25 top sports of the world books and stories free download online pdf in Gujarati

વિશ્વના 25 અતિશય લોકપ્રિય સ્પોર્ટ્સ

કહેવાય છે કે દુનિયા આખી લગભગ ૧૦૦૦ વર્ષથી વિવિધ પ્રકારના સ્પોર્ટ્સ એટલેકે રમતો રમે છે હવે જ્યારે આટલા બધા વર્ષોથી રમતો રમાતી હોય ત્યારે સ્વાભાવિક છે કે એમાંથી કેટલીક રમતો દુનિયાભરમાં ખૂબ લોકપ્રિય થઇ હોય અને અમુક રમતોનો કોઈ ભાવ પણ ન પૂછતું હોય. તેમ છતાં રમતો રમવી એ માત્ર શારીરિક ક્ષમતાનું જ પ્રતિક નથી પરંતુ તેનાથી ખેલાડીની માનસિક તાકાત પણ ખબર પડી જતી હોય છે.

તો સામે પક્ષે જે લોકો આ રમત જોવે છે એટલેકે આપણા જેવા દર્શકો એમના માટે રમતો મનોરંજનનું સાધન પણ છે. ઘણી એવી રમતો પણ છે જે વિવિધ દેશોની રાષ્ટ્રીય ઓળખ બની ગઈ છે જેમ કે બ્રાઝીલ માટે ફૂટબોલ અને ભારત માટે ક્રિકેટ. તો હજાર વર્ષથી રમતી અસંખ્ય રમતો માંથી ૨૫ એવી કઈ રમતો છે જે વિશ્વભરના લોકોને સહુથી વધુ ગમે છે? ચાલો જાણીએ!

૨૫ – કુસ્તી

મોટાભાગની રમતોનો ઈતિહાસ ભલે ૧૦૦૦ વર્ષથી જૂનો ન હોય પરંતુ કહેવાય છે કે કુસ્તી તો આખી દુનિયામાં લગભગ પાંચ હજાર વર્ષથી પણ વધુ સમયથી રમાય છે. જો કે આજના જમાનામાં WWEને પણ કુસ્તી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આપણે જેની વાત કરી રહ્યા છીએ તે પરંપરાગત કુસ્તીની વાત છે, જેનો ઉલ્લેખ મહાભારત અને રામાયણમાં કરવામાં આવ્યો છે. એ સમયનું મલ્લ યુદ્ધ પણ એક પ્રકારની કુસ્તી જ હતી. આજે ઓલિમ્પિકમાં પણ કુસ્તી મહત્ત્વનો ભાગ ભજવે છે અને તેમાં ઈરાન અને ભારતનો દબદબો છે. ભારતમાં તો કુસ્તીના વિષય પર ફિલ્મો પણ બનવા લાગી છે.

૨૪ – વોટર પોલો

વર્ષ ૧૯૦૦માં વોટર પોલોની રમતની શોધ ઇંગ્લેન્ડમાં થઇ હતી. એક રીતે જોવા જઈએ તો આ રમત એ બાસ્કેટબોલ અને ફૂટબોલનું મિશ્રણ છે અને આ રમત સ્વિમિંગ પૂલમાં રમાતી હોય છે. અહીં પણ બે અલગ અલગ ટીમના ખેલાડીઓ ગોલ કરવાનો પ્રયાસ કરે છે અને અહીં પણ વિરોધી ટીમનો ગોલ રોકવા માટે એક કીપર હોય છે. જો કે વોટર પોલોને દુનિયાની સહુથી તેજગતિથી રમાતી રમત તરીકે પણ માનવામાં આવે છે અને તેને કારણે તે ઘણી મનોરંજક પણ બની ગઈ છે.

૨૩ – ટેબલ ટેનીસ

ટેબલ ટેનીસની રમતમાં ચીનનો દબદબો જોઇને આપણને એ જાણીને ખરેખર આશ્ચર્ય થાય કે આ રમત ચીનમાં નહીં પરંતુ જર્મનીમાં શોધાઈ હતી. વર્ષ ૧૯૨૫માં બર્લિનમાં એક કાયદેસર ઇન્ટરનેશનલ ટેબલ ટેનીસ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી જેનું કાર્ય વિશ્વભરમાં ટેબલ ટેનીસની લોકપ્રિયતા વધારવાનું હતું. આ એસોસીએશને જ ટેબલ ટેનીસને ચીનમાં લઇ જઈને તેને લોકપ્રિય બનાવ્યું. ઓલિમ્પિક હોય કે કોઇપણ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપ હોય ચીન ટેબલ ટેનીસની રમત પર કાયમ પ્રભુત્વ દેખાડે છે. જો કે સ્વિડન અને ઇંગ્લેન્ડ ઉપરાંત હવે ભારત પણ ટેબલ ટેનીસમાં કાઠું કાઢવામાં સફળતા મેળવી રહ્યા છે જેથી ચીનના દબદબાની અસર થોડી ઓછી જરૂર થઇ છે.

૨૨ – હર્લીંગ

આ રમત પણ ત્રણ હજારથી પણ વધુ વર્ષ જૂની છે અને યુરોપીયન દેશોમાં તેની શરૂઆત થઇ હતી. ગેલિક ફૂટબોલ સાથે હર્લીંગના ઘણા બધા નિયમો મળતા આવે છે તેમ છતાં આ રમતે પોતાની આગવી ઓળખને જાળવી રાખી છે. ઇંગ્લેન્ડમાં આ રમત ખાસ્સી લોકપ્રિય થઇ હતી જેને કારણે ઇંગ્લેન્ડે એ સમયે જે જે દેશોમાં તેનું શાસન હતું ત્યાં ત્યાં આ રમતનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો, પરંતુ આજના સમયમાં માત્ર અંગ્રેજી બોલતા દેશો એટલેકે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા કે પછી ન્યુઝીલેન્ડમાં તેમજ અમુક અંશે અમેરિકામાં આ રમત લોકપ્રિય છે, તેમ છતાં વિશ્વની સહુથી તેજગતિથી રમતી રમત હોવાને કારણે તે ઘણી લોકપ્રિય પણ છે.

૨૧ – સ્કીઈંગ

તમને જાણીને નવાઈ લાગશે કે સ્કીઈંગ એ ખરેખર તો કોઈ રમત હતી જ નહીં. યુરોપના બર્ફીલા પહાડો પર નાની મોટી ચીજવસ્તુઓ, ટપાલ કે પછી દવાઓ અને ખાદ્ય સામગ્રીઓ પહોચાડવા માટે ગત સદીની શરૂઆત સુધી સ્કીઈંગનો ઉપયોગ થતો હતો. પરંતુ ત્યારબાદ તેના માટે નિયમો ઘડવામાં આવ્યા અને ધીરેધીરે યુરોપ અને અમેરિકામાં તેનો પ્રચાર અને પ્રસાર શરુ થયો. છેવટે ૧૯૩૬માં તેને ઓલિમ્પિક સ્પોર્ટ્સ તરીકે માન્યતા મળી અને હવે તે છેલ્લા ઘણા વર્ષોથી વિન્ટર ઓલિમ્પિક્સમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અન્ય ઓલિમ્પિક રમતોની જેમ જ સ્કીઈંગમાં પણ વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવે છે અને આ રમતમાં ઓલિમ્પિક મેડલ જીતવો અતિશય ગૌરવનો વિષય ગણવામાં આવે છે.

૨૦ – બેડમિન્ટન

આમ તો વિશ્વની સહુથી પહેલી બેડમિન્ટન ક્લબ ૧૮૭૭માં જ સ્થપાઈ ગઈ હતી પરંતુ નસીબ એવું આડું કે બેડમિન્ટનની લોકપ્રિયતા છેક ૧૯૩૦ના દાયકાથી શરુ થઇ એટલેકે લગભગ ૬૦ વર્ષ બાદ. બેડમિન્ટનને રેકેટ દ્વારા રમાતી સહુથી ફાસ્ટ રમત ગણવામાં આવે છે. બેડમિન્ટન રમતી વખતે ખેલાડી લગભગ ૩૨૧ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાનું રેકેટ વીંઝતો હોય છે. આ રમતમાં પણ સહુથી પહેલા ચીને પ્રભુત્વ મેળવ્યું હતું અને ત્યારબાદ ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરના ખેલાડીઓએ નામના મેળવી. યુરોપીયન દેશોમાંથી સ્વિડનના બેડમિન્ટન ખેલાડીઓ અતિશય લોકપ્રિય થયા. પરંતુ આ સદીની શરૂઆતથી ભારતના ખેલાડીઓએ બેડમિન્ટનમાં ખાસું પ્રભુત્વ મેળવવાનું શરુ કર્યું છે. જેમ લોકપ્રિયતા મોડી મળી તેમ બેડમિન્ટનને ઓલિમ્પિકમાં પણ છેક ૧૯૯૨માં જ સ્થાન મળી શક્યું હતું.

૧૯ – ફિલ્ડ હોકી

લોકો હોકી અને ફિલ્ડ હોકી વચ્ચે બહુ મોટો તફાવત હોવાનું માની શકતા નથી. હોકી એટલે સામાન્ય રીતે આઈસ હોકીને કહેવામાં આવે છે જે બરફની સપાટી પર રમવામાં આવે છે જ્યારે ફિલ્ડ હોકી જે અગાઉ કુદરતી ઘાસ પર રમાતી પરંતુ હવે ટર્ફ પર રમાય છે. આ રમત પણ પ્રાચીન ગ્રીસમાં ઉદભવી હોવાનું કહેવાય છે અને તેને પહેલા શીંટી તરીકે ઓળખવામાં આવતી હતી. ગઈ સદીમાં છેક ૧૯૮૦ સુધી ફિલ્ડ હોકીમાં ભારતને કોઈ હરાવી શકે તેમ ન હતું, પરંતુ બાદમાં ભારતમાં પણ ફિલ્ડ હોકીનું સ્તર ઘટતું ચાલ્યું. તેમ છતાં આજે પણ ફિલ્ડ હોકીને ઓલિમ્પિકમાં ત્રીજી સહુથી વધુ જોવાતી રમત તરીકેનું સન્માન મળ્યું છે.

૧૮ – MMA

WWEની લોકપ્રિયતા અમેરિકામાં કુદકેને ભૂસકે વધતા તેના જેવી અનેક ફાઈટીંગ રમતોનો ઉદભવ પણ થયો અને તે ખોવાઈ પણ ગઈ. આથી WWE કરતા અલગ ફોર્મેટ પરંતુ તેમ છતાં તે ફાઈટીંગ પણ હોય તેવી રમતની શોધ થવા માંડી અને તેમાંથી MMAની શોધ થઇ. MMA ભલે ફાઈટ સ્પોર્ટ હોય પરંતુ તેમાં ટેકવોન્ડો, જીયુ-જીત્સુ, જુડો અને કિક બોક્સિંગ જેવા માર્શલ આર્ટ્સનું મિશ્રણ છે અને તેને કારણે આ રમત WWE કરતા ખાસ્સી અલગ પડે છે. બસ આ જ કારણસર MMAને અમેરિકામાં અઢળક લોકપ્રિયતા મળી છે.

૧૭ – બોલિંગ

કહેવાય છે કે બોલિંગ રમતની શોધ પ્રાચીન ઈજીપ્તમાં થઇ હતી. આ રમતમાં દૂર રાખેલા છ બોલને એક મોટા અને ભારે ભરખમ બોલથી ઉડાડવાના હોય છે. ઈજીપ્ત બાદ આ રમત જર્મની પહોંચી અને અહીં પણ તેને લોકપ્રિયતા મળી, પરંતુ તેમ છતાં હજી કશું ખૂટતું હોય એવું લાગતું હતું. બોલિંગની લોકપ્રિયતા ચરમસીમાએ ત્યારે પહોંચી જ્યારે તે અમેરિકા પહોંચી. આજે અમેરિકાની મુખ્ય રમતો જેવીકે બેઝબોલ, બાસ્કેટબોલ, આઈસ હોકી, અમેરિકન ફૂટબોલ વગેરે પછી બોલિંગની પણ એટલીજ લોકપ્રિયતા છે. આને કારણે અમેરિકામાં જ નહીં પરંતુ ભારતમાં પણ વિવિધ શહેરોમાં અસંખ્ય જગ્યાએ ક્લબોમાં કે મોલ્સમાં હવે બોલિંગ એલી પણ જોવા મળે છે જ્યાં લોકો પોતાનો ભરપૂર સમય ગાળતા હોય છે. બોલિંગ વિડીયો ગેમ તરીકે પણ લોકપ્રિય થઇ છે.

૧૬ – હેન્ડ બોલ

ફૂટબોલમાં બોલને હાથ ન અડાડી શકાય, માત્ર પગની મદદથી જ તમારે ગોલ કરવો પડે છે. રગ્બીમાં તમે હાથ અને પગ બંનેનો ઉપયોગ કરીને પોઈન્ટ્સ મેળવી શકો છો. જ્યારે હેન્ડ બોલમાં તેનું નામ જે રીતે સૂચવે છે તે રીતે માત્ર હાથનો જ ઉપયોગ કરીને ગોલ અથવાતો પોઈન્ટ્સ મેળવવાના હોય છે. એવું કહેવાય છે કે દુનિયાની સહુથી પહેલી આંતરરાષ્ટ્રીય હેન્ડ બોલ મેચ જર્મની અને બેલ્જીયમ વચ્ચે ૧૯૨૫માં રમાઈ હતી. ત્યારબાદ આ રમતની લોકપ્રિયતા સમગ્ર યુરોપમાં ધીરે ધીરે એટલી બધી ફેલાઈ કે આજે ફૂટબોલ બાદ યુરોપની બીજી અત્યાધિક લોકપ્રિય રમત હોય તો તે છે હેન્ડ બોલ. હેન્ડ બોલ ઓલિમ્પિક ગેમ છે.

૧૫ – ટ્રેક એન્ડ ફિલ્ડ

એથલેટીક્સની રમતનો સહુથી મહત્ત્વનો તેમજ સહુથી લોકપ્રિય હિસ્સો એટલે ટ્રેક એન્ડ ફિલ્ડ રમતો. અહીં વિવિધ પ્રકારની દોડ દોડવામાં આવે છે અને પ્રાચીન ગ્રીસમાં જ્યારથી ઓલિમ્પિક રમતોનો ઉદભવ થયો ત્યારથી જ ટ્રેક એન્ડ ફિલ્ડ તેનો હિસ્સો રહી છે. એથલેટીક્સ જેવું વિશાળ ફલક ધરાવતી રમતો ભાગ હોવા છતાં તેમાં રહેલા ઉત્તેજનાના પ્રમાણને કારણે ટ્રેક એન્ડ ફિલ્ડ અલગથી પોતાની લોકપ્રિયતા ધરાવે છે. જેમ ટેનીસમાં અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ રમાતી હોય છે તેવી જ રીતે ગઈ સદીમાં ટ્રેક એન્ડ ફિલ્ડ માટે પણ ઓલિમ્પિકથી અલગથી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ આયોજીત થતી હોય છે અને તેને પણ અતિશય લોકચાહના મળી છે.

૧૪ – લેક્રોસ

લેક્રોસ રમત હેન્ડ બોલ અને અન્ય એવી રમતો જેવી છે જેમાં છેવટે ગોલ અથવાતો પોઈન્ટ અર્જીત કરવાના હોય છે. ઉત્તર અમેરિકામાં આ રમત શોધાઈ છે અને હાલપૂરતી અહીં જ આ રમત ખાસી લોકપ્રિય થઇ રહી છે. લેક્રોસ રમતી વખતે એક ડંડામાં જાળી ફિટ કરેલી હોય છે તેમાં બોલ ફસાવીને ખેલાડીઓ અન્ય ખેલાડીઓને બોલ પાસ કરતા હોય છે અને છેવટે તેમણે ગોલ કરવાનો હોય છે, એવી આ રમતની સામાન્ય સમજ છે. હજી સુધી વિશ્વભરમાં આ રમત એટલી બધી ઓળખાઈ નથી પરંતુ જ્યારે કોઈ રમત અમેરિકામાં લોકપ્રિય થાય પછી તેને વિશ્વભરમાં ફેલાતા કોઈજ રોકી શકતું નથી તે પણ હકીકત છે.

૧૩ – સાયકલીંગ

જ્યારથી આ રમતની શોધ થઇ છે ત્યારથી જ તેની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં કુદકેને ભૂસકે વધી જ રહી છે. સાયકલીંગ ઓલિમ્પિક સ્પોર્ટ્સ પણ છે અને તે ઇન્ડોર અને આઉટડોર એમ બંને રીતે રમાય છે. ઇન્ડોર સાયકલીંગમાં પણ વિવિધ પ્રકારો હોય છે જેમાં મેડલ જીતવો સાયકલીંગના ખેલાડીઓ માટે અતિશય ગૌરવપ્રદ વાત હોય છે. તો આઉટડોર સાયકલીંગમાં ઓલિમ્પિક ઉપરાંત ટૂર ડી ફ્રાન્સએ ઘણી નામના કાઢી છે. ફ્રાન્સના વિવિધ વિસ્તારોમાં કિલોમીટરના કિલોમીટર સુધી સાયકલીસ્ટો સાયકલ દિવસો સુધી ચલાવે છે અને ત્યારબાદ તેમાંથી કોઈ એક સાયકલીસ્ટ વિજેતા જાહેર થતો હોય છે.

૧૨ – અમેરિકન ફૂટબોલ

નામ ભલે ફૂટબોલ હોય પરંતુ અમેરિકન ફૂટબોલ એ રગ્બીને મળતી આવતી રમત છે. જો તમે એમ વિચારતા હોવ કે અમેરિકામાં સહુથી વધુ લોકપ્રિય રમત બેઝબોલ અને બાસ્કેટબોલ છે તો તમે ભૂલ ખાવ છો, અમેરિકન ફૂટબોલ ઘણી વખત આ બંને રમતોને પણ માત આપતી સંખ્યામાં દર્શકો મેળવી જાય છે. અમેરિકન ફૂટબોલની સર્વોચ્ચ રમત એટલે સુપર બોલ જેને જીતવી દરેક ટીમનું સ્વપ્નું હોય છે અને ભારતમાં જેમ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ વખતે સોપો પડી જતો હોય છે એવી જ રીતે અમેરિકન ફૂટબોલની આ સુપર બોલ ગેમ વખતે એવું જ કશું જોવા મળે છે.

૧૧ – ફોર્મ્યુલા 1

કાર રેસ પરંતુ જેવી તેવી કાર રેસ નહીં, ફોર્મ્યુલા 1 માટેની કાર સાવ અલગ દેખાતી હોય છે અને તેનું ઉત્પાદન પણ સાવ અલગ રીતે થતું હોય છે. દેશભરમાં આજકાલ જે ગો કાર્ટિંગની ક્લબ ખુલી છે તેને આ ફોર્મ્યુલા 1નું પ્રથમ પગથીયું ગણવામાં આવે છે. મોટેભાગે યુરોપીયન દેશોમાં આ રમત અતિશય લોકપ્રિય થઇ છે. ફોર્મ્યુલા 1 માટે એક અલગથી ‘સર્કીટ’ બનાવવામાં આવે છે જે ખૂબ મોટા વિસ્તારમાં વિસ્તરેલી હોય છે. આ રમત રમાવાની હોય તેના આગલા દિવસે રેસમાં કયો ડ્રાઈવર કયા સ્થાને રહીને રેસ શરુ કરશે તેના માટે એક ખાસ સેશન આયોજીત કરવામાં આવે છે. મુખ્ય રેસિંગ ઇવેન્ટને ગ્રાં પ્રી તરીકે ઓળખવામાં આવે છે. સહુથી પહેલી ફોર્મ્યુલા 1 ગ્રાં પ્રી ૧૯૦૬માં આયોજીત કરવામાં આવી હતી.

૧૦ – બેઝબોલ

અમેરિકાએ બ્રિટીશ શાસનથી આઝાદી મેળવી પછી બ્રિટીશરો જે રીતે વર્તન કરતા તેનાથી સાવ અલગ અથવાતો ઊંધું કરવાની ચાનક અમેરિકનોમાં ચડી ગઈ હતી. કદાચ તેને જ કારણે અમેરિકામાં ડ્રાઈવિંગ જમણી તરફ થાય છે. આવી જ રીતે બ્રિટીશરોની ગમતી રમત ક્રિકેટને પુરેપુરી રીતે ન સ્વીકારતા તેમાં ધરખમ કરીને તેમ છતાં તેના જેવી જ એક રમત બેઝબોલની શોધ અમેરિકામાં કરવામાં આવી. તેના નવા અને અનોખા ફોર્મેટને કારણે બેઝબોલ અમેરિકામાં તરતજ લોકપ્રિય બની ગઈ અને તેમાં ઉત્તરોત્તર વધારો પણ થતો ગયો. જો કે અમેરિકા સિવાય જાપાન જેવા બહુ ઓછા દેશોમાં આ રમત લોકપ્રિય થઇ છે. અમેરિકાની સરહદની અંદર બેઝબોલને અમેરિકન ફૂટબોલ અને બાસ્કેટબોલથી સારી એવી સ્પર્ધાનો સામનો કરવો પડ્યો અને છેવટે તેને લોકપ્રિયતાની ટોચ પરથી નીચે ઉતરવું પડ્યું છે.

૯ – બોક્સિંગ

શરૂઆતમાં બોક્સિંગની રમત ગ્લોવ્ઝ પહેર્યા વગર જ રમાતી હતી અને આ રમતમાં કોઈજ નિયમો ન હતા. ધીમેધીમે આ રમત રમતા લોકોના મૃત્યુની સંખ્યા વધતી ગઈ એટલે તેમાં નિયમો સમયાંતરે ઉમેરવામાં આવ્યા. તેમ છતાં બોક્સિંગને આજે પણ વિશ્વની સહુથી હિંસક રમત ગણવામાં આવે છે. બોક્સિંગની રમતને અલગ અલગ વજનમાં તો વહેંચવામાં આવી જ છે પરંતુ બોક્સિંગ ખુદના બે પ્રકારો છે. ઓલિમ્પિકમાં જે રમાય છે તે એમેચ્યોર બોક્સિંગ ગણાય છે અને અમેરિકા કે બ્રિટનમાં ખેલાડીઓને માલામાલ કરી દેતું બોક્સિંગ રમાય છે તેને પ્રોફેશનલ બોક્સિંગ કહેવામાં આવે છે.

૮ – રગ્બી

ઇંગ્લેન્ડમાં રગ્બીની શોધ થઇ હતી. રગ્બીને પણ અમુક દેશો હિંસક રમત ગણે છે પરંતુ તેમાં હિંસાનું પ્રમાણ બોક્સિંગ કરતા ઘણું ઓછું અથવાતો નગણ્ય છે. બ્રિટીશરો જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં રગ્બીને પણ પોતાની સાથે લઇ ગયા છે. આ રમત બે દેશો કે વધુ દેશો વચ્ચે સ્પર્ધાત્મક રીતે રમાય છે. દર ચાર વર્ષે રગ્બીનો વર્લ્ડ કપ પણ રમાય છે. ઇંગ્લેન્ડ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાએ પણ આ રમતમાં કાઠું કાઢ્યું છે. આર્જેન્ટીના જેવા લેટીન અમેરિકાના દેશો પણ રગ્બીમાં માહેર થયા છે તો પેસિફિકના નાના રાષ્ટ્રો જેવા કે ટોગો અને ફીજીમાં પણ આ રમત ખૂબ લોકપ્રિય છે. રગ્બી સેવન્સ એ આ રમતનું ટૂંકું સ્વરૂપ છે.

૭ – વોલીબોલ

આમતો કોઇપણ રમતમાં વ્યક્તિની શારીરિક ક્ષમતાની કસોટી થતી જ હોય છે પરંતુ વોલીબોલને તો ખાસ કસરતી રમત તરીકે સ્થાન મળ્યું છે આથી ભારતના ઘણા સ્થળોએ કસરતની અવેજીમાં લોકો વોલીબોલ રમતા હોય છે. છેક ૧૮૯૫માં વોલીબોલની રમત શોધાઈ હતી પરંતુ તેની સહુથી પહેલી સ્પર્ધા ૧૯૪૯માં શક્ય બની હતી અને ઓલિમ્પિકમાં તો તેને છેક ૧૯૬૪માં સ્થાન મળ્યું હતું. સરળ નિયમો અને ઝડપને કારણે વોલીબોલ દુનિયામાં ખાસ્સી એવી લોકપ્રિય થઇ છે અને તેને મોટી સંખ્યામાં દર્શકો પણ મળી રહે છે.

૬ – આઈસ હોકી

ફિલ્ડ હોકી ભલે હજારો વર્ષો અગાઉ શોધાઈ હોય પરંતુ આઈસ હોકીનો ઉદભવ ૧૮૭૫માં થયો હતો. પહેલીવાર આ રમત કેનેડાના મોન્ટ્રીયલમાં રમાઈ હતી અને ત્યારબાદ તે સમગ્ર કેનેડા ઉપરાંત અમેરિકાના ઉત્તરભાગમાં ફેલાઈ છે. કેનેડામાં આ રમત માટેનું પાગલપન હદની બહાર જતું રહેતું હોય છે. હવે તો જે જે દેશોમાં બરફ પડે છે તમામ દેશોમાં આઈસ હોકી પહોંચી ગઈ છે અને તે વિન્ટર ઓલિમ્પિકમાં પણ સ્થાન ધરાવે છે. આઈસ હોકીમાં પ્રભુત્વ માટે અમેરિકા અને કેનેડા વચ્ચે કાયમ સ્પર્ધા હોય છે પરંતુ રમતના જનક હોવાને કારણે કેનેડાનો હાથ આ રમતમાં અત્યારસુધી સહુથી વધુ વખત ઉંચો રહ્યો છે તે પણ એક હકીકત છે.

૫ – ટેનીસ

આ રમત પણ ઇંગ્લેન્ડમાં જ શોધાઈ હતી, પરંતુ જ્યારે અમેરિકનોને આ રમતનો સ્વીકાર કર્યો ત્યાર પછી તેની લોકપ્રિયતા અનહદ વધી છે. ઓસ્ટ્રેલિયન ઓપન, ફેંચ ઓપન, વિમ્બલડન અને યુએસ ઓપન આ રમતની સર્વોચ્ચ સ્પર્ધા એટલેકે ગ્રાન્ડસ્લેમ ગણવામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર વર્ષ દરમ્યાન તેની વિવિધ દેશોમાં સ્પર્ધાઓ થતી રહેતી હોય છે. ટેનીસ મુખ્યત્વે પુરુષો વચ્ચે અને મહિલાઓ વચ્ચે વ્યક્તિગત રીતે તેમજ ડબલ્સ એટલેકે જોડીમાં પણ રમાતી હોય છે. આ ઉપરાંત મિક્સ્ડ ડબલ્સ એટલે પુરુષ અને સ્ત્રી જોડી બનાવીને પણ આ રમત રમતા હોય છે. સમગ્ર વિશ્વમાં ટેનીસને પણ કસરતી રમતનો દરજ્જો મળ્યો હોવાથી લોકો પોતાની તંદુરસ્તી માટે ટેનીસ રમતા જોવા મળતા હોય છે.

૪ – ગોલ્ફ

ગોલ્ફને રાજાશાહી રમત કહેવામાં આવે છે. આ પાછળનું કારણ એવું છે કે આ રમત રમવાનો ખર્ચ ખૂબ થાય છે. તેના સાધનો ખૂબ મોંઘા હોય છે. પરંતુ તેમ છતાં આ રમત રમવા ઉપરાંત જોવાવાળાઓની સંખ્યા ખૂબ જ હોવાને કારણે તેની લોકપ્રિયતા ચરમસીમાએ પહોંચી છે. એવું કહેવાય છે કે સ્કોટલૅન્ડમાં આ રમત શોધાઈ હતી. ક્રિકેટની જેમ ગોલ્ફ પણ લાંબા સમયની રમત છે અને આથી જે વ્યક્તિમાં અતિશય ધીરજ હોય તે જ તેને રમી અથવાતો જોઈ શકે છે. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં ગોલ્ફ એક કલ્ચર તરીકે પણ ઉભરીને આવ્યું છે.

૩ – ક્રિકેટ

અન્ય રમતોની જેમ ક્રિકેટને પણ બ્રિટીશરો પોતે જ્યાં ગયા ત્યાં સાથે લઇ ગયા હતા, પરંતુ ક્રિકેટ ભારતમાં સહુથી વધુ લોકપ્રિય બની અને તેને કારણે આજે તે વિશ્વમાં ત્રીજી સહુથી વધુ જોવાતી રમત બની ગઈ છે. ક્રિકેટમાં શરૂઆતમાં ટાઈમલેસ ટેસ્ટ મેચો રમાતી, ત્યારબાદ તેને પાંચ દિવસમાં મર્યાદિત કરવામાં આવી. આ પછી એક દિવસની એટલેકે પચાસ ઓવરોની મેચો રમાવા લાગી અને ગત દશકમાં વીસ ઓવરોનું ક્રિકેટ પણ સામે આવ્યું જે અત્યારે અત્યંત ઝડપથી લોકપ્રિય થઇ રહ્યું છે. એશિયન દેશોનું આ રમતમાં પ્રભુત્વ હોવા છતાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝમાં પણ આ રમત લોકપ્રિય છે. આ ઉપરાંત હવે તો ચીન, જાપાન, કમ્બોડિયા, અમેરિકા અને કેનેડામાં પણ ક્રિકેટ પોતાનો પગપેસારો કરી ચૂક્યું છે.

૨ – બાસ્કેટબોલ

બાસ્કેટબોલ વિશ્વની બીજી સર્વાધિક રમત હોવા પાછળ મુખ્ય કારણ તેની સરળતા છે. ફક્ત બોલ પકડીને બાસ્કેટમાં નાખીને પોઈન્ટ્સ અર્જીત કરવા જેવી સમજવાની સરળતા અન્ય રમતોમાં નથી. એવું કહેવાય છે કે ૨૦૦થી પણ વધુ દેશોમાં આ રમત રમાય છે અને આ દેશો એકબીજા સામે પણ બાસ્કેટબોલ રમાય છે. તો અમેરિકામાં બાસ્કેટબોલને અતિશય પ્રોફેશનલ બનાવવામાં આવી છે જે NBAના નામ હેઠળ રમાય છે. ઓલિમ્પિકમાં પણ બાસ્કેટબોલ રમાય છે આટલું જ નહીં પરંતુ તેમાં મેડલ જીતવો તે કોઇપણ રાષ્ટ્ર માટે સન્માનની બાબત પણ બની જતી હોય છે.

૧ – ફૂટબોલ/સોકર

દુનિયાનો ભાગ્યેજ કોઈ એવો દેશ હશે જ્યાં ફૂટબોલ લોકપ્રિય નહીં હોય. મુખ્યત્વે યુરોપ અને લેટીન અમેરિકાના દેશોમાં તો આ રમત પ્રત્યેનું ગાંડપણ છાપરા ઉપર ચડીને જોવા મળે છે. ફૂટબોલના વર્લ્ડ કપમાં આ બંને ખંડની ટીમો વચ્ચે જબરી ચડસા ચડસી જોવા મળે છે. ફૂટબોલનું સહુથી રોચક પાસું એ છે કે અહીં બે દેશો વચ્ચેના ફૂટબોલ કરતા ક્લબો વચ્ચેનું ફૂટબોલ વધુ લોકપ્રિય છે. યુરોપ અને લેટીન અમેરિકામાં આવી અસંખ્ય ફૂટબોલ ક્લબ જુનિયર લેવલથી ખેલાડીઓની પરખ કરીને તેમને પ્રોફેશનલ ફૂટબોલર બનાવતી હોય છે. અને આ જ ક્લબોમાં કરેલા પ્રદર્શનને આધારે જે-તે દેશની માન્ય ફૂટબોલ સંસ્થાઓ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરતી હોય છે. ફૂટબોલ એ વિશ્વની સહુથી લોકપ્રિય રમત જ નથી પરંતુ તે સર્વાધિક જોવાતી રમત પણ છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED