જંતર-મંતર - 31 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જંતર-મંતર - 31

જંતર-મંતર

( પ્રકરણ : એકત્રીસ )

સુલતાનબાબાએ પોતાના હાથમાંથી કાળા મણકાની માળા હળવેકથી વીંઝીને, જોશથી ત્રાડ નાખી, ‘બોલ પછી શું થયું....?’

‘પછી...’ સિકંદરે ખૂબ જ થાકેલા અને માંદલા અવાજે કહેવા માંડયું, ‘પછી હું ખેંચાતો ખેંચાતો એક કબ્રસ્તાનમાં એક તાજી ખોદાયેલી કબર પાસે પહોંચી ગયો. એ તાજી ખોદાયેલી કબરમાં એક તાજા મડદા ઉપર એક અઘોરી જાદુગર પલાંઠી મારીને બેઠો હતો.

એ અઘોરી કોઈ રાક્ષસ જેવો વિકરાળ હતો. એના મોઢાના લાંબા દાંત બહાર દેખાતા હતા. એની આંખોમાં વીજળીના નાના બલ્બ સળગતા હોય એવો ચમકારો દેખાતો હતો. એના માથાના વાળ બરછટ અને સૂતળી જેવા જાડા દેખાતા હતા. એને જોતા જ મનમાં બીક લાગવા માંડે એવો એનો દેખાવ હતો.

એને જોતાં જ મને ખ્યાલ આવી ગયો કે આ અઘોરીએ જ મને ખેંચીને બોલાવ્યો છે. એની સામે જઈને હું ઊભો રહી ગયો હતો.

મને જોતાં જ એણે મને હુકમ કર્યો, ‘તારે મારું એક કામ કરવાનું છે.’

‘હું કોઈનુંય કામ કરતો નથી.’ મેં હિંમત ભેગી કરીને એને જવાબ આપ્યો. પણ મારો જવાબ સાંભળીને એણે પોતાના હાથમાંનું એક હાડકું જોશથી જમીન તરફ ફેંકયું. એની સાથોસાથ જ એક જોરદાર ભડકો થયો. અને એ ભડકા સાથે એણે ધરતી ધ્રુજવતા અવાજે પૂછયું, ‘હું તને બાળીને ભસ્મ કરી નાખીશ.’

એની દાદાગીરી અને એની શક્તિ જોઈને મને લાગ્યું કે, એ જરૂર કોઈ પહોંચેલી માયા છે. જો હું રાજી-ખુશીથી એનું કામ નહીં કરું તો એ મારી પાસે પરાણે પોતાનું ધાર્યું કરાવશે અને બદલામાં કંઈ નહીં મળે. એના કરતાં એની પાસેથી કામના બદલામાં કોઈક વળતર માંગી લેવું જોઈએ. એવું વિચારીને મેં એને કહ્યું, ‘હું મફતમાં કોઈનુંય કામ કરતો નથી !’

‘તું મારું કામ કરીશ તો બદલામાં તને જે કંઈ જોઈશે તે હું આપીશ. બોલ, તારે શું જોઈએ છે.’

‘હું કાયાપ્રવેશની વિદ્યા જાણું છું. કોઈપણ સ્ત્રી કે પુરુષના શરીરમાં પ્રવેશ કરી શકું છું. પણ હજુ લોહી પીવાની વિદ્યા મેં મેળવી નથી. મને એ વિદ્યા જોઈએ છે. જો તમે એ વિદ્યા શીખવવા તૈયાર હોવ તો જ હું તમારું કામ કરીશ.’

મારી વાત સાંભળીને અઘોરી તૈયાર થઈ ગયો. એણે મારી પાસે ન કરાવવાનાં કામો કરાવ્યાં. મને ન ગમતાં કામ પણ એને રાજી રાખવા માટે મજબૂરીથી કરવાં પડયાં. મને વિદ્યાય શીખવાડી. સતત ત્રીસ વરસ સુધી એણે મને હેરાનપરેશાન કરી મૂકયો. પછી અચાનક એક દિવસ અઘોરી ખુશમિજાજમાં બેઠો હતો ત્યારે મેં એને આજીજીઓ અને વિનવણીઓ કરવા માંડી. એટલે એણે તાનમાં આવી જઈને મને આઝાદ કરી દીધો.

ત્યારથી આજ સુધી હું એક પછી એક છોકરીના શરીરમાં પ્રવેશ કરું છું. એ છોકરીમાં પ્રવેશ કરું છું. એ છોકરી સાથે સહવાસ માણું છું અને જ્યાં સુધી એ છોકરી મને પ્રેમ કરે ત્યાં સુધી હું એને ફૂલની જેમ રાખું છું. એને માલામાલ કરી દઉં છું. એ છોકરીને મારા તરફ નફરત થવા માંડે એટલે હું એને કોઈક પહાડની ટોચે લઈ જઈને નીચે ગબડાવી દઉં છું. એ છોકરી ખતમ થઈ જાય છે અને હું પણ છૂટી જાઉં છું. અને જો છોકરી મને પ્રેમ કરતી રહે તો પછી જ્યારે એ કુદરતી મોતે અથવા તો હું જ્યારે એનાથી કંટાળું ત્યારે એના શરીરમાંથી મારો છુટકારો થાય છે. પણ આ છોકરીએ તો મને ફસાવી દીધો છે. હવે હું એની સાથે રહી શકતો નથી અને એનાથી છૂટી પણ શકતો નથી.’

સિકંદરે અહીં પોતાની કથા પૂરી કરી...અને ખૂબ થાકી ગયો હોય, હાંફી ગયો હોય એમ ઉંહકારા ભરવા લાગ્યો. પોતાનું માથું સુલતાનબાબાને ચરણે ધરતો હોય એમ રીમાએ પોતાનું માથું સુલતાનબાબાના પગ પાસે ટેકવી દીધું.

રાત ઘણી પસાર થઈ ગઈ હતી. સવાર પડવાને માંડ બે કલાકની વાર હતી. રીમા પણ હાજરી ભરી ભરીને ધૂણીને ખૂબ થાકી ગઈ હતી. એટલે વધુ હાજરી આવતા ગુરુવાર ઉપર રાખીને સુલતાનબાબાએ પેલું સોય ભરાવેલું લીંબુ ઉઠાવ્યું.

બીજા હાથે એક લાંબી અણીદાર સોય ઉઠાવી અને પછી ત્રણ વાર કંઈક પઢીને એ સોય ઉપર ફૂંક મારી અને અગાઉથી ચારેક સોય પરોવેલા એ લીંબુમાં હળવે-હળવે સોય ઘોંચવા માંડી. એક સોય ઘોંચાતાં ઘોંચાતાં તો એ લીંબુ ગરમ થઈ ગયું. એમાંથી ધુમાડા પણ નીકળવા માંડયા. સુલતાનબાબાનો હાથ દાઝી જતો હોય એમ એમણે કપડું પોતાની હથેળી ઉપર વીંટીને ફરી એ લીંબુ ઉઠાવ્યું. એક બીજી સોય લઈને એમણે પઢી પઢીને એ લીંબુ ઉપર ફૂંકવાનું ચાલુ કર્યું. લીંબુ ઠરી ગયું એટલે એમણે પેલી સોય ઉપર ત્રણેકવાર પઢીને ફૂંકો મારી અને લીંબુ ફાટી ન જાય એ રીતે ધીમે-ધીમે લીંબુમાં સોય પરોવવા માંડી.

લીંબુમાં સોય પરોવતા સમયે સિકંદરને કારમી પીડા થતી હોય એમ રીમા જોશથી ટળવળતી અને તડપતી હતી. ‘હાય...છોડી દે જાલિમ....હાય... હાય...!’ એવું એ બોલતી હતી.

આ વખતે લીંબુ ખૂબ ગરમ થઈ ચૂકયું હતું. એનો રંગ સળગતા અંગારા જેવો લાલચોળ થઈ ગયો હતો. સુલતાનબાબાના હાથમાંનું કપડું સળગવા લાગ્યું હતું. પણ સુલતાનબાબાએ ખૂબ ધીરજથી, જરાય ડર્યા કે ડગ્યા વિના એ સોય ધીમે-ધીમે લીંબુમાં ઉતારી દીધી.

સોય લીંબુમાં ઘૂસી ગઈ એ પછી જ સુલતાનબાબાએ લીંબુ નીચે મૂકયું. પછી બધું જ સંકેલી લેતાં તેમણે મનોજને કહ્યું, ‘હવે બહુ ચિંતા કરવા જેવી નથી. હવે તમારામાંથી કોઈને પણ સિકંદર પરેશાન નહીં કરે. કદાચ એ અથડાશે તો પણ મારી સાથે જ અથડાશે. જોકે, હવે એની કોઈ પણ ચાલ સફળ થવાની નથી. પણ બુઝાતો દીપક જેમ વધુ અજવાશ આપે છે. એ જ રીતે એ છૂટવા માટે છેલ્લા ધમપછાડા કરી લેશે. પણ તમે હવે બેફિકર થઈ જાવ. હવે આ છોકરીનો કે બીજા કોઈનો પણ વાળ વાંકો થશે નહીં.’

આમેય સિકંદરને શરણે આવી ગયેલો જોઈને ઘરનાં સૌનાં મનને શાંતિ થઈ ગઈ હતી. અને રીમા જરૂર સારી થઈ જશે અને એના લગ્ન અમર સાથે થઈ જશે એવી પણ બધાને મનમાં ખાતરી થઈ ગઈ હતી.

સુલતાનબાબા ઊભા થયા અને પોતાની ઝોળી ખભે લટકાવીને ચાલ્યા ગયા.

બીજા દિવસે કોઈ બનાવ બન્યો નહીં. પેલો બિલાડો તો ઘણા દિવસથી દેખાતો બંધ થઈ ગયો હતો.

પણ...બીજા દિવસની બપોરે એક ઘટના બની ગઈ...

બપોરનો સમય હતો. ઘરનાં બધાં આરામ કરતાં હતાં. હંસા પોતાના કમરામાં હેમંત સાથે સૂઈ ગઈ હતી. રીમા પણ પોતાના કમરામાં નિરાંતે ઊંઘતી હતી. રંજનાબહેન અને મનોરમામાસી પણ ઘડીકવાર માટે જંપી ગયાં હતાં.

અચાનક એક મોટો ધડાકો થયો અને ઘરનાં સહુ ગભરાઈને જાગી ઊઠયાં. આ ધડાકો એટલો મોટો અને એટલો જોરદાર હતો કે આખું મકાન પાયામાંથી હચમચી ગયું. સહુને થોડીકવાર તો એવું લાગ્યું કોઈ મોટો ધરતીકંપ થયો હશે. બધાં જ ગભરાઈને બેઠાં થઈ ગયાં અને બહાર જોવા માટે બારીઓ તરફ દોડી ગયાં. પણ બહાર તો જાણે કંઈ જ ન બન્યું હોય એમ સહુ પોતપોતાના કામમાં મગ્ન હતાં. રાબેતા મુજબનો વહેવાર ચાલુ જ હતો.

બહાર બધું શાંત જોયા પછી ખ્યાલ આવ્યો કે, ખરેખર બહાર કંઈ બન્યું જ નથી. જે કંઈ બન્યું છે તે ઘરમાં જ બન્યું છે. બધાં ગભરાઈને, ધડકતા દિલે પાછાં વળ્યાં. અને પાછા ફરીને દીવાનખંડમાં જોઈને ચોંકી ઊઠયાં.

દીવાનખંડની બરાબર વચ્ચે પેલો મરીયલ બિલાડો પડયો હતો. એની આંખો બંધ હતી. એ જ્યાં પડયો હતો ત્યાં મોટો ખાડો પડી ગયો હતો.

એ જોતાં જ બધાંને ખ્યાલ આવી ગયો કે, આ બિલાડો પડયો એનો જ ધડાકો થયો હશે. એ બિલાડો જમીન ઉપર પટકાઈને મરી ગયો હોય એમ બધાંને મનમાં લાગતું હતું.

પણ એ બિલાડાની નજીક જવાની, એ બિલાડાને હાથ લગાવવાની કોઈનામાંય હિંમત નહોતી. અરે, કોઈ ખાતરી સાથે એમ કહેવા પણ તૈયાર નહોતું કે, એ બિલાડો મરી ગયો છે.

આવા સિકંદરના પડછાયા જેવા બિલાડાનો ભરોસો શું ? એની નજીક જતાં કદાચ એ ઓચિંતો હુમલો કરી બેસે તો....?

દૃ દૃ દૃ

દીવાનખંડમાં બિલાડો ચૂપચાપ મરી ગયો હોય એમ પડયો હતો. મનોજ, રીમા, હંસા અને ઘરનાં બધાં એ બિલાડાને ધડકતા દિલે જોઈ રહ્યાં હતાં. એ બિલાડાની નજીક જવાની કોઈનામાંય હિંમત નહોતી.

હવે એ બિલાડાનું શું કરવું ? એને ઊંચકીને બહાર નાખી દેવો કે પછી જઈને સુલતાનબાબાને બોલાવી લાવવા ? એવા વિચારો મનોજના મગજમાં ચાલતા હતા ત્યાં જ મનોરમામાસીએ મનોજને બાજુ ઉપર બોલાવતાં કહ્યું, ‘મનોજ, જરા અહીં આવ તો ભાઈ...!’

મનોજ હળવેકથી સરકીને મનોરમામાસી પાસે ગયો. મનોરમામાસીએ મનોજના કાનમાં ફૂંક મારતાં હોય એવા ધીમા અવાજે કહ્યું, ‘ભાઈ, મનોજ....તું જઈને બાજુના બંગલામાં ચોકીદારને બોલાવી લાવ. બે-પાંચ રૂપિયા આપીને આને ઉપડાવીને બહાર નખાવી દે.’

મનોજને મનોરમામાસીની સલાહ વ્યાજબી લાગી. એ ઝડપથી દોડતોક પોતાના બંગલાની બહાર નીકળીને, બાજુના બંગલા પાસે પહોંચ્યો. એ બંગલાનો ચોકીદાર બરાબર ઝાંપા પાસે જ સ્ટૂલ નાખીને બેઠો હતો.

મનોજ એની પાસે જઈને ઊભો રહ્યો એટલે પેલો ચોકીદાર સલામ મારતો ઊભો થવા જતો હતો પણ મનોજનો ચહેરો જોઈને પાછો સ્ટૂલ ઉપર બેસી ગયો અને બોલ્યો, ‘કેમ, શેઠ, આજે અહીં આવવું પડયું ?’

કોઈ દિવસ આ તરફ નહીં આવનાર મનોજને આવેલો જોઈને એ ચોકીદારને કંઈક નવાઈ જેવું લાગી રહ્યું હતું.

મનોજે એની સામે જોતાં કહ્યું, ‘ભાઈ, અમારે ત્યાં એક બિલાડો મરી ગયો છે, એને ઊંચકીને બહાર ફેંકી આવવાનો છે.’

ચોકીદાર મનોજની સામે જોઈને હાથ જોડતો હોય તેમ બોલ્યો, ‘ના, ના, ના....જો મારી શેઠાણી તમારું કામ કરતાં મને જોઈ જાય તો કાઢી જ મૂકે...!’ પણ એ ચોકીદાર હજુ પોતાનું બોલવાનું પૂરું કરે તે પહેલાં તો મનોજે ખિસ્સામાંથી દસ રૂપિયાની એક નોટ કાઢીને ચોકીદાર તરફ લંબાવી દીધી. ચોકીદાર દસની નોટ જોઈને શેઠાણી અને નોકરી બધું જ ભૂલી ગયો હોય એમ બોલ્યો, ‘તમે જાવ શેઠ, હું હમણાં જ આવું છું.’ કહેતાં એણે સ્ટૂલ ઉઠાવીને, ઝાંપો બંધ કરવા માંડયો.

મનોજ પોતાના બંગલામાં પાછો પહોંચ્યો ત્યાં સુધી બધું એમ ને એમ જ હતું. બિલાડો એ જ રીતે ચૂપચાપ પડયો હતો. મનોજ દીવાનખંડમાં પહોંચ્યો.

ચોકીદારને આવેલો જોઈને હંસા, રીમા, રંજનાબહેન અને મનોરમામાસી દૂર ખસી ગયાં અને હંસાના કમરામાં ચાલ્યાં ગયાં.

મનોજ પણ ત્યાંથી આઘોપાછો થઈ ગયો.

ચોકીદારે હળવેકથી પેલા મરેલા બિલાડાને ઉઠાવ્યો. પણ બિલાડો ધાર્યા કરતાં વધારે વજનદાર હોય એમ એ ઊંચકાયો નહીં. ચોકીદારને નવાઈ લાગી. પણ એણે બીજો કોઈ વિચાર કર્યા વિના વધારે જોર કર્યું અને બિલાડો ઊંચકાયો....ઊંચકાતો જ રહ્યો. ચોકીદારે એને વધુ ઊંચો કર્યો પણ એ બિલાડાના પગ હજુ જમીન ઉપર જ અડકેલા હતા. ચોકીદારની લંબાઈ જેટલા એ બિલાડાના પગ થઈ ગયા હતા. અને હજુ પણ એ પગ જમીન ઉપર જ હતા. અચાનક ચોકીદારનું એ તરફ ધ્યાન ગયું અને એ એકદમ થરથરી ગયો. એકાએક અજાણતાં જ ઈલેકટ્રિકનો કરંટ લાગ્યો હોય એમ એ બિલાડાને ફેંકીને, ત્યાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગી છૂટયો. એની ચીસ સાંભળીને ફરી બધાં ત્યાં દોડી આવ્યાં. મનોરમામાસી અને મનોજ ‘શું થયું ? શું થયું ?’ એમ પૂછતાં જ રહ્યાં પણ પેલો ચોકીદાર તો કયારનોય દુમ દબાવીને ભાગી છૂટયો હતો.

હવે બધાની નજર પેલો બિલાડો જ્યાં પડયો હતો એ તરફ ગઈ. પણ પેલા બિલાડાની જગ્યાએ અત્યારે ત્યાં એક તાજું ખિલેલું ફૂલ પડયું હતું. એ ફૂલને જોઈને બધાંની આંખો અચરજથી ફાટી રહી.

થોડીવારમાં બારીમાંથી હવાની એક લહેરખી આવી અને એ લહેરખી સાથે જ પેલું ફૂલ ખેંચાઈને દૂર ચાલ્યું ગયું અને પછી એ ફૂલ કયાં ગુમ થઈ ગયું એની કોઈનેય કંઈ ખબર પડી નહીં.

બધાં ગભરાટથી અને બીકથી એવાં ફફડી ગયાં કે પેલા ચોકીદારનું શું થયું ? એ ચીસ પાડીને શા માટે ભાગી ગયો ? એ જાણવાનું કે પૂછવાનુંય કોઈને ભાન રહ્યું નહીં.

પણ બીજે દિવસે એમને સમાચાર મળ્યા કે બાજુના બંગલાનો એ ચોકીદાર આખો દિવસ અને આખી રાત તાવમાં શેકાતો રહ્યો અને ‘ભૂત-ભૂત’ કરતો કરતો બીજા દિવસની સવારે મરણ પામ્યો છે. બધાં એવું અનુમાન લગાવતા હતા કે, કયાંક ચોઘડિયા ફેર થઈ ગયો છે અને આ ચોકીદાર કોઈક અદૃશ્ય શક્તિનું ચરિતર જોઈ ગયો છે. નહીંતર આવો પાંચ હાથ પૂરો પહેલવાન જેવો તગડો અને તાજો-માજો જુવાન આમ ‘ભૂત-ભૂત’ કરતો એક દિવસના તાવમાં ખતમ ન થઈ જાય. ગમે તેમ પણ વાત ત્યાંની ત્યાં દબાઈ ગઈ. કોઈનેય ગંધ સરખી આવી નહીં કે એ ચોકીદાર મનોજના બંગલે ગયેલો અને ત્યાં એક બિલાડાનું ચરિતર જોઈને એના મનમાં દહેશત ઘૂસી ગયેલી. એ દહેશતને કારણે જ એ ખતમ થઈ ગયો છે.

એ દિવસે બીજું તો કંઈ ખાસ બન્યું નહીં. હવે આવતી કાલે તો પાછો ગુરુવાર હતો. બસ આજની રાત હેમખેમ પસાર થઈ જાય એટલે નિરાંત. હવે પછી માંડ બે કે ત્રણ ગુરુવાર સાચવવાના હતા. એકાદ મહિનામાં તો આખીય વાતનો ફેંસલો આવી જાય એમ હતો.

એ દિવસે સાંજે જમી-પરવારી લીધા પછી બધાં ટોળે વળીને બેઠાં. આડી-અવળી વાતોમાં રીમાના સાસરિયાંઓની વાત પણ નીકળી. ચુનીલાલને મનમાં એવી ફડક હતી કે, રીમાનાં સાસરિયાં કદાચ અમરના લગ્ન બીજે કયાંક ચુપચાપ ગોઠવીને ખાનગીમાં જ બધું પતાવી દેશે. હંસા અને મનોજને મનમાં પાકી ખાતરી હતી કે અમર રીમા સાથે જ લગ્ન કરશે. ભલેને હજુ છ મહિના સુધી વાટ જોવી પડે.

ત્યારપછી બધાં અમરે લીધેલી નવી જમીનની વાત ઉપર ઊતરી પડયાં. જમીન ગામથી સહેજ આઘે હતી. પણ સારી જમીન હતી. એ વિસ્તારમાં આસપાસ ઘણાં બંગલાઓ બંધાયા હતા. અમર પણ રીમાને મળીને એ બંગલાનો નકશો બનાવીને પછી જ એનું બાંધકામ કરાવવાનો વિચાર કરતો હતો.

રીમા ચૂપચાપ આ બધી વાતો સાંભળતી હતી અને મનોમન અમરના રૂપાળા અને પ્રેમાળ ચહેરાની કલ્પના કરીને, ખુશ થતી હતી.

જોકે, રીમાને ખબર નહોતી કે હવે પછી એવી ઘટનાઓ બનવાની છે જે એણે સપનામાં પણ નહોતી વિચારી.

પછી..? પછી શું થયું..? રીમાનું શું થયું ? સુલતાનબાબાએ સિકંદર અને એના ગુરુઓને ખતમ કર્યા ? હંસાનું શું થયું...? મનોજનું શું થયું...? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Payal Chavda Palodara

Payal Chavda Palodara માતૃભારતી ચકાસાયેલ 7 માસ પહેલા

Ankita Parekh

Ankita Parekh 9 માસ પહેલા

Alpesh Barot

Alpesh Barot માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Urmila Patel

Urmila Patel 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા