Hu raahi tu raah mari - 35 books and stories free download online pdf in Gujarati

હું રાહી તું રાહ મારી.. - 35

હરેશભાઈને ફોન આવતા તેઓ મોરબી પાછા ફરવાની વાત કરી રહ્યા હતા.તેમણે જણાવ્યુ કે, “ તેમની બહેનની દીકરી માનસીને પણ કાલ જ ‘જલ’ આપવા માટે અમદાવાદથી મહેમાનો આવવાના છે.માટે તેમના પરિવારને ત્યાં હાજરી આપવા માટે જવું જોશે.
“ચેતન, મને શિવમ અને રાહીને મળવાની તથા તેની ‘જલવિધિ’માં સામેલ થવાની ઘણી ઈચ્છા હતી.પણ આમ અચાનક મારે ઘરે પણ પ્રસંગ આવી જશે તેની મને ખબર નહોતી.આજ મારે જવું પડશે પણ હું ચોક્કસ શિવમ અને રાહીને મળવા માટે આવીશ.હવે જલ્દીથી લગ્નની તારીખ નક્કી કરજે.”હરેશભાઈ.
“તારા ઘરનો પ્રસંગ છે માટે હું પણ કઈ કહી શકું તેમ નથી.બાકી તને આમ જવા ન દેત.”ચેતનભાઈ.
“હું પણ તો પરિવાર સાથે અહી ૨ દિવસ માટે જ આવ્યો હતો.થયું કે ‘શિવમ’ને ઘણા વર્ષો પછી જોઈશ.તેને મળીશ.પણ કોઈ વાંધો નહીં હવે હું તેને ફરી ક્યારેક મળી લઇશ. અત્યારે હવે મને રજા આપ.હું હવે નીકળું.”હરેશભાઈ.
“સારું ધ્યાન રાખજે, આવજે. ભાભી, બા તમે પણ ફરી જલ્દીથી આવજો.”ચેતનભાઈ.
********************
ખંજન રાહીને હરેશકાકા જતાં રહ્યા હોવાથી ફોન કરી ઘરે આવી જવા કહે છે.રાહી અને શિવમ તે પહેલા જ રાજકોટ નજીક આવી ગયા હોય છે.અડધી કલાકમાં તે બંને ઘરે પહોચી જાય છે.
ચેતનભાઈ અને દિવ્યાબહેનની આ રાહી સાથે પહેલી મુલાકાત હોય છે.રાહી તેઓના ચરણસ્પર્શ કરે છે.તેઓ બંને રાહીને જોઈને ખૂબ જ પ્રસન્ન થાય છે.ચેતનભાઈને શિવમ પર ‘માન’ થઈ આવે છે. રાહીને પોતાના ઘરની ‘પુત્રવધૂ’ તરીકે વિચારીને દિવ્યાબહેનના ચહેરા પર પ્રસન્નતાના ભાવ છલકાય ઉઠ્યા.
“ખૂબ સમય લગાવી દીધો આવવામાં?”દિવ્યાબહેન.
“મમ્મી રાહી મંદિરે પૂજા કરતી હતી તો વચ્ચે કેમ તેને હેરાન કરું? તેની પૂજા સમાપ્ત થઈ પછી મે તેને ત્યાં જવાનું કારણ જણાવ્યુ.તમને બધાને તો ખબર જ છે કે રાહીને કોઈ વાતની જાણ નહોતી.મે રાહીને બધી વાત જણાવી ત્યારે રાહીએ મારી સાથે લગ્ન કરવા માટે તૈયારી દર્શાવી.પણ તમે તો જાણો જ છો ને કે અત્યારની પેઢી ‘લગ્ન’ જેવી બાબતોમાં કેટલી જાગૃત છે!! અમુક ચોક્કસ બાબતો હોય છે જેમના પર લગ્નની મહોર લગાવતા પહેલા તેમના વિષે ચર્ચા કરવી સારી.પછીથી કોઈ વાત પર મનદુખ થાય તે વાત ઠીક નથી.માટે અમે થોડો સમય ચોક્કસ બાબતો વિષે ચર્ચા કરી લેવાનું યોગ્ય લાગ્યું.”શિવમ.
“હા અને આમ પણ હું અને શિવમ ખાસ મિત્રો પણ છીએ જ તો વાત કરવામાં સમય ક્યાં જતો રહ્યો તેની ખબર જ ન રહી.” રાહી.
“સારું થયું તમે બન્નેએ સાથે મળી જરૂરી વાતોની ચર્ચા કરી લીધી.ઘણી વખત બનતું હોય કે લગ્નઇચ્છુક પાત્રોને પોતાના ભવિષ્ય બાબતે ચર્ચા કોઈ સંબંધમાં બંધાતા પૂર્વે કરવી હોય પણ તેને યોગ્ય સમય અને એકલતા ન મળતા તેઓ વાત ન કરી શક્યા હોય જેમની સજા તેમને પૂરી જિંદગી ભોગવવી પડે.”જયેશભાઇ.
“પણ અહિયાં તેવું કઈ જ નથી.બંને બાળકો સમજદાર અને ધૈર્યશીલ છે.તે લોકોએ જે સમય લીધો પોતાના ભવિષ્ય અંગે ચર્ચા કરવા તે બરાબર કર્યું.”વીણાબહેન.
“રાહી-શિવમ બેટા અમે કાલ તમારી ‘જલવિધિ’ ગોઠવી છે અને બ્રાહ્મણ પાસે મુહુરત પણ જોવડાવી લીધું છે. આ અખાત્રીજનું મુહુરત તમારા બંનેના લગ્ન માટે ઘણું સારું છે તેમ તે જણાવે છે.તમને પૂછવાનું બાકી હતું.તમે તૈયાર છો?”ચેતનભાઈ.
“પપ્પા બધાની તૈયારી હોય તો અમને કોઈ વાંધો નથી.કેમ બરાબર ને રાહી?”શિવમ.
“હમ્મ..”રાહીએ શરમાયને જવાબ આપ્યો.
“ઠીક છે ચાલો બંને બાળકોની સંમતિ છે તો હવે ફટાફટ આપણે તૈયારીઓમાં લાગી જઈએ.ઘણી બધી તૈયારીઓ કરવાની છે અને સમય ખૂબ ઓછો છે.કાલ સાંજે ૪:૦૦ વાગ્યા પછીનો સમય ‘જલવિધિ’ માટે નક્કી થયો છે તો હવે અમે નિકળીએ.”ચેતનભાઈ.
“ઠીક છે.અમે પણ કાલની તૈયારીઓ જોઈ લઈએ. આવજો.” જયેશભાઇ.
“રાહી કાલ સવારે હું તને લેવા માટે આવીશ.એક-બે કલાકનો સમય કાઢી લેજે.મારે તારા માટે ખરીદી કરવી છે તો તું સાથે હોય તો વધારે યોગ્ય રહેશે.”દિવ્યાબહેન.
“ઠીક છે.”રાહી હજુ શરમાય રહી હતી.
બધા મહેમાનોને વિદાય આપી રાહીના મમ્મી-પપ્પા કાલની તૈયારીઓમાં લાગી ગયા.વિરાજ પણ તેના પપ્પાની મદદ કરવા લાગ્યો.
“મમ્મી હું કાલ શું પહેરું? અને મારે મહેંદી પણ કરવી છે તો આ બધી તૈયારીઓનું શું થશે?”રાહી.
“તું એક કામ કર.તારી પેલી મિત્ર છે ને જે વેડિંગ ડ્રેસ બનાવે છે તેને પૂછી જો તે બનાવી આપશે એક દિવસમાં?જો હા કહે તો ફુલ સ્લીવનું જ કઈક બનાવડાવી લેજે.માટે મહેંદી હથેળી સુધી જ કરાવવી પડે.”વીણાબહેન.
“વાહ,મમ્મી ખૂબ સરસ વિચાર છે.”રાહી.
*****************
રાહીને આજ ખંજનનો જન્મદિવસ હતો તે તો પોતાની ખુશીમાં ભૂલાય જ ગયું.શિવમે તેને ફોન કરીને યાદ અપાવ્યું કે આજ ખંજનનો જન્મદિવસ છે તો આજનો દિવસ તેનો ખાસ બનાવી દેવા પોતે હોટલમાં ખંજન માટે પાર્ટી રાખી છે.ઘરના બધા તો કામમાં વ્યસ્ત હશે. માટે વિરાજ અને ખંજન લઈને હોટેલ ‘વેલકમ’માં આવી જાય.
“ઓહ..સારું કર્યું શિવમ તે મને યાદ અપાવ્યું.કાલ પણ તેણે મારો એકલતામાં સાથ આપ્યો અને આજ પણ તેણે આપણી ઘણી મદદ કરી.હું તો મારી તૈયારીઓમાં આવીને વ્યસ્ત થઈ ગઈ.તેની પાસે જાઉં અને તેને અને વિરાજને તૈયાર થવા માટે કહી દઉં.”રાહી.
*******************
“રાહી ખંજનને લઈને હોટેલ પર આવી ગઈ.શિવમે ખંજનના જન્મદિવસની ભવ્ય ઉજવણી માટે ‘ગાર્ડન એરિયા’ બૂક કરાવી રાખ્યો હતો જ્યાં સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી.
“શિવમ ક્યાય દેખાતો નથી?ફોન કરું?”ખંજન.
“હું અહિયાં છું.”પાછળથી શિવમનો અવાજ આવ્યો.
“આ બધુ તે કર્યું?આટલા ઓછા સમયમાં તે આટલી બધી તૈયારીઓ કરાવી લીધી?”રાહી.
“તે તો આપણે મોરબી હતા ત્યારથી જ મે તૈયારીઓ શરૂ કરાવી દીધી હતી.મને ખબર હતી કે ઘરે જશું પછી બધા કામમાં વ્યસ્ત થઈ જશે અને ખંજન એકલો થઈ જશે.આજ તેણે આપણી આટલી મદદ કરી અને તેનો જ જન્મદિવસ આમ રૂખોસુખો જાય તે કેમ ચાલે?”શિવમ.
“અચ્છા તો આ બધુ મે તમારી મદદ કરી તેના બદલામાં કરવામાં આવી રહ્યું છે?મારે નથી જોતી પાર્ટી. મે તો બધુ મિત્રતા ખાતર કર્યું.”ખંજને ખોટો ગુસ્સો બતાવ્યો.
“તો મે પણ એક મિત્ર માટે જ આ કર્યું છે.”આમ બોલી શિવમ ખંજનના ગળે મળ્યો.
કેક કાપી બધાએ જમવાનું પૂરું કર્યું. ઠંડીનો સમય હતો.ઠંડીના સમયમાં હોટલોમાં ‘ગાર્ડન ડિનર’ કરવા આવતા લોકો માટે કોલસાઓ તપાવી એક સગડી આવતી.માટે તેઓ બેસીને તાપણું કરી શકે.સગડી આવતા ત્રણેય લોકો તેની ફરતે બેસી ગયા.
“વિરાજ કેમ ન આવ્યો?”શિવમ.
“તે કાલની તૈયારીમાં વ્યસ્ત હતો.માટે અમે બંને જ આવી શક્યા.”રાહી.
“પપ્પાએ જણાવ્યુ કે હરેશઅંકલ તેમના પરિવાર સાથે આવ્યા હતા પણ તે લોકોને જવું પડ્યું.એવું તે શું કર્યું ખંજન તે કે તે લોકો અમારા આવવા પહેલા જ નીકળી ગયા?”શિવમ.
“અરે મે કઈ નથી કર્યું.એ તો તમારે ઘરે આવવું હતું તો હેમ માં એ જ રસ્તો શોધી બતાવ્યો.તેમની દીકરીની દીકરી માનસીના લગ્નની વાત ચાલતી હતી.માનસીએ તે છોકરાને લગ્ન માટે ‘હા’ કહેતા પહેલા બંને વચ્ચે વાત કરવા એક મહિનાનો સમય માગ્યો હતો.જે બે દિવસ પહેલા પૂરો થઈ ગયો હતો.પણ માનસીના કોઈ સમાચાર નહોતા તો બા એ તેના પાકીટમાથી એક નાની ડાયરી કાઢી માનસીના નંબર લગાવી દેવા માટે કહ્યું. બા સાથે વાત કરી માનસીએ પેલા છોકરાને લગ્ન માટે ‘હા’ કહી દીધી.બસ આમ જ માનસીનું પણ તમારી જેમ જ તાત્કાલિક લગ્નનું નક્કી થઈ ગયું.”ખંજને હસતાં કહ્યું.
“ક્યાક ને ક્યાક તું અને બા બંને અમને ખૂબ મદદરૂપ થયા છો.પણ બા એ બીજું કઈ મળવા બાબતે કહ્યું છે? કેમ કે બા પાસે મારા નંબર નથી કે નથી તેની પાસે ફોન. તો તે આપણને કેમ જણાવશે?”શિવમ.
“તેમણે કીધું છે કે ૨ દિવસમાં જ તે ઘરેથી ફોન કરે એટ્લે તારે તેને મળવા તે જ મંદિરે જવાનું છે.તે મંદિરે જતાં પહેલા થોડી વારે મને ફોન કરશે.હું તને જણાવી દઇશ.”ખંજન.
“સરસ..બસ આ વખતે મને બધી ખબર પડી જ જશે અને પછી હું પપ્પા સાથે પણ બેસીને બધી વાત કરી દઇશ.હવે બસ બે જ દિવસ પછી આખી હકીકત મારી સામે આવી જશે.જે અડધી હકીકતથી હું પરેશાન છું તેના બધા જવાબ મને હવે જલ્દીથી મળવાના છે.”શિવમ.
********************
હોટલથી શિવમ પોતાના ઘરે જાય છે. રાહી અને ખંજન પોતાના ઘર બાજુ આવતા હોય છે.
“રાહી તને એક વાત કહું?”ખંજન.
“હા, કહે ને.”રાહી.
“ખબર નહીં પણ જ્યારે મોરબીની વાત આવે છે ત્યારે મને ખૂબ જ વિચિત્ર અહેસાસ થાય છે.”ખંજન.
રાહીથી જોરથી બ્રેક લાગી જાય છે.
“તને પણ તે જ અહેસાસ...ક્યાક સાચે જ તો તેવું નહીં હોય ને?”રાહી.
“તેવું ન થાય તો જ સારું.”ખંજન.
(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED