પલ પલ દિલ કે પાસ - નીતુ સિંઘ - 36 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • કાંતા ધ ક્લીનર - 50

    50.કોર્ટરૂમ ચિક્કાર ભર્યો હતો. કઠેડામાં રાઘવ એકદમ સફાઈદાર સુ...

  • ઈવા..

    ઈવાએ 10th પછી આર્ટસ લઈને સારી સ્કૂલમાં એડમિશન મેળવ્યું હતું....

  • ખજાનો - 21

    " ભલે આપણને કોઈને યાદ નથી કે આપણે અહીં કેમ આવ્યા છીએ તેમ છતા...

  • ભાગવત રહસ્ય - 53

    ભાગવત રહસ્ય-૫૩   પ્રથમ સ્કંધ –તે અધિકાર લીલા છે. જ્ઞાન અનધિક...

  • એક ષડયંત્ર.... - ભાગ 82

    (દિપકના ઘરે કનિકા જાય છે, પણ સિયા વિશે સાંભળી ઘરમાં બાકીના બ...

શ્રેણી
શેયર કરો

પલ પલ દિલ કે પાસ - નીતુ સિંઘ - 36

નીતુ સિંઘ

“બોબી” માટે રાજકપૂરની પ્રથમ પસંદ ડીમ્પલ કાપડિયા જ હતી પણ ઓડીશન ટેસ્ટ આપતી વખતે નીતુસિંઘે સુપર્બ પર્ફોર્મન્સ આપ્યું હતું. બે ઘડી માટે તો રાજ કપૂર પણ વિચારમાં પડી ગયા હતા. આખરે તેમણે તે સમયે હાજર રહેલી સીમી ગરેવાલ સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોયું હતું. સીમીએ પણ પસંદગીનો આખરી કળશ ડીમ્પલ પર જ ઢોળ્યો હતો. આમ નીતુસિંઘ “બોબી” બનતા બનતા રહી ગઈ હતી. જોકે એ વાત જુદી છે કે રીયલ લાઈફ માં તે રિશી કપૂરની “બોબી” બનીને જ જંપી માત્ર એટલું જ નહિ પણ સીતેરના દસકમાં રિશી કપૂર સાથે અગિયાર ફિલ્મો કરીને યાદગાર જોડી પણ જમાવી જેમાંની મોટા ભાગની ફિલ્મો સફળતાને વરી હતી.

નીતુ સિંઘનો જન્મ તા ૮/૭/૧૯૫૮ ના રોજ દિલ્હીમાં થયો હતો. તેનું સાચું નામ હરનીતકૌર સિંઘ છે. નીક નેઈમ છે નીતુ. માતાનું નામ રાજી સિઘ અને પિતાનું નામ દર્શન સિઘ. નીતુસિંઘે આઠ વર્ષની ઉમરે બાળકલાકાર તરીકે ૧૯૬૬ માં “સુરજ” અને “દસ લાખ” માં અભિનય કર્યો હતો. ૧૯૬૮ માં રીલીઝ થયેલી “દો કલિયાં” થી સીનેજગતમાં નીતુસિંઘની બેબી સોનિયા તરીકે આગવી ઓળખ ઉભી થઇ ગઈ હતી. ફિલ્મના ટાયટલ મુજબ તે ફિલ્મમાં નીતુસિંઘનો ડબલ રોલ હતો. ફિલ્મની વાર્તા મુજબ અલગ થઇ ગયેલા માતા અને પિતા પાસે એક એક દીકરી રહેતી હોય છે. સ્કૂલની પીકનીકમાં બંને બાળકીઓને ખબર પડે છે કે બંને સગી બહેનો છે. બંને પ્લાન કરીને એક બીજાની ઘરે રહેવા જતી રહે છે અને અંતમાં માતા પિતાને ભેગા કરે છે. સ્વચ્છ અને સામાજિક થીમ વાળી ફિલ્મ “દો કલિયાં” તે જમાના માં સુપર ડુપર હીટ નીવડી હતી. વિશ્વજીત અને માલાસિંહા પર ફિલ્માવાયેલું તથા રફી અને લતાજીએ ગાયેલું ગીત “તુમ્હારી નઝર કયું ખફા હો ગઈ” આજે પણ રેડિયો પર સાંભળવા મળે છે. ૧૯૬૯ માં રીલીઝ થયેલી “વારીસ” અને ૧૯૭૦ માં રીલીઝ થયેલી ફિલ્મ “પવિત્ર પાપી” તથા “ઘર ઘર કી કહાની” માં પણ નીતુસિંઘ નાના રોલમાં સિલ્વર સ્ક્રીન પર દેખાઈ હતી.

નીતુસિંઘની મુખ્ય ભૂમિકામાં પ્રથમ ફિલ્મ હતી “રિક્ષાવાલા” જે તદ્દન ફ્લોપ નીવડી હતી. હીરો હતો રણધીર કપૂર. ત્યાર બાદ આવેલી “યાદોં કી બારાત” ફિલ્મે તો અઢળક કમાણી કરી હતી. ફિલ્મમાં માત્ર એક ડાન્સમાં જ નીતુ અતિ ટૂંકા વસ્ત્રોમાં દેખાઈ હતી. સમગ્ર સીનેજગતે તેના ડાન્સની અને ટૂંકા ડ્રેસની પણ નોધ લીધી હતી. દર્શકોને નીતુસિંઘ પસંદ પડી ગઈ હતી. નીતુસિંઘને હવે જરૂર હતી માત્ર એક હિટ ફિલ્મની જેમાં તે મુખ્ય નાયિકાના રોલમાં હોય. આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો . સાલ હતી ૧૯૭૫. ફિલ્મ હતી “ખેલ ખેલ મેં” એક થી એક ચઢીયાતા ગીતો તથા સસ્પેન્સ અને રોમાન્સથી ભરેલી “ખેલ ખેલ મેં” થી જ દર્શકોને રિશી નીતુની જોડી પસંદ પડી ગઈ. જોકે તે પહેલાં તે બંનેની “ઝહરીલા ઇન્સાન” આવી ગઈ હતી પણ તે ફિલ્મ ચાલી નહોતી. “ખેલ મેં ખેલ મેં” બાદ તરત જ આવેલી “રફૂ ચક્કર” થી નીતુનું સ્થાન સીને જગતમાં વધારે મજબુત બની ગયું હતું. “કભીકભી” ના શૂટિંગ સમયે રિશી નીતુનો રોમાન્સ પુરબહારમાં ખીલ્યો હતો માત્ર એટલું જ નહિ કોલેજીયન યુવકો અને યુવતીઓની તે આદર્શ જોડી બની ગઈ હતી. તે જ વર્ષે રીલીઝ થયેલી “દીવાર” અને ત્યાર બાદ અદાલત, પરવરીશ, દુસરા આદમી, કસમે વાદે, કાલા પથ્થર, જાની દુશ્મન ધ ગ્રેટ ગેમ્બલર ,પ્રિયતમા એમ નીતુસિંઘની એક પછી એક સફળ ફિલ્મો આવતી ગઈ હતી. ૧૯૭૯ માં રીલીઝ થયેલી રિશી નીતુની ફિલ્મ “ઝૂઠા કહીં કા” સમયે દિલ્હીમાં બંનેની સગાઇ થઇ હતી અને ૨૨/૧/૧૯૮૦ ના રોજ ધામધૂમથી તેમના લગ્ન થયા હતા.

વાત ૧૯૮૦ ની સાલની જ છે. ”યારાના” ના મહત્વના ગીતના શૂટિંગની તડામાર તૈયારીઓ થઇ રહી હતી. કિશોર કુમારે ગાયેલું ગીત હતું.. ”સારા ઝમાના હસીનો કા દીવાના” ના સેટ પર નીતુસિંઘ અપસેટ હતી. આંખોમાંથી ગ્લીસરીન વગરના સાચુકલા આંસુ અવારનવાર આવી જતા હતા. અમિતાભનું ધ્યાન પડયું એટલે તેણે કારણ જાણવાની કોશિશ કરી. ખાસ્સા પ્રયત્નો બાદ તેને જાણવા મળ્યું કે નીતુ રિશીને મિસ કરી રહી હતી... રિશી કપૂર સાથે હનીમૂન પર થી પરત આવ્યા બાદ નીતુસિંઘના (અધુરી ફિલ્મો પૂરી કરવાના) એ દિવસો હતા. આખરે અમિતાભે નિર્દેશકને ભલામણ કરીને નીતુસિંઘને સ્પેશિયલ કેસ તરીકે રજા અપાવી હતી. એ ગીતમાં નીતુસિંઘ માત્ર એક જ અંતરામાં અમિતાભ સાથે સ્ક્રીન પર દેખાય છે તેનું સાચું કારણ આ હતું.

કપૂર ખાનદાનની પરંપરા મુજબ ૧૯૮૩ સુધીમાં નીતુએ અધુરી ફિલ્મો પૂરી કરીને ફિલ્મ ક્ષેત્ર છોડી દીધું હતું. જે ફિલ્મોની માત્ર સાઈનિંગ એમાઉન્ટ જ લીધી હતી તે પરત કરવામાં આવી હતી.

ખાસ્સાં વર્ષો બાદ ૨૦૦૯ માં નીતુ એ “લવ આજ કલ” થી કમ બેક કર્યું હતું. ૨૦૧૦ માં રિશી સાથે “દો દુની ચાર” માં તે દેખાઈ હતી. ત્યાર બાદ “જબ તક હૈ જાન” અને “બેશરમ” માં પણ તેને અભિનય કર્યો હતો. “બેશરમ” માં તો નીતુ સાથે રિશી કપૂર અને પુત્ર રણબીર કપૂર પણ હતો. આજે તો પુત્ર રણબીર કપૂર ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી ચુક્યો છે. જેના લગ્ન માટે નીતુસિંઘ અને રિશી કપૂર અત્યંત આતુર છે. પુત્રી રીદ્ધીમાં ફેશન ડિઝાઈનર છે. તેના લગ્ન બીઝનેસમેન ભારત સહાની સાથે થયા છે. છેલ્લા દસેક માસથી વિદેશમાં કેન્સરની સારવાર કરાવતા રિશી કપૂરની તબિયત સુધારા પર છે.

સમાપ્ત