જન્માંધ.. DINESHKUMAR PARMAR NAJAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જન્માંધ..

જન્માંધ....... વાર્તા... દિનેશ પરમાર નજર
______________________________________________
હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે,
મને ખીણ જેવી પ્રતીતિ થઈ છે,
કે હું છું ને ચારે તરફ ડુંગરા છે
-રમેશ પારેખ
_______________________________________________
પાલડી વિસ્તારના મહાલક્ષ્મી ક્રોસ રોડથી પરિમલ ગાર્ડન તરફ જતા, આગળ ડાબે હાથે આવતા શિલ્પ એવન્યુ ની ગલીમાં, સરસ્વતી દેવાલય રોડ પર આવેલી ભવ્ય અને વિશાળ બંગલાઓ ધરાવતી " અભિલાષા" સોસાયટીના બંગલા નંબર ત્રણમાં રહેતા શેઠશ્રી શ્રેણીકભાઈ, હજુ તો સવારે સવારે પૂજા કરીને જેવા, પૂજારૂમથી બહાર નીકળ્યા કે ડ્રોઇંગ-રૂમની કોર્નર ટીપોંય પર સુષુપ્ત અવસ્થામાં પડેલા લેન્ડ લાઇન ટેલીફોનની રિંગ રણકી ઉઠી.
પોતાના શોરૂમ પર જવા તૈયાર થવા, બેડરૂમ તરફ આગળ વધી રહેલા શ્રેણીક શેઠ સહેજ અટકી ટેલીફોન તરફ ફંટાયા.
"હેલો......કોણ?... શું...ક્યારે? હા. હા.. હું તરત આવું છું."
ફોન મૂકી શેઠ હાંફળા ફાંફળા જેવા બેડરૂમમાં પ્રવેશ્યા, તેમનો ચિંતાભર્યો અવાજ સાંભળીને શેઠાણી પુષ્પાબેન પાછળ ને પાછળ બેડરૂમમાં આવ્યાં.
"શું થયું છે..?"
શેઠ કપડાં પહેરતા પહેરતા બોલ્યા, "કઈં નથી થયું. તું પાછી ચિંતા કરીશ, પણ તને તો કહેવું પડસે, સાંભળ આપણી રૂપલ ગાડી લઈને કૉલેજ જતી હતી તે..."
"શું થયું આપણી રૂપલને?" એક્દમ ઉંચા જીવે પુષ્પાબેન બોલી ઉઠ્યા.
"અરે! તું આપણી રૂપલને નથી જાણતી? તને તો ખબર છે, હું તેને ગાડી ચલાવવા આપતોજ નથી, ડ્રાઇવર તિવારીને મોકલું છું. પણ આજે તિવારીને કામ હોઈ રજા પર છે, તે બેન બા જાતે ગાડી લઈને ઉપડ્યા, તેમાં પાલડી ચાર રસ્તા પાસે એક લક્ઝરી બસ સાથે અથડાઈ છે."
" હેં....શું વાત કરો છો.. અત્યારે તે ક્યાં છે? હું પણ સાથે આવું છું. "પુષ્પાબેન ચિંતામાં બોલી ઉઠ્યા.
" તુ અત્યારે ઘરે રહે તો સારું હું દોડાદોડી કરી શકું. રૂપલને વાડીલાલ હોસ્પિટલમાં લઇ ગયા છે. " શ્રેણીકશેઠ ફટાફટ બહાર નીકળતા બોલ્યા, ને ઝડપથી પોર્ચમાં પડેલી બીજી ગાડી તરફ ભાગ્યા.
ત્યારે પોતાના બેડરૂમમાં હમણાં જ જાગેલી, તેમની મોટી દીકરી સોનલ, ડ્રોઇંગરૂમમાં મમ્મી-પપ્પા વચ્ચેનો આ સંવાદ અને પોતાની તરફ આવતા તેના મમ્મીના પગલાંનો અવાજ સાંભળીને હિબકા ભરવા લાગી.

