પલ પલ દિલ કે પાસ - અમોલ પાલેકર - 5 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પલ પલ દિલ કે પાસ - અમોલ પાલેકર - 5

અમોલ પાલેકર

“શ્યામ બેનેગલને જબ મુઝે પૂછા કી બોલ કૌનસા રોલ કરેગા ? હીરો કા યા વિલન કા ? મૈને તુરંત બોલ દિયા થા મૈ વિલન કા હી રોલ કરુંગા સબ લોગ હૈરાન હો ગયે ક્યોંકી મેરી તીન ફિલ્મે સિલ્વર જ્યુબિલી મના ચૂકી થી. વોહ તીન ફિલ્મે થી રજનીગંધા, છોટી સી બાત ઔર ચિતચોર. મૈ એઝ એ હીરો હિન્દી સિનેમા જગતમેં એસ્ટાબ્લીશ હો ચુકા થા. અબ મૈ એઝ એન એક્ટર અપને આપકો સાબિત કરના ચાહતા થા”. ૧૯૭૦ ના દસક માં આમ આદમી કા આયના તરીકે ઓળખાતા અમોલ પાલેકરે ૧૯૭૭ માં શ્યામ બેનેગલની ફિલ્મ “ભૂમિકા” માં વિલનનું કિરદાર બખૂબી નિભાવ્યું હતું.

અમોલ પાલેકરનો જન્મ મુંબઈમાં એક મરાઠી મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો.પિતા કમલકર પાલેકર જી.પી.ઓ.માં ક્લાર્ક હતા. પરિવારમાં ત્રણ બહેનો વચ્ચે એક માત્ર ભાઈ એટલે અમોલ પાલેકર.અમોલ પર તેની માતા સુહાસિની પાલેકરનો પ્રભાવ બાળપણથી જ વધારે હતો.તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું “૧૯૪૦ કે દસકમેં જબ ઔરર્તોકે નસીબમેં ઘરમે બૈઠકે ચૂલ્હા ચક્કા હી લિખા થા ઉન દિનો મેરી મા પ્રાયવેટ કંપનીમેં નૌકરી કરને જાતી થી.પિતાજીકે સાથ ઉનકા બોન્ડીંગ બહોત અચ્છા થા. મૈ જબ નવમી કક્ષામેં આયા તબ મુઝે હોસ્ટેલમેં ભેજા ગયા ઔર વોહ નિર્ણય માતા પિતા દોનો કા થા. મુઝે અચરજ હુઆ ક્યોંકી મૈ સ્કૂલમેં ટોપ ટેનમેં આતા થા. મૈ દુસરે લડકો કી તરહ શરારતી ભી નહિ થા. મૈને પૂછા કી મુઝે હોસ્ટેલ કયો ભેજા જા રહા હૈ? તબ પિતાજીને બતાયા થા કી સિર્ફ સ્કૂલમેં અવ્વલ નમ્બર લાનેસે કુછ નહિ હોતા ઝીંદગી જીને કે લિયે બહારી દુનિયા કા તજુર્બા હોના ભી જરૂરી હૈ”.

અમોલ પાલેકરે એસ એસ સી પછી ખુદના રસના વિષયને ધ્યાનમાં લઈને જે જે. સ્કૂલ ઓફ આર્ટસમાંથી પેઈન્ટિંગનો કોર્સ કર્યો હતો.હા અમોલ ઉત્તમ ચિત્રકાર પણ છે. તેને કોલેજ લાઈફમાં જ ખ્યાલ આવી ગયો હતો કે તેની અંદર એક કલાકાર જીવે છે. અમોલના પરિવારને દૂર દૂર સુધી મરાઠી કે હિન્દી ફિલ્મજગત સાથે સ્નાનસૂતકનો પણ સબંધ નહોતો.બેંક ઓફ ઇન્ડિયાની ક્લાર્કની નોકરી સાથે અમોલે રાતોના ઉજાગરા કરીને નાટકોના નિર્દેશનનું કામ ઉત્સાહથી શરુ કર્યું હતું. અમોલે એક “અનિકેત” નામના રંગ મંચ ગ્રુપની સ્થાપના કરી હતી. ફિલ્મોમાં આવ્યા પહેલાં મરાઠી નાટયજગતમાં અમોલ પાલેકરનું નામ ખૂબજ માનથી લેવાતું હતું. ઋષિકેશ મુખર્જી, બાસુ ચેટરજી, બાસુ ભટ્ટાચાર્ય અને શ્યામ બેનેગલ જેવા અનેક લોકો અમોલના નાટકો જોવા નિયમિત જતાં. અમોલ પાલેકર સત્યજીત દુબેને તેના મેન્ટર માને છે. સત્યજીત દુબેએ જ અમોલને ૧૯૭૧ માં મરાઠી ફિલ્મ “શાંતતા કોર્ટ ચાલુ આહે” માં બ્રેક આપ્યો હતો. આજે પણ આ ફિલ્મની ગણના મરાઠી સિનેમામાં માઈલસ્ટોન તરીકે થાય છે. ૧૯૭૪ માં અમોલની “રજનીગંધા” રીલીઝ થઇ ત્યારે ભારતીય દર્શકોમાં રાજેશ ખન્નાનો ક્રેઝ હજુ બરકરાર હતો. અમિતાભની મારધાડ વાળી ફિલ્મો પણ ચાલવા લાગી હતી. “રજનીગંધા” પછી ૧૯૭૬ માં બિલકુલ જાહેરાત વગર રીલીઝ થેલી “છોટી સી બાત” અને “ચિતચોર” જોવા માટે જયારે દર્શકોએ લાંબી લાઈનો લગાવી દીધી ત્યારે મીડિયા અને ફિલ્મ વિવેચકો પણ અમોલ પાલેકરની નોંધ લેવા માટે મજબુર થઇ ગયા હતા. ફિલ્મી ગ્લેમર અને સ્ટાઈલ વગરનો બિલકુલ સાદો સીધો લાગતો યુવાન અમોલ પાલેકર ફિલ્મોમાં પણ નાયક તરીકે એવા જ રોલમાં પેશ થયો હતો. દર્શકોને અમોલમાં ખુદના દર્શન એટલી હદે થવા લાગ્યા હતા કે સિત્તેરના દસકમાં અમોલની ઓળખ આમઆદમીનાં આયના તરીકે ઉભી થઇ ગઈ હતી. “છોટી સી બાત” માં તો અમોલ પાલેકર દેશના કરોડો યુવાનો (જેમનામાં ગમતી છોકરીને દિલની વાત પહોંચાડી શકવાની હિમ્મત નહોતી)નો આઈકોન બની ગયો હતો.

અમોલ પાલેકરની વાત આવે એટલે ૧૯૭૯ માં રીલીઝ થયેલી અતિ સફળ કોમેડી ફિલ્મ “ગોલમાલ” ની વાત આવે જ. ફિલ્મમાં રામપ્રસાદ અને લક્ષ્મણપ્રસાદની ભૂમિકામાં અમોલ પાલેકરે ઉત્પલદત્તની સાથે યાદગાર કોમેડી કરીને દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા. ફિલ્મ ના એક દ્રશ્યમાં અમોલ પાલેકર બોલે છે “લગતા હૈ રામ કે હાથો લક્ષ્મણ મારા જાયેગા”જેવી વન લાઈનર કોમેડી પંચલાઈને પણ ફિલ્મને એક નવી જ ઉંચાઈ બક્ષી હતી.”ગોલમાલ” માટે અમોલ પાલેકરને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.

અમોલ પાલેકરની નોંધપાત્ર ફિલ્મોમાં રજનીગંધા, છોટી સી બાત, ચિત્તચોર, ભૂમિકા, ઘરોંદા, ગોલમાલ, બાતો બાતોમેં, મેરી બીવી કી શાદી, નરમગરમ, અપને પરાયે, રંગબિરંગી અનકહી, જૂઠી , થોડાસા રૂમાની હો જાયે, પહેલી વિગેરેનો સમાવેશ થાય છે

અમોલ પાલેકરની લેખક તરીકેની પ્રથમ ફિલ્મ એટલે “પહેલી”. જેનું નિર્દેશન પણ તેણે જ કર્યું હતું. “પહેલી” ઓસ્કર માટે નોમીનેટ થઇ હતી.રંગમંચથી લઈને મરાઠી ફિલ્મો અને હિન્દી ફિલ્મોમાં અભિનેતા, લેખક, નિર્માતા તથા નિર્દેશક તરીકેની તેની લાંબી સફર વિષે વાત કરતાં અમોલ પાલેકર કહે છે..”આઈ એમ એઝ એન એક્ટર બાય એક્સીડેન્ટ, પ્રોડ્યુસર બાય કમ્પલ્સન એન્ડ ડીરેક્ટર બાય ચોઈસ”. ડઝન કરતાં પણ વધારે ફિલ્મો બનાવનાર અમોલ કહે છે ‘મૈને બોક્સ ઓફીસકો ધ્યાનમેં રખ કર એક ભી ફિલ્મ નહિ બનાઈ થી’.

અમોલ પાલેકરની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો ૧૯૬૯ માં તેના પ્રથમ લગ્ન ચિત્રા સાથે થયા હતા.જેનાથી એક પુત્રી શ્યામલી થઇ હતી.૨૦૦૧ માં ચિત્રા સાથેના ડિવોર્સ બાદ ૫૭ વર્ષની ઉમરે અમોલ પાલેકરે બીજા લગ્ન સંધ્યા ગોખલે સાથે કર્યા હતા.

બાળપણથી જ પેઇન્ટિંગમાં કરિયર બનાવવાનું સ્વપ્ન જોનાર અમોલ પાલેકર આજે (ફિલ્મોના નિર્દેશન ઉપરાંત) આ ઉમરે સૌથી વધારે સમય પેઇન્ટિંગમાં ગાળે છે.

સમાપ્ત