અમિતાભ બચ્ચન
૧૯૬૯માં આકરા સંઘર્ષ બાદ અમિતાભને ખ્વાજા એહમદ અબ્બાસની ફિલ્મ “સાત હિન્દુસ્તાની” માં નાનો રોલ મળ્યો હતો. ફિલ્મનું શૂટિંગ શરુ થવાને થોડા દિવસોની વાર હતી. આર્થિક તંગીના એ દિવસોમાં બેસી રહેવું પાલવે તેમ નહોતું. ઈસ્માઈલ મર્ચન્ટની ફિલ્મ જેમ્સ આઈવરીના સેટ પર ફયુનરલના સીન વખતે કેમેરો ક્રાઉડ પર ફરી રહ્યો હતો. તે ટોળામાં અમિતાભને જોઇને ફિલ્મનો હીરો શશી કપૂર ચમક્યો હતો. અગાઉ અમિતાભ સાથે તેની મુલાકાત થઇ ચુકી હતી. ”અરે તુમ યહા ક્યાં કર રહે હો?તુમ્હે ઐસે રોલમેં સ્ક્રીન પર નહિ દિખના ચાહિયે”. અમિતાભે પોતાની આર્થિક મજબૂરી જણાવી. સીન ઓકે થયો એટલે હિસાબના પૈસા લઈને અમિતાભે સ્ટુડિયો છોડી દીધો. અમિતાભના ગયા બાદ શશી કપૂરે ડાયરેક્ટરને કહીને અમિતાભનો છ સેકન્ડનો તે સીન કઢાવી નાખ્યો હતો. શશીકપૂરને વિશ્વાસ હતો કે અમિતાભ આવા રોલ માટે બન્યો જ નથી. અમીતાભે એક ઇન્ટરવ્યુમાં આ પ્રસંગ યાદ કરીને શશીકપૂર સાથેની દોસ્તીનો પણ ઉલ્લેખ કર્યો હતો. અંગ્રેજીમાં કહેવત છે કે “જો તમારે તમારા અવાજને પ્રખ્યાત કરવો હોય તો કોરસમાં ક્યારેય ગાવું ના જોઈએ. ”
તા. ૧૧/૧૦/૧૯૪૨ ના રોજ અલ્હાબાદમાં કવિ હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનને ત્યાં જન્મેલુ પ્રથમ સંતાન એટલે અમિતાભ. અમિતાભનું બાળપણ અલ્લાહાબાદમાં જ ભાડાના મકાનમાં વીત્યું હતું. તે દિવસોમાંજ નહેરુ પરિવાર સાથે હરિવંશરાયના પરિવારને નાતો બંધાયો હતો. સીનીયર કેમ્બ્રીજ પછી અમિતાભે બી. એસ. સી. ની ડીગ્રી દિલ્હીમાંથી લીધી હતી. અમિતાભે પહેલો ઇન્ટરવ્યુ ઓલ ઇન્ડિયા રેડીઓમાં એનાઉન્સરની નોકરી માટે આપ્યો હતો. જ્યાંથી રીજેક્શન આવ્યું હતું. શાળા જીવનમાં ભજવેલાં નાટકોની દિલમાં યાદ લઈને અમિતાભે ૧૯૬૨માં નોકરી માટે કોલકત્તાની વાટ પકડી હતી. પ્રથમ પગાર હતો પાંચસો રૂપિયા. સાતેક વર્ષ કોલકત્તાના નિવાસ દરમ્યાન મિત્રો સાથે મળીને અમિતાભે એક નાટય સંસ્થા પણ બનાવી હતી. નોકરી બદલતાં તથા પ્રમોશન મળ્યા બાદ અમિતાભનો પગાર ૧૮૦૦ સુધી પહોંચી ગયો હતો પણ અમિતાભનું મન તો સતત અભિનયને જ ઝંખતું હતું. ફિલ્મફેર માધુરીની જે કોન્ટેસ્ટમાં રાજેશખન્ના વિજેતા બન્યો હતો તેમાં અમિતાભે પણ ભાગ લીધો હતો. પરંતુ અમિતાભના નસીબમાં વધારે સંઘર્ષ લખેલો હતો. આખરે ૧૯૬૯માં ફિલ્મોમાં નસીબ અજમાવવા માટે તેણે મુંબઈની ટ્રેન પકડી હતી. ’અગર હીરો નહિ બન પાઉંગા તો મુંબઈમેં ટેક્ષી ચલાઉંગા લેકિન મુંબઈ નહિ છોડુંગા”નો નિર્ધાર કરનાર અમિતાભે ઘરેથી પૈસા ન મંગાવવાનો પણ મનસુબો કર્યો હતો. પરિણામે મુંબઈમાં આર્થિક તંગીના દિવસોનો પણ સામનો કરવો પડયો હતો. જાહેરાતમાં પોતાનો અવાજ ઉછીનો આપવાના તે જમાનામાં અમિતાભને પચાસ રૂપિયા મળતા હતા. આજે પણ અમિતાભ તે દિવસો યાદ કરીને કહે છે “જીવનમેં આગે બઢને કે લિયે સંઘર્ષ આવશ્યક હૈ” ફિલ્મ “ભુવનસોમ” માં નેરેશનમાં અમિતાભનો માત્ર અવાજ જ સાંભળવા મળ્યો હતો જેના વળતર પેટે તેને એક હજાર મળ્યા હતા. ”રેશમા ઔર શેરા” માં સુનીલદત્તે અમિતાભને મૂંગાનો રોલ આપ્યો હતો. ઋષિદા ની “ગુડ્ડી’ માં અમિતાભ સાથે જયાનું સાતેક રીલનું શૂટિંગ પણ થયું હતું પરંતુ અમિતાભની પ્રતિભા જોઇને ઋષિ દાને લાગ્યું હતું કે નાયિકા પ્રધાન ફિલ્મ “ગુડ્ડી” માં અમિતાભને વેડફવાનો કોઈ મતલબ નથી. વળી તેમની ઈચ્છા કોઈ અજાણ્યા ચહેરાને લેવાની પણ હતી. તેથી “ગુડ્ડી” માં મુખ્ય રોલમાં બંગાળી અભિનેતા સુમિત ભાંજાને લીધો હતો. અને અમિતાભને ગેસ્ટ રોલ આપ્યો હતો. જોકે અમિતાભનું નસીબ ૧૯૭૩માં રીલીઝ થયેલી “જંજીર” થી ચમક્યું હતું. તે જ વર્ષે અમિતાભ અને જયાના લગ્ન થયા હતા. જયાના પગલાં અમિતાભના જીવનમાં એટલા બધા શુકનિયાળ નીવડયા કે “જંજીર” પહેલાં તેર નિષ્ફળ ફિલ્મો આપનાર અમિતાભે સળંગ છવ્વીસ હિટ ફિલ્મો આપી હતી. ફિલ્મઇન્ડસ્ટ્રીમાં આ એન્ગ્રી યંગમેનની ગણના ટોપ ટેન લીસ્ટમાં એક થી દસ સુધી થવા લાગી હતી. ૧૯૮૨મા “કુલી” ના સેટ પર થયેલ જીવલેણ અકસ્માત વખતે સતત બે મહિના સુધી અખબારોમાં અમિતાભની તબિયતના સમાચાર ચમકતા રહ્યા હતા. કરોડો ચાહકોએ કરેલ પ્રાર્થના તથા તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીનું દિલ્હીથી ઉડીને મુંબઈ અમિતાભ બચ્ચનની ખબર જોવા આવવું એ વાત તો સમગ્ર દેશના અખબારોની હેડ લાઈન બની ગઈ હતી. ”કુલી” સુપર ડુપર હિટ નીવડી હતી. ફિલ્મની મૂળ સ્ટોરી મુજબ અંતમાં અમિતાભનું મૃત્યુ દર્શાવવાનું હતું. પરંતુ અમિતાભની અપાર લોકપ્રિયતા જોઇને મનમોહન દેસાઈએ “કુલી”નો અંત બદલવો પડયો હતો. જે દ્રશ્યમાં અમિતાભને ઈજા થઇ હતી તે સીન ફિલ્મમાં વીસ સેકન્ડ સુધી પોઝ કરીને જયારે દર્શાવવામાં આવતો હતો. ત્યારે થીએટરમાં સોપો પડી જતો હતો. અમિતાભ આજે પણ કહે છે “મેરા જીવન લાખો કરોડો દેશવાસીઓકી દુઆઓં કી બદૌલત હૈ. ”
અમિતાભે સૌથી વધારે ફિલ્મો પરવીન બાબી,ઝીન્નત અમાન અને રેખા સાથે કરી હતી. પરંતુ તેના નામ સાથે સૌથી વધારે નામ તો રેખાનું જ જોડાયું હતું. જોકે અમિતાભે “કુલી’ ના અકસ્માત બાદ રેખા સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું. એ. બી. સી. એલ. કંપનીની જંગી ખોટને કારણે અમિતાભના માથે નેવું કરોડનું દેવું થઇ ગયું હતું વળી વનપ્રવેશને કારણે કામ પણ મળતું પણ બંધ થઇ ગયું હતું. ગમે તેવો જીગર વાળો માણસ પણ તૂટી જાય તેવા કપરા સંજોગોમાં અમિતાભે ગજબની ધીરજ ધરીને યશ ચોપરાની ફિલ્મ“મહોબત્તે”થી કમબેક કર્યું હતું. સાથે સાથે નાના પડદે કે. બી. સી. માં પણ હોસ્ટ તરીકે કામ ચાલુ કરી દીધુ હતું. અને તમામ દેવું ચૂકવીને ફીનીક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. અઢળક એવોર્ડ્સ તથા પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત અમિતાભ બચ્ચન આજે આ ઉમરે યુવાનોને પણ શરમાવે તે રીતે કાર્યરત છે. અમિતાભ બચ્ચનનો ચાહકવર્ગ ત્રણ પેઢી સુધી વિસ્તરેલો છે જેમાં કે બી સી નો પણ સિંહફાળો છે.
સમાપ્ત