Pal Pal Dil Ke Paas - Balraj Sahani - 9 books and stories free download online pdf in Gujarati

પલ પલ દિલ કે પાસ - બલરાજ સહાની - 9

બલરાજ સહાની

“ગર્મ હવા” માં દીકરી આત્મહત્યા કરી લે છે. બલરાજ સહાનીના ભાગે પિતા તરીકે ભાવુક દ્રશ્ય ભજવવાનું આવ્યું હતું. જોગાનુજોગ રીયલ લાઈફ માં બલરાજ સહાનીની દીકરી શબનમે એક વર્ષ પહેલા જ તેના શ્વસુરગૃહે આત્મહત્યા કરી લીધી હતી. ખુદ ની ઝીંદગીમાં બની ગયેલી એ કરુણ ઘટનાને પરદા પર પેશ કરતી વખતે એ કલાકારને કેટલી પીડામાંથી પસાર થવું પડયું હશે?

બલરાજ સહાનીની ઓળખ માત્ર સારા અભિનેતા તરીકેની જ નથી પણ અચ્છા લેખક તરીકેની પણ છે. ભગત સિંહને ફાંસી આપવામાં આવી ત્યારે વ્યથિત થઇ ઉઠેલા બલરાજ સહાનીએ અંગ્રેજીમાં તેના પર કવિતા લખી હતી. બલરાજ સહાનીનો જન્મ પંજાબના ભીડે જીલ્લા (હાલ પાકિસ્તાન) માં તા. ૧/૫/૧૯૧૩ ના રોજ થયો હતો. જોકે ઉછેર રાવલપીંડી માં થયો હતો. મૂળ નામ હતું યુધિષ્ઠિર સહાની. પિતા હરબંસલ બીઝનેસમેન હતા. બલરાજના નાનાભાઈ ભીષ્મ સહાની પણ સારા લેખક હતા. પ્રખ્યાત ટીવી સીરીયલ “તમસ” તેમની જ દેન હતી. એમ. એ. (અંગ્રેજી)ની ડીગ્રી ધરાવનાર બલરાજ સહાનીએ પણ ગુરુદત્તની “બાઝી” લખી હતી. બલરાજ સહાનીએ કેટલાય પુસ્તકો પણ લખ્યા હતા જેમાં “મેરા સફરનામા” (૧૯૬૦)અને “મેરા ઋષિ સફરનામા”(૧૯૬૯) ને ખુબ જ પ્રસિદ્ધિ મળી હતી. બલરાજ સહાનીએ દમયંતી સાથે લગ્ન કર્યા બાદ પતિ પત્ની બંનેએ કોલકત્તામાં શાંતિ નિકેતનમાં હિન્દી શિક્ષક તરીકે નોકરી પણ કરી હતી. તે દિવસોમાં જ બલરાજ સહાનીએ ઘણી વાર્તાઓ લખી હતી જે સચિત્રભારતમાં અવાર નવાર પ્રકાશિત થતી રહેતી. એક વાર રવીન્દ્રનાથ ટાગોરે પૂછયું હતું “બલરાજ, તુમ પંજાબી હો તો પંજાબી મેં કયું નહિ લિખતે?” યુવાન બલરાજે તેમને પ્રતિપ્રશ્ન કર્યો હતો ‘આપ અંગ્રેજી મે કયું લિખતે હો ?”

જવાબમાં ગુરુવર બોલ્યા હતા “મૈ અંગ્રેજીમે સિર્ફ ટ્રાન્સલેટ કરતા હું ઔર વોહ ભી કુછ હદ તક”. ત્યાર બાદ બલરાજ સહાનીએ ગાંધીજીના અનુયાયી તરીકે વર્ધા માં પણ કામગીરી કરી હતી. તે દિવસોમાં જ લોયનલ ફીડનને બલરાજનો અવાજ પસંદ પડી જતાં તેમણે બી. બી. સી. રેડિયોમાં એનાઉન્સર તરીકે નોકરીની ઓફર કરી હતી. ગાંધીજીની પરવાનગી લઈને બલરાજ સહાનીએ ઇંગ્લેન્ડમાં તે નોકરી સ્વીકારી લીધી હતી. ચાર વર્ષ બાદ બલરાજ સહાનીએ ભારત પરત આવીને પત્ની દમયંતી સાથે ફિલ્મોમાં અભિનય કરવાનું નક્કી કર્યું હતું. ફિલ્મોમાં કામ મળતા પહેલાં બલરાજ સહાનીએ ઇપ્ટા સાથે જોડાઈને ઘણા નાટકો પણ કર્યા હતા. બલરાજ સહાનીની ૧૯૪૬ માં પહેલી ફિલ્મ રીલીઝ થઇ હતી. નામ હતું “ઇન્સાફ” ત્યાર બાદ “ધરતી કે લાલ” થી અભિનય ક્ષેત્રે ખ્યાતી મળી હતી. તે દિવસોમાં જ પત્ની દમયંતીનું ટૂંકી માંદગીમાં અવસાન થયું હતું. ત્યારે બાળકો દિલ્હી હોસ્ટેલમાં ભણતા હતા. દમયંતીએ તે અગાઉ “ગુડિયા” માં બલરાજ સહાનીની હિરોઈન તરીકે અભિનય કર્યો હતો. દમયંતીના અવસાન બાદ બલરાજ સહાનીએ પરિવારના સખ્ખત વિરોધ વચ્ચે સગી કાકાની દીકરી બહેન સંતોષ ચંડોક સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. તે દિવસોમાં બલરાજ સહાનીને ઘણી બદનામી વેઠવી પડી હતી.

બલરાજ સહાનીનો સિતારો ૧૯૫૩ માં રીલીઝ થયેલી ફિલ્મ “દો બીઘા જમીન” થી બુલંદ થયો હતો. તે ફિલ્મમાં રિક્ષા ખેંચતા ગરીબ ખેડૂતના પાત્રમાં ફીટ થવા માટે તેમણે કોલકત્તામાં ત્રણ મહિના સુધી હાથે રિક્ષા ખેંચીને ખુબ જ પરિશ્રમ કર્યો હતો. ડાબેરી વિચારધારાને કારણે આઝાદી બાદ બલરાજ સહાનીને જેલમાં જવું પડયું હતું “હલચલ” ના શૂટિંગ માટે ખાસ પરમીશન લઈને પોલીસ પહેરા હેઠળ બલરાજ સહાનીને સેટ પર આવવા નું થતું હતું. તે ફિલ્મમાં બલરાજ સહાનીનો રોલ હતો જેલરનો. જે જેલમાં બલરાજ સહાનીનો નિવાસ હતો ત્યાંના જેલરનું બારીક નિરિક્ષણ તેમને ખુબ કામ લાગ્યું હતું. હમેશા મળેલા પાત્રને કમિટેડ રહેનાર બલરાજ સહાનીએ “કાબુલીવાલા” માં અદભૂત રીતે તે ટાયટલ રોલ ભજવી બતાવ્યો હતો. “કાબુલીવાલા” ના પઠાણના પાત્રને ન્યાય આપવા માટે બલરાજ સહાનીએ ખાસ્સા સમય સુધી મુંબઈમાં પઠાણો સાથે રહીને પુસ્તુન ભાષાના ઉચ્ચારોની તાલીમ લીધી હતી.

“વક્ત” સમયે બલરાજ સહાનીની ઉમર ૫૬ વર્ષ ની હતી. આજે પણ “વક્ત” માં લાલાજીના પાત્રમાં બલરાજ સહાની સિવાય અન્ય કોઈની કલ્પના પણ થઈ શકતી નથી કારણકે તે પાત્રમાં આ કલાકારે પ્રાણ રેડી દીધો હતો. ”એ મેરી ઝોહરાઝબી, તુઝે માલુમ નહિ” “વક્ત” નું યાદગાર નઝરાણું હતું. બાય ધ વે “ઝોહરાઝબી”નો મતલબ થાય છે.. તલવારની ધાર જેવા કપાળ વાળી સ્ત્રી. આવી કલ્પના તો ખરેખર સાહિર સાહેબ જ કરી શકે.

લગભગ ૧૩૫ જેટલી ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકા ભજવનાર આ વર્સેટાઈલ અભિનેતાની મહત્વની ફિલ્મોમાં દો બીઘા ઝમીન, સીમા, હકીકત, સોને કી ચીડિયા, સટ્ટઆ બાઝાર, કાબુલીવાલા, ભાભી કી ચૂડિયા લાજવંતી, છોટી બહેન. કઠપુતળી, ઘર સંસાર, અનપઢ, દુનિયા, ઈજ્જત, પરાયા ધન, વક્ત, એક ફૂલ દો માલી, મેરે હમ સફર ,દો રાસ્તે, તલાશ, હીરરાંઝા, હિન્દુસ્તાન કી કસમ, અનુરાધા, નીલકમલ, સંઘર્ષ અને ગર્મહવા નો સમાવેશ થાય છે.

નવાઈ લાગે તેવી વાત એ છે કે બલરાજ સહાનીને એક પણ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતા કે ઇવન શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પણ એવોર્ડ ક્યારેય મળ્યો નહોતો. હા ભારત સરકારે ૧૯૬૯ માં પદ્મશ્રીનું સન્માન જરૂર આપ્યું હતું.

ફિલ્મી પંડિતોના મત અનુસાર “ગર્મહવા” બલરાજ સહાનીની શ્રેષ્ઠ ફિલ્મ હતી જે રીલીઝ થાય તે પહેલાં જ ૧૩ એપ્રિલ ૧૯૭૩ના દિવસે બલરાજ સહાનીનું સાઠ વર્ષની ઉમરે હાર્ટએટેકને કારણે અવસાન થયું હતું. વળી એ પણ કેવો યોગાનુયોગ કે અવસાનના આગલા દિવસે બલરાજ સહાનીએ “ગર્મહવા” માટે ડબ કરેલો છેલ્લો સંવાદ હતો “ મૈ ભી અકેલી ઝીંદગી કી ઘૂટન સે તંગ આ ગયા હું. ”

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED