પાંચ લઘુકથા
- રાકેશ ઠક્કર
ભાગ-૪
૧. ભજન
નીલાબેનને થયું કે હજુ બે દિવસ પહેલાં તો ચંચળબેન મળ્યા હતા અને આજે અચાનક હ્રદયરોગના હુમલાથી સ્વર્ગે સિધાવી ગયા. ચંચળબેનના અવસાનના સમાચાર જાણ્યા પછી નીલાબેન દુ:ખી મનથી એમને યાદ કરી રહ્યા હતા. પોતે એમનું છેલ્લી વખત મોં જોઇ ના શક્યા એનો અફસોસ થતો હતો. બે દિવસ પહેલાં જ તો એ પડોશમાં રહેતા અને વૃધ્ધ સખી એવા ચંચળબેનને મળીને નીકળ્યા હતા. એક સામાજિક પ્રસંગે બહારગામ જવાનું ના થયું હોત તો મોંમેળાપ થઇ જાત. નીલાબેનને બીજા દિવસે સંદેશો મળ્યો કે ચંચળબેનની યાદમાં એમના પુત્ર મયંકે ભજનનો મોટો કાર્યક્રમ રાખ્યો છે.
નીલાબેન પોતાનું કામ પતાવી ભજનના દિવસે આવી ગયા. શહેરના એક મોટા હોલમાં જાણીતા ભજનિકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ચંચળબેનના ખાસ સખી બહેનો માટે વિશેષ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી હતી. નીલાબેનને એમનો પુત્ર હોલ પર મૂકી ગયો. હજુ બહુ ઓછા લોકો આવ્યા હતા. ભજનિકના માણસો તૈયારી કરી રહ્યા હતા. તે હોલમાં પ્રવેશ કરતાં હતા ત્યારે મયંક સામે જ મળ્યો. એણે નીલાબેનને આવકાર આપ્યો અને બોલ્યો:"માસી, તમે બહારગામ હતા પણ અમે તમને બહુ યાદ કર્યા. માની યાદમાં આ ભજનનો કાર્યક્રમ રાખ્યો છે. એમને ભજનનો બહુ શોખ હતો. આજે ભજનના માધ્યમથી એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીશું. આવો..અંદર પેલી પ્રથમ હરોળની બેઠક પર સ્થાન લો...."
"હા, બેટા..." કહી નીલાબેન એ તરફ આગળ વધતા હતા ત્યારે એક ભાઇ મયંકને કહી રહ્યા હતા:"ભાઇ, તમે તો માતાને લાગણીભીની શ્રધ્ધાંજલિ આપી રહ્યા છો. મા માટે બહુ ખર્ચ કર્યો છે..."
મયંક બોલી રહ્યો હતો:"આ જાહોજલાલી એમના જ આશીર્વાદથી છે ને?"
નીલાબેન બેઠક પર ગોઠવાયા. સ્ટેજ પર મૂકેલી ફોટોફ્રેમમાં ચંચળબેનનો હસતો ચહેરો જોઇ એમની આંખો ભીની થઇ ગઇ. અને એક અઠવાડિયા પહેલાંનો એમની સાથેનો સંવાદ યાદ આવી ગયો. ચંચળબેન કહેતા હતા:"બેન, મારી તો બહુ ઇચ્છા છે કે આપણા શહેરની મહિલા મંડળની બહેનોના ભજનનો એક કાર્યક્રમ આ બંગલામાં રાખું અને તેમને કોઇ ભેટ આપું. બધી બહેનો શ્રધ્ધાથી બધાંના ઘરે ભજન ગાવા જાય છે અને જે ભેટ મળે એના દ્વારા લોક સેવાના કામો કરે છે પણ મયંક ના પાડે છે. કહે છે કે એવા ખર્ચા માટે આપણી પાસે પૈસા નથી. એકલા બેઠા ટીવીમાં આવે છે એ ભજન સાંભળ્યા કરો...."
નીલાબેને જોયું કે ભજનના કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે ઠેર ઠેર એલઇડી સ્ક્રીન મૂકવામાં આવ્યા હતા અને મોટો ખર્ચ કરવામાં આવ્યો હતો. અચાનક એમની નજર ચંચળબેનની તસવીર પર પડી ત્યારે એમ લાગ્યું કે એમાંથી આંસુ સરી રહ્યા છે.
૨. અહેસાન
દિવાળીનો તહેવાર આવતો હતો એટલે કંપનીના બધા કામદારોને આશા હતી કે શેઠ આ વખતે સારી ભેટ આપશે. દર વર્ષે શેઠ તરફથી ભેટ અપાતી હતી પણ આ વખતે કોરોના જેવી મહામારીમાં ઇમરજન્સી સેવા તરીકે તેમની કંપનીમાં દવાઓના ઉત્પાદનનું કામ જોરશોરથી થયું હતું. બધા જ કામદારો કોરોનાનો ભય હોવા છતાં પોતાની ફરજ સમજી કામ પર આવ્યા હતા. એમણે જીવને જોખમમાં મૂકી કંપનીને મદદ કરી હતી. શેઠને કોરોનામાં દવાઓનું વેચાણ વધુ ભાવથી વધારે થયું હોવાથી સારી કમાણી થઇ હતી. એમણે આખા વર્ષની કમાણી ચાર જ મહિનામાં કરી લીધી હતી.
દિવાળીના બે દિવસ પહેલાં શેઠ તરફથી ભેટ આપવામાં આવી. કામદારોને એ જોઇને નવાઇ લાગી કે ગયા વર્ષથી પણ નાની ભેટ હતી. જીવના જોખમે કામ કરવા બદલ તેમની ખાસ કદર કરવામાં આવી ન હતી. મોટાભાગના કામદારો નિરાશ થઇને ચૂપ રહ્યા. એક વરુણને આ વાત હજમ ના થઇ. તેણે શેઠને કહી જ દીધું:"શેઠ, અમને વિશેષ ભેટ મળવી જોઇતી હતી. કોરોનામાં અમે જીવનું જોખમ લઇને કામ કર્યું છે..."
શેઠ કહે:"તારે તો કંપનીનો આભાર માનવો જોઇએ કે આવા કપરા કાળમાં લોકોની નોકરીઓ જતી રહી છે ત્યારે તમને કામ અને પગાર મળ્યા. તમારે તો અહેસાન માનવું જોઇએ..."
વરુણ કંઇ બોલી શક્યો નહીં. તેને એ ન સમજાયું કે કોણે કોના પર અહેસાન કર્યું?
૩. બારી
હિંમતભાઇનો પરિવાર એક પ્રસંગમાં હાજરી આપવા ટ્રેનમાં જઇ રહ્યો હતો. પોતાના કોચમાં આવીને તરત જ એમના યુવાન પુત્ર કલિકે નંબર પ્રમાણે બારી પાસેની જગ્યા પર કબ્જો જમાવી લીધો. એની યુવાન બહેન યેતા તરત જ બોલી:"જો જે હોં... અડધેથી બારી મને આપવાની છે. ભૂલતો નહીં..."
"હા ખબર છે. ઘરે નક્કી તો થયું હતું કે એક જ સીટનો નંબર વિન્ડોનો છે એટલે આપણે બંને વારાફરતી બેસીશું..." કલિકે કહ્યું.
ઘરેથી નીકળતી વખતે પણ બંને વચ્ચે આ બાબતે કચકચ થઇ હતી. ત્યારે હિંમતભાઇએ કહ્યું હતું:"તમે યુવાન થયા તો પણ હજુ બાળકો જેવું જ કરો છો. બાળપણ ગયું નથી..." ત્યારે કલિકે કહ્યું હતું:"તમારા માટે તો અમે બાળકો જ રહેવાના ને?"
કલિક બારીની બેઠક પર બેસવાનો આનંદ લઇ રહ્યો હતો.
મુસાફરો કોચમાં આવીને પોતાની બેઠક પર સ્થાન લઇ રહ્યા હતા. ત્યાં એક પરિવાર આવ્યો. એમના બે નાના બાળકો હતા. એમની એક પણ બેઠકનો નંબર બારી પાસે ન હતો. નાની બાળકી એ કારણે રડવા લાગી. તેનો નાનો ભાઇ પણ બારી પાસે બેસવાની જીદ કરવા લાગ્યો. બાળકોના માતાએ કલિકને વિનંતી કરતાં કહ્યું:"ભાઇ, મારા બાળકોને બારી પાસે બેસવા દેશો? નહીંતર આખી યાત્રામાં માથું ખાઇ જશે!"
કલિકે યેતા અને માતા-પિતા સામે જોયું. પછી જાતે જ નિર્ણય કરીને બારીની જગ્યા ખાલી કરી આપી. બાળકોની માતાએ બાળકીને કહ્યું:"કેયા, જા તું પહેલાં બેસી જા...અડધેથી જેવનને બારી આપી દેજે..."
બારી સિવાયની બેઠક પર જઇને બેઠેલા કલિકને જોઇ હિંમતભાઇને મનમાં થયું:"બાળકો હવે ખરેખર પરિપકવ અને સમજદાર થઇ ગયા છે."
૪. બે-મન
પહેલું દ્રશ્ય એક મોટા શહેરના ઉદ્યોગપતિના મનનું.
આ વખતે વરસાદ સાવ ઓછો પડે છે એ સારું છે. અમારી પ્રોડક્ટ મોંઘા ભવે વધારે વેચાશે અને નફો સારો થશે.
*
બીજું દ્રશ્ય એક નાના ગામના ખેડૂતના મનનું.
આ વખતે વરસાદ ઓછો ના પડવો જોઇએ. હજુ વરસાદ આવે તો સારું છે. થોડું વધુ અનાજ-કઠોળ થાય તો લોકોને સસ્તું મળી રહે.
૫. લલિતાનો પતિ
કામવાળી લલિતા શહેરની એક સોસાયટીમાં ચાર-પાંચ ઘરે કામ કરવા જતી હતી. તેની દયનીય સ્થિતિ જોઇને મહિલાઓ એને મદદ કરતી હતી. ગામમાં એનો પતિ રાત-દિવસ દારૂ પીને ઘરમાં પડ્યો રહેતો અને મારપીટ કરતો હતો. લલિતા દૂરના એક ગામડેથી આવતી હતી. તેને આવવા-જવામાં પણ ઘણો ખર્ચ થતો. મહિલાઓ સોસાયટીની બીજી બધી કામવાળીઓ કરતાં લલિતાને ખાનગીમાં વધારે પગાર આપતી હતી. બધી જ મહિલાઓ એની કરુણ કહાની સાંભળીને દુ:ખી થતી અને એના પતિને સીધો દોર કરવા પોલીસમાં ફરિયાદ કરવાની સલાહ આપતી હતી. પણ લલિતા પડ્યું પાનુ નિભાવી લેવામાં માનતી હતી. લલિતા કહેતી કે એ કયારેક તો સુધરશે. મહિલાઓ પણ કોઇની અંગત વાતમાં વધારે માથું મારવાનું ટાળતી હતી.
આજે તો પતિએ એને માથામાં માર્યું હતું. એ પાટો બાંધીને આવી હતી. એક-બે મહિલાએ એની દયા ખાધી અને દવાના પૈસા પણ આપ્યા. લલિતા બધાના કામ પતાવી સોસાયટીની બહાર નીકળી ત્યારે એક મહિલાએ કહ્યું કે હું તને ઘરે મૂકી જાઉં. ત્યારે એણે કહ્યું કે રીક્ષા મળી જાય છે. તે એક કિલોમીટર જેટલું ચાલીને મુખ્ય ચાર રસ્તાથી દૂર રોડ પર ઊભેલી એક કારમાં જઇને બેસી ગઇ. એના પતિએ કાર ચાલુ કરતાં કહ્યું:"હવે આ પાટો કાઢી નાખ. નહીંતર ગામવાળા મને એમ કહી મારશે કે મેં તને માર્યું છે!"