અંગારપથ. - ૪૩ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અંગારપથ. - ૪૩

અંગારપથ.

પ્રકરણ-૪૩.

પ્રવીણ પીઠડીયા.

એક ભયાનક સૂનકાર ફરી પાછો વાગાતોર બીચ ઉપર છવાયો હતો. થોડી ક્ષણો પહેલાં મચેલી તબાહીનું વરવું દ્રશ્ય બધાની આંખોમાં અંજાયેલું સ્પષ્ટ નજરે ચડતું હતું. કાતિલ ખામાશીથી અને એકદમ શિસ્તબધ્ધ રીતે લોબોનાં જવાનો પરિસ્થિતિને કંન્ટ્રોલમાં લઈ રહ્યા હતા. ડ્રગ્સની પેટીઓને અલગ મૂકવામાં આવી હતી. એ પેટીઓનો કબ્જો નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ પાસે રહેવાનો હતો. એ કેટલી રકમનો જથ્થો હતો, ક્યાથી ડિલિવર થયો હતો, તેની પાછળ કોનો હાથ હતો, આ તમામ બાબતોની એકદમ ગહેરાઇથી તપાસ થવાની હતી. લોબો તેમાં કોઈ કચાસ રહેવા દેવા માંગતો નહોતો એટલે જ આખું ઓપરેશન અત્યંત ગુપ્ત રીતે ફક્ત પોતાના માણસોનાં ભરોસે જ તેણે પાર પાડયું હતું. તેને ખ્યાલ આવી ગયો હતો કે આટલી જંગી માત્રામાં પકડાયેલા ડ્રગ્સનાં જઝિરાને કારણે ફક્ત ગોવા જ નહી, આખા દેશમાં ખળભળાટ મચી જવાનો હતો. સાત પેટીઓ… અને એ પણ છલોછલ ઠાંસીઠાંસીને અત્યંત કિંમતી ડ્રગ્સથી ભરેલી હોય એ કોઇ નાનીસૂની વાત નહોતી. અબજો રૂપિયાની કિંમતનો માલ હતો એટલે તેના ઘેરા પ્રત્યાઘાત તો પડવાના જ હતા. એવી પરિસ્થિતિનો સામનો કરવાનું મક્કમ મનોબળ તે અત્યારથી જ કેળવવા લાગ્યો હતો.

એ દરમ્યાન પોલીસ કંન્ટ્રોલરૂમથી આવી પહોંચેલી વાનમાં પકડાયેલા માણસોને ચડાવવમાં આવ્યાં. ઝુબેર અને તેના સાથીદારોની લાશોને બોટમાંથી ઉંચકીને બીચની રેતી ઉપર મૂકવામાં આવી. લોબો સાથે આવેલા ફોર્સના બે જવાનો અત્યંત ગંભિર રીતે ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરાઇ. એ તો ગનીમત થયું હતું કે લોબોએ બોટનાં રખેવાળ પેલા વીલીને સાથે લીધો ન હતો નહિતર એની હાલત પણ કંઇક આવી જ થઇ હોત. લોબોનો ખભો લગભગ નકામો થઇ ગયો હતો. ઝુબેરની ૪૭ માંથી છૂટેલી ગોળી સીધી જ તેના સોલ્ડરનાં જોઈન્ટમાં ખૂપી ગઇ હતી જેનાથી જોઈન્ટનું હાડકું ભાંગ્યું હતું અને મલ્ટિપલ ફ્રેકચર થયું હતું. તેનો હાથ સૂન્ન પડીને લબડી રહ્યો હતો. તેને પણ ઇમરજન્સીમાં દાખલ કરવો પડે એમ હતો નહિતર હાલત વધું બગડવાની શક્યાઓ હતી. કામરા ક્યારનો એ વાત કહેવા તેની આસપાસ ઘૂમી રહ્યો હતો પરંતુ લોબો જે ચોકસાઈથી સૂચનાઓ આપીને બધું થાળે પાડી રહ્યો હતો એમાં તેણે ખામોશ રહેવું જ ઉચિત માન્યું હતું.

લગભગ અડધા કલાકમાં વાગાતોર બીચનો એ ઈલાકો ફરી પાછો ખાલી થઇ ચૂકયો હતો. લોબોની ટીમ જે ઝડપે ત્રાટકી હતી એટલી જ ઝડપે બધું સમેટીને રવાનાં થઇ ચૂકી હતી. લોબોનો ખભો લગભગ નકામો થવાની અણી ઉપર હતો એટલે લોબોની નારાજગી હોવા છતાં કામરાએ જીદ કરીને તેને હોસ્પિટલાઈઝ્ડ કર્યો હતો. તેણે લોબોને ધરપત આપી હતી કે હવે આગળનું કામ તે સંભાળી લેશે. લોબોએ ક-મને તેની વાત માની હતી અને અત્યંત ખાનગી રીતે તેને ગોવાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બધું શાંત પડતાં જ તેને તાવ ભરાવો શરૂ થયો હતો. સોલ્ડરમાં ભયાનક લવકારા આવવા લાગ્યાં હતા. તેનું શરીર વારેવારે તંગ થઇને ઝટકા ખાતું હતું. ડોકટરોએ તુરંત તેને ઓપરેશન થિયેટરમાં લીધો હતો અને તેના ખભાનું ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન થિએટરમાં સૂતેલાં લોબોની ખૂલ્લી આંખોમાં જાતભાતનાં રંગીન તારોલીયા નાચતાં હતા. એનેસ્થેસિયાની અસર હેઠળ તે પોતાની બોટને સમુદ્રનાં આસમાની પાણી ઉપર સરકતી જોઇ રહ્યો હતો. ઝુબેરની બોટમાંથી થતી અંધાધૂંધ ગોળીબારની રણઝણાટી તેને સંભળાતી હતી અને… વીલીએ બતાવેલી દેસાઈની બોટનાં સાઈડ સરફેસ ઉપર લખેલું નામ તેને વંચાતું હતું. એ નામ તેના જહેનમાં કોઇ ફોટોકોપીની જેમ છપાઈ ગયું હતું. બસ એવી હાલતમાં જ તેની આંખોમાં તંન્દ્રા છવાઇ હતી અને તે બેભાન બની ગયો હતો. જાણે-અજાણે એક રહસ્ય તેની સાથે જ બેભાન અવસ્થામાં ચાલ્યું ગયું હતું જેનો સીધો સંબંધ અભિમન્યુ અને રક્ષા સૂર્યવંશીનાં કેસ સાથે જોડાયેલો હતો.

@ @ @

ચારુંના મનમાં ધમાસાણ મચ્યું હતું. પેટ્રિકે રંગા ભાઉને ત્યાં જે ’સીન’ ઉભો કર્યો હતો એનાથી તે થડકી ઉઠી હતી. એક તો પોલીસ ક્વાટર વાળા કિસ્સાની સ્યાહી હજું સૂકાઇ નહોતી ત્યાં આ નવા જમેલામાં તે ફસાઇ ગઇ હતી. હવે તેઓ વાનમ શેખનાં ઠેકાણાં તરફ જઇ રહ્યાં હતા. એ પણ ફક્ત બે વ્યક્તિઓ જ! પેટ્રિક ઉપર તેને ભયંકર હદે ગુસ્સો આવતો હતો અને સાથોસાથ એટલી જ દયા પણ આવતી હતી. તે કાંબલેને શોધવા કઇ હદ સુધી જઇ શકે એમ હતો એ તેણે અત્યારે સાબિત કરી દીધું હતું. ચારુંને નવાઇ લાગતી હતી કે પોલીસ ફોર્સમાં આવા પણ માણસો છે જે પોતાના સિનિયરની આટલી કદર કરતાં હોય! પણ ખેર, અત્યારે એ બધું વિચારવાનો સમય નહોતો. વામન શેખને ત્યાં પહોંચતા કેવી પરિસ્થિતિ ઉદભશે એ વિચારવાનું હતું.

વામન શેખનું પોતાનું એક વિશાળ ગેરેજ હતું. એ ગેરેજમાં જ તેણે પોતાનો અડ્ડો બનાવી રાખ્યો હતો. ગેરેજમાંથી જ તે દરેક કામ હેંન્ડલ કરતો હતો. ગેરેજમાં એક ખૂણે તેણે ઓફિસ બનાવી હતી. ચારું અને પેટ્રિક પહોંચ્યા ત્યારે તે ઓફિસમાં જ મૌજૂદ હતો. તેના એક સાગરિતે આવીને સમાચાર આપ્યાં એટલે તેણે તે બન્નેને અંદર બોલાવી લાવવા કહ્યું.

“આવ ઈન્સ્પેકટર, બેસ, આજે અચાનક આ તરફ ભૂલા પડવાનું કારણ?” ચાર ફૂટનો વામનશેખ સીધો જ મુદ્દાની વાત ઉપર આવ્યો. એ ખેલાડી માણસ હતો. પોલીસવાળાની મેન્ટાલિટીથી તે ભલીભાંતી પરીચીત હતો અને એમનાથી બને એટલું દૂર જ રહેવાનું પસંદ કરતો. પેટ્રિક કંઇ બોલ્યો નહી. તેણે એક ખુરશી ખસેડી અને ચારુંને બેસવા કહ્યું અને પછી બીજી ખુરશીમાં તે ગોઠવાયો.

“હું ઈન્સ્પેકટર કાંબલેની તલાશમાં આવ્યો છું.” પેટ્રિકે પણ આડી અવળી વાતોમાં સમય બગાડયા વગર સપાટ સ્વરમાં કહ્યું. એ સાંભળીને વામનશેખ થોડો અસહજ થયો હોય એમ ખુરશીમાં હલ્યો. તેના ચહેરા ઉપર વિસ્મયનાં ભાવો ઉભર્યા અને તરત અલોપ થયાં. પેટ્રિક અને ચારુંની નજરોએ એ પકડી લીધું હતું. મતલબ કે રંગા ભાઉએ તેમને સાચું ઠેકાણું ચિંધ્યું હતું.

“તું સીધો અહી આવ્યો છે મતલબ કે બરાબર હોમવર્ક કરીને જ આવ્યો હોઈશ. તો હું પણ તને સીધો જવાબ આપીશ. કાંબલે અહી નથી.” તેના કદથી મોટી ખુરશીમાં બેસેલો વામનશેખ કઢંગો લાગતો હતો. થોડીવાર પહેલાની અસ્વસ્થતા ઘડીભરમાં ગાયબ થઇ ચૂકી હતી અને તેનો હાથ ટેબલની નીચે સરક્યો હતો.

“અચ્છા, તો ક્યાં હશે એ?” પેટ્રિકે પૂછયું. તેની અને વામન શેખની ખુરશીઓ વચ્ચે મોટું જબરું ટેબલ હતું. ટેબલ પાછળ બેઠેલો ઠિંગણો વામન શેખ શું હરકત કરે છે એ પેટ્રિક કે ચારુંને બરાબર દેખાતું નહોતું. ઓફિસમાં તેમની સિવાય બીજો એક માણસ મૌજૂદ હતો જે તમામ ગતીવીધીઓ ઉપર નજર નાંખતો ઉભો હતો.

“મને ખબર છે કે તું ખોટું બોલી રહ્યો છે. તું જાણે છે કે કાંબલે ક્યાં છે અને તેને શું થયું છે!”

“ખબર છે તો શોધી કેમ નથી લેતા? અને તમને કોણે કહ્યું કે કાંબલે અહી મળશે?” વામન શેખ બોલ્યો. તેના હાથની હથેળીમાં હવે ગન રમતી હતી જે તેણે ટેબલ નીચેથી ખેંચી કાઢી હતી. તેણે નજર ઉઠાવીનાં ખૂણામાં ઉભેલા પોતાના માણસ તરફ જોયું અને આંખોથી જ ઇશારો કર્યો. પેલા માણસે એ ઇશારો સમજ્યો અને તે આગળ વધ્યો. બરાબર એ વખતે જ એક સાથે બે-ત્રણ ક્રિયાઓ થઇ.

વાનમ શેખે ઝડપથી ગન ખેંચી કાઢી હતી અને પેટ્રિક તરફ તાકી હતી. તેનો માણસ એકદમ જ ધસી આવ્યો હતો અને તેણે ચારુંના ગળા ફરતે તેનો મજબૂત હાથ વિંટાળી દીધો હતો અને… ઘડીનાં છઠ્ઠા ભાગમાં પેટ્રિકને ખ્યાલ આવ્યો હતો કે તેઓ ફસાઈ ચૂકયા છે એટલે વગર વિચાર્યે જ, વામન શેખે તેની તરફ તાકેલી ગનની પરવા કર્યા વગર તે ઉભો થયો હતો અને પેલા માણસ ઉપર ત્રાટક્યો હતો. સાવ અણધાર્યું એ બન્યું હતું. આંખનો પલકારો થાય એટલી ઝડપે વામન શેખની ઓફિસમાં ટેબ્લો પડયો હતો. શેખ ઘીસ ખાઇ ગયો. તેને એમ હતું કે ગન જોઇને પેટ્રિક ઠરી જશે, શરણાગતી સ્વીકારી લેશે પરંતુ થયું એનાથી તદ્દન ઉલટું. પેટ્રિકે એકાએક જ હલ્લો બોલાવી દીધો હતો. ચારુંના ગળા ફરતે જે સમયે પેલા વ્યક્તિનો ગાળિયો કસાયો એ સમયે જ તેનું લોહી ઉફાળા મારવા લાગ્યું હતું. કાંબલે સરને તો તેણે ગુમાવ્યાં હતા પરંતુ હવે ચારુંને તે ગુમાવવા તૈયાર નહોતો. તે ભયંકર ઝડપે પેલા આદમી તરફ લપક્યો હતો અને એ કંઈ સમજે એ પહેલા તો તેના ચહેરા ઉપર ભયાનક ઝનૂનથી એક ઘૂસો રસિદ કરી દીધો. “થડાક…” એક અવાજ આવ્યો અને પેલાનો હાથ ચારુંની ગરદનેથી ઢિલો પડયો. અને સાથોસાથ તેના મોઢામાંથી થૂંકની સાથે બે-ત્રણ દાંત બહાર હવામાં ઉડયા.

“સબૂર ઈન્સ્પેકટર, મેં ગોલી ચલા દૂંગા.” વામન શેખ તેની ખૂરશીમાં જ ઉભો થઇ ચૂકયો હતો અને ચિલ્લાયો હતો.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. જો આપ મારી નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવવા માંગતાં હોવ તો મારા વોટ્સએપ નંબર પર કોન્ટેક કરવા વિનંતી. ધન્યવાદ.

રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 1 માસ પહેલા

maya shelat

maya shelat 9 માસ પહેલા

Yogesh Raval

Yogesh Raval 2 વર્ષ પહેલા

Neepa

Neepa 1 વર્ષ પહેલા

Bhayani Alkesh

Bhayani Alkesh માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા