અંગત ડાયરી
============
શીર્ષક : ઍરર
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ જે નવું-સવું શીખતા હોય તેઓને વારંવાર ‘ઍરર’ નો સામનો કરવો પડતો હોય છે. અમારા સાહેબ કહેતા, "યાદ રાખજો ઍરર હંમેશા કંઇક શીખવવા માટે આવતી હોય છે. ઍરર જેને આવે એ લકી કહેવાય. બીજા શબ્દોમાં કહેવું હોય તો જેને એકેય ઍરર ન આવે એ અનલકી. બીજું એ પણ યાદ રાખજો કે એકની એક ઍરર વારંવાર ન આવવી જોઈએ નહિંતર એ લકી-અનલકીને બદલે અણસમજુ વધુ કહેવાય. રોજેરોજ નવી-નવી ઍરર આવે તો વાંધો નહીં." વાત સાચી છે, દરેક ઍરર કંઇક શીખવી જ જાય છે.
સાયકલ ફાસ્ટ દોડાવવા ગયા, તો બૅલેન્સ બગડ્યું, પગ છોલાયા, ઍરર આવી. પણ બીજી વાર બૅલેન્સ કેમ રાખવું એ ફાવી ગયું. સાયકલ ચલાવતાં આવડી ગઈ. કોઈએ સુંદર વાક્ય કહ્યું છે, "પડવું એ અપરાધ નથી, પડ્યા રહેવું એ અપરાધ છે." તમારી સફળતાનો પ્રયત્ન નંબર નક્કી છે. (રિપીટ: તમારી સફળતાનો પ્રયત્ન નંબર નક્કી છે.) કોઈને પહેલા પ્રયત્ને તો કોઈને સાતમા પ્રયત્ને, તો કોઈને બાવીસમા પ્રયત્ને. રોમાંચક રહસ્ય એ છે કે આપણને એ પ્રયત્ન નંબર ખબર નથી. એટલું યાદ રાખો કે તમે નિષ્ફળતા બાદ જે નવો પ્રયત્ન કરવાનું માંડી વાળો છો એ જ તમારી સફળતા માટેનો આખરી પ્રયત્ન હોય છે. પાછા ન વળો. તમારી અને સફળતાની વચ્ચે તમારો એક આખરી પ્રયત્ન જ છે. તમે પ્રયત્ન કર્યો અને સારા વાનાં થવાનાં શરુ.
ઍરર એને જ આવે જે કંઇક કર્મ કરતો હોય – એવું એક વાક્ય કોઈ મહાપુરુષે કહ્યું છે. વડીલ, વૃદ્ધ કે સંત એટલે ઘણી બધી ઍરર અને તેના સૉલ્યુશનના જ્ઞાન કે સમજ વાળી વ્યક્તિ. એવી કોઈ સફળ વ્યક્તિ નથી, જેના જીવનમાં ઍરર ન આવી હોય.
ડોક્ટર પાસે આવનારો દર્દી એના શરીરમાં આવેલી ઍરરની જ વાત કરતો હોય છે ને? ડોક્ટરના કોર્સમાં પણ ખરેખર તો શારીરિક ઍરરનો જ અભ્યાસ કરવામાં આવે છે ને? મને તો લાગે છે કે મોટાભાગની વૈજ્ઞાનિક શોધનું કારણ મિસ્ટેક એટલે કે ઍરર છે.
કદી ન જોડવામાં આવેલા બે છેડા એડીસને ભૂલથી જોડ્યા અને બલ્બ ઝબૂક્યો. વીજળીની શોધ થઇ. ઍરર એટલે અનડિફાઇન્ડ ઍક્ટ. સાંભળ્યું છે કે ગેલેલિયોએ કહેલું વાક્ય ‘પૃથ્વી ગોળ છે’ને પણ પહેલા ઍરર જ ગણવામાં આવેલી. એની આ ઍરર બદલ એને જેલમાં પૂરવામાં આવ્યો હતો. પછીથી ખબર પડી કે પૃથ્વી સાચે જ ગોળ છે. જેને ઍરર સમજવામાં આવેલી એ સત્ય હતું.
