અંગત ડાયરી
============
શીર્ષક : સંબધ - રીલેશન
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
થોડા સમય પહેલા અમારું ફ્રીઝ બગડી ગયું હતું. ફ્રીઝના ડોરમાં નીચેનો ખૂંટો તૂટી ગયો હોવાથી ડોર બંધ નહોતું થતું. માંડ ટેકવી રાખો તો ખોલતી વખતે હાથમાં જ આવી જતું. મોટા શહેરમાં રહેતા હતા. એક બે કારીગરોને બતાવી જોયું. એક જ જવાબ મળ્યો: રીપેર નહિ થાય, બદલાવી નાખો આખું ફ્રીઝ. એ પછી અમારી સહેજ નાના શહેરમાં બદલી થઇ. ફ્રીઝ પણ સાથે લેતા ગયા. કારીગરને બતાવી જોયું. એ રીપેર કરી ગયો. એકદમ ચકાચક. એક વર્ષ થઇ ગયું. મસ્ત ચાલે છે. કારીગરે કહ્યું: ‘નાના ગામમાં તમને કોઇપણ વસ્તુ રીપેર કરવાવાળા મળી જશે. થીગડ-થાગડ કરીને પણ, ગમે તેમ તમારી વસ્તુ અહીં રીપેર થઇ જ જશે. કેમ કે મોટા શહેરમાં શું છે માણસો વધુ હોય ને? એટલે રીપેર કરવામાં સમય બગાડવો કારીગરોને પોસાય નહિ.’
એના આ વાક્યમાં મને એક બહુ મોટી ફિલોસોફી દેખાઈ : શહેરોમાં કોઈ સંબંધ ખોટવાય કે બગડે તો એને રીપેર કરવાને બદલે નવો સંબંધ બાંધી લેવાની એક પરંપરા બની રહી છે – એની પાછળનું કારણ અનેક સંબંધીઓ હોવાની કે દરેકનો વિકલ્પ ઉપલબ્ધ હોવાની સગવડતા હશે કે પછી સંબંધ નિભાવવા માટે ની આપણી કેપેસીટીમાં ઘટાડો થઇ રહ્યો છે કે પછી ત્રીજું જ કંઈ?
સંબંધો મારી દ્રષ્ટિએ બે પ્રકારના હોય છે: એક કુદરતી જેમાં માતા-પિતા, ભાઈ-બહેન, સંતાનો આવે અને બીજું માનવસર્જિત જેમાં મિત્રો, જીવનસાથી વગેરે આવે. સંબંધો છૂટક પણ બંધાતા હોય અને જથ્થાબંધ પણ બંધાતા હોય. એક સંતે હમણાં ‘જી સીરીઝ’ની વાત કરી. લગ્ન બાદ કાકાજી, મામાજી જેવા અનેક સગાંઓ જથ્થાબંધ રીતે તમારા જીવનમાં જોડાઈ જાય. એ તમારા કૈંક થઇ જાય અને તમે એના કૈંક થઇ જાઓ. જોકે મારી દ્રષ્ટિએ સગાં અને સંબંધીમાં થોડો ફરક છે. સંબંધી સાથે તમારે ડાયરેક્ટ અને નિયમિત કોન્ટેક્ટ હોય જયારે સગાં તો એવાય હોય જે છેલ્લા સાત-સતર વર્ષથી તમને મળ્યા પણ ન હોય, એવુંય બની શકે. જોકે ગણાય સગાં નજીકનાં, પણ હોય સંબંધી નજીક એવું મારું માનવું છે. પહેલો સગો પાડોશી કહ્યું છે એમાં ખરેખર પાડોશી કંઈ સગો થતો નથી, પણ આપણો એની સાથેનો સંબંધ, નિયમિત મુલાકાત, વિચારોની આપલેની ફ્રિકવન્સી વધુ હોય એટલે એ પહેલો સગો. જેમ દોસ્તી એક પોઝિટીવ સંબંધ છે એમ દુશ્મની પણ એક સંબંધ છે. કોઈએ ખરું જ કહ્યું છે કે ‘દુશ્મની’નો સંબંધ વધુ ઈમાનદારીથી નિભાવવામાં આવતો હોય છે. દોસ્તે કહ્યું હોય કે વખત આવ્યે હું મદદ કરીશ એ કદાચ ન પણ કરે, જયારે દુશ્મને કહ્યું હોય કે વખત આવ્યે ‘જોઈ લઈશ’ એટલે સાલ્લુ એ ‘જોઈ જ લે’. (આ તકે એક અંગત વિનંતી. તમારી દુશ્મની કોઈ સજ્જન સાથે હોય તો પ્લીઝ.. એને જોઈ ન લેતા, એને માફ કરી દેજો.. પ્લીઝ)
એક શિક્ષકને એના સંબંધીએ કહ્યું : ‘મારા બાબલાના માર્ક સરખા મૂકજો.’ શિક્ષકે ચોખ્ખી ના પાડી દીધી. ‘એને જેટલા આવતા હશે એટલા જ મૂકીશ’ સંબંધીને ખોટું લાગી ગયું. સંબંધ પૂરો થઇ ગયો. એમણે સુંદર ખુલાસો મારી પાસે કર્યો ‘મેં એમને કહ્યું હતું કે તમારો અને મારો સંબંધ છે એ નાતે હું તમારા બાળકને મારે ઘેર ફ્રીમાં વધુ ભણાવીશ, તમે મારે ત્યાં નાસ્તો-પાણી કરી જજો પણ પરીક્ષામાં કે ઈન્ટરવ્યુમાં એને એની ગુણવત્તાના આધારે જ માર્ક મળશે.’ એક સામાન્ય માણસની આ ખુમારીથી જ ભારત દેશ ‘મહાન’ કહેવાતો હશે?
જે સંબંધ તમને ‘ખોટું કામ કરવા’ કે ‘તમારા મનગમતા સાચા સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવા’ શરમાવતો હોય કે મજબૂર કરતો હોય, એ સંબંધ કાલ તૂટતો હોય તો આજ તોડી નાખજો. આવા સંબંધો વર્ષો સુધી સાચવવા છતાં એમાંથી કંઈ જ પોઝિટીવ નહિ નીકળે એની મારી ગેરેંટી.
આજકાલ સંબંધોમાં લંબાઈ અને પહોળાઈ વધી રહ્યા છે પણ ઊંડાણ ઘટી રહ્યું છે. એકાદ ઊંડો સંબંધ આખું જીવન જીવી જવા માટે કાફી હોય છે. એમાંય ઈશ્વર સાથેના સંબંધનું ઊંડાણ જો સમજાય જાય તો, આ જન્મ તો શું આવનારા તમામ જન્મો સુધરી જાય.
આજના દિવસે સારા વ્યક્તિઓ સાથેનો સૂકાઈ કે ભૂલાઈ રહેલો સંબંધ એક ‘ફોન કોલ’ કે ‘વોટ્સઅપ’ મેસેજ દ્વારા તાજો કરીએ તો કેવું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)