FREGRANCE books and stories free download online pdf in Gujarati

સુગંધી.....વાર્તા.. 


સુગંધી.....વાર્તા.. દિનેશ પરમાર' નજર '
----------------------------------------------------------
ઈત્રસે કપડોકો મહકાંના બડી બાત નહીં
મજા તો તબ હૈ જબ ખુશ્બુ તેરે કિરદાર સે આયે
- ગાલીબ
----------------------------------------------------------
છેલ્લા પાંત્રીસ વર્ષથી, વર્ષો જુના સિલાઈ મશિન પર જુના કપડાંને, સાંધવાંનું કામ કરતા મોહનલાલને લાગ્યું કે કોઈ વ્યક્તિ બાજુમાં આવી ઉભી છે.
મશિન ચલાવતા ચલાવતા જ ઉપર જોયું. "અરે! રમણીક તુ? રાજકોટથી ક્યારે આવ્યો?"
રમણીક હજુ કાંઇ આગળ બોલે તે પહેલાં "અને તું ઉભો કેમ છે?" પછી મશિન ચાલુ રાખી આંખથી ઈશારો કરી બાજુમાં ઈંટો ત્થા પોલીશ પથ્થરથી બનાવેલી બેઠક તરફ રોજની જેમ બેસવા કહ્યું.
રમણીક ને મોહનની મિત્રતા લગભગ ત્રીસ વર્ષ જુની. એટલા વર્ષોથી રમણીક સવારે સાડા નવ વાગ્યે અને સાંજે પાંચ વાગ્યે અચુક આવે. મોહન સામેના ભાગે ચા ની કીટલી વાળા ગોરધનને બુમ પાડી સવાર સાંજ ચા મંગાવે. મોહનલાલની આવક ખુબજ મર્યાદિત, તો પણ ચા કે ક્યારેક નાસ્તો મંગાવે તો પણ તેના પૈસા આપવા ગમે તેટલો પ્રયત્ન રમણીકલાલ કરે પણ મોહન જેનુ નામ પૈસા ના આપવા દે તે નાજ આપવા દે.
શહેરમાં વારે વારે થતાં હુલ્લડો થી કંટાળી પોળનું ભાડાનું મકાન છોડી સોલા હાઉસીંગ ખાતે રૂમ - રસોડાના મકાનમાં વર્ષો પહેલાં મોહનના પિતાજી રહેવા આવી ગયેલા.
એ નાનકડા મકાનમાં મોહન, તેના દાદા,તેના બા - બાપુજી ને નાની બહેન લલિતા રહેતા. મોહન ત્યારે ધોરણ આઠમાં ને લલિતાએ છઠ્ઠામાં મીરાંમ્બીંકા સ્કુલ માં પ્રવેશ લીધેલો.
કાળક્રમે મોહન અઢાર વર્ષનો થતાં જ , તેના પિતાને, સુરેન્દ્રનગરના તેના મામાએ બતાવેલી વાત મનમાં બેસી જતા તેમના સમાજનાજ ગિરિધરલાલની દીકરી રમા સાથે સંબંધ ગોઠવી, બીજાજ વર્ષે પરણાંવી દીધો. સામે લલિતાને પણ અમદાવાદમાં સારું સગુ મળતા ઠેકાણે પાડી.
લગ્નજીવન થી મોહનને પ્રથમ દીકરો અને પછી દીકરી નું સુખ પ્રાપ્ત થયું હતું. દીકરા મનિષ અને દીકરી સુગંધી ને પણ મીરાંબિંકા સ્કુલમાં ભણવા મૂક્યા હતા.પપ્પા ની પરિસ્થિતિ બન્નેએ જોયેલી તેથી તેઓ ભણવામાં ખુબ જ મહેનત કરતા.
બોર્ડમાં બન્ને સારા ટકાથી પાસ થતા, મનીષની ઇચ્છાનુસાર આઈ. ટી. માં અને સુગંધી ને ફાર્મામાં એડમિશન લેવા દીધેલું.
જરુર પડે તેનો દોસ્ત રમણીક મદદ કરતો. જે ઝાડ નીચે સિલાઈ મશિન ચલાવી ઈમાનદારીથી આખી જિંદગી પસાર કરી તેને આમ મદદ લેવાનો સંકોચ થતો પણ રમણીક ગુસ્સે થઈ કેહતો, " તું મને તારો દોસ્ત માને છે કે નૈ? મારી પાસે બે પૈસા છે તો મદદ કરી શકું છું. અને આમેય મારે તારા ભાભી સાથેના લગ્નજીવનથી ક્યાં કોઈ સંતાન પ્રાપ્ત થયું છે તે પૈસા કોના માટે બચાવવાના ? તારા ભાભી આ સામે ભરાતી શાક માર્કેટ માં ખરીદી કરવા રોજસાંજે આવે છે તે મને ઘરે ગયા પછી કાયમ ટોકે, "આ તમારો ભાઈબંધ તો સુદામા જેવો છે તે તેના મોઢે કાંઇ નૈ કે , પણ તમે ભાઈબંધને જરૂર હોય તો મદદ કરતા ખચકાતા નૈ "
રમણીક મોહનની સાંગોપાંગ ઈમાનદારી ને એના ભોળપણ પર ફિદા હતો. ગમે તેવી મુશ્કેલીમાં મોહન ડગ્યો નહોતો કે નહોતી પાછીપાની કરી. આજની તારીખે પણ ઘસાઈ ગયેલા કપડાં ને ચપ્પલ પહેરવામાં જરાયે નાનમ ન અનુભવતો મોહન મનીષ અને સુગંધી ને જે જોઈએ તે લાવવા કેહતો, પણ મનિષ અને સુગંધી, દાદા હયાત હતા ત્યારે તેમના સાદગીભર્યા જીવનમાંથી ત્થા આજની તારીખે પિતા મોહનમાંથી મેળવેલા સંસ્કાર, ને ઘરનીસ્થિતિ જોતાં ભણવા સિવાય કોઈ વધારાનો ખર્ચ કરતા નહતા."
ઉપર ના વિચારો માંને વિચારોમાં રમણીકે ચાહનો કપ હોઠે અડાડી ચુસ્કી લીધી.
"ઓ રમણીક!" ચા ની ચૂસ્કી લેતા લેતા રમણીકને મોહનએ બે - ત્રણ બુમ પાડી.
"હેં... શું કહ્યું?" છેલ્લી ચૂસ્કી લઈ કપ નીચે મુકતા રમણીક બોલ્યો.
"તુ ક્યાં ખોવાઈ ગયેલો?, કેટલી બુમ પાડી."
મોહનના વિચારોમાંથી બહાર આવેલો રમણીક સહેજ હસ્યો.
પછી મોહન તરફ જોતા, મોહન બોલ્યો," તુ રાજકોટ ગયેલો તે કોઈ અગત્યનુ કામ હતું?, કોઈ ટેન્શન જેવું તો નથી ને? "
" ના રે ના, સાચું કહું? હું તારા જ કામે રાજકોટ ગયેલો."
"હેં... શું વાત કરે છે? મારા કામ થી? "મોહન નો પગ કામ કરતા કરતા સિલાઇ મશિન ના પેડલ પર અટકી ગયો.
"હા, દીકરી સુગંધી નો ફાર્મસીનો અભ્યાસ પુરો થયો ને તે હવે તેવીસ વર્ષની થઈ, બરાબર? તેના સગપણની વાત હતી તે મને વાત કરવા બોલાવેલો "
મોહન વિચારમાં પડી ગયો," દીકરી મારી છે, ને મારા મિત્ર સાથે બારોબાર તેના સગપણ ની વાત? ભલે તે મારો ખાસ મિત્ર છે તે સાથે હોય તો સોનામાં સુગંધ, પણ આમછતાં મને પહેલા વાત તો કરવી જોઈએ ને! "
રમણીક મિત્રના મનને પારખી બોલ્યો "મોહન, મને તે વિચાર નહીં આવ્યો હોય? પણ તે સારી રીતે તને જાણે છે ને તે, તેના એંજિનિયર દિકરા માટે એક્દમ સિમ્પલ, દિલના સાફ ને ઈમાનદાર કુટુંબની સંસ્કારી દીકરી સાથે સંબંધ કરવા માંગે છે. "
" મોહન તું હા પાડે તો હું ફોન કરું, તેઓ રવિવારે તેમના પુત્રને લઈ આપણા ત્યાં આવવા માંગે છે. "રમણીક આગળ બોલ્યો.
મોહનએ રમણીક તરફ જોઈ કહ્યું," તું પણ સુગંધી નો કાકો જ છે ને? તે જોયું હશે તો યોગ્ય જ હશે. ભલે રવિવારે આવતા. "

***********

મોહન ઘરે પોતાની દીકરી સુગંધી ને જોવા આવેલા છોકરાને, તેની બાને, તેના મામા- મામીને, ત્થા તેના પપ્પાને હાથ જોડીને સ્વાગત કરતો જોઈ રહ્યો. છોકરાના પપ્પાને જોઈ, કાંઈક યાદ કરવાનો પ્રયત્ન કરાવા લાગ્યા ત્યાં જ તે મોહનલાલની નજીક આવી, જોડી રાખેલા બે હાથ પકડી ભાવથી બોલ્યા, " કેમ છો મોહનલાલ?"
મોહન ચમક્યો , "અરે?રામજીભાઈ તો નહીં?"
"આટલા વર્ષો પછી પણ ઓળખી ગયા એમને?"
મોહનને વર્ષો પહેલાં ની વાત યાદ આવી ગઈ.
તે ભૂતકાળમાં સરી પડ્યા.................
પાંત્રીસ વર્ષ પહેલાં, શરુશરુમાં અત્યારે જ્યાં મોહન કામ કરે છે ત્યાં તેમના બાપુજી સંચો લઈ બેસતા હતા. પણ પથારીવશ બિમાર દાદાની દવાનો ખર્ચ, સામાજિક વ્યવહારો સાચવવા થતો ખર્ચ ને ઉપરથી મકાનનું ભાડું, વીજળીબિલ, ટેક્ષ વિગેરે ને પહોંચી વળવા માટે, મોહનને એસ. એસ. સી. પછી આ જગ્યા વારસામાં સોંપી, તેમના પિતા ઘરે બીજું જુનું સિલાઈ મશિન લાવી કામ કરવા લાગ્યા.
મોહનના હસતાં ચેહરાને કારણે ત્થા મિલનસાર સ્વભાવને લીધે સરકારી વસાહત અને આજુબાજુની
સોસાયટીઓ, ને ફ્લેટમાં રહેતા લોકો કપડાના રિપેરીંગ કામ માટે મોહન પાસેજ આવતા.
એક દિવસ સવારે એક ઘટના બની...
મોહને હજુ તો આવીને મશિન ખોલ્યું જ હતુ. ત્યાં તેની બહેન લલિતા સાયકલ પર આવી, "મોટા ભાઈ, બાપુજીએ અબ ધડી તમને બોલાવ્યા છે."
મોહન ગભરાઈ ગયો અને વિચારમાં પડી ગયો, "શું થયું હશે? મારી કોઈ ભુલ થઈ હશે કે શું?"
"જા બેન, હું પાછળ જ આવું છું." કહેતા પાછળ ઝાડમાં મારેલી ખીટીમાં લટકાવેલ ખોડિયાર માંના ફોટાને પગે લાગી ધરે ગયો.
ઉંચા જીવે ઘરમાં દાખલ થતાંવેંત," બેટા મોહન, કાલે સાંજે તે મને આ લીલી થેલીમાં ચાર પેન્ટ, તેની મોરી સરખી કરવા આપેલા, તેના ગજવામાં ભારે રકમ છે. બિચારાને કામની હશે, આ તો રાતેજ રીપેર થઈ ગયા હતા, લે આ થેલી ને ભુલ્યા વિના જેની આ થેલી હોય તેને આપી દે જે." બાપુજીએ થેલી મોહન તરફ ધરી. ને જાણે કઈ ન બન્યું હોય તેમ કામ કરાવા લાગ્યા.
અજૂગતા વિચાર સાથે આવેલા મોહનનો વાત સાંભળી શ્વાસ હેઠો બેઠો.
કામની જગા પર પરત ફરી ને મોહન હજુ બેઠો જ, ને ત્યાં
હાંફળો ફાંફળો દોડતો ગઈકાલે જે લીલીથેલી આપી ગયેલો તે માણસ આવ્યો.
તે વ્યક્તિ ને તેના સ્કુટર પર પોતાની પાછળ પાછળ આવવાનું કહી ને મોહને સાયકલ ઘર તરફ મારી મુકી. પોતાના ઘરમાં બાપુજીની હાજરીમાં તે વ્યક્તિ ને કપડાંની થેલી આપતા મોહન બોલ્યો , "સાહેબ, જોઈ લો ને ગણી લો."
પેલી વ્યક્તિ હતપ્રભ થઈ ગઈ. તેનો શ્વાસ હેઠો બેઠો. આંખોમાં પાણી આવી ગયા. ફક્ત એટલું બોલ્યો, "તમને ખબર છે આમાં કેટલી મોટી રકમ છે? બાર હજાર રૂપિયા છે, ધંધા માટે વ્યાજે લાવેલા, આ પૈસા જો ના મળ્યા હોત તો મારે મરવાનો વખત આવત." પછી તેમાંથી કડકડતી પાંચસો રૂપિયાની નોટ કાઢી મોહન સામે ધરી "હું ખુશ છું લો આ બક્ષિસ. "
મોહનલાલે ધરાર ના પાડતા કહ્યું, " જે અમારી મહેનતનું ઈશ્વર આપે તેમાં અમે રાજી."
પેલો માણસ જેનું નામ રામજીભાઈ, ચૂનો કરાવ્યે જેને વર્ષો થયા હશે, તે નાનકડા ફ્લેટને એક નજર નાંખી જોઈ રહયો ને, સામે મશિન પર બેઠેલા ચાલીસી વટાવી ગયેલા પિતા, સાયકલ દોડાવી પાછળ ને પાછળ મારામાર આવેલા તેમના પુત્ર મોહન, રસોડા પાસે ઉભેલી બેન લલિતા અને મોહનના બા ત્થા નાના રૂમના ખુણામાં ખાટલામાં બીમાર મોહનના દાદા, આ બધા ચહેરા પર ના સંતોષ, ઈમાનદારી ને આવી ગરીબીભરી સ્થિતિમાં પણ તેમની ખુમારી ને જોઈ રહ્યો.પછી પાંચસો રૂપિયા ની નોટ શર્ટના ગજવામાં જુદી મુકી બહાર નીકળી ગયો.
ભુતકાળમાંથી બહાર આવેલા મોહનએ, જ્યારે દિકરી સુગંધી રસોડામાંથી ચાહ - નાસ્તો લઈ આવી ત્યારે , મેહમાન ને નાસ્તો કરવા મિત્ર રમણીક ને ઇસારો કરી જણાવ્યું.
સામાન્ય વાતચીત પછી વાત નક્કી થતાં રામજીભાઈ સુગંધી પાસે ગયા જે ખુબ ખુશ હતી ને પપ્પા મોહનલાલ પાસે ઉભી હતી તેના માથે વ્હાલથી હાથ ફેરવી, શર્ટના ગજવામાંથી સાચવી રાખેલી એજ પાંચસો રૂપિયાની નોટ કાઢી મોહન તરફ ફરી બોલ્યા, "મોહનલાલ આ એજ નોટ છે જે વર્ષો પહેલાં હું આપતો હતો ને તમે નોહતી સ્વીકારી પણ આજે તમે ના ન પાડતાં, આજે આ નોટ હું એક ખુદ્દદાર, કર્મશીલ, ને ખરાઅર્થમાં ઈમાનદાર સંસ્કારી ખાનદાનની સુગંધીને મારા ઘરની સુગંધી બનાવવા આશીર્વાદરુપે આપી રહ્યો છું."
મોહનલાલ અશ્રુભરી આંખે એજ જુની દિવાલો પર સુખડના હાર લાગેલી તેમના દાદા અને પિતાજીની તસવીરને વારાફરતી જોતા રહ્યા ને તેમનો મિત્ર રમણીક ભીની આંખે ક્યાંય સુધી મોહનની પીઠ પસવારતો રહ્યો.....

************************************
દિનેશ પરમાર 'નજર'

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED