Pal Pal Dil Ke Paas - Amir Khan - 1 books and stories free download online pdf in Gujarati

પલ પલ દિલ કે પાસ - આમીર ખાન - 1

આમીર ખાન

બચ્ચો, કાબિલ બનો કાબિલ...કામયાબી તો સાલી ઝ્ખ્ખ માર કે પીછે ભાગેગી..”થ્રી ઈડિયટ્સ” નો આમીર ખાનનો આ ડાયલોગ તેની અંગત ઝિંદગીમાં પણ તેટલો જ લાગુ પડયો છે.દર્શકો ભલે આમીરને “કયામત સે કયામત” થી ઓળખતા થયા હોય પણ નાની ઉમરથી જ પરફેક્ટ એક્ટર બનવા માટેનો તેનો ઉત્સાહ અને આકરી મહેનત વિષે બહુ ઓછા લોકો જાણે છે.આમીર ખાનની ઓળખ અભિનેતા ઉપરાંત નિર્માતા નિર્દેશક, સ્ક્રીપ્ટ રાયટર, ટીવી શો સંચાલક અને સામાજિક કાર્યકરની પણ છે.

આમીર ખાનનું સાચું નામ મુહમ્મદ આમીર હુસૈન ખાન. આમીરનો જન્મ તા.૧૪/૩/૧૯૬૫ ના રોજ મુંબઈમાં થયો હતો.પિતાનું નામ તાહિરહુસૈન અને માતાનું નામ જીન્નતહુસૈન.બે ભાઈ અને બે બહેનોમાં સૌથી મોટો આમીર છે.આમીરખાને માત્ર આઠ વર્ષની ઉમરે તેના પિતા તાહિરહુસૈનની ફિલ્મ “મદહોશ” માં તથા કાકા નાસીરહુસૈન ની ફિલ્મ “યાદો કી બારાત” માં બાળકલાકાર તરીકે અભિનય કર્યો હતો.આમીરે પ્રાયમરી અભ્યાસ બાંદ્રાની સેન્ટ એન્સ સ્કૂલ અને ત્યાર બાદ બોમ્બે સ્કોટીશ સ્કૂલમાં દસમું પાસ કર્યું હતું. મુંબઈની નરસી મોનજી કોલેજમાં તેણે ત્યાર બાદનો થોડો અભ્યાસ કર્યો હતો.તે દિવસોમાં પિતાની એક પછી એક ફિલ્મો ફ્લોપ જઈ રહી હતી. ઘરની આર્થિક સ્થિતિ દિવસે દિવસે તંગ થતી જતી હતી.પિતા પર એટલું બધું દેવું થઇ ગયું હતું કે રોજના ત્રીસથી ચાલીસ ફોન તો માત્ર ઉઘરાણીના જ આવતા હતા.આમીરને સતત ડર રહેતો હતો કે ફી નહિ ભરાય ભણવાનું છોડવું પડશે.માત્ર સોળ વર્ષની ઉમરે આમીરે તેના સ્કૂલના જ મિત્ર આદિત્ય ભટ્ટાચાર્ય સાથે મળીને ચાલીસ મીનીટની એક મૂંગી ફિલ્મ બનાવી હતી.ફિલ્મનું નામ હતું “પરાનોઈયા” જેનો મતલબ થાય પાગલપન. તે ફિલ્મ બનાવવા માટે ડો.શ્રીરામ લાગુએ આર્થિક સહાય કરી હતી.તે ફિલ્મમાં આમીરના સહકલાકારો તરીકે નીનાગુપ્તા અને વિક્ટર બેનર્જી હતાં.

આમીર ખાનના માતા પિતાની બિલકુલ ઇચ્છા નહોતી કે આમીર ફિલ્મોમાં કામ કરે.અન્ય પેરેન્ટ્સની જેમ જ તેઓ આમીરને ભવિષ્યમાં ડોક્ટર કે એન્જીનીયર તરીકે જોવા માંગતા હતા. માતા પિતાના તીવ્ર વિરોધ વચ્ચે આમીરે ભણવાનું છોડીને અવાન્તર નામનું થીએટર ગ્રુપ જોઈન કરી લીધું હતું. તે દિવસોમાં જ આમીરે એક ગુજરાતી નાટક “કેસર ભીના” માં નાનકડી ભૂમિકા પણ ભજવી હતી.ત્યાર બાદ એક અંગ્રેજી નાટક અને બે હિન્દી નાટકોમાં પણ તેણે અભિનય કર્યો હતો.ત્યાર બાદ આમીરખાને કાકા નાસીર હુસૈનના સહાયક તરીકે કામ કરવાનું શરુ કરી દીધું હતું. તે દિવસોમાં નસીર હુસૈન સની દેઓલ અને ડીમ્પલ કાપડિયાને લઈને “મંઝીલ મંઝીલ” બનાવી રહ્યા હતા.ઓગણીસ વર્ષના આમીરે ફિલ્મના સેટ પર કેમેરા ગોઠવવાથી માંડીને ખુરશીઓ ઉપાડવાનું પણ કામ ઉત્સાહથી કર્યું હતું. “મંઝીલ મંઝીલ” ફિલ્મ ભલે બોક્ષ ઓફીસ પર ખાસ કમાલ દેખાડી શકી નહોતી પણ આમીર ખાનના જીવનમાં ફિલ્મ બનાવવાના પરફેક્ટ બીજ રોપવાનું મહત્વનું કામ કરતી ગઈ હતી.ત્યાર બાદ કેતન મહેતાએ આમીર ખાનને લઈને “હોલી” ફિલ્મ બનાવી હતી જે નિષ્ફળ નીવડી હતી.

આમીરખાન ના કઝીન મન્સુરખાન ની ફિલ્મ “કયામત સે કયામત તક” ૧૯૮૮ માં રીલીઝ થઇ હતી.જેના માટે આમીર ખાનને ફિલ્મફેરનો બેસ્ટ મેલ ડેબ્યુ માટેનો એવોર્ડ પણ મળ્યો હતો.૧૯૮૯ માં તેની ફિલ્મ “રાખ” રીલીઝ થઇ હતી જેને એવોર્ડ ઘણા મળ્યા પણ ખાસ ચાલી નહોતી. ત્યાર બાદ “દિલ” અને “રાજા હિન્દુસ્તાની” માટે આમીરને ફિલ્મફેરના બેસ્ટ એક્ટરના એવોર્ડ મળ્યા હતા.આમીરખાનના અભિનય વાળી “હમ હૈ રાહી પ્યારકે” “જો જીતા વહી સિકંદર” “દિલ હૈ કી માનતા નહિ” સરફરોશ અને “દિલ ચાહતા હૈ “પણ નોધપાત્ર ફિલ્મો હતી.

૨૦૦૧ માં આમીરખાને એક પ્રોડક્શન કંપનીની સ્થાપના કરી હતી પહેલી જ ફિલ્મ હતી “લગાન”. બોક્ષ ઓફીસ પર સુપર ડુપર હીટ “લગાન” બેસ્ટ ફોરેન લેન્ગવેજની ફિલ્મના એવોર્ડ માટે ઓસ્કાર સુધી પહોંચી ગઈ હતી. “લગાન” ને ભલે ઓસ્કાર એવોર્ડ નહોતો મળ્યો પણ ઘર આંગણે “લગાન” ને બેસ્ટ ફિલ્મનો તથા આમીરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. “લગાન” બાદ ચાર વર્ષના વિરામ બાદ કેતન મહેતાની ફિલ્મ “મંગલ પાંડે” માં આમીર ખાને ટાયટલ રોલ કર્યો હતો.

૨૦૦૬ માં રીલીઝ થયેલી “ફના”માં આમીરખાને બખૂબી આતંકવાદીની ભૂમિકા ભજવી હતી.જેમાં બ્લાઇન્ડ છોકરી કાજોલ સાથે તેની પ્રેમ કહાનીનું કાબિલેતારીફ નિરૂપણ થયું હતું. તે જ વર્ષે રીલીઝ થયેલી “રંગ દે બસંતી” માં આઝાદી સમયની વાર્તાને આજની પેઢીના યુવાનોને સરસ રીતે કનેક્ટ કરીને દર્શાવવામાં આવ્યું હતું.૨૦૦૮ માં આમીરખાને “તારે ઝમી પર” નું નિર્માણ કર્યું હતું. તે ફિલ્મ માટે આમીર ખાનને શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ પણ મળ્યો હતો.ત્યાર બાદ આમીરખાનની સફળ ફિલ્મો એટલે ગજની, થ્રી ઈડિયટ્સ, ધૂમ ૩,પીકે તથા દંગલ. ” ગજની’ માં શોર્ટ મેમરી લોસની બીમારી વાળા યુવાન તરીકે આમીરખાને અદભૂત અભિનય કર્યો હતો. થ્રી ઈડિયટ્સ” માં તેતાલીસ વર્ષના આમીરખાને ઓગણીસ વર્ષના કોલેજીયનની ભૂમિકા બખૂબી ભજવીને દર્શકોને આંચકો આપ્યો હતો.”દંગલ” માટે તેણે વીસ કિલો વજન વધારીને પાત્ર ને ન્યાય આપ્યો હતો.

આમીરખાનની ૨૦૧૮ માં રીલીઝ થયેલી ફિલ્મ “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” બોક્ષ ઓફીસ પર તદ્દન નિષ્ફળ નીવડી હતી.”સત્યમેવ જયતે” નામના ટીવી શો ધ્વારા આમીરખાને દરેક એપિસોડમાં સમાજની અલગ અલગ સમસ્યાઓને રજૂ કરી હતી.

આમીર ખાનના લગ્ન તા. ૧૮/૪/૧૯૮૬ ના રોજ રીના દત્તા સાથે થયા હતા.દીકરો જુનૈદ અને દીકરી ઈરાના જન્મ બાદ ૨૦૦૨ માં તેમના ડિવોર્સ થયા હતાં. તા.૨૮/૧૨/૨૦૦૫ ના રોજ આમીરે કિરણરાવ સાથે લગ્ન કર્યા હતા. તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન છે.

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED