પાંચ લઘુકથા
- રાકેશ ઠક્કર
ભાગ-૩
મિત્રો, 'પાંચ લઘુકથા' ને આપના તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. આ નાનકડી કથાઓને પસંદ કરવામાં આવી છે. આપની લાગણીને માન આપી 'પાંચ લઘુકથા' ને શ્રેણીના રૂપમાં તૈયાર કરવાનો વિચાર કર્યો છે. આ ત્રીજા ભાગમાં વધુ પાંચ નાનકડી કથાઓ રજૂ કરી છે. આશા છે કે આપને જરૂર પસંદ આવશે અને સ્પર્શી જશે. આપના પ્રતિભાવ અને રેટીંગ જરૂર આપશો.
૧. કોરોના માસ્ક
આખા વિશ્વમાં નોવેલ કોરોના વાઇરસે તરખાટ મચાવી દીધો છે. દરેક દેશમાં લોકોની સુરક્ષા માટે આરોગ્ય સાચવવાના સૂચનો કરવામાં આવી રહ્યા હતા અને શંકાસ્પદ જણાતા લોકોને તબીબોની નજર હેઠળ રાખવામાં આવ્યા હતા. વધુ લોકો સુધી કોરોનાની અસર ના પહોંચે એ માટે શક્ય તમામ પગલાં લેવામાં આવી રહ્યા હતા. આ બધાની વચ્ચે ધનપતલાલ ખુશ હતો. તેની કાપડની ફેક્ટરી હતી. આવા જ મોકાની તે રાહ જોતો હતો. તેણે બધું કામ બાજુ પર મૂકાવીને માસ્ક બનાવવાનું શરૂ કરાવી દીધું હતું. તે માસ્કના ધંધામાંથી મોટી કમાણી કરી લેવા માગતો હતો. તેણે ઊંચી કિંમતે વેચવા નકલી માસ્ક બનાવવાનું શરૂ કર્યું હતું.
ધનપતલાલે જ્યારે પિતા સુખલાલને પોતાની આ યોજનાની વાત કરી ત્યારે તેમણે નારાજગી વ્યક્ત કરી:"બેટા, આવી ખોટી કમાણી કરીને શું લાભ? તું ધારાધોરણ વગરના માસ્ક બનાવીશ તો એ ખરીદીને લોકોને શું ફાયદો થવાનો? આ બધું બંધ કરી દે. એમાં માનવતા નથી....તારી મા જીવતી હોત તો કેટલો આઘાત લાગ્યો હોત."
"બાપુજી, તમને ધંધાના નિયમોની ખબર નથી. આવા મોકા ભાગ્યે જ આવે છે. તમે જોજોને આખી જિંદગી બેઠાં બેઠાં ખાઇ શકાય એટલી કમાણી કરી લેવાનો છું....હમણાં એકપણ માસ્ક વેચવાનો નથી. જેમજેમ આ રોગના દર્દીઓની સંખ્યા વધશે એમ એના ભાવ ઊંચા જશે. એકદમ ભાવ વધી જાય ત્યારે તેનું વધારે કિંમતે વેચાણ કરીશ."
"બેટા, અત્યારે આપણી પાસે ગાડી, બંગલો ને આ સુખ સુવિધાના સાધનો ઓછા છે? અને આ કાળી કમાણી શું કામ કરવાની? આ માસ્કથી લોકોને કોઇ લાભ થવાનો નથી. આ માસ્ક પહેરવાથી તે આ ખતરનાક વાઇરસ સામે રક્ષણ મેળવી શકવાના નથી. માસ્ક પહેરવાથી તે સુરક્ષિત છે એવા ભ્રમમાં તેમને શું કામ રાખવાના? તેમની હાય શું કામ લેવાની?" સુખલાલનું દિલ દુ:ખાતું હતું.
"બાપુજી, તમને આમાં સમજ ના પડે. તમે તમારા ભજનમાં તલ્લીન રહોને..." કહી ધનપતલાલે પિતાની વાતને ટાળી દીધી. દાયકાઓ જોઇ ચૂકેલા સુખલાલને ખબર હતી કે એ તો બધું સમજે છે.
દસ દિવસ પછી માસ્કના ભાવ પાંચ ગણા બોલાતા હતા. ધનપતલાલ તેના માસ્કના દસ ગણા રૂપિયા કમાવા માગતો હતો. પણ રાત્રે અચાનક તેને તાવ સાથે શરદી અને ખાંસી થઇ. છેલ્લા થોડા દિવસથી તેને થોડી તકલીફ હતી પણ તે માસ્કની કામગીરીમાં તેની અવગણના કરી રહ્યો હતો. બીજા દિવસે સવારે તેને વધારે તકલીફ લાગી. શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. સુખલાલે તરત જ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો. તેના રોગના લક્ષણો પરથી તબીબે નોવેલ કોરોના વાઇરસની શંકા વ્યક્ત કરી ખાસ વોર્ડમાં રાખ્યો.
બીજા દિવસે સારવાર દરમ્યાન ધનપતલાલનું મોત થયું. ડોકટરે બહાર આવીને સુખલાલને કહ્યું:"વડીલ, માફ કરજો, ભાઇએ બહુ મોડેથી સારવાર શરૂ કરાવી. અમે તેમને બચાવી શક્યા નથી...."
સુખલાલને પુત્રના મોતથી દુ:ખ થયું પણ રાહત એ વાતની થઇ કે બીજાના જીવ બચી જશે. તેમણે તરત જ ધનપતલાલની ફેકટરી પર ફોન કર્યો અને મેનેજરને કહ્યું કે બનાવેલા તમામ નકલી માસ્કનો નાશ કરી દો. આરોગ્ય વિભાગનો દરોડો પડશે તો બધાએ જેલમાં જવું પડશે. ધનપતલાલ તો ભગવાનની અદાલતમાં પહોંચી ગયા છે....
૨. સાથી હાથ બઢાના
સવારના સમયમાં તાલિકાના ઘરમાં ધમાલ મચી ગઇ હોય છે. પોતાને નોકરીએ જવાનું, પતિને ધંધાર્થે નીકળવાનું, પુત્રને કોલેજ માટે ટ્રેન પકડવાની અને વિધુર સસરાને મંદિરમાં પૂજા કરવા જવાની ઉતાવળ... એમ બધું જ ભેગું થઇ જતું. તેણે પોતાની અને પરિવારના દરેક સભ્યની રસોઇ બનાવીને જવાનું. વળી રસોઇ પણ એવી બનાવવાની કે તે દરેકને ભાવતી હોય. આજે 'આંતરરાસ્ટ્રીય મહિલા દિવસ' હતો. તાલિકાને એમ હતું કે પતિ આજે તેને બહાર જમવા લઇ જશે. પણ કોઇને આ દિવસની પડી ન હતી. તાલિકાને થયું કે એક દિવસ એને ઉજવીને જીવનમાં કયું પરિવર્તન આવી જવાનું છે. પણ એને થતું કે એક દિવસ તો તેને આ બધામાંથી આઝાદી મળી જાય તો કેટલું સારું. તે વિચારતી હતી અને ઘરમાં બૂમાબૂમ શરૂ થઇ ગઇ. બધાના અવાજો સંભળાવા લાગ્યા.
"તાલિકા મારો હાથરૂમાલ ક્યાં છે? અને ટિફિન ભરાઇ ગયું?" પતિએ ટીવીમાં શેરબજારના આંકડાઓ જોતાં જોતાં કહ્યું.
"વહુ બેટા, મારો તાંબાનો કળશ જળથી ભરીને આપી દોને..." સસરાજી ભજન ગણગણતા બોલતા હતા.
"મમ્મી, મારો ટુવાલ બાથરૂમમાં નથી...." પુત્ર બાથરૂમમાં કોઇ અંગ્રેજી ગીત બ્લુટુથ સ્પીકર પર સાંભળતા ચિલ્લાતો હતો.
તાલિકા ચારે તરફ દોડતી હતી.
બાજુના ઘરમાં રેડિયો પર વાગતું ગીત "સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના..." વાગી રહ્યું હતું. એ કોઇને સંભળાતું ન હતું.
૩. ખોટો ખર્ચ
રાજના અને ગરેશ ખરીદી માટે બજારમાં નીકળ્યા હતા. રાજનાએ કરિયાણું લેવા દુકાનદારને યાદી લખાવી. પછી ધીમેથી પૂછ્યું:"ગરેશ, ઘણા સમયથી બદામ લીધી નથી. ગઇ વખતે પણ ભાવ વધારે છે એમ કહી તમે ના પાડી હતી. એના ભાવ ઘટવાના નથી. આપણે કદાચ નહીં ખાઇએ તો હજુ ચાલશે. નાનકા માટે આ વખતે તો લઇ લઇએ. તેના માનસિક વિકાસ માટે જરૂરી છે...."
એ સાંભળી આજની પાંચમી સિગારેટ જલાવવા જઇ રહેલો ગરેશ તાડૂક્યો:"હમણાં બહુ ખેંચ છે. એવા ખોટા ખર્ચા માટે મારી પાસે પૈસા નથી. જરૂરી છે એટલું હમણાં લઇ લે...."
ગરેશના હાથમાં સળગેલી સિગારેટના ધૂમ્ર વલયોમાં કશુંક વિલિન થતું રાજના જોઇ રહી.
૪. દીકરી
હરીશાને પ્રસૂતિ માટે લઇ ગયા હતા. પતિ સાર્વક બહાર ઊંચોનીચો થતો હતો. અને પ્રાર્થના કરતો હતો કે પુત્ર જ અવતરે. તેની બાજુમાં બેઠેલી સાર્વકની માતા લર્શનાબેન પુત્રની ચિંતાને જોઇ રહી હતી. સાર્વકે તેમને કહ્યું હતું કે ડોક્ટર ઓળખીતા છે. જો છોકરી જન્મશે તો તેને પૂછીને મૃત ઘોષિત કરી એની રીતે કાર્યવાહી કરી શકશે. સાર્વકના ત્રણ ભાઇઓ હતા. બધાને ત્યાં એક પુત્ર જ હતો. તેની ઇચ્છા પણ એવી હતી કે કુળને આગળ ધપાવે એવો પહેલો પુત્ર જ પોતાને ત્યાં આવવો જોઇએ.
થોડીવારે ડોક્ટર બહાર આવ્યા. અને સાર્વકને એક ખૂણામાં લઇ જઇ પૂછ્યું કે,"છોકરી છે. શું કરવું છે?" ત્યાં તેની માતા દોડી ગઇ. સાર્વકને એમ કે તે પણ પોતાના મતને યોગ્ય ગણશે અને છોકરી માટે ના પડશે. પણ લર્શનાબેન બોલ્યા:"ડોક્ટર, એ લક્ષ્મી હોય તો એને રહેવા દેજો. અમને વાંધો નથી...."
મા સામે સાર્વક કંઇ બોલી શકે એમ ન હતો. ડોક્ટર જતા રહ્યા પછી લર્શનાબેન બોલ્યા:"બેટા, પુત્રી તો કુટુંબને સંભાળે જ નહીં તારે પણ છે. તને ખબર છે? મારી માને ચાર ભાઇ હતા. એ સૌથી મોટી હતી. જ્યારે મારી માના માતા-પિતા વૃધ્ધ થયા ત્યારે તેમની સંભાળ લેવા કોઇ પુત્ર આગળ ના આવ્યો. બધા બહાના બનાવી છટકી ગયા. મારી માએ તેમની અંતિમ શ્વાસ સુધી સંભાળ લીધી...."
સાર્વક મા સામે નત મસ્તક થઇ ગયો. તેનો પુત્ર મોહ ઓસરી ગયો. તેને પોતાના વિચાર પર શરમ આવી. તેની આંખમાં હર્ષાશ્રુ આવ્યા. તે પુત્રીનું મુખ જોવા તલપાપડ થઇ ગયો.
૫. ભૂલ
શનિતા વિદેશથી એક સપ્તાહ માટે આવી હતી. કારણ હતું તેની બહેનના છૂટાછેડા. ત્રણ વર્ષ પહેલાં તેની બહેન ઇલ્પાના લગ્ન વિતરાન નામના પ્રતિભાશાળી યુવાન સાથે થયા હતા. ઇલ્પા અને વિતરાનની જોડી જામતી હતી. લગ્નજીવનના ટૂંકાગાળામાં એવું તો શું થયું કે ઇલ્પાએ અલગ થવાનું નક્કી કર્યું એ શનિતાને જ નહીં તેના આખા પરિવારને સમજાયું ન હતું. ફોન ઉપર પણ ઇલ્પાએ શનિતાએ અંગત કારણ હોવાનું જ કહ્યું હતું.
ઇલ્પા તેના ઘરે આવેલી શનિતાના સવાલોથી પરેશાન હતી. તે શનિતાને સાચી વાત કહી શકતી ન હતી. તેણે પતિ સાથે વિચારમેળ ન હોવાનું કહી વાતનો અંત લાવી દીધો. શનિતાના હજુ ચાર માસ પહેલાં જ લગ્ન થયા હતા. પરણીને પતિ સાથે વિદેશ ગયેલી શનિતા આવી ન હોત તો ચાલી ગયું હોત. ઇલ્પાને આ વાતની થોડી નવાઇ લાગી હતી. અને શનિતા આવ્યા પછી થોડી મૂંઝવણમાં લાગતી હતી. ઇલ્પાએ તેને ખાનગીમાં પૂછી જ લીધું. ત્યારે શનિતાએ જે વાત કરી એ જાણીને ઇલ્પા ચોંકી ગઇ.
શનિતાને લગ્ન પહેલાં કોલેજમાં ભણતા તનંગ સાથે પ્રેમની લાગણી હતી. પણ એ પોતાના જીવન અને કારકિર્દી પ્રત્યે એટલો ગંભીર ન હતો. અચાનક વિદેશ સ્થાયી થયેલા કંવલનું માંગુ આવ્યું. કંવલ બધી રીતે પતિ તરીકે શ્રેષ્ઠ લાગ્યો હતો. પરિવારના આગ્રહને કારણે તેણે કંવલ સાથે લગ્ન કરી લીધા અને એક અઠવાડિયામાં જ વિદેશ જતી રહી. પણ તનંગ સાથેનો પ્રેમતંતુ તે આસાનીથી તોડી ના શકી. એના સંપર્કમાં ન હતી. પણ તેની યાદ પરેશાન કરતી હતી. બહેન ઇલ્પાના છૂટાછેડાની વાત જાણી તે મોકો મળતા તનંગને એક વખત મળવાના આશયથી દોડી આવી હતી.
ઇલ્પાએ જ્યારે શનિતાના દિલની આ વાત જાણી ત્યારે તે ગંભીર થઇ ગઇ. અને તેને કહ્યું:"બેના, હવે તેને સપનામાં પણ યાદ ના કરતી. તને ખબર નથી. કોઇ છોકરીની છેડતીના કેસમાં તેને પોલીસ પકડી ગઇ હતી. બંને પરિવાર વચ્ચે સમાધાન થયું એટલે એને છોડી દીધો..."
તનંગની હરકત વિશે જાણ્યા પછી શનિતાના દિલમાં તેના માટે હતી એ લાગણીઓ કપૂરની જેમ ઊડી ગઇ અને મનોમન તેને ધિક્કારવા લાગી. એ અઠવાડિયું રહી ત્યાં સુધી તનંગ વિશે કોઇ વાત ના કાઢી અને પતિ વિતરાનની જ વાતો કરતી રહી.
શનિતા વિદેશ પોતાના પતિ પાસે પાછી પહોંચ્યા પછી તેની સાથે વાત પૂરી કર્યા બદ ઇલ્પા મનોમન બોલી:"બેના, મને માફ કરજે. મેં તને તનંગ વિશે ખોટી વાત કરી હતી. તેના વિશે હું કશું જ જાણતી નથી. પણ હું એવું ઇચ્છતી હતી કે મેં જે ભૂલ કરી એ તું ના કરે અને તારું લગ્નજીવન અખંડ રહે...."
ઇલ્પાને યાદ આવી ગયું કે તે બે વર્ષના લગ્નજીવન પછી કોઇ અગમ્ય લાગણીથી પોતાના પૂર્વ પ્રેમી અને દોસ્તને મળવા ગયા પછી તેણે પોતાની સાથે ફરીથી પ્રેમ સંબંધ શરૂ કરવા દબાણ કર્યું અને તે અંગેની વાતની પતિ રોનકને ખબર પડ્યા પછી કેવું મહાભારત થયું હતું.
ઇલ્પાને આનંદ એ વાતનો થયો કે પોતાની ભૂલ બહેનના લગ્નજીવનને તૂટતું બચાવવા માટે ઉપયોગી બની.
*
વાચકમિત્રો, આપને કારણે જ મને તા.૨૬/૧/૨૦૨૦ ના રોજ અમદાવાદ ખાતે માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો છે. મારી તમામ બુક્સના ૩.૨૨ લાખથી વધુ ડાઉનલોડ થઇ ગયા એ બદલ આપનો આભાર!
માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" ના ફેબ્રુઆરી-૨૦૨૦ માં ડાઉનલોડ ૨.૪ લાખ ઉપર પહોંચી ગયા એ બદલ આપનો આભાર! શું તમે "રેડલાઇટ બંગલો" હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે ઉત્તેજના જગાવતી, દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.
આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી અને 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' પણ આપને જરૂર વાંચવી ગમશે.
***
મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી બીજી નવલકથા 'લાઇમ લાઇટ' પણ પસંદ કરવામાં આવી છે. ફેબ્રુઆરી-૨૦૨૦ સુધીમાં ૭૭૦૦૦ ડાઉનલોડ છે. એક રૂપાળી યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને ૪૮ પ્રકરણ સુધી જકડી રાખશે એવી મને ખાતરી છે.
***