પાંચ લઘુકથા
- રાકેશ ઠક્કર
ભાગ-૨
મિત્રો, 'પાંચ લઘુકથા' ને આપના તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. આ નાનકડી કથાઓને પસંદ કરવામાં આવી છે. આપની લાગણીને માન આપી 'પાંચ લઘુકથા' ને શ્રેણીના રૂપમાં તૈયાર કરવાનો વિચાર કર્યો છે. આ બીજા ભાગમાં વધુ પાંચ નાનકડી કથાઓ રજૂ કરી છે. આશા છે કે આપને જરૂર પસંદ આવશે અને સ્પર્શી જશે. આપના પ્રતિભાવ અને રેટીંગ જરૂર આપશો.
૧. લાગણી
વર્ષોથી એકલા રહેતા રસિકલાલનું અચાનક હ્રદયરોગના હુમલાથી અવસાન થતાં ફળિયામાં શોક છવાઇ ગયો. પડોશીઓને ખબર પડતી ગઇ એમ ભેગા થવા લાગ્યા. સૌથી નજીકના પડોશી હીરાલાલને થયું કે રસિકલાલના વિદેશ રહેતા પુત્રને જાણ કરીને આગળનું વિચારીએ.
છેલ્લા પાંચ વર્ષથી વિદેશ નોકરીએ ગયેલો પુત્ર હમેશ વિદેશી યુવતી સાથે ત્યાં જ લગ્ન કરીને ઠરીઠામ થઇ ગયો હતો. તે પિતાને મળવા પણ આવતો ન હતો. તેમના ખાતામાં દર વર્ષે ચોક્કસ રકમ જમા કરાવીને પિતા પ્રત્યેની ફરજ બજાવ્યાનો સંતોષ માનતો હતો. વિધુર રસિકલાલનું અહીં કોઇ ન હતું એટલે તેમના પાર્થિવ દેહની સામે જ ઊભા રહી હમેશને જાણ કરવા હીરાલાલે વોટસએપ કોલ કર્યો. કદાચ હમેશ પિતાના મુખના છેલ્લા દર્શન કરવા વિડિયો કોલ કરવા કહે તો વાંધો ના આવે એમ વિચારતા હીરાલાલને આંચકો લાગે એવું સાંભળવા મળ્યું.
પિતાના અવસાનના સમાચાર સાંભળી હમેશને કંઇ અસર થઇ ના હોય એમ બોલ્યો:"વડીલ, હું બે મહિના વ્યસ્ત છું. મારાથી આવી શકાશે નહીં. તમે બધી વિધિ પતાવી દેજો. હું એ મકાન વેચવા આવીશ ત્યારે બધો હિસાબ કરી દઇશ. જો ઉતાવળ હોય તો મને તમારો એકાઉન્ટ નંબર મોકલી આપજો. હું રકમ ટ્રાન્સફર કરી દઇશ...." અને ફોન કાપી નાખ્યો.
હીરાલાલે રસિકલાલના દેહ સામે જોયું તો તેમના ચહેરા પર પરમ શાંતિના ભાવ હતા. તેમનો વર્ષોથી પાળેલો શ્વાન આગળના બંને પગથી તેમના શરીરને જકડી આંસુ સારી રહ્યો હતો. અને બીજા પડોશીઓ તેને હળવેથી દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા. પણ તે રસિકલાલને છોડતો ન હતો....
૨. દત્તક
સરુલતા લગ્ન કરીને આવી એને ત્રણ વર્ષ વીતી ગયા હતા. ઘરમાં પગલીનો પાડનાર આપી શકી ન હતી. એ વાતનો એને સતત રંજ રહેતો હતો. સરુલતાએ ઘણી સારવાર કરાવી જોઇ પણ સંતાન પ્રાપ્તિ થતી ન હતી. તેને રાહત એ હતી કે આ બાબતે તેના વિધવા સાસુ લીલાબહેન ક્યારેય મહેણું મારતા ન હતા. તેની સખીઓ આ જાણીને નવાઇ પામતી હતી. બાકી પહેલાનાં જમાનામાં તો સાસુઓ વહુને હેરાન કરતી. આ સાસુ તો તેને આશ્વાસન આપે છે. અને હવે તો દત્તક છોકરી લેવા સમજાવી રહ્યા છે. સરુલતાને સાસુનો આટલો આગ્રહ સમજાતો ન હતો.
લીલાબહેનને પોતાનું બાળપણ યાદ આવી જતું હતું. પોતાને જન્મ આપીને તેની મા કોઇ મજબૂરીમાં ધૂળમાં છોડી ગઇ હતી. તેને અનાથ આશ્રમમાંથી પિતાએ દત્તક લીધી હતી. તે પોતાની સ્થિતિને યાદ કરીને જ સરુલતાને બાળકી દત્તક લેવા આગ્રહ કરતી હતી.
૩. એ કરે તો લીલા....
છેલ્લા ઘણા દિવસથી પત્ની અને બાળકોની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી અક્ષનને વારંવાર રજા લેવી પડતી હતી. બે મહિનામાં જ તેની આખા વર્ષની રજાઓ પૂરી થઇ ગઇ હતી. હવે કપાત પગારે રજા લેવી પડે એમ હતું. અક્ષન રજા લેતો હતો પણ હાજર થાય ત્યારે પોતાનું બાકી કામ વધારે સમય રોકાઇને પૂરું કરી દેતો હતો. તે જાણતો હતો કે ખાનગી કંપનીમાં કામ કરવું એટલે તલવારની ધાર પર ચાલવા જેવું હતું. દર વખતે તેણે બોસનું સાંભળવું પડતું હતું. અક્ષને પોતાની પત્ની અને બંને બાળકોની ખરાબ તબિયતની વાત કરી હતી. તેમને એ વાત સાથે કોઇ લેવાદેવા ન હતી. પણ એ પોતે જ ઓફિસમાં બહુ હાજર રહેતા ન હતા એટલે તેને થોડી શાંતિ રહેતી હતી. તે મજબૂર હતો. બોસ તેની પરિસ્થિતિ સમજતા ન હતા. ઘણી વખત તેને નોકરી છોડી દેવાનો વિચાર આવી જતો. પણ પછી નવી નોકરી ના મળે તો શું કરીશ? એવા ડરથી ચૂપ રહેતો હતો. તેની સ્થિતિ જોઇ સહ કર્મચારી અલેક કહે:"અક્ષેન, કોઇ મદદની જરૂર હોય તો કહેજે."
"મદદ તો ઠીક, બોસ રજા મંજૂર કરે એટલું ઘણું છે...." અક્ષેન નિરાશ સ્વરે બોલ્યો.
"તને ખબર છે બોસ આખો દિવસ ઓફિસમાં કેમ હાજર રહેતા નથી?" અલેકે પૂછ્યું.
'અરે ભાઇ, એ તો મોટા માણસ. ક્યાંકને ક્યાંક મીટીંગમાં વ્યસ્ત રહેતા હોય." અક્ષેન પોતાના અંદાજથી બોલ્યો.
અલેક કહે:"મીટીંગ કેવી ને વાત કેવી? આ તો કાલે એમના ડ્રાઇવર સાથે ગપ્પા મારવાની તક મળી ત્યારે ખબર પડી. બોસના પત્ની અને નાનો છોકરો હરવા-ફરવાના શોખીન છે. આખો દિવસ તેમની ફરમાઇશો પૂરી કરવામાંથી જ તે ઊંચા આવતા નથી...."
૪. પ્રામાણિક્તા
મવેશ પત્ની સેજના સાથે ખરીદી કરવા નીકળ્યો હતો. ઘરમાં લગ્ન હતા એટલે સોનાની ખરીદી કરવાની હતી. આખો દિવસ બધા જ્વેલર્સમાં ફરી સોનાની ચેઇન અને વીંટી પસંદ કરી. બહાર નીકળ્યા હતા એટલે જરૂરી શાકભાજી, કરિયાણું અને પ્લાસ્ટિકની ડોલ ખરીદી લીધી. એક દુકાનમાંથી બહાર નીકળ્યા ત્યાં રસ્તા પર કોઇ પુરુષનું પર્સ પડેલું દેખાયું. મવેશની નજર પડી એટલે તેણે જ ઉઠાવી લીધું. પર્સ જોઇ તેની આંખો ચમકી ઊઠી. તેણે સેજનાને બાજુ પર લઇ જઇ પર્સ ખોલીને જોયું તો તેમાં બે હજારની નોટોની થોકડી હતી. સેજનાએ કહ્યું કે એમાં આધારકાર્ડ છે. એ સરનામા પર જઇને આપી આવીએ. મવેશ કહે ગાંડી થઇ છે? લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરવા આવી છે. એને બહુ ચિંતા હતી તો સાચવવું હતું. હવે આના માલિક આપણે જ કહેવાઇએ. પર્સમાં એક એટીએમ કાર્ડ છે. એ તો બંધ કરાવી દેશે. ચાલ આપણો ઘરેણાંનો ખર્ચ છૂટી ગયો. સેજના કંઇ બોલી નહીં. તેમની પાસે ઘણી થેલીઓ હતી. એક્ટિવા પર બધી વસ્તુઓ આવે એમ ન હતી. અને સોનાના કિમતી ઘરેણાનું જોખમ હતું. તેણે સેજનાને બધી વસ્તુઓ સાથે એક રીક્ષામાં ઘરે જવાની વ્યવસ્થા ગોઠવી આપી.
