ઋજુતાની રચના Matangi Mankad Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઋજુતાની રચના

#

આજે સવારથી કંઇક શોધતી ઋજુતા અંતે પોતાના રોજિંદા કામમાં લાગી ગઈ માત્ર ચા જ બનાવ્યો હતો કેટલા કામો બાકી હતાં જો કે તે કામોમાં ચિત નોત્તું ચોંટતું. સાચે શું કરું કે તે વસ્તુ મળી જાય. બધા પોતાના કામમાં પહોંચી ગયા હતા. ઋજુતાને પણ બહાર કામ માટે જવું હતું અને પણ તે પહેલાં રસોઈ, બીજા ઘરનાં નાના મોટા કામો પણ આટોપવાના હતાં. કુકર મૂકી ફરી તે વસ્તુ શોધવા ગેસ્ટ રૂમમાં કબાટ ઉપર પડેલી બેગમાં જોવા સીડી લીધી. થોડી વખત માટે થયું કંઈ નહી રહેવા દઈએ. વર્ષો વિતી ગયા હવે એ વસ્તુ મળે તો પણ એ હિંમત અને એ કળા થોડી પાછી મળશે. હવે તો કોઈને સોશ્યલ મીડિયામાં કૉમેન્ટ પણ કરવી હોય તો માથા વગરની થાય છે. એ વસ્તુ થી હવે એ આવડત તો પાછી નહીં જ આવે.

ઋજુતા આજે જીવનની અડધી સફર પૂરી કરી ચૂકી હતી. લગભગ 50 ની નજીક પહોંચી ને પણ પોતાની જાતને મળવા માટે હમેંશા તલ પાપડ થતી રહેતી. એક દીકરો અને વહુ પરદેશમાં રહેતા હતાં. ઋજુતાના પતિ સહજને પોતાનો બિઝનેસ અને મિત્ર વર્તુળ પણ એવડું હતું કે અઠવાડિયામાં બે દિવસ તો બહાર જ રહેતો. જો કે ઋજુતા એ એના સ્વભાવ મુજબ ક્યારેય કોઈ પાસે કોઈ જ આશા રાખેલી નહી એક ગૃહિણીની ફરજ મુજબ દરેક વ્યક્તિનો સમય સાચવવાનો હોય કે સપના પુરા કરવામાં સાથ આપવાનો હોય તે હંમેશા તત્પર રહેતી બસ જ્યારે વાત આવે પોતાની તો પોતે ક્યારેય થોડો સમય પણ પોતાના માટે કાઢતી ન હતી. જો કે દરેક ગૃહિણીની આ જીવનગાથા છે. લગ્ન પહેલા લગ્ન પછી જે બહુ મોટો બદલાવ આવે છે તે એવો છે કે પોતાની જાતને ભૂલી ને બીજું બધું યાદ રાખે છે. ઋજુતા કોઈ અલગ માટીની તો બની ન હતી. પણ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર એક વીડિયો જોયો જેમાં તેની સાથે જ ભણતી તેની મિત્ર લાવણ્યા એક ગીત ગાઈ રહી હતી. જેના શબ્દો બહુ જ જાણીતા લાગ્યા અને રાત્રે એ શબ્દો ને લઈ ને નીંદર પણ નહોતી આવી કે આ શબ્દ કેમ આટલાં પોતાના પોતાના લાગે છે ક્યાં સાંભળ્યા ક્યાં વાંચ્યા હશે. લાવણ્યાનો કોઈ કોન્ટેક્ટ નંબર પણ ન હતો કે તેની સાથે વાત કરી આ રહસ્યના પડદાને ઊંચકી શકાય. મોબાઈલ વાપરતી પણ એ પણ બહુ જ ઓછો એટલે મુશ્કેલી એ કે સોશ્યલ મીડિયામાં પણ એ મિત્રને શોધવી કઈ રીતે તે ખબર ન હતી. દરેક માણસમાં આ માનવસહજ સ્વભાવ હોય છે કે જ્યાં સુધી જે યાદ કરતાં હોય તે યાદ ન આવે ત્યાં સુધી ચેન ન પડે. બસ એ પછી એ ગીત સવારે ઉઠી ત્યારથી તે સાંભળતી હતી કે ક્યાં આ શબ્દો છે.

અચાનક યાદ આવ્યું કે લગ્ન પહેલાં કોલેજમાં જે કવિતાઓ અને ગઝલ લખવાનો શોખ હતો તે કવિતા કે ગઝલની ડાયરીમાં જોઈ શકાય કે શબ્દો કદાચ તે નથી ને? આજ થી ૩૦ વર્ષ પહેલાં જે ડાયરીને ભૂલીને સાંસારિક જીવનમાં કવિતાઓ રચવા લાગી હતી ત્યાં ફરી એ ડાયરી ક્યાં હશે બસ એ જ તો સવારથી શોધી રહી હતી. અંતે તે બેગમાં મળી અને તેણે એક એક પાના ફેરવતા ફેરવતા પોતાના શબ્દોનું સાનિધ્ય માણ્યું. ઋજુતા પોતાનું ઉપનામ પણ આપેલ "ઋજુરાધા" એક એક કવિતા અને ગઝલ વાંચતા વાંચતા એને વિશ્વાસ નહોતો બેસતો કે આ મારા શબ્દો છે. એ ડાયરીમાં ખોવાય જ ગઈ હતી ત્યાં ઘરના દરવાજે કોઈ આવ્યું. દરવાજો ખોલ્યો ત્યાં તેની મિત્ર જેને કાલે વિડિયો માં જોઈ તે અને સાથે બીજા બે ત્રણ વ્યક્તિઓ હતાં.

બધાને અંદર આવવા કહ્યું અને લાવણ્યાને જોઈ ને રાજી થઈ સાથે આશ્ચર્ય પણ અનુભવતી હતી કે 25 વર્ષ ઉપરથી તો એક બીજાના સંપર્કમાં પણ ન હતાં ત્યારે અચાનક ગઈ કાલે વિડિયો અને આજે સાક્ષાત. "બહુ વિચારોમાં ખોવાય તે પહેલાં આ બંને નો પરિચય કરાવી દઉં ઋજુ. આ છે કાર્તિક શાહ અને આ છે ઉમેશ જોશી આ બંને ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્યો છે બાકીની વાત તે લોકો જ તને જણાવશે." લાવણ્યા એ વિચારોને અટકાવી વાત શરૂ કરી.
ઋજુતા બેન નમસ્કાર હું ઉમેશ જોશી ગુજરાતી સાહિત્ય પરિષદ નો એક સભ્ય છું વર્ષ ૨૦૧૯ની શ્રેષ્ઠ રચનાઓના રચયિતાનું સન્માન ૨૬ જાન્યુઆરી '૨૦ ના રાખવામાં આવ્યું છે તો આપને તે માટે આમંત્રણ આપવા આવ્યા છીએ." આ કહી આમંત્રણ આપી તે લોકો એ રજા લીધી અને લાવણ્યા દરવાજે છોડીને ઋજુતા પાસે આવી "ઋજુ તારા દરેક સવાલના જવાબો મારી પાસે છે પહેલાં એક કપ કોફી તો પિવડાવ." ઋજુતા એ રસોડામાં જઈ ને કોફી બનાવવાનું શરૂ કર્યું અને લાવણ્યા પણ સાથે જ ઉભી રહી. "ઋજુ હું એક સુગમસંગીત ગાયિકા બની ચૂકી છું. આમ તો છેલ્લા ૧૦ વર્ષ થી હું મુંબઈ શિફ્ટ થઈ ચૂકી છું પણ ક્યારેક વચ્ચે વચ્ચે કોઈ કાર્યક્રમ માટે અમદાવાદ આવવાનું થાય છે. મારા ઘણાં ગીતોમાં તારા શબ્દો છે અને મોબાઈલમાં એમણે ગીતકારના નામમાં "ઋજુરાધા" પણ વંચાવ્યું. "આ આખો આલ્બમ માત્ર અને માત્ર તે રચેલા કાવ્યોમાંથી જ બનેલ છે અને તે એટલો પોપ્યુલર થયો છે કે લોકો મને તારા વિશે પૂછે છે. છેલ્લા છ મહિના થી સતત તને શોધવાના પ્રયત્નનો આજે અંત આવ્યો. તે ઋજુતામાંથી ઋત્વા નામ લગ્ન પછી કરી ને મારી મુશ્કેલી વધારી દીધી હતી." પછી રૂ.૫૦૦૦૦નો ચેક આપતાં કહ્યું કે "ઋજુ આ મારી કમાણીમાંથી તારો ભાગ છે, જો તારા શબ્દો ન હોત તો આજે આ લાવણ્યાના લય ને કોણ ઓળખત." ઋજુતાના આંખમાં આંસુ આવી ગયા અને તે લાવણ્યાને ભેટી પડી. (#MMO)

ફરી ઋજુતા એ પોતાના જીવનની બીજી ઇનિંગ શરૂ કરવા પ્રોત્સહન મળ્યું. હવે ઋજુરાધા ગુજરાતી સાહિત્યના સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર માં સ્થાન ધરાવે છે..{#માતંગી}
#
*આભાર પારૂલબેન ખખ્ખર આપની આ રચના થી મારી વાર્તા ને એક સતાત્ય મળે છે.