પાંચ લઘુકથા
- રાકેશ ઠક્કર
ભાગ-૫
૧. આરતી
યમુનાબેનની મજબૂરી હતી કે એમણે દીકરા-વહુ સાથે રહેવું પડતું હતું. એમણે કેટલીય અગવડતાઓ અને દુ:ખો વેઠીને હિરેનને ભણાવ્યો હતો. આજે તે સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર હતો. સારો પગાર અને સારી સુવિધા હતી. હિરેનની પત્ની રચના પણ સરકારી નોકરીમાં હતી. બંને સારું કમાતા હતા. છતાં યમુનાબેનને સારી રીતે રાખતા ન હતા. વૃધ્ધ માતા એમના માટે બોજા સમાન હતી. યમુનાબેન માંદા પડતા ત્યારે પણ કોઇ કાળજી રાખતા નહીં. યમુનાબેન પોતાનું દુ:ખ કોઇને કહેતા ન હતા.
સોસાયટીમાં આજથી નવરાત્રિ પર્વ શરૂ થતું હતું. હિરેન અને રચના એ માટે હજારોની કિંમતના કપડાં લઇ આવ્યા હતા. બંને તૈયાર થઇને ઘરમાંથી નીકળતા હતા ત્યારે યમુનાબેન લાચાર બની બેસી રહ્યા હતા. તેમની પાસે એક નવી સાડી ન હતી જે પહેરીને નવરાત્રિના કાર્યક્રમમાં જઇ શકે. હિરેને પહેલાંથી જ એમને પાડી દીધી હતી કે તમારે સોસાયટીમાં નીચે ઉતરવાની જરૂર નથી. બધા મોટા લોકો સાથે તમને ફાવશે નહીં. રચના એક શણગારેલી થાળી પર કપડું ઢાંકી બહાર નીકળી એ યમુનાબેને જોયું. પછી તે ફ્લેટની બારી પાસે આવી માતાજીની આરતીનો લાભ લેવા માટે એક ખુરશીમાં બેસી ગયા.
મહારાજ આવી ગયા હતા. રચનાએ થાળી એમને આપી. મહારાજે થાળીમાં મૂકેલી કિમતી સાડી માતાજીના ચરણોમાં અર્પણ કરી. અને આરતીની થાળી તૈયાર કરી હિરેન અને રચનાને આપી. બંનેએ માતાજીની આરતી કરી. ઉપર બારીમાંથી યમુનાબેન આ બધું જોતાં હતા. તેમણે આંખની ધાર પર આવેલા આંસુને જૂની સાડીના પાલવથી લૂછીને આરતી કરી પ્રાર્થના કરતાં કહ્યું:"માતાજી, મારા સંતાનોને સુખી રાખજો...."
૨. દીકરી
વનિતાને બીજા ખોળે પણ છોકરી જ જન્મી હતી. તેને છોકરાની આશ હતી. ગામમાં એની બધી બહેનપણીઓને પહેલા ખોળે છોકરો હતો. પહેલી છોકરી જન્મી ત્યારે તેણે બહુ અફસોસ કર્યો હતો. બીજી વખત છોકરી જન્મી ત્યારે તેને થયું કે આને રાખવી નથી. પતિએ એને પહેલાં જ સમજાવ્યું હતું કે દીકરી હોય કે દીકરો બધા સરખા જ છે. પણ એને દીકરાની બહુ આશ હતી. મોડી રાત્રે તે તાજી જન્મેલી દીકરીને એક કાપડમાં બાંધી બહાર નીકળી અને ગામના છેવાડે મૂકવામાં આવેલી મોટી કચરાપેટીમાં ફેંકવા જતી હતી ત્યારે અંદરથી મસ્તી કરતાં ગલૂડિયાનો અવાજ સાંભળી તે ચોંકી ગઇ. સહેજ આગળ જઇ કચરાપેટીમાં જોયું તો એક કૂતરી કચરામાંથી ખાવાનું ફેંદી રહી હતી અને તેના ચાર ગલૂડિયાં એને ધાવી રહ્યા હતા. અચાનક ચમકારો થયો હોય એમ વનિતાએ હાથમાંની દીકરીને છાતી સરસી ચાંપી દીધી અને ઘરે આવી દૂધ પીવડાવવા લાગી. તેની આંખમાંથી હર્ષના આંસુ વહી રહ્યા હતા.
૩. પરીક્ષા
ગામમાં સરપંચની ચૂંટણી હતી. એમાં ઊભા રહેલા ત્રણ ઉમેદવારોમાંથી ગીરધરભાઇને સૌથી ઓછા મત મળ્યા હતા. એ દિવસે ઘરે એમના જૂના મિત્ર પરબતભાઇ આવ્યા અને કહ્યું:"ગિરધર, તારા જેવા ઇમાનદાર અને સેવાભાવી માણસને આટલા ઓછા મત મળે એ મારા માનવામાં આવતું નથી...."
ગિરધરભાઇ કહે:"આ ગામના લોકોને જે લાયકાત જોઇએ છે એ મારી પાસે નથી...."
પરબતભાઇ કહે:"કોણ કહે છે તારામાં લાયકાત નથી? બધા કરતાં વધુ ભણતર છે. કામ કરવાની શક્તિ છે. તું ઇમાનદાર અને દિલદાર માણસ છે. તારામાં કોઇ ખોટ નથી..."
ગિરધરભાઇ કહે:"પણ ભાઇ, નેતા બનવા માટે મારી આ લાયકાતો કોઇ કામની નથી. હું ગુંડાઓનો દોસ્ત નથી, ભ્રષ્ટાચાર કરું એવો નથી, ખોટા કામનો વિરોધી છું, ગેરકાનૂની કામો કરું એવો નથી. અને આ લાયકાતો હું કેળવી શકું એમ નથી. આ તો મેં મારી નહીં આપણા મતદારોની પરીક્ષા કરવા જ ઉમેદવારી નોંધાવી હતી...."
૪. માફી
જગનભાઇ છેલ્લા શ્વાસ લઇ રહ્યા હતા. ડૉક્ટરે કહી દીધું હતું કે એ હવે થોડા કલાકના મહેમાન છે. તેમનું ઓક્સિજનનું લેવલ સતત ઘટી રહ્યું છે. ઓક્સિજનનો બોટલ રાખીએ ત્યાં સુધી જીવનદોર છે. એ જાણી ઉદ્યોગપતિ જગનભાઇને તેમની ફેકટરી પર જવાની જીદ કરી. બધાંને નવાઇ લાગી પણ તેમની અંતિમ ઇચ્છા સમજી લઇ જવામાં આવ્યા. જ્યાં કેટલીય કંપનીઓમાંથી છોડવામાં આવતા ગેસ અને ધૂમાડાથી વાતાવરણ પ્રદૂષિત હતું. શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બને એવી સ્થિતિ હતી. જગનભાઇએ સ્ટ્રેચર પર સૂતા સૂતા ફેકટરીમાં એક જગ્યાએ લઇ જવા કહ્યું. અને ઇશારાથી એક જગ્યા બતાવી ત્યાં વૃક્ષો વાવીને તેનું જતન કરવાનું કહ્યું. આજથી કેટલાય દાયકાઓ પહેલાં તેમણે ફેકટરી બનાવવા વૃક્ષો કપાવી નાખ્યા હતા. પણ પોતાના સ્વાર્થમાં નવા છોડ રોપ્યા ન હતા. જગનભાઇએ વર્ષો જૂના કપાયેલા એક વૃક્ષના ઠૂંઠા સામે જોયું. એમણે જાણે નજરથી માફી માગી અને શ્વાસ છોડી દીધા.
૫. ભાન
દસ વર્ષના પુત્રની તબિયત જમ્યા પછી અચાનક બગડી ગઇ. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. વેપારી પિતા પોતાનો કામધંધો છોડી હોસ્પિટલે પહોંચી ગયો. ડૉકટરે કહ્યું કે ફૂડ પોઇઝન થઇ ગયું છે. ખાવાની વસ્તુમાં ભેળસેળ થતી હોય ત્યારે આવું થતું હોય છે. વેપારીએ પત્નીને પૂછ્યું કે દીકરાએ શું ખાધું હતું. પત્નીએ એ વસ્તુનું અને કંપનીનું નામ આપ્યું એટલે વેપારી ચોંકી ગયો. અને કંઇક ભાન થયું હોય એમ તેણે તરત જ દુકાન પર ફોન કરી કહ્યું:"જુઓ, આજથી એ ભેળસેળ બંધ કરી દો. ઓછી કમાણી થશે તો ચાલશે...."