અમારી કમ્પ્યૂટર કોલેજમાં તો અમે ઍરર જનરેટ કરવાની ટેસ્ટ ગોઠવતા. પ્રશ્નપત્રમાં દસ એરર આપવામાં આવતી. વિદ્યાર્થીઓએ પ્રોગ્રામમાં એવી લીટી લખવાની કે જેથી પ્રશ્નમાં આપેલી ઍરર જનરેટ થાય. જો ઍરર આવે તો પૂરા માર્ક. કેટલાક વિદ્યાર્થીઓ ફરિયાદ કરતા કે ‘સર, આ ત્રીજી ઍરર આવતી જ નથી’ ત્યારે ક્લાસ આખો હસી પડતો. કેવી વિચિત્ર ફરિયાદ કે ઍરર આવતી નથી. અને હું એમને એ ઍરર લાવવા પ્રોત્સાહિત કરતો. આખા નાટકની ફલશ્રુતિ એ રહેતી કે વિદ્યાર્થીઓને ઍરરની બીક ઉડી જતી, ઍરર સાથે દોસ્તી થઇ જતી.
ઍરર છે તો સોલ્યુશન છે. પ્રશ્ન છે તો જવાબ છે. અર્જુનને રણમેદાનમાં ઍરર આવી. કૃષ્ણએ સૉલ્યુશન બતાવ્યું. અર્જુન સાજો સમો થઇ ગયો. આપણા જીવનનો સૌથી સુંદર સમય જેને આપણે સૌ બહુ મિસ કરતા હોઈએ એ એટલે બાળપણ. બાળપણ એટલે ચડ્ડીમાં પી પી થઇ જવી કે ‘ભફ’ થઇ જવું કે ધૂળનો બુકડો ભરવો, સમજો ને કે ઍરરના ઢગલાં. કેવું વિચિત્ર કહેવાય નહીં?
જીવનની કેટલીક ઍરરનો અફસોસ છેલ્લા શ્વાસ સુધી રહી જતો હોય છે. અજાણતાં થતી ઍરર માફ છે, પણ જાણી જોઈને કરવામાં આવતી ઍરરનું પરિણામ ખતરનાક આવતું હોય છે. નિષ્ફળ કે દુઃખી માણસો કોણે ઍરર કરી એની ચર્ચા કરતા હોય છે જયારે સફળ અને જવાબદાર માણસો, કોણે ઍરર કરી એને બદલે કઈ ઍરર થઇ અને એનું સૉલ્યુશન શું છે અને ફરી આવી ઍરર ન થાય એ માટે શું કરવું એનો વિચાર કરી તેનું સૉલ્યુશન કરતા હોય છે.
હું તો માનું છું કે પહેલ હંમેશા નિર્દોષ, સફળ અને સાહસિક વ્યક્તિ તરફથી જ થવી જોઈએ. કાળા ડીબાંગ ભૂતકાળ અને સોનેરી ભવિષ્યકાળ વચ્ચે કેવળ તમે જ ઊભા છો. ભાગીને લગ્ન કરનાર સંતાનનો સંસાર વર્ષો બાદ જો આજે સુખી હોય તો એની ઍરર માફ કરવાનું, ગેરસમજની ઍરર ને લીધે વર્ષોથી થીજી ગયેલા લગ્ન જીવનના બાગને ફરી મહેકાવવાનું, વારસાના ભાગલાં પાડતી વખતેની થયેલી બોલાચાલીની ઍરર ભૂલી ફરી પરિવારને એક કરવાનું સાહસ આજના દિવસે એક મેસેજ કે ફોન કરીને "યત્ર યોગેશ્વર: કૃષ્ણો યત્ર પાર્થ: ધનુર્ધર: તત્ર શ્રીવિજયોર્ભૂતિ ધ્રુવાનીતિર્મતિર્મમ."ના મંત્રને સાર્થક કરીએ તો કેવું?
ઓલ ધી બેસ્ટ.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઇન્તેજાર કરીએ છીએ હોં...!)