અંગત ડાયરી - પ્રિસ્ક્રીપ્શન Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગત ડાયરી - પ્રિસ્ક્રીપ્શન

અંગત ડાયરી
============
શીર્ષક : પ્રિસ્ક્રીપ્શન
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ


જયારે પણ અમે બીમાર પડતા ત્યારે સોસાયટીના ડોક્ટર સાહેબ પાસે જતા. સાહેબ લાલ, લીલી, પીળી ત્રણ-ત્રણ ગોળી આપી, ત્રણ ટાઈમનો ડોઝ આપતા. કંઈ પરેજી પાળવાની ખરી? એવું અમે પૂછીએ ત્યારે અમુક-અમુક વસ્તુ ન ખાવી અને અમુક-અમુકની છૂટ એમ કહેતા. મોટે ભાગે અમે બે જ ડોઝમાં સાજા થઇ જતા.

હમણાં એ દાકતર સાહેબે સરસ વાત કરી. વાત-વાતમાં મેં પૂછ્યું. જીવનમાં ગંભીરતા, ગમગીની બહુ વ્યાપી ગઈ છે. એની કોઈ દવા છે? પ્રફુલ્લિત ચહેરે સાહેબ બોલ્યા ‘છે ને’ એમ કહી પ્રિસ્કીપ્શનની એની કાપલીમાં એમણે કૈંક લખી મારી સામે ધરી. મેં વાંચ્યું. બે લીટી હતી.
‘થેંક યુ વેરી મચ’ અને ‘વેરી ગુડ’

મેં એમની સામે જોયું. તેઓ બોલ્યા "રોજ ત્રણ ટાઈમ ત્રણ-ત્રણ વાર આ શબ્દો બોલવા. પત્ની ચા આપે એટલે થેંક્યું. ગાર્બેજ કલેક્ટ કરવા ગાડી આવે એટલે થેંક્યું. જો કોઈ ન મળે તો પેટ્રોલ ભરાવો ત્યારે પંપ વાળાને થેંક્યું. દીકરો ક્રિકેટ રમી પરત આવે તો એને ‘વેરી ગુડ’. જો કોઈ ન મળે તો અવિરત પાવર સપ્લાય બદલ જી.ઈ.બી.ને, વર્ષોથી વાળ કાપી આપતા વાણંદને, કપડા સીવી આપતા દરજી મિત્રને થેંક્યું અને વેરી ગુડ બાય હાર્ટ. છેલ્લે બાકી, ફેસબુકની ગમતી પોસ્ટ પર, ફોન પર, વોટ્સઅપમાં. ટૂંકમાં જ્યાં જ્યાં તક મળે ત્યાં થેંક્યું અને વેરીગુડ બોલીને કે લખીને આપણો ડોઝ પૂરો કરવો."

થોડી રમૂજ જેવી વાત હતી. મેં પ્રયોગ કર્યો. કોલેજે પ્યૂને પાણી આપ્યું. હું તરત બોલ્યો "થેંક્યું". રોજ તો નહોતો બોલતો. એ પણ હસી પડ્યો. મને ગમ્યું. ભૂતકાળમાં એક મિત્રે મને મદદ કરેલી એને ફોન જોડી એ દિવસ યાદ કરાવી થેંક્યું કહ્યું. એ ખુબ ખુશ થયો "અરે યાર.. એવું કંઈ ન હોય" કહી મસ્ત વાતો કરવા માંડ્યો. બસના કંડકટરને, એણે ટિકીટ આપી ત્યારે મેં થેંક્યું કહ્યું, તો એ રીત સર ચોંકી જ ગયો. મેં અપેક્ષા નહોતી રાખી પણ તોય જેવી જગ્યા થઇ કે પહેલો એણે મને બેસાડ્યો. છેલ્લે જે પડોશીના દીકરાના મેરેજ અટેન્ડ કરેલા એને ફોન કરી વ્યવસ્થાઓ અને વાનગીઓ માટે ‘વેરી ગુડ’ કહ્યું તો એ પ્રસન્ન થઇ ગયા. કેટલીયે સુંદર વાતો એમણે કરી. ડોક્ટર સાહેબના ડોઝની જાદુઈ અસર મને વર્તાવા લાગી. હજુ તો મારે બીજા બે વ્યક્તિને ‘વેરી ગુડ’ આપવાના હતા. હું મારી આસપાસ પૉઝિટીવ બાબત જોવા માંડ્યો.

મેં મારી આસપાસના મોસ્ટ ઓફ સફળ માણસોને ગંભીર કે ગમગીન નથી જોયા. તેઓના ચહેરા પર આનંદ, સ્મિત અને ઉજાસ જ જોયો છે. મોડે-મોડે મને પેલા ડોક્ટર સાહેબની ચાલાકી ખબર પડી. નાનપણમાં ટીચર આપણી નોટબુકમાં નાનાનાના સ્ટાર ચોંટાડી આપતા એ આપણને ખૂબ ગમતું. પૂરા માર્ક આવે ત્યારે વેરીગુડ લખી આપતા એ ખૂબ પ્રોત્સાહિત કરતું.

એક મોટીવેશનલ સ્પીકરે મસ્ત વાક્ય કહ્યું હતું. ‘માખી કચરા પર બેસે, મધમાખી પુષ્પો પર’. વેરી ગુડ કહેવા માટે આસપાસની વેરી ગુડ વ્યક્તિઓ, ઘટનાઓ પર નજર કેન્દ્રિત કરવી પડે. અમારા એક મિત્ર પ્રકૃતિ અને પ્રાણીઓ-પક્ષીઓના ફોટોગ્રાફ્સ મસ્ત લે છે. એની દ્રષ્ટિ જ એવી વિકસી ગઈ છે. એને પક્ષીઓના એવા મસ્ત પોઝ મળી પણ જાય છે. જોવા જઈએ તો માણસો પણ એવા પોઝ આપતા, એવા મસ્ત વર્તન કરતા જ હોય છે ને?

અને મેં જોયું. શ્રીમતીજી તૈયાર થઈને એવા જ સુંદર પોઝમાં ઉભા હતા. મને આશ્ચર્ય થયું. મેં તરત જ કહ્યું :
‘અરે વાહ, બ્યુટીફૂલ... શાની તૈયારી છે?’
એ ગૌરવ અને સ્મિત સાથે બોલી: ‘આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની’
મેં કહ્યું ‘વેરી ગુડ..’
પણ એક નવો પ્રશ્ન ઉદભવ્યો. પતિની અને પરિવારની સંપૂર્ણ જવાબદારી ઉપાડતી આ મહિલાઓને ગમગીની કે અતિ ગંભીરતાની બિમારી કેમ લાગુ નહીં પડતી હોય? કેમ હંમેશા તેઓ ફૂલગુલાબી, ખડખડાટ હસતી, મોજમાં જ રહેતી હશે? જવાબ તરીકે બે સૂત્રો મને ઊંડાણપૂર્વક વિચારવા જેવા લાગ્યા:

‘નારી તું નારાયણી’ અને ‘નર જો અપની કરની કરે તો નર કા નારાયણ હો જાયે’
નારી તો ‘ઓલરેડી’ નારાયણી છે જ, જયારે નરને હજુ ‘કરની કરવી’ જરૂરી છે.

પૃથ્વી પરની તમામ નારીઓ-નારાયણીઓને પુરુષસમાજ તરફથી ખૂબ ખૂબ થેંક્યું અને વેરી વેરી ગુડ. (લો, મારો આજનો ડોઝ પૂરો થઇ ગયો.)

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)