**********

બોમ્બેમાં ફેલાયેલા, ખંડણી ઉઘરાવવાના અને ના આપે તો મારી નાખવાના, ગુંડાઓની ગૅંગના કારસ્તાનો થી ડરી , ભવિષ્યમાં પોતાનો પણ વારો આવી શકે છે. તે શંશયથી મુંબઈ છોડી છેલ્લા દસ વર્ષથી અમદાવાદ આવી સ્થાયી થયેલા શેઠ શ્રેણીકભાઈનો રતનપોળમાં મોટો, સાડીઓ, ચણિયાચોળી, પટોળાનો ભવ્ય શો-રૂમ હતો.
પાલડી વિસ્તારમાં 'અભિલાષા સોસાયટી' માં રહેતા શ્રેણીકભાઇને કુટુંબમાં જોઈએ તો, પોતે, પત્ની પુષ્પાબેન, બે ટ્વીન્સ્ (જોડકા) દીકરીઓ, મોટી સોનલ અને નાની રૂપલ. બન્ને ખુબ રૂપાળી અને જોડકા બાળકોમાં બને છે એમ એઝ યુઝવલ, દેખાવમાં બિલકુલ સરખી, ભણવામાં પણ બન્ને ખુબ હોશિયાર.
જ્યારે તેઓ છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે મોટી સોનલને
ઇન્ફેકશનના કારણે કોર્નિયલ ડિસિઝમાં દ્રષ્ટિ ગુમાવી દીધી હતી.
થોડા દિવસ તે ગુમનામીમાં રહી, પણ પછી તેની ટ્રીટમેન્ટ, મનોચિકિત્સક તબીબ દ્વારા ત્થા ખાસ તજજ્ઞ દ્વારા કાઉન્સિલીંગ કરી ગુમનામીમાંથી બહાર કાઢી. ત્યારબાદ ખાસ બ્રેઈલલિપિ તેણે શીખી, અને આગળ ભણી કૉલેજ સુધી પહોંચી હતી.
જ્યારે નાની રૂપલ પણ ભણવામાં હોશિયાર હોઈ, બારમાં ધોરણ પછી, એચ. કે. આર્ટ્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. તે ખૂબ ચંચળ હતી. કોલેજમાં, ભણવા સિવાય સ્પોર્ટસમાં પણ તે વોલીબોલ પ્લેયર તરીકે ભાગ લેતી. ઘણી વાર તેમનો ડ્રાઇવર ચા-બીડી માટે આઘોપાછો થતો તો તે, પોર્ચમાં પડેલી ગાડી જાતે ચલાવી કૉલેજ પહોંચી જતી. આમતો તે જાતે ગાડી લઈ જાય તે શ્રેણીકશેઠને પસંદ એટલે નહોતું કારણ યુવાન લોહી હોઈ ગાડી તે ખૂબ બેફામ ચલાવતી.
બન્ને બહેનો એકબીજાને ખૂબ પ્રેમ કરતી. ઘણીવાર રૂપલ, સોનલને લઈ બહાર ગાડીમાં ફરવા નીકળી પડતી. રસ્તામાં, ચાટ પુરી, પાણી પૂરી, ભેળ કે પાઉંભાજીનો પેટ ભરી નાસ્તો કરી ઘરે આવતા.
શેઠ-શેઠાણી પણ બન્નેનો પ્રેમ જોઈ સંતોષ અનુભવતા. અને રાહત અનુભવતા કે તેઓ નહીં હોય ત્યારે બન્ને બહેનો સંપીને રહેશે.
કોલેજના ત્રીજાવર્ષમાં આવેલી રૂપલનું આ વર્ષે ગ્રેજ્યુએશન પૂરું થવાનું હતું. પરીક્ષા નજીક હતી.
આ અરસામાં શ્રેણીકશેઠના ખાસ મિત્ર ચંદ્રકાંત મણિયારના ભાઈ જે અમેરીકા સ્થાયી હતા , તેમનો પુત્ર સિધ્ધાર્થ ઉર્ફે સન્ની અમદાવાદ, લગ્ન એટેન્ડ કરવા આવ્યો હતો. તેને રિસેપ્શનમાં જોઈ શ્રેણીકશેઠે તેમના મિત્રને તેના વિશે પૂછપરછ કરતાં, તે અહીંની છોકરી સાથે લગ્ન કરવા માંગતો હોઈ, શ્રેણીકશેઠને ચંદ્રકાંતે સામેથી, રૂપલ માટે વાત વિચારવા જણાવ્યું .
શ્રેણીકશેઠ વાત કરતા સહેજ અટકી જતા તેમના મનની વાત પામી ગયેલા ચંદ્રકાંતે કહ્યું, " શું.. તું સોનલની ચિંતા કરે છે ને?, અરે યાર, તેના જોગ પણ પાત્ર મળી રહેશે. પરંતુ હું મારા ભત્રીજાને જાણું છું, તે ખરેખર ખુબ સીધો છે, અને રૂપલ તેની સાથે ખુશ રહેશે આ મારી ગેરન્ટી છે."
પછી તો, રૂપલે, સિધ્ધાર્થે એક મેક ને જોયા, બન્ને મળ્યા અનેએક મેક ને પસંદ કરતા, આવતા વર્ષે લગ્ન કરવાનો નિર્ણય કરી, અઠવાડિયામાં જ રીંગ-સેરમની ગોઠવી દેવાઈ. અઠવાડિયું તેઓ સાથે હર્યા-ફર્યા, એકબે વાર તો, સોનલને પણ સાથે લઈ ગયા,ને પછી સિદ્ધાર્થની અહી વધુ રોકાવાની ઇચ્છા હોવા છતા શીડ્યુઅલ મુજબ અમેરિકા જવું પડયું.

*********

શ્રેણીકશેઠ હાંફળા ફાંફળા વાડીલાલ હોસ્પિટલ પહોંચ્યા, રૂપલને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી ત્થા પેટના ભાગે મૂઢ માર વાગ્યો હતો. લોહી ખુબ વહી જવાને કારણે તત્કાલિક ઑપરેશન કરવું જરૂરી હોઈ જેવા શ્રેણીકશેઠ પહોંચ્યા કે, તુરંત જરૂરી પેપર પર તેમની સહીઓ લઈને ઓપરેસન શરૂ કર્યું. ઓપરેસન વખતે સતત લોહી ચઢાવવું પડયું. સતત ચાર કલાક ચાલેલા ઓપરેસન પતાવી બહાર આવેલા ડૉક્ટરે, શ્રેણીકશેઠને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા, ત્યારે પુષ્પાબેન, ચંદ્રકાંત, ત્થા અન્ય સગાસંબંધીઓ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.
શ્રેણીકશેઠ અને પુષ્પાબેન સાથેજ, ડૉક્ટર સાહેબની ચેમ્બરમાં ગયા.
તેમને જોઈ ડૉક્ટર બોલ્યા, "જુઓ મેં મારો બનતો પ્રયત્ન કર્યો છે. પણ હજુ બાર કલાક કટોકટી છે. જો તે સમય પસાર થઈ જશે તો પછી વાંધો નહીં આવે."
પરંતુ કાળને કાંઈ જુદુ જ કરવું હશે, રાત્રે મોડેથી ભાન આવ્યા પછી સોનલને જોવાની ઇચ્છા વ્યક્ત કરતાં બીજે દિવસે સવારે સોનલને લાવવામાં આવે તે પહેલાં જ, દસ વાગ્યાની આસપાસ રૂપલને અચાનક આંચકી શરૂ થઈ ને હજુ ડૉક્ટર આવે તે પહેલાં તો એક ડચકું ખાઈને ડોક એક તરફ ઝૂકી ગઈ.
રૂપલ આ દુનિયા છોડી ચાલી ગઈ હતી...
પરંતુ જતા જતા પોતાની આંખો, સોનલને માટે દાન કરી ગઈ હતી.

********

જ્યારે રૂપલની અંતિમયાત્રા નીકળી ત્યારે આખો રસ્તો સગા સંબંધી, મિત્રો, વિગેરેથી ઉભરાઈ રહ્યો... ચારે તરફ શોકનું વાતાવરણ હતું. સિધ્ધાર્થને સમાચાર મળતાં જ તાત્કાલિક જે મળી તે ફ્લાઇટમાં અમદાવાદ આવી ગયો હતો. તે રૂપલને આવી સ્થિતિમાં જોતા ધ્રુસકે ને ધ્રુસકે રોઈ પડ્યો. સોનલને તો તાત્કાલિક આઈ-હોસ્પિટલમાં દાખલ કરી,કીકી પ્રત્યારોપણ (કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ) નું ઓપરેસન કર્યું હોઈ તેને રડવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી..

********

મૃત્યુ બાદની, બેસણું, બારમું, અસ્થિવીસર્જન જેવી વિધિ પતાવી શેઠ શ્રેણીકભાઈ અને પુષ્પાબેન, મનથોડું ડાઇવર્ટ થાય એટલે પંદર દિવસ તે હરિદ્વાર અને અન્ય ધાર્મિક સ્થળોએ
યાત્રા કરવા નીકળી પડ્યા.
તેઓ પાછા આવ્યા ત્યારે, તેમનો મિત્ર ચંદ્રકાંત મણિયાર શ્રેણીકશેઠને મળવા આવ્યો . આડી અવળી પ્રવાસની વાતો કરી મુળ વાત પર આવતા ચંદ્રકાંત બોલ્યા, " હું શું કહું છું શ્રેણીક? મારી વાત ધ્યાનથી સાંભળજે, તું યાત્રાએ ગયો ત્યારે, સિદ્ધાર્થ અમેરીકા પરત જતા પહેલા અહીં તારે ઘરે , બે થી ત્રણ વાર આવેલો, તેને સોનલમાં, રૂપલ જ દેખાતી હતી. હવે રૂપલના નેત્ર મેળવી સોનલપણ દેખતી થઈ ગઈ છે."
એટલામાં પુષ્પાબેન પાણી લઈ આવ્યા, તે ગ્લાસ હાથમાં લેતા," કેમ છો ભાભી? "કહેતા ચંદ્રકાંત પાણી પીવા લાગ્યા.
પછી હાથરુમાલથી મોં લુછતા આગળ બોલ્યા," જતા જતા સિધ્ધાર્થ મને કહેતો ગયો છે કે મને, સોનલમાં, રૂપલના દર્શન થાય છે, કાકા જો સોનલના મમ્મી-પપ્પાને મંજૂર હોય તો હું સોનલને મારી જીવનસંગીની બનાવવા માંગુ છું."
એક પળ માટે ડ્રોઇંગરૂમમાં લટકતી રૂપલની તસવીર તરફ, શ્રેણીકશેઠ અને પુષ્પાબેન ઉદાસ ચહેરે જોઈ રહ્યા, પછી ચંદ્રકાંત સામે જોઈ બોલ્યા," આ તો આપણું અહોભાગ્ય પણ સોનલને પૂછવું.... "
ત્યાં જ વચ્ચે તેમની વાત અટકાવતા ચંદ્રકાંત બોલ્યા," સોનલ તો સિધ્ધાર્થ સાથે ખુશ હતી જ છતાં, તેને જ્યારે સિધ્ધાર્થે પ્રપોઝ કર્યું ત્યારે સોનલે તમારી ઉપર બધું છોડ્યું છે."
શ્રેણીકશેઠ અને પુષ્પાબેને એકબીજા સામે જોઈ મૌન સહમતી આપી.

*********

તે પછીના વર્ષે સિધ્ધાર્થ જાન લઈ આવ્યો અને સોનલને પરણી ગયો. પોતાના પિયરનું ઘર છોડતા પહેલા સોનલ ડ્રોઇંગ રૂમમાં લતકતી રૂપલની ચંદનના હારવાળી તસવીર પાસે ગઈ ને હૈયું ખોલીને ખુબ રડી. તેના મમ્મી અને અન્ય સ્ત્રીઓ તેની પાછળ રડી રહી હતી.
તે સ્ત્રીઓ વિદાયનું રડી રહી હતી, જ્યારે સોનલ ખુલ્લું વિદાયનું રડી રહી હતી જ્યારે તેનું અંતર??? તેણે સિધ્ધાર્થ સાથે રૂપલનું સગપણ ગોઠવાતાં તે મોટી હોઈ તેનું સ્થાન જાણે રૂપલે છીનવી લીધું છે તે ભાવનામાં તેની અંદર લાગેલી ઈર્ષાની આગમાં તેણે રૂપલને નુકશાન પહોંચાડવાના આશયથી, ડ્રાઇવર તિવારીને વિશ્વાસમાં લઇ સારી એવી રકમ આપી,ગાડીની બ્રેકમાં ફોલ્ટ કરાવી , તિવારીને રજા પર ઉતરી દીધો હતો. તેનો આશય રૂપલ મરી જાય તેવો નહોતો પરંતુ શરીરમાં ખોડ-ખાંપણ થાય તો, પોતાની સાથે તુલનામાં ચઢિયાતી સાબિત ના થાય.
પણ.......
રૂપલ તો જીવ ગુમાવીને પણ, પોતાના નેત્રોનું દાન આપી, તથા સિધ્ધાર્થ જેવા સ્માર્ટ, સીધા, એન. આર. આઇ. ને પણ ભેટમાં આપી ખુબ ખુબ ચઢિયાતી ને દાતાર સાબિત થઈ હતી.
તે મનમાં એટલું બોલી, " રૂપલ બહેના, મારો ગુનો માફી લાયક નથી જ નથી. મને માફ કરી દે જે..."
ને સોનલ સાસરે જવા પીઠ ફેરવી ગઈ.

*********

બરાબર એક વર્ષ પછી શ્રેણીકશેઠ સવારે પુજાખંડમાંથી જેવા બહાર નીકળ્યા, ડ્રોઇંગ રૂમમાં સુષુપ્ત અવસ્થામાં પડેલા ફોનની રીંગ રણકી ઉઠી.
ઉંચા જીવે ફોન ઉઠાવ્યો," હે... લો... "
સામે છેડે સિધ્ધાર્થ હતો," હેલો... પપ્પા.. સિધ્ધાર્થ બોલું છું. ખુશ ખબર છે સોનલે ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો છે."
" શું વાત છે.. અભિનંદન, કેવી છે તબીયત?"
"પપ્પા તબિયત તો ત્રણેની સારી છે પણ..." સિધ્ધાર્થ બોલ્યો.
"પણ....શું???" ઉચાટ સાથે શ્રેણીકશેઠ બોલી ઉઠ્યા.
"પપ્પા.. બે દીકરીઓ જન્મી છે તેમાં મોટી અંધ છે . "
" હેં.. "કહેતા ધબ દઈને શ્રેણીકશેઠ સોફામાં ફસડાઈ પડયા.

*************************************************
દિનેશ પરમાર 'નજર '