મવેશ ઘરે પહોંચ્યો ત્યારે સેજના આંસુ સારી રહી હતી. તેણે રડતાં રડતાં કહ્યું કે રીક્ષામાંથી બધી વસ્તુઓ લેતી વખતે સોનાના ઘરેણાવાળું નાનું પાકીટ રહી ગયું. મવેશ માથે હાથ દઇને બેસી ગયો અને બબડવા લાગ્યો:"હવે મળી રહ્યા ઘરેણા. રીક્ષાવાળાને તો લોટરી જ લાગી ગઇ છે. આપણી તો મહેનતની કમાણી લૂંટાઇ ગઇ. આપણે રીક્ષાનો નંબર પણ જોયો ન હતો. પોલીસમાં પણ કેવી રીતે જાણ કરવાના....સારું છે કે આજે પૈસા ભરેલું પર્સ મળ્યું. થોડી તો રાહત થઇ."
મવેશ અને સેજના હતાશ થઇ બેઠા હતા ત્યાં બહાર રીક્ષાનો અવાજ આવ્યો અને બીજી સેકન્ડે રીક્ષાવાળો અંદર આવીને હાંફતા બોલ્યો:"બહેન, આ તમારું પાકિટ રહી ગયું હતું. જોઇ લેજો બધું બરાબર છે ને?"
મવેશની આંખો ખુશીથી ભીની થઇ ગઇ. તેણે રીક્ષાવાળાનો આભાર માન્યો અને પત્ની સેજનાને કહ્યું:"લાવ તો એ પર્સ. આધારકાર્ડના સરનામે જઇને એમની અમાનત પહોંચાડી આવું. હવે આપણો વારો છે...."
૫. સંસ્કાર
તનંજય ઝાઝું ભણ્યો ન હતો. તેણે કેટલીક જગ્યાએ નોકરી કરી જોઇ પણ તેની કામગીરી બરાબર ન હોવાથી કાઢી મૂકવામાં આવ્યો. તે કામચોર હતો. તે કોઇ નોકરી શોધી સારી રીતે કામ કરવાને બદલે પાનના ગલ્લે એક ચોર સાથે મુલાકાત થયા બાદ ચોરી કરીને ઘર ચલાવવા લાગ્યો. લોકોના ખિસ્સા કાતરવામાં તેને ફાવટ આવી ગઇ. પત્ની શૈલવાને મોડેથી ખબર પડી કે તનંજય ચોર બની ગયો છે. તેણે ઘણો કકળાટ અને વિરોધ કર્યો પણ તનંજય સામે તેનું કંઇ ચાલ્યું નહીં. સાત વર્ષના પુત્રને ખાતર તે મૂંગી રહી. એક દિવસ તનંજયનો પુત્ર કોઇનો કંપાસ ચોરી લાવ્યો. શૈલજાએ તેને માર્યો. તનંજય પણ તેને ખિજવાયો:"શૈલજા, એને ખોટા મિત્રોની સોબત થઇ લાગે છે. સંગ તેવો રંગ. સંસ્કાર જેવી કોઇ વસ્તુ જ ના રહી."
શૈલજા તરત જ બોલી:"તનંજય, સંગ તેવો રંગ તો હશે જ પણ ઘણા સંસ્કાર લોહીમાંથી જ આવે છે...."
તનંજયની સ્થિતિ કાપો તો લોહી ના નીકળે એવી થઇ ગઇ.
*
વાચકમિત્રો, આપને કારણે જ મને તા.૨૬/૧/૨૦૨૦ ના રોજ અમદાવાદ ખાતે માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો છે. મારી તમામ બુક્સના ૩.૨૨ લાખથી વધુ ડાઉનલોડ થઇ ગયા એ બદલ આપનો આભાર!
માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" ના ફેબ્રુઆરી-૨૦૨૦ માં ડાઉનલોડ ૨.૪ લાખ ઉપર પહોંચી ગયા એ બદલ આપનો આભાર! શું તમે "રેડલાઇટ બંગલો" હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે ઉત્તેજના જગાવતી, દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.
આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી અને 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' પણ આપને જરૂર વાંચવી ગમશે.
***
મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી બીજી નવલકથા 'લાઇમ લાઇટ' પણ પસંદ કરવામાં આવી છે. ફેબ્રુઆરી-૨૦૨૦ સુધીમાં ૭૭૦૦૦ ડાઉનલોડ છે. એક રૂપાળી યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને ૪૮ પ્રકરણ સુધી જકડી રાખશે એવી મને ખાતરી છે.
***