અશોક કુમાર
વાત ૧૯૪૨ ની છે. “કિસ્મત” હજૂ રીલીઝ થવાને એક વર્ષ ની વાર હતી. ફ્રન્ટીયર મેલમાં અશોક કુમાર લીલા ચીટનીસ સાથે લાહોર પહોંચવાના હતા ત્યારે રેલ્વે સ્ટેશને ભીડને કાબુમાં લેવા માટે પોલીસને હળવો લાઠી ચાર્જ કરવો પડયો હતો. તેમ છતાં આવનાર દરેક સ્ટેશને ભીડ વધતી જ જતી હતી. આખરે લાહોર પછીના બદામીબાગ સ્ટેશને જે ડબ્બામાં અશોકકુમાર મુસાફરી કરતા હતા તેને છૂટો કરવો પડયો હતો. આ હતી યુવાન અશોકકુમારની એ જમાનાની પ્રચંડ લોકપ્રિયતા. આ પ્રસંગનું વર્ણન ૧૯૮૭ માં ફિલ્મફેરમાં એસ. એન. ખોસલાએ કર્યું હતું જેઓ એ ઘટના સમયે હાજર હતા. એ બનાવ પછી અશોક કુમારનો માસિક પગાર ૫૦૦ માંથી ૪૫૦૦ નો થઇ ગયો હતો. “કિસ્મત” અશોકકુમાર ની ૧૫ મી ફિલ્મ હતી જે ૧૯૪૩ ની સાલમાં રીલીઝ થઇ હતી. કોલકત્તામાં સતત ૧૮૭ વીક (પોણા ચાર વર્ષ) સુધી ચાલી હતી. “કિસ્મત” ફિલ્મે સોઘવારીના એ જમાનામાં એક કરોડનો બીઝનેસ કર્યો હતો. ”કિસ્મત”માં અશોકકુમારનો પોકેટમારનો નેગેટીવ રોલ હતો. વાસ્તવમાં બોલતી ફિલ્મોનો યુગ શરુ થયા બાદ “કિસ્મત” એવી પ્રથમ ફિલ્મ હતી જેમાં અશોક કુમારે એન્ટી હીરોનો રોલ કર્યો હતો. લીલા ચીટનીસ સાથે “કિસ્મત” બાદ અશોકકુમારની કંગન, બંધન, ઝૂલા વિગેરે ફિલ્મો રીલીઝ થઇ હતી. છ દાયકાની લાંબી કરિયરમાં અશોકકુમારે ૩૦૦ કરતા પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો હતો. નિરુપારોય સાથે ૧૮ ફિલ્મો અને મીનાકુમારી સાથે ૧૨ ફિલ્મો કરી હતી.
અશોકુમારનો જન્મ તા. ૧૩/૧૦/૧૯૧૧ ના રોજ ભાગલપુરમાં થયો હતો. સાચું નામ હતું કુમુદલાલ. પિતા કુંજલાલ ગાંગુલી વકીલ હતા. જે ત્યાર બાદ ખંડવામાં સ્થાયી થયા હતા. કુમુદે જબલપુર અને ત્યાર બાદ નાગપુરની કોલેજ માં બી. એસ. સી. સુધીનો અભ્યાસ કર્યો હતો. વકીલ પિતાની ઈચ્છાને માન આપીને કુમુદે કોલકત્તામાં કાયદાનું ભણવાનું શરુ કર્યું હતું. ત્યાં બંગાળી ફિલ્મો અને ત્યાર બાદ અંગ્રેજી ફિલ્મો જોવાનો એવો ચસ્કો લાગ્યો કે રાત દિવસ સતત ફિલ્મ ડીરેક્ટર બનવાના જ વિચારો આવવા લાગ્યા. કાયદાનું ભણવામાંથી રસ ઉડી ગયો.
કુમુદલાલ એક વાર હિમ્મત કરીને પ્રિન્સીપાલની કેબીનમાં પંહોચી ગયા હતા. “સર. મૈ ફિલ્મ ડીરેક્ટર બનના ચાહતા હું. અબ મુઝે પઢનેમેં કોઈ દિલચશ્પી નહિ રહી”. પ્રિન્સિપાલ આ વિદ્યાર્થીની સત્યપ્રિયતાથી ખુશ થઇ ગયા અને તેમના ખાસ મિત્ર હિમાંશુ રોય પર એક ભલામણ પત્ર લખી આપ્યો. પિતાએ ફી ના જે સત્તર રૂપિયા મોકલ્યા હતા તેનો ઉપયોગ કુમુદલાલે મુંબઈની ટ્રેનની ટીકીટ કઢાવવા માટે કર્યો. બોમ્બે ટોકીઝમાં અશોકકુમારની પ્રથમ નોકરી લેબ આસીસ્ટંટ તરીકે શરુ થઇ. પિતાને ખબર પડી કે તરત મુંબઈ દોડી આવ્યા. પિતાએ કહ્યું હતું “બેટે અગર આગે નહિ પઢના હૈ તો મત પઢ લેકિન ફિલ્મ લાઈન અચ્છી લાઈન નહિ હૈ. ” વળી પિતા તેમના ખાસ મિત્રનો ભલામણપત્ર લઇને આવ્યા હતા. જે મુજબ દીકરાને વધારે સારી અને ઉચ્ચ હોદ્દા વાળી નોકરી મળી શકે તેમ હતી. આ તો એ સમયની વાત છે જયારે અશોક કુમારે ફિલ્મમાં અભિનય કરવાની તો શરૂઆત કરી જ નહોતી. અશોક કુમારે માંડ માંડ પિતાને સમજાવીને પરત મોકલ્યા. તે દિવસોમાં અશોક કુમારના મનમાં ડીરેક્ટર બનવાની જ ધૂન હતી. હીરો બનવાનું તો ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. પણ નસીબમાં કૈક અલગ જ લખાયેલું હતું. સંજોગોએ એવી કરવટ બદલી કે અશોકકુમારને “જીવનનૈયા’ માં હીરોનો રોલ મળ્યો. સાલ હતી ૧૯૩૬. ત્યાર બાદ રીલીઝ થયેલી “અછૂતકન્યા’ પણ હિટ નીવડી. અશોક કુમારનું ફિલ્મોમાં કામ કરવાનું માતા પિતાને બીલકુલ પસંદ પડયું નહોતું. દીકરો આડી લઈને ના ચડી જાય તે માટે તેમને ઘરે બોલાવીને એક કન્યા બતાવી અને પરણાવી પણ દીધા હતા. તે કન્યા એટલે શોભાદેવી. લગ્ન સમયે અશોક કુમારની ઉમર ૨૫ વર્ષ ની હતી અને શોભાદેવીની ઉમર ૧૫ વર્ષ હતી. તેમનું લગ્નજીવન ૪૯ વર્ષ ચાલ્યું (શોભા દેવીના અવસાન સુધી).
અશોકકુમારનો હીરો તરીકે દબદબો હતો તેના લગભગ દસકા બાદ દિલીપકુમાર, રાજકપૂર અને દેવઆનંદની ત્રિપુટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી. આમ એ લોકપ્રિય ત્રિપુટી માટે પણ અશોકકુમાર એક સન્માનીય સીનીયર અભિનેતા હતા.
અશોકકુમાર કોઈ પણ રોલમાં દીપી ઉઠતા. ચાહે તે “આશીર્વાદ” ના જોગી ઠાકુર હોય, “મેરે મેહબૂબ” ના નવાબ હોય, “મમતા” ના વકીલ હોય, “કાનુન” ના જજ હોય કે પછી “સફર” ના સીનીયર ડોક્ટર તથા મેડીકલ કોલેજના ડીન હોય. આશીર્વાદ માટે તો અશોક કુમારને નેશનલ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ બંને પ્રાપ્ત થયા હતા. અશોકકુમારે એટલા બધા વિવિધ પાત્રો ભજવ્યા છે અને એવા ચીરસ્મરણીય રોલ કર્યા છે કે બંદિની, ગુમરાહ,આશીર્વાદ ,અનુરાગ, વિક્ટોરિયા ૨૦૩,ખૂબસૂરત, ખટ્ટામીઠા, છોટી સી બાત,ચોરી મેરા કામ, શૌકીન જેવી ફિલ્મો તો દર્શકો આજે પણ ભૂલ્યા નથી. . અશોક કુમારની છેલ્લી ફિલ્મ હતી “રીટર્ન ઓફ જ્વેલથીફ”. દૂરદર્શનની ટીવીસીરીયલ “હમલોગ” માં પણ સુત્રધાર તરીકે અશોકકુમાર ઘણા લાંબા સમય સુધી દેખાયા હતા.
એ વાત પણ ખૂબ જાણીતી છે કે અશોક કુમારના પત્ની શોભાદેવીનું અવસાન થયું ત્યારે અશોકકુમાર એટલી હદે પડી ભાંગ્યા હતા કે તેમને આશ્વસ્ત કરવા માટે કિશોર કુમારે મૃતદેહને સ્મશાને લઇ જતા પહેલા અશોકકુમારના બંગલામાં જ ફિલ્મ “પિયા કા ઘર” નું ગીત ગયું હતું... “ યે જીવન હૈ ,ઇસ જીવન કા યહી હૈ રંગ રૂપ ,થોડે ગમ હૈ થોડી ખુશિયા” તે બનાવના માત્ર છ માસ બાદ કિશોર કુમારનું અવસાન અશોકકુમારના જન્મદિવસે (૧૩ ઓક્ટોબરે) જ થયું હતું. ત્યાર બાદ અશોકકુમારે જીવ્યા ત્યાં સુધી પોતાનો જન્મ દિવસ મનાવ્યો નહોતો. તા. ૧૦/૧૨/૨૦૦૧ ના રોજ અશોક કુમારનું માંદગીને કારણે ૯૦ વર્ષની ઉમરે અવસાન થયું હતું.
સમાપ્ત