પલ પલ દિલ કે પાસ - નૂતન - 37 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પલ પલ દિલ કે પાસ - નૂતન - 37

નૂતન

“ફૂલ તુમ્હે ભેજા હૈ ખતમેં ફૂલ નહિ મેરા દિલ હૈ” નૂતન પર ફિલ્માવાયેલું “સરસ્વતીચન્દ્ર” નું નજાકત ભરેલું ગીત એક જમાનામાં યુવાન પ્રેમીઓના પ્રેમપત્રોમાં અગ્રસ્થાને બિરાજતું હતું.

૧૯૫૧માં કિશોર કુમાર સાથેની ફિલ્મ “દિલ્હી કા ઠગ” માં નૂતને તે જમાનામાં સ્વીમીંગ કોસ્ચ્યુમ પહેરીને આપેલાં દ્રશ્ય માટે ભારે હંગામો થયો હતો. ૧૯૫૧ માં જ રીલીઝ થયેલી નૂતનની “નગીના” ફિલ્મ માત્ર પુખ્ત વયના માટેની હતી પરિણામે પ્રીમિયર શો માં (ફિલ્મની મુખ્ય હિરોઈન હોવા છતાં) ૧૫ વર્ષની નુતનને પ્રવેશ મળ્યો નહોતો. ૧૯૫૨ માં નૂતન “મિસ ઇન્ડિયા”નો ખિતાબ જીતી ગઈ હતી.

નૂતનનો જન્મ તા. ૪/૬/૧૯૩૬ ના રોજ થયો હતો. માતા શોભના સમર્થ મશહુર અભિનેત્રી હતા. પિતા કુમારસેન સમર્થ જર્મનીથી મુંબઈ શિફ્ટ થયા હતા. તેઓ કવિ ઉપરાંત ફિલ્મોના નિર્માતા હતા. ચાર ભાઈ બહેનોમાં નૂતન સૌથી મોટી હતી. નુતનની નાની (શોભના સમર્થ ની મા) રતન બાઈએ પણ એક ફિલ્મમાં કામ કર્યું હતું તે ફિલ્મનું નામ હતું “ફ્રન્ટીયર્સ ઓફ ફ્રિડમ” શોભના સમર્થે પણ કરિયરની શરૂઆત મુક ફિલ્મોથી કરી હતી. નુતનના પિતાએ પણ ફિલ્મ “રામરાજ્ય” માં અભિનય કર્યો હતો. નૂતનને સુંદરતા અને અભિનય બંને વિરાસતમાં મળ્યા હતાં. નૂતને સ્કૂલનું શિક્ષણ સ્વીત્ઝર્લેન્ડની “લા શેટરલેઈન” સ્કૂલમાંથી લીધું હતું. નૂતને બાળકલાકાર તરીકે “નળ દમયંતી” ફિલ્મમાં પણ કામ કર્યું હતું. નૂતનની કરિયરની શરૂઆત માત્ર ચૌદ વર્ષની ઉમરે થઇ હતી. માતા શોભાના સમર્થે જ નૂતનને લોન્ચ કરવા માટે ખાસ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. જોગાનુજોગ ફિલ્મનું નામ હતું “હમારી બેટી”. તે ફિલ્મમાં નૂતનની નાની બહેન તનુજાએ પણ અભિનય કર્યો હતો.

નૂતને બલરાજ સહાની સાથે “સીમા” દેવ આનંદ સાથે બારીશ, મંઝીલ, તેરે ઘર કે સામને, પેઈંગ ગેસ્ટ. રાજ કપૂર સાથે અનાડી, છલિયા કનૈયા, દિલ હી તો હૈ, ધર્મેન્દ્ર સાથે બંદીની, સુરત ઔર સીરત, દુલ્હન એક રાત કી, દિલ ને ફિર યાદ કિયા તથા સુનીલ દત્ત સાથે મહેરબાન, ખાનદાન. મિલન, ભાઈ બહેન. ગૌરી તથા સુજાતા જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. બિમલ રોયની “બંદીની” અને “સુજાતા” નૂતનની માઈલસ્ટોન ફિલ્મો હતી. ”સુજાતા” માં સુનીલ દત્ત પર ફિલ્માવાયેલું કર્ણપ્રિય ગીત (તલત મહેમુદના મધુર અવાજ માં) એટલે “જલતે હૈ જિસ કે લિયે તેરી આંખો કે દિયે. ”. આખું ગીત ટેલીફોન પર સુનીલ દત્ત ગાય છે. સામે છેડે નૂતન હોય છે. તે જમાનામાં લેન્ડલાઈન ફોનની ગણના લક્ઝરીમાં થતી કારણકે બીલની રકમ મોટી આવતી. આખું ગીત શૂટ થયા બાદ બિમલ “દા ને દહેશત હતી કે સાડાચાર મિનીટ સુધી હીરો રીસીવર પકડીને માત્ર ગીત ગાય તે વાત કદાચ દર્શકોના ગળે ઉતરશે નહિ. જોકે ફિલ્મ રીલીઝ થયા બાદ તે ગીત જોવા માટે પણ દર્શકો વારંવાