રહી ... અને જેવો પેલી બાઈનો હાથ અંદર આવ્યો એટલે આરતી પૂરું જોર લગાડી એનો હાથ ખેંચી રાખ્યો .. અને દરવાજાને જોર જોરથી દબાવે રાખ્યો.
પેલી બાઈ ચીસાચીસ કરવા માંડે એ પહેલાં આરતીએ પુરા જોશથી એને અંદર ઢસડી લીધી . અને મોઢા પર એક કપડું બાંધી બહારથી દરવાજો બંધ કરીને બંગલોની બહાર ભાગી છૂટી....
ચાર દિવસથી ભૂખી , તરસી હોવાના કારણે શરીર પૂરું સાથ આપશે કે કેમ ?
હિંમત કરીને ભાગતી રહી... ,
આગળ એક હાઇવે હતો. ત્યાં જઈ પહોંચી... ભરી બપોરનો તડકો અને ભૂખ તરસને કારણે આરતીને ચક્કર આવતા રોડ પર ઢળી પડી...

થોડા કલાકો બાદ આરતીની આંખો ખુલતા જ એ સ્વચ્છ , સુંદર બેડ પર સુઈ રહી હતી ,
અચાનક પોતાને અજાણી જગ્યાએ જોતા જ એ સફાળી બેઠી થઈ ગઈ ,
એના બેડની સામે પડેલી ખુરશી પર એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી એક મહિલા બેઠી હતી .

એ મહિલાએ પોતાનો પરિચય આપતા કહ્યું .... ' સૌ પ્રથમ તો એ જ કે તારા મનમાં રહેલા ડરને કાઢી દે...અને આ લે ઠંડુ પાણી પી લે....
તું જરાય ગભરાઈશ નહીં , હું આ આશ્રમની માલિક છું. અહીં તારા જેવા અનેક લોકો આવે છે . હું મારી કારમાં આવી રહી હતી ત્યાં તને રસ્તામાં પડેલી જોઈ . એટલે બે માણસોની મદદથી તને કારમાં બેસાડી અહીં લાવી છુ .
તારું કોઈ ઘર હોય પિયર કે સાસરું અને તારે ત્યાં જવું હોયતો જઇ શકે છે ....

પિયર શબ્દ સાંભળતા જ આરતી રડી પડી ... અને પોતાની પુરી દાસ્તાન એ મહિલાને કહી સંભળાવી....
પેલી મહિલાએ એની વાત પૂરી ધ્યાનથી સાંભળી એ પછી રસોયઘરના બહેનને કહી ગરમાગરમ જમવાનું મંગાવ્યું ...
આરતીએ પુરા સંતોષથી જમ્યું ...
અને પછી એ મહિલાને વિનંતી કરતા બોલી..... ' તમને વાંધો ન હોયતો હું તમારા આશ્રમમાં રહી સકુ ..?

એ મહિલા જવાબ આપતા બોલી ..
' પેલી વાત તો એ કે મારું નામ સાધના છે . અને મને તમે કરતા તું કહીશ તો પણ ચાલશે .
આ આશ્રમ એવા લોકો માટે જ છે . અને અહીં વિશાળ જગ્યા છે ઘણા બધા રૂમોની સગવડ છે .
આ મારું એકલી નો નહીં આપણા બધાનો આશ્રમ છે સમજી ...
ચાલ હવે તને તારો રૂમ દેખાડી દવ...,
ત્યાં જઈને એકદમ તાજીમાજી થઈ જા ...

નર્ક જેવી જગ્યાએ કાઢેલા એ ચાર દિવસ યાદ આવતા જ પુરી કાંપી ઉઠી . પણ આ આશ્રમનું વાતાવરણ તો જો....એકદમ પવિત્ર...શુદ્ધ અને સોહામણું....
કોયલનો મીઠો ટહુકાર...અ... હા હા...

ધીરે ધીરે આશ્રમમાં રહેતા લોકોથી ઓળખાણ થતી ગઈ. ...અને નવું નવું શીખતી રહી ...લોકોનો વાત્સલ્યપૂર્ણ વ્યવહાર , લાગણી બધુ જ ગમી જાય એવું હતું ....

આ આશ્રમમાં આટલા વર્ષો ક્યાં પસાર થઈ ગયા ખબર જ ના રહી ...
.........🍁🍁🍁🍁🍁🍁🍁

અને આજે આટલા વરસે ભૂતકાળ ફરી સામે આવીને ઉભો રહ્યો ...
આરતીને એ વાતની શાંતિ હતી કે
પુરુષોનો વિભાગ અલગ જ હતો . ,

બધાની વાતચીત ઉપરથી ખબર પડી કે કાલે જે ભાઈ આવ્યા છે એમની પુરી પ્રોપર્ટી કોઈ છળકપટ કરીને લૂંટી ગયું . અને હવે એ ભાઈ ઘરબાર વગરના થઈ ગયા છે . રોડની પેલે પાર કોઈ પાનના ગલ્લા વાળાએ એમને અહીં આવવાનો માર્ગ ચીંધ્યો .
ખરા છે માણસો કોઈની પ્રોપર્ટી આવી રીતે લૂંટાઈ...!!!
આરતી બેઠી બેઠી ચૂપચાપ આ બધુ સાંભળી રહી હતી ...

આ આશ્રમમાં આવ્યાને આટલા વર્ષો થયા પણ આરતી કોઈદિવસ મંદિરના પગથિયાં ચડી નહોતી .
આજે એને મંદિરમાં જવાની ઈચ્છા થઈ ગઈ ... ફૂલોના હાર બનાવતી બનાવતી વચ્ચેથી ઉભી થઈને મંદિર તરફ ડગલાં ભર્યા ...ઇશ્વરે કરેલા ન્યાયથી એ ખૂબ રાજી હતી ...
મંદિરના પગથિયાં ચડતી જ હતી ત્યાં આશ્રમની હોસ્પિટલમાં કામ કરતી નર્સે અવાજ દીધો ...

આરતીબેન જલ્દી આવોને પ્લીઝ ,
આ પેશન્ટને લોહીની ઉલ્ટીઓ થાય છે ....
તમે જરા ધ્યાન રાખો ને હું ઝડપથી ડો.ને બોલાવીને આવું.... ડો . બીજા રૂમની વિઝીટ પર ગયા છે .
આરતી મંદિરના પગથિયેથી દોડીને રૂમ તરફ આવી ..
એમનો ઝભ્ભો લોહીથી ભરાય ગયો હતો . આરતી એમના ખભે હાથ મુકતા પીઠમાં હળવે હળવે હાથ ફેરવવા લાગી . અચાનક કોઈનો હાથ પોતાની પીઠ ઉપર આવતા એ ભાઈનું ધ્યાન આરતી તરફ ગયું ...

આરતી સાથે એ ભાઈની નજર મળતા જ એ ભાઈ આંખો ફાડીને જોતા રહ્યા ... , '
એ કંઈપણ બોલી શકવાની સ્થિતિમાં નહોતા....
આરતીતીતી....
મહા મુશ્કેલીથી પોતાનો હાથ ઉપર કરી પોતાના કાન આગળ લઈ ગયો અને નાના છોકરાની માફક આંખોથી માફી માંગતો રહ્યો ..અને પશ્ચાત્તાપના આંસુઓથી ભરેલી આંખો...
અને ..... બસ ..એ જ સમયે આરતીના ખભે જ માથું ઢાળી દીધું....
....હા....એ તન્મય હતો....

આશ્રમના મંદિરમાં વાગી રહેલા ઘંટના નાદમાં આટલા વર્ષોનું ભેગું થયેલું આરતીનું હૈયાફાટ રુદન ક્યાંય દબાઈ ગયું હતું....
🍁🍁🍁🍁🍁🍁🍁
લેખક મિત્રો વાર્તામાં મારી કોઈ ભૂલ હોયતો આપનો પ્રતિભાવ સ્વીકાર્ય છે .
🙏 જય હાટકેશ 🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED