પાંચ લઘુકથા - 1 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાંચ લઘુકથા - 1

૧. હાથીના દાંત
રાત્રે પાર્ટીમાં જઈને પાછી ફરેલી આધુનિક માતાએ પોતાની સોળ વર્ષની પુત્રીને મોબાઈલમાં અભ્યાસનું વાંચતા જોઈ.
માતાને થયું કે પુત્રી અડધી રાત્રે તેના બોયફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહી છે. એટલે કહ્યું:"શું જમાનો આવ્યો છે, અમે તો આ ઉંમરે કોઈ છોકરા સાથે વાત કરી શકતી ન હતી. તારા પપ્પા સાથે લગ્ન ગોઠવાયું પછી કાગળ લખવાની હિંમત થતી ન હતી...હવે આ બધું બંધ કર અને સૂઈ જા..."
મા પોતાના બેડરૂમમાં ગઈ. પતિ નિરાંતે સૂતો હતો. એણે મોબાઈલ ખોલ્યો અને પુરુષ મિત્ર સાથે ચેટીંગ કરવા લાગી.
૨. ભીખ
નલીનભાઇ ટ્રેનમાં એક રોગગ્રસ્ત ભિખારીને વઢવા લાગ્યા:"ભીખ માંગતા શરમ નથી આવતી? મહેનત કર. મફતનું લેવા દોડી આવે છે?"
ભિખારી કહે:"સાહેબ, સવારથી ચા નાસ્તો કર્યો નથી. કંઇક આપો..."
"જા જા ભિખારી.." કહી નલીનભાઇ સ્ટેશન આવ્યું એટલે ઉતરી ગયા.
નલીનભાઇ ઑફિસમાં જઈ બેઠા અને એક ભાઈ આવ્યા. તેને કાગળ આપ્યો. પેલો ભાઈ આભાર માનીને જવા લાગ્યો. નલીનભાઈ કહે:"ભાઈ, ચા પાણીના કંઇક આપી જાવને..."
૩. વેપારી
આજે શરદભાઈ ખુશ હતા. આજે સારું વેચાણ થયું હતું. ઘરમાં પ્રસંગ હતો. અત્યારે પૈસાની સખત જરૂર હતી. શરદભાઈ જયોતિષ શાસ્ત્ર પ્રમાણે યંત્ર વેચતા હતા. એ જુદા જુદા યંત્ર વેચતા હતા. કોઈ યંત્ર સુખ સમૃદ્ધિ માટે હતું તો કોઈનાથી લક્ષ્મીની કૃપા વરસતી હોવાનો તે દાવો કરીને વેચતા હતા.
તે ઘરે આવ્યા ત્યારે તેમની પંદર વર્ષની પુત્રી કહેવા લાગી:"પપ્પા! મારી પરીક્ષા છે. તમારી પાસે પેલું વિદ્યાનું શ્રીયંત્ર છે એ આપો ને! એનાથી લાભ થઈ જાય તો વાંચવું ના પડે ને?"
ત્યારે શરદભાઈ તેને પ્રેમથી સમજાવતા બોલ્યા:"બેટા, મહેનત જેવું કોઈ શ્રીયંત્ર નથી. સ્વાધ્યાયથી જ વિદ્યા આવે છે. આ તો પેટ ભરવા માટેનું યંત્ર છે. મંત્ર યંત્રથી ઘર ચાલી શકે પણ પરીક્ષા માટે તો અભ્યાસ જ જોઈએ."
૪. ગુરુનો ગુરુ બન્યો વિદ્યાર્થી
શાળામાં આજે નિબંધ સ્પર્ધા હતી. બધા જ બાળકો મા વિષય પર સરસ મજાનો નિબંધ લખી લાવ્યા હતા. દરેક બાળક નિબંધ વાંચી રહ્યા હતા ત્યારે જમનભાઈ ઘ્યાનથી સાંભળી રહ્યા હતા. એક વિદ્યાર્થી બોલ્યો:"મારી મા દુનિયાની સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે. મા મારી એટલી બધી કાળજી રાખે છે કે ક્યારેક મને એમ લાગે છે કે હું બીમાર તો નથીને? સવારથી રાત સુધી એ મારા સુખ સુવિધાના વિચાર જ કરતી રહે છે. પોતાના વિશે કંઈ વિચારતી જ નથી. હું મોટો થઈને માની ખૂબ સેવા કરવા માગું છું. ઘરમાં ભગવાનની તસવીરની જરૂર જ નથી. મા મને ભગવાનથી પણ મહાન લાગે છે. મા તે મા બીજા બધા વગડાના વા એ સાચું જ કહ્યું છે. મા વિશે વધારે કંઇ કહેવાની જરૂર નથી. એનો પ્રેમ તો બધા જ સંતાન અનુભવે છે. માની સેવા એ ભગવાનની જ સેવા છે..."
વિદ્યાર્થીનો દિલથી લખાયેલો નિબંધ સાંભળી જમનભાઈનું દિલ ખળભળી ઉઠ્યું. શાળાએથી છૂટીને એ સીધા ડોક્ટર પાસે ગયા અને ઘણા દિવસોથી બીમાર એવી માની સારવારનો સંકલ્પ લીધો. જમનભાઈને નાનપણ સાંભર્યું. તે બોલી ઉઠયા:"આજે મારો વિદ્યાર્થી મારો ગુરુ બન્યો...મારી આંખ ખોલી નાખી."
૫. સ્વચ્છતા
"આપણા દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે. સરકાર તો સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે. પણ આપણે જ્યાં સુધી સ્વચ્છતાનો આગ્રહ રાખીશું નહિ ત્યાં સુધી આ અભિયાન સફળ થવાનું નથી. દરેક નાગરિકની ફરજ છે કે સ્વચ્છતા જાળવવામાં પોતાનું યોગદાન આપે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ સૂત્રને સાર્થક કરવાનું છે. મારા તમામ દેશવાસીઓને વિનંતિ છે કે દરેક નાગરિક આ અભિયાનમાં પોતાનો સહયોગ આપે..."
મંત્રીશ્રી પોતાનું ભાષણ પતાવી સ્ટેજ પરથી ઉતરી નજીકના સરકારી રેસ્ટ હાઉસમાં ગયા. તે ઘણા કલાકથી તમાકુનો માવો ખાઈ શક્યા ન હોવાથી મનોમન અકળાયા હતા. મોંમાં માવો ઓર્યો ત્યારે રાહત થઈ. હજુ બે જગ્યાએ પ્રવચન માટે જવાનું હતું. તે બહાર નીકળ્યા એટલે કાર આવી ગઈ. કારમાં બેસતા પહેલાં તેમણે જાહેરમાં એક પિચકારી મારી હોઠ પરની ગંદી લાળ ઝભ્ભાની કિનારીથી લૂછી અને અંદર બેસી ગળે માવાનો રસ ઉતારવા લાગ્યા!