જંતર-મંતર - 33 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

જંતર-મંતર - 33

જંતર-મંતર

( પ્રકરણ : તેંત્રીસ )

હવે બધાને સમજાઈ ગયું કે, આગ એ પણ સિકંદરની જ કોઈક માયાજાળ હતી. બધાં સુલતાનબાબા પાસે પાછાં આવ્યાં ત્યારે પણ સુલતાનબાબા ચૂપચાપ, શાંતિ ચિત્તે પઢવામાં તલ્લીન હતા. હજુ એમની આંખો બંધ હતી અને એમનો બુલંદ અવાજ આખાય કમરામાં ગુંજી ઊઠયો હતો. સતત એકધારા અડધો કલાક એ જ રીતે પઢતાં રહીને સુલતાનબાબાએ આંખો ઉઘાડી ત્યારે વાતાવરણ બિલકુલ શાંત થઈ ગયું હતું. થોડીકવાર પહેલાં તોફાન આવવાના એંધાણ દેખાયા હોય અને પછી એ તોફાન અધવચ્ચે જ કયાંક આડું ફંટાઈ જાય પછી જેવી શાંતિ હોય અને જેવું કોરું વાતાવરણ હોય એવું અત્યારે પણ લાગતું હતું.

સુલતાનબાબાએ હળવેકથી કહ્યું, ‘હવે તો એકાદ-બે ગુરુવારમાં બધો નિકાલ આવી જવાનો છે. તમે લોકો નાહકના ગભરાઈ જાવ છો. આમાં કોઈક માંદું થશે તો તમે એકમાંથી બીજામાં પડી જશો. હિંમત રાખો અને પંદરેક દિવસ સાચવી લો.’ પછી મનોજ તરફ જોઈને એમણે આગળ ચલાવ્યું, ‘હવે એનું જોર ઘણું વધી જશે. બને તો તમે રોજ રોજ આવીને મને ખબર આપો તો સારું. તમને એમાં તકલીફ થશે. પણ મને બધી જાણકારી મળતી રહેશે.’ કહેતાં તેઓ અટકી ગયા. પોતાનો બધો સામાન સંકેલતાં એમણે ફરી મનોજને કહેવા માંડયું, ‘હવે એ તમને બધાને ખૂબ ડરાવશે. પણ કોઈ ડરશો નહીં અને તમે તો જુવાન છો. ઘરનાં બીજા વડીલોનું ખાસ ધ્યાન રાખજો.. તેઓ કોઈ વાતે ડરી ન જાય એનો ખાસ ખયાલ કરજો.’ કહેતાં એમણે પેલું સોય પરોવેલું લીંબુ ઉઠાવ્યું અને બીજી બે સોય ઉપર ફૂંક મારીને લીંબુમાં પરોવી.

જ્યારે સુલતાનબાબા લીંબુમાં સોય પરોવતા હતા ત્યારે રીમાના શરીરમાં ભાલાઓ ખૂંચતા હોય એવી વેદના થઈ ઊઠી. એ જમીન ઉપર પડી પડી તરફડવા લાગી. પણ ધૂણી ધૂણીને એ એવી થાકી ગઈ હતી કે અત્યારે જાણે એનામાં તરફડવાનાય હોશ નહોતા. એને મરતી મરતી તરફડતી જોઈને બધાના મનમાં અરેરાટી જાગી ઊઠી. પણ કોઈ કંઈ કરી શકે એમ નહોતું. એટલે બધાં લાચારીથી ચૂપચાપ રીમાની દયા ખાતાં બેસી રહ્યાં.

સુલતાનબાબાએ થોડી જ વારમાં બધું સમેટીને પોતાની ઝોળીમાં ભરી લીધું. ત્યાં સુધીમાં બહાર પણ અજવાશ ફેલાઈ ગયો હતો. સુલતાનબાબા બધાને હિંમત રાખવાની ખૂબ ખૂબ ભલામણ કરીને ત્યાંથી નીકળી ગયા.

