જંતર-મંતર
( પ્રકરણ : સાડાત્રીસ )
( છેલ્લો ભાગ )
હંસા રસોડામાંથી છરી લઈ આવી અને સુલતાનબાબાને આપી દીધી.
સુલતાનબાબાએ પેલું લીંબુ તાસકમાં જ રહેવા દઈને એની ઉપર ચપ્પુથી કાપો મૂકયો અને ચપ્પુ ઊંડે સુધી ઊતારી દીધું.
લીંબુ કપાતાં જ પેલા અઘોરીની છાતી ઉપરથી ચામડી નીકળી ગઈ અને રીમાનો ભાલો અઘોરીની ચામડી વિનાની છાતીમાં પેસી ગયો.
રીમાએ ફરી એ ભાલો ખેંચી કાઢયો અને પૂરી તાકાતથી એ ભાલો ફરી અઘોરીની છાતીમાં ખૂંપાવી દીધો.
સુલતાનબાબા રીમાના શરીરમાં વધારે શક્તિ અને વધારે તાકાત રહે એટલા માટે પઢી-પઢીને પેલા લીંબુ ઉપર ફૂંકી રહ્યા હતા.
રીમા પણ ધીમે-ધીમે ભાલાના એક પછી એક ઘા અઘોરી જાદુગરની છાતી ઉપર કરતી જતી હતી.
સુલતાનબાબાને લાગ્યું કે આ રીતે તો રીમા બહુ પરેશાન થઈ જશે. થાકી જશે. અને થાકી ગયેલી રીમા અહીં સુધી આવી નહીં શકે. કદાચ મરતાં-મરતાં પેલો અઘોરી કંઈક જંતર-મંતર કરે કે પોતાનો જાદૂ અજમાવે એ પહેલાં જ એને સાફ કરી નાખવો જોઈએ. કદાચ એવું પણ બને કે રીમા ત્યાંને ત્યાં બેહોશ બનીને ઢળી પડે અને પેલો અઘોરી જાદુગર જીવતો રહી જાય. માટે રીમાને મદદ મળે એવું કંઈક તો કરવું જ જોઈએ અને એટલે જ એમણે કોઈક રસ્તો વિચારવા માંડયો.
અચાનક એમને રસ્તો મળી ગયો. એમણે પઢવાનું ચાલુ જ રાખ્યું અને એક સોય ઉપર ફૂંક મારીને તેમણે લીંબુના કાપાની અંદરના ભાગમાં એ સોય ઘોંચવા માંડી. એક પછી એક ઘા માર્યા. પછી એકાએક એમાં લોહીનો ફુવારો છૂટયો અને એમાંનું લોહી તાસકમાં પડવા લાગ્યું. તાસકનું પાણી બહાર છલકાઈ ગયું અને લોહીથી ભરાઈ ગયેલી તાસકમાંથી લોહી પણ બહાર વહેવા લાગ્યું.
હવે તાસકમાં કંઈ જોઈ શકાતું નહોતું. હંસાની નજર હવે સતત તાસક ઉપર મંડાયેલી હતી. રીમાનું શું થયું ? એ જાણવા માટે એ બહુ આતુર હતી. અઘોરી મરે કે જીવે એની સાથે એને કોઈ લેવાદેવા નહોતી. બસ રીમા હેમખેમ પાછી આવે એવું જ એ ઈચ્છતી હતી. પણ રીમા હવે તાસકમાં દેખાતી નહોતી, અને રીમાને એક નજર જોઈ લેવા એ આતુર હતી. રીમા દેખાય એટલે જ એ સતત તાસકમાં જોઈ રહી હતી.
મનોજ સતત મનોરમામાસીને ભાનમાં લાવવાનો પ્રયાસ કરતો હતો. પણ હજુ સુધી મનોરમામાસી સળવળ્યાં નહોતાં. બહારથી ઠંડો પવન અને વરસાદની ઝાપટો અંદર આવતી હતી. આખાય કમરામાં ઠંડક પથરાયેલી હતી. અને મનોરમામાસીનાં હાથ-પગના તળિયાં બરફ જેવા ઠંડાં થઈ ગયાં હતાં. મનોજે મનોરમામાસીને બરાબર સૂવડાવી ઉપર બે ધાબળા, રજાઈ અને એક શાલ નાખી દીધી હતી. એ વારેઘડીએ મનોરમામાસીના પગનાં તળિયા જોતો હતો, પરંતુ હજુ સહેજ પણ ગરમાવો વર્તાતો નહોતો. મનોજ પણ મનમાં મૂંઝાઈ અને ગભરાઈ ગયો હતો.
અત્યારે બહારનું વાતાવરણ પણ તોફાની હતું અને એટલો જ અંધકાર પણ હતો. ડૉકટરને અહીં બોલાવવાનો કે મનોરમામાસીને ડૉકટરને ત્યાં લઈ જવાનો વિચાર પણ કરી શકાય એમ નહોતો. અંદરથી પોતાના મા-બાપને બોલાવીને એમને ખોટી ચિંતા કરાવવી પણ નકામી હતી. એ ઝડપથી માસીના હાથના પંજા ઘસી રહ્યો હતો. શરૂઆતમાં એણે માસીના ચહેરા ઉપર પાણીની છાલકો પણ મારી હતી. પણ કંઈ વળ્યું નહોતું. પછી એને સમજાઈ ગયું હતું કે, માસીને ઠંડકની નહીં પણ ગરમીની જરૂર હતી.
આ તરફ સુલતાનબાબાએ પોતાનો પઢવાનો અવાજ મોટો કરી દીધો હતો. એ જોશજોશથી પઢવા લાગ્યા હતા. લીંબુમાં સોય ઘોંચવાનુ એમણે કયારનુંય બંધ કરી દીધું હતું. હવે તેઓ એકી ઝાટકે જ પેલા અઘોરીને ખતમ કરી દેવા માગતા હતા અને અઘોરી ખતમ કરવા સિવાય હવે રીમાને સહીસલામત પાછી લઈ આવવાની ચિંતા વધારે હતી. તેમ છતાંય સુલતાનબાબા ઉતાવળ કરવા કે કોઈ ભૂલ થાપ ખાઈને જોખમ ઊઠાવવા માંગતા નહોતા. બસ હવે તો તેમણે ધીરજ અને ધ્યાનથી આખીય બાજી સંકેલી લેવાની હતી.
સુલતાનબાબા પઢતા હતા. પઢતાં-પઢતાં એમણે ઘડિયાળ તરફ નજર કરી. બે-ત્રણ કલાક પહેલાં જ થયેલા ધરતીકંપના આંચકાથી ઘડિયાળ બંધ થઈ ગઈ હતી. એ વખતે અહી વાગ્યા હતા. અત્યારે લગભગ સાડાચાર કે પાંચ વાગવા આવ્યા હતા. પરોઢિયું થવા આવ્યું હતું, છતાંય જાણે અડધી રાત હોય એવો અંધકાર બહાર છવાયેલો હતો.
અજવાળું થાય એ પહેલાં જ સુલતાનબાબા બધું આટોપી લેવા માંગતા હતા અને એટલે જ કયારનાય તેઓ એકધાર્યા પઢી રહ્યા હતા. લગભગ વીસેક મિનિટ સુધી એકધારા પઢતા રહીને એમણે એક હાથમાં પંખો લીધો અને માટલી ઉપર હલાવવા માંડયો. માટલીના કોલસા ફરી સળગતા થયા. એમાંથી રાખ ઊડીને બહાર નીકળવા લાગી. સુલતાનબાબાએ બીજા થોડા કોલસા નાખ્યા અને થોડી જ વારમાં માટલીમાંથી આગની જ્વાળાઓ બહાર નીકળીને લબકારા લેવા માંડી.
સુલતાનબાબાએ ધીમેકથી પેલું લીંબુ ઉઠાવ્યું. અને એની ઉપર બીજા ચાર-પાંચ ચીરાઓ મૂકયા અને પછી જોશથી એક ફૂંક મારીને એ લીંબુને માટલીમાં નાખ્યું. માટલીમાં લીંબુ પડતા જ એક જોરદાર ધડાકો થયો અને એની સાથે જ માટલી તૂટી ગઈ. એના ઊભા બે ટુકડા થઈ ગયા.
દૃ દૃ દૃ
સુલતાનબાબાના ઈલમ અને અનુભવે ખરેખર ચમત્કાર બતાવ્યો. ગોરખનાથની જેમ જ અઘોરી જાદુગર પણ ખતમ થઈ ગયો હતો. હવે રીમાને પાછી ઘરમાં લાવવાની હતી.
ધડાકા સાથે માટલી તૂટી એટલે હંસા પણ ગભરાઈ ગઈ હતી. જોકે, બહાર હવે વાતાવરણ શાંત થઈ ગયું હતું. વીજળી બંધ થઈ ગઈ હતી. વરસાદનો ગડગડાટ પણ બંધ થઈ ગયો હતો. હવા પણ થંભી થઈ ગઈ હતી. ઘડિયાળમાં સાડા પાંચ વાગી ચૂકયા હતા. સુલતાનબાબાએ જોશથી થોડીકવાર પઢીને ચારે તરફ ફૂંક મારી અને પછી પોતાની ઝોળીમાંથી સફેદ કપડું કાઢીને એક તરફ બીછાવ્યું અને પછી એમણે સવારની નમાઝ પઢવી શરૂ કરી.
હંસાએ એ વખતે સુલતાનબાબાના ચહેરા સામે જોયું. ત્યારે એમનો ચહેરો બિલકુલ શાંત હતો. માથેથી મુસીબત ટળી ગયા પછી જે સંતોષ દેખાય એવો જ સંતોષ અત્યારે તેને સુલતાનબાબાના ચહેરા ઉપર છવાયેલો દેખાયો હતો.
સુલતાનબાબાના ચહેરા ઉપર શાંતિ અને સંતોષ જોઈને હંસાએ પણ મનમાં કંઈક નિરાંત અનુભવી, છતાંય હજુ રીમા પાછી આવી નહોતી. એટલે મનમાં ઊચાટ તો હતો જ. રીમા હેમખેમ પાછી આવે એટલે બસ. પણ આટલે દૂર ગયેલી રીમા કયારે અને કેવી રીતે પાછી આવશે ? એ સવાલ હંસાના મનને મૂંઝવી રહ્યો હતો. વળી અત્યારે રીમા હેમખેમ અને સલામત હશે કે કેમ, એ સવાલ પણ એના મનમાં ગુંચવાતો હતો. ગમે તેમ પણ હવે એને સુલતાનબાબા તરફ વધારે વિશ્વાસ હતો. એને મનમાં અંદરોઅંદર એવી ખાતરી થઈ ગઈ હતી કે, રીમા જલદી હેમખેમ પાછી આવી જશે. અને હંસાની આતુરતાનો અંત બહુ જલદી આવી ગયો.
સુલતાનબાબા હજુ નમાઝ પૂરી કરે એ પહેલાં જ રીમા આવી ગઈ હતી અને ચૂપચાપ કંઈ પણ બોલ્યા વિના ડાહીડમરી થઈને ત્યાં બેસી ગઈ હતી.
સુલતાનબાબાએ નમાઝ પૂરી કરીને, ઘરમાં ચારે તરફ ફૂંક મારી. પછી ઊભા થઈને રીમા પાસે આવ્યા અને રીમાના શરીર ઉપર ફૂંક મારી. માથે હાથ ફેરવ્યો અને પછી પોતાની ઝોળીમાંથી એક કાળો દોરો કાઢીને રીમાના ગળામાં પહેરાવતાં એમણે રીમાને આશીર્વાદ આપતાં કહ્યું, ‘બેટી, હવે તું બરાબર સાજી થઈ ગઈ છો. તારે મનમાં હવે કોઈ બીક રાખવાની જરૂર નથી. જે કંઈ બન્યું તેને તું એક ખરાબ સપનું સમજીને ભૂલી જવા પ્રયત્ન કરજે. મનમાં હવે એ વિશે કંઈ વિચારીશ નહિ. એવો ખરાબ વિચાર આવે કે એવું કોઈ સપનું દેખાય તો તું આ દોરાને પકડીને માલિકનું નામ લેજે. જા, તું સુખી થા અને આનંદથી જિંદગી વિતાવ એવી મારી દુઆ છે. ઉપરવાળો હંમેશાં તને અલા-બલાથી અને ભૂત-પ્રેતથી દૂર રાખે.’
રીમાને આશીર્વાદ આપ્યા પછી સુલતાનબાબાએ હંસાને કહ્યું, ‘બેટી, હવે કોઈ ચિંતાની જરૂર નથી. હવે આ ઘરમાંથી ચાલી ગયેલી ખુશીઓ પાછી આવી ગઈ છે.’
સુલતાનબાબાની વાત સાંભળીને હંસાની આંખો ખુશીથી છલકાઈ ઊઠી. આંખો લૂછયા વિના જ સુલતાનબાબા સામે આભાર માનતી નજરે જોતાં એમણે કહ્યું, ‘પણ બાબા, માસીબા આમ બેભાન થઈ ગયાં છે. એમના માટે કંઈ કરો.’
‘બેટી, એ તો પાછાં હોશમાં આવી જશે. રાતના બનેલી ઉપરાઉપરી ઘટનાઓ એમના મન ઉપર અસર કરી ગઈ છે. તું ચિંતા ન કર.’
સુલતાનબાબાએ હંસાને સમજાવીને પછી બધું સમેટીને પોતાની ઝોળીમાં ભરવા માંડયું. ત્યારે અંદરથી ચુનીલાલ અને રંજનાબહેન દોડી આવ્યાં. હંસાએ ખુશીના આવેગ સાથે પોતાના સાસુ-સસરાને જણાવ્યું કે રીમા હવે બિલકુલ સાજી થઈ ગઈ છે.’
ચુનીલાલે ઊભા થઈને, ખભે ઝોળી ભેરવી રહેલા સુલતાન-બાબાના પગ પકડી લેતાં કહ્યું, ‘બાબા, તમે જે માંગો એ આપવા તૈયાર છું.’
સુલતાનબાબાએ ચુનીલાલને ઊભા કરતાં કહ્યું, ‘મારે કંઈ જોઈતું નથી. હું ઈલમ વેચતો નથી. મને તમારા ઘરનું કંઈ ન ખપે.’ પછી અટકીને એમણે ઉમેર્યું, ‘રાતે ધરતીકંપમાં ગરીબો મરી ગયાં હશે. ઘણાં બેઘર બન્યા હશે. તમે એમને છૂટે હાથે, દિલ ખોલીને મદદ કરો. ઉપરવાળો એનો બદલો તમને જરૂર આપશે.’ અને પછી ફરી તેઓ રીમાને માથે હાથ ફેરવીને બહાર નીકળ્યા.
સુલતાનબાબા બહાર નીકળે એ પહેલાં જ બેભાન મનોરમામાસી પણ ભાનમાં આવી ગયાં. બધા સુલતાનબાબાને વળાવવા બહાર નીકળ્યાં. ના પાડવા છતાં મનોરમામાસી પણ બહાર આવ્યાં અને લંગડાતા પગે મનોજ પણ બહાર નીકળ્યો.
બારણા પાસે જઈને ફરી એકવાર સુલતાનબાબાએ રીમાને માથે હાથ ફેરવીને દુઆ આપી, અને પછી તેઓ બહાર નીકળી ગયા.
બંગલાનો ઝાંપો ઉઘાડીને તેઓ એક પળ માટે બહાર થોભી ગયા અને સહેજ આઘા ખસી ગયા. પેલો માંદો, મરીયલ બિલાડો જખ્મી થઈને, મરેલો પડયો હતો. એનું શરીર લોહીથી લથપથ થઈ ગયું હતું.
એક પળ એ બિલાડાને જોઈ રહ્યા પછી, પોતાનાં કપડાં સાચવીને સુલતાનબાબા ચાલ્યા ગયાં....બધાં રડતી આંખોએ એમને જતા જોઈ રહ્યા.
રીમા સાજી થઈ ગઈ ત્યારપછી એનું શરીર પણ ખૂબ સુંદર થઈ ગયું. ચહેરા ઉપર લાલાશ આવી ગઈ. અમર રીમાને પોતાને ઘેર પણ બે-ત્રણ વાર લઈ ગયો. અમરનાં મા-બાપ અને કુટુંબીઓને પણ લાગ્યું કે રીમા હવે સાજી થઈ ગઈ છે. એટલે એમણે અમરના લગ્ન રીમા સાથે કરવા માટે રજા આપી દીધી. અમર અને રીમાના લગ્ન થઈ ગયાં.
પછી શું થયું ?
પછી ખાધું-પીધું અને મજા કરી.
( સમાપ્ત )