સુલતાનબાબા ગયા એટલે મનોરમામાસી અને હંસાએ મળીને રીમાના કપડાં સરખાં કર્યાં અને રીમાને ઊંચકીને એની પથારીમાં બરોબર ગોઠવી દીધી.

બધા રીમાના કમરામાંથી નીકળીને બહાર નીકળ્યા અને દીવાનખંડમાં આવ્યા ત્યાં અચાનક રંજનાબહેનને ચક્કર આવ્યા હોય એમ એ ગડથોલું ખાઈ ગયાં. મનોજ, હંસા અને મનોરમામાસીએ તરત જ એમને ઊંચકી લીધાં. સારા નસીબે એમને કંઈ ઈજા થઈ નહીં. પણ બધાં ગભરાઈ ઊઠયાં.

મનોરમામાસીએ હળવેકથી રંજનાબહેનને સોફા ઉપર બેસાડતાં પૂછયું, ‘શું થયું રંજના...? શું થયું ?’

કોઈ જવાબ આપવાને બદલે રંજનાબહેને પોતાના માથા પાસે હાથ લઈ જઈ, મુઠ્ઠી વાળીને એક આંગળી ગોળ-ગોળ ફેરવી.

‘ચક્કર આવે છે ?’ મનોરમામાસીએ પૂછયું. ત્યાં તો રંજનાબહેને હકારમાં ગરદન હલાવીને મનોરમામાસીને ખભે પોતાનું માથું ટેકવી દીધું. એમના શરીરનો બધો ભાર એમણે મનોરમામાસી ઉપર છોડી દીધો.

મનોરમામાસીએ હંસા તરફ જોતાં કહ્યું, ‘વહુ, તું તારી સાસુના પગ પકડ. આપણે એને સાચવીને સૂવડાવી દઈએ.’ બન્નેએ રંજનાબહેનને બરાબર સૂવડાવ્યાં ત્યાં મનોજ દોડીને પાણી લઈ આવ્યો. મનોરમામાસીએ ઝડપથી પાણીની છાલકો રંજનાબહેનના ચહેરા ઉપર મારી.

ઠંડા પાણીની છાલકો વાગતાં જ થોડીકવાર પછી રંજનાબહેને હળવેકથી આંખ ઉઘાડી. ‘કેમ છે રંજના તને ? ડૉકટરને બોલાવું ?’ મનોરમામાસીએ પોતાની બહેનની તબિયત બગડેલી જોઈને ગભરાટથી પૂછયું.

રંજનાબહેને માથું હલાવીને ડૉકટરને બોલાવવાની ના પાડતા કહ્યું, ‘ઠીક છે.’ પણ એમનો ધ્રુજારીભર્યો અને માંદલો અવાજ સાંભળીને બધાંને ખ્યાલ આવી ગયો કે ખરેખર રંજનાબહેનની તબિયત સારી નથી.

અને આમેય છેલ્લા બે દિવસથી રંજનાબહેનનો જીવ ઉચાટ થઈ ગયો હતો. રીમાની આ બીમારીથી તો બધાં ખૂબ ત્રાસી ગયાં હતાં. પણ રંજનાબહેનને એ બધાથી વધારે ત્રાસ થતો હતો. છેલ્લે બાજુના બંગલાનો ચોકીદાર જે રીતે ડરીને-હેબતાઈને ખતમ થઈ ગયો એની અસર એમના મન ઉપર ખૂબ ખરાબ રીતે પડી ગઈ હતી. એ પ્રસંગ પછી એ પોતે પણ ખૂબ ડરી ગયાં હતાં. સિકંદરનો ખ્યાલ માત્ર આવતાં એમના શરીરનું અંગેઅંગ ફફડી અને ધ્રુજી ઊઠતું હતું. એક તો પેલા ચોકીદારના મોતનો આઘાત હજુ મનમાં હતો ત્યાં આ આગની જ્વાળાઓ જોઈને એમનું મન બેસી ગયું હતું. આગ જોઈને જ એ ખૂબ ડરી ગયા હતા. વરસોની ગરીબી પછી ચુનીલાલની મહેનત અને પોતાની કરકસરથી ધીરે-ધીરે એમની હાલત સુધરી હતી. ખૂબ ત્રાસ વેઠયા પછી એમને આ બંગલો મળ્યો હતો. વરસોની મહેનત અને પરસેવાથી ઊભો કરેલો આ બંગલો એકાએક સળગીને ભસ્મ થઈ જાય એ વાત તેઓ સહન કરી શકે તેમ નહોતાં. એમના મનમાં ગજબનો ફફડાટ હતો. એમની આંખો સામે લાલ, પીળા અને વાદળી રંગો નાચી રહ્યા હતા. ધીમે-ધીમે તેઓ ઊંડી, અંધારી ખીણમાં ફેંકાતા જતાં હોય એમ લાગતું હતું. મગજ ઉપર સતત હથોડા ઠોકાતાં હોય એવો અવાજ સંભળાતો હતો.

બીજો કોઈ વખત હોત તો ઘરનાઓએ આ વાતને નબળાઈ કે ઘડપણનું કારણ સમજીને ઉડાવી દીધાં હોત. પણ અત્યારે આવા વખતે આ વાત ઉડાડી નાખવાનું કોઈને પણ ઠીક લાગ્યું નહીં. ચુનીલાલ અને મનોરમામાસીએ એ જ વખતે ડૉકટરને બોલાવવાનું નક્કી કર્યું અને મનોજને તેમણે ડૉકટરને બોલાવવા દોડાવ્યો.

થોડી જ વારમાં મનોજ ડૉકટરને બોલાવી લાવ્યો. ડૉકટરે રંજનાબહેનને તપાસ્યાં અને પછી એને એક ઈન્જેકશન આપતાં કહ્યું, ‘બહુ ચિંતા કરવા જેવું તો નથી. પણ કોઈ વાતથી તેમના મનમાં ડર ભરાઈ ગયો હોય એવું લાગે છે.’

ડૉકટર ગયા અને બધાંને ચિંતામાં મૂકતા ગયા. સુલતાનબાબાએ બધાને નહીં ડરવા માટે ખાસ સમજાવ્યાં હતાં. ડરને કારણે મોત પણ થઈ શકે છે એવી વાત પણ તેમણે કરી હતી. ‘આ સિકંદર બધાને હવે ડરાવીને ખતમ કરવાનો પ્રયત્ન કરશે.’ એવી ચોખ્ખી વાત તેમણે કરી દીધી હતી. ‘કોઈ પણ ભોગે રંજનાના મનમાંથી ડર તો કાઢવો જ પડશે.’ એમ મનમાં બબડતાં મનોરમામાસીએ રંજનાબહેનના કપાળે હાથ મૂકયો. કપાળે હાથ મૂકતાં જ તેઓ ચોંકી ગયાં. રંજનાબહેનનું કપાળ સખત રીતે ગરમ હતું. એમને તાવ ભરાયો હોય એમ લાગતું હતું. મનોરમામાસીએ હંસાને કહ્યું, ‘હંસા, જરા પાણી તો લઈ આવ. આને તો પોતાં મૂકવાં પડશે.’ અને પછી ચુનીલાલ તરફ ફરીને કહ્યું, ‘ચુનીલાલ તમે, તમારે હવે આરામ કરો. હું અહીં સંભાળી લઈશ.’

આખી રાતના થાકયાપાકયા ચિંતાતુર ચુનીલાલ આરામ લેવા માટે આડા પડયા એવી જ એમની આંખ લાગી ગઈ.

ચુનીલાલની આંખ ઊઘડી ત્યારે મનોરમામાસી રંજનાબહેનના સોફા પાસે સૂઈ ગયાં હતાં.

ચુનીલાલ પથારીમાંથી ઊભા થયા ત્યાં જ રસોડામાંથી હંસા બહાર આવી, પોતાના સસરાને જાગેલા જોઈને, એણે એમની નજીક જતાં કહ્યું, ‘બાની તબિયત સારી છે. હવે તાવ પણ નથી. મનોરમામાસી હજુ હમણાં જ સૂતાં છે.’

હંસાની વાત સાંભળીને ચુનીલાલ રંજનાબહેનની નજીક પહોંચ્યાં. એમને કપાળે હાથ મૂકીને એમણે ખાત્રી કરી જોઈ. ખરેખર રંજનાને તાવ નહોતો.

થોડીકવાર પછી મનોજ પણ જાગી ઊઠયો. હંસાએ બધા માટે નાસ્તો તૈયાર કરવા માંડયો. ઝડપથી નાસ્તા-પાણી અને રસોઈ પતાવીને એ સૂઈ જવા માંગતી હતી. આખી રાતનો ઉજાગરો હોવાથી એનું આખું બદન તૂટતું હતું. શરીરમાં સૂસ્તી પણ ભરાઈ ગઈ હતી.

મનોજ હજુ તો નાહી-ધોઈને તૈયાર થાય એ પહેલાં જ રીમાના રૂમમાંથી કંઈક અવાજ થયો. અવાજ સાંભળીને હંસા એ તરફ દોડી ગઈ. કમરામાં જઈને જોયું તો રીમા સતત ઊલટીઓ કરતી હતી. ઊલટીથી એના પલંગ ઉપરનું ગાદલું ખરડાઈ ગયું હતું અને પલંગ પાસેની લાદી ઉપર પણ ઊલટીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. હંસાએ રીમાનો હાથ પકડયો અને બીજા હાથે રીમાની પીઠ પંપાળવા માંડી, પણ ઊલટી વળી નહીં. સતત એ ઊલટી કરતી જ રહી.

થોડીવારમાં મનોજ અને ચુનીલાલ પણ દોડી આવ્યા. રીમાને જોશથી ઉછળીને ઉલટીઓ કરતી જોઈને એમની આંખે કમકમા આવી ગયાં. તેઓ જલદીથી જઈને મનોરમામાસીને ઉઠાડી આવ્યા.

રીમાના પેટમાં જે કંઈ હતું એ તો કયારનુંય ખાલી થઈ ગયું હતું. હવે પેટમાં કંઈ નહોતું છતાં રીમા જોશથી ઉછળતી, ઊબકા કરતી અને ખૂબ પીડાને અંતે થોડુંક પાણી માંડ-માંડ નીકળતું હતે ફરી પાછાં ઊબકા અને ઉછાળા શરૂ થઈ જતા. રીમાની આ પીડા તો કોઈથી પણ જોઈ શકાતી નહોતી. અને હવે તો ઘરના બીજાઓને પણ ઊલટીઓ થશે એવું લાગવા માંડયું હતું.

મનોરમામાસીએ તરત જ મનોજનું બાવડું પકડીને એક તરફ ખેંચીને એણે સુલતાનબાબાને બોલાવી લાવવા સમજાવ્યો.

મનોજ ગભરાતો અને ખીજવાતો રિક્ષામાં બેસીને સુલતાનબાબા પાસે પહોંચ્યો. જઈને સુલતાનબાબાને એણે રીમાની બેફામ ઊલટીઓની વાત કરી. એટલે સુલતાનબાબા બોલ્યા, ‘ભાઈ, ગભરાતો નહીં, એને ઊલટી થઈ એ ઘણું જ સારું થયું. હું પણ એની જ વાટ જોતો હતો. ઊલટીઓ થાય અને એના પેટમાં હોય એ બધું જ નીકળી જાય એવું હું ઈચ્છતો હતો.’

‘પણ બાબા, એ ઊલટીઓ બંધ જ થતી નથી. એનું શું ?’

‘એની ચિંતા ન કરીશ. હું તને ઊલટીઓ બંધ કરવા માટે પડીકી આપું છું.’ એમ કહેતાં એમણે દરગાહમાં પડેલી ધૂપદાનીમાંથી થોડીક રાખ કાઢીને, ગુલાબના ફૂલની બે પત્તીઓ ચોળીને એમાં મેળવી દીધી. અને પછી એક કાગળમાં એની પડીકી વાળીને આપતાં કહ્યું, ‘લે આ પડીકી એને પાણી કે મધમાં આપી દેજે...બધું સારું થઈ જશે.’

પડીકી લીધા પછી એક પળ પણ ત્યાં રોકાયા વિના મનોજ વળતી રિક્ષાએ પાછો ફર્યો અને ઊલટી કરતી રીમાને ઝડપથી પાણીમાં મેળવીને પેલી પડીકી પીવડાવી દીધી.

એ પડીકી પેટમાં જતાં જ જાણે ચમત્કાર થયો હોય એમ રીમાની ઊલટીઓ બંધ થઈ અને રીમાએ રાહતનો દમ લીધો. એ તરત જ એક બાજુ લાંબી થઈ સૂઈ ગઈ.

હંસાએ અને મનોરમામાસીએ બધું સાફ કર્યું. થોડીકવાર પછી રીમાએ ખાવાનું માંગ્યું. ત્યારપછી આખો દિવસ કંઈ બન્યું નહીં.

એ દિવસ તો બિલકુલ શાંતિથી પસાર થઈ ગયો. રાત પણ શાંતિથી પસાર થઈ ગઈ. કંઈ જ બન્યું નહીં. રંજનાબહેનની તબિયત પણ સારી થઈ ગઈ. ઘરનાં બધાંએ એમને હિંમત અને સાહસ જાળવી રાખવા માટે સમજાવી દીધાં હતાં અને ખરેખર રંજનાબહેને પણ પોતાનું મન મક્કમ કરી નાખ્યું હતું. જે થવાનું હોય તે ભલે થાય એમ વિચારીને એમણે પોતાના મનની નિરાશા ખંખેરી નાખી.

બીજો દિવસ પણ હેમખેમ પસાર થઈ ગયો.

પણ ત્રીજા દિવસની સવાર પાછી ચિંતાભરી અને અશાંત બની ગઈ. રીમા વહેલી સવારથી જ તોફાને ચડી ગઈ. એ એક નાદાન કે પાગલ છોકરી હોય એમ ઘરની ચીજવસ્તુઓ પછાડવા અને ફોડવા લાગી.

હંસા, મનોજ અને મનોરમામાસીએ રીમાને તોફાન કરતી રોકવા માટે ખૂબ પ્રયત્નો કરી જોયા, પણ રીમા શાંત ન થઈ. શાંત થવાને બદલે ધીમે-ધીમે એની નાચ-કૂદ અને તોડ-ફોડ ઓર વધી ગયાં.

હવે રીમાની આ હરકત બંધ કરવાનો માત્ર એક જ ઈલાજ હતો, સુલતાનબાબા.

મનોરમામાસી તરત જ મનોજને લઈને રિક્ષામાં સુલતાનબાબાને મળવા દોડી ગયાં.

સુલતાનબાબાએ બધી વાત સાંભળ્યા પછી રીમાને બાંધી રાખવાની સલાહ આપી. અને સાથોસાથ પાણી પણ મંતરી આપતાં કહ્યું, ‘દરરોજ સાંજના સૂરજ આથમવાના સમયે મીઠાના સાત ગાંગડા આ પાણીમાં ભીંજવીને રીમા ઉપર વાળીને કૂવામાં નાખી આવજો.’

મનોરમામાસી અને મનોજ ઘેર ગયાં. એક મજબૂત સાંકળ લાવીને બધાંએ ભેગાં થઈને રીમાને બારીના એક સળિયા સાથે બાંધી દીધી. અને એ જ સાંજથી રીમાના માથા ઉપરથી મીઠાના સાત ગાંગડા વાળીને કૂવામાં નાખી દીધાં.

એ જ રીતે ત્રણ-ચાર દિવસ પસાર થઈ ગયા. આ સમયે દરમિયાન રીમાનાં તોફાનો શાંત તો ન થયાં પણ કંઈક ઓછાં થઈ ગયા, તેમ છતાંય સાવચેતી ખાતર રીમાને દિવસે બારી સાથે અને રાતે પલંગ સાથે બાંધી જ રાખવામાં આવતી.

હવે ગુરુવારનો દિવસ આવી ગયો. આજે ગણતરી પ્રમાણે તો છેલ્લો ગુરુવાર હતો. આજે રીમાનો કે સિકંદરનો ફેંસલો આવી જવાનો હતો. સિકંદર અને સુલતાનબાબા વચ્ચે છેલ્લી લડાઈ હતી. બેમાંથી ગમે તે એકની હાર થવાની હતી. બધા બસ આજની રાત પસાર થઈ જાય એની જ ચિંતા કરતાં હતાં.

ગુરુવારના એ દિવસે બપોરના બધાં જંપી ગયાં હતાં. મનોરમામાસી અને રંજનાબહેન પણ ઊંઘી ગયાં હતાં. હંસા પણ હેમંતને સૂવડાવવા અને બે ઘડી માટે આડું પડખું કરવા માટે પોતાના કમરામાં ચાલી ગઈ હતી. તેવા સમયે અચાનક રીમાએ જાળી સાથે બંધાયેલી સાંકળમાં બંધાયેલા પોતાના હાથને એક જોરદાર આંચકો માર્યો.

આ આંચકો બહુ જ જોરદાર હતો. એ એક જ આંચકાથી દીવાલમાં મજબૂત રીતે જડેલી લોખંડની જાળી હચમચી ગઈ. જાળીનો સળિયો ખેંચાઈને નીકળી આવ્યો. અને રીમા મુક્ત બની.

રસ્તા ઉપર બપોરના સમયે શાંતિ હતી. બહુ અવર-જવર કે બહુ વાહનો દેખાતાં નહોતાં.

રીમા એ રસ્તા ઉપર ઊભી રહી. સામે છેડેથી એક ટ્રક પૂરપાટ આવતી હતી. પણ રીમાને તો એનું કંઈ ધ્યાન જ નહોતું. એ તો બેભાન અને બેખબર હોય એમ આંખો મીંચીને સતત દોડી રહી હતી અને સામેથી એક ટ્રક ધસી આવતી હતી. ટ્રકની ઝડપ વધુ હતી અને રીમા બેભાન અને બેફામ બનીને દોડી રહી હતી.

અચાનક ટ્રક ચલાવતા ડ્રાઈવરની નજર રસ્તા ઉપર દોડી આવતી રીમા ઉપર પડી. પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. એ બ્રેક મારે ત્યાં સુધીમાં તો રીમા ઉપર ટ્રક ફરી વળવાની હતી. એનું હૃદય બે-ત્રણ ધબકારા ચૂકી ગયું. એણે પોતાના ભગવાનને યાદ કરી આંખો મીંચીને બ્રેક ઉપર જોશથી પગ દબાવી દીધો. લગભગ બારથી પંદર ફૂટ દૂર જઈને ચુંઉંઉંઉંના જોરદાર અવાજ સાથે ટ્રક અટકી ગઈ. હળવેકથી એણે આંખ ઉઘાડી. સામે રસ્તો હજુ પણ પહેલાં જેવો જ સાફ અને સપાટ હતો. એણે બારીમાંથી ડોકું કાઢીને પાછળ જોયું.

પાછળ જોતાં જ ડ્રાઈવર ચોંકી ગયો.

પછી..? પછી શું થયું..? રીમાનું શું થયું ? સુલતાનબાબાએ સિકંદર અને એના ગુરુઓને ખતમ કર્યા ? હંસાનું શું થયું...? મનોજનું શું થયું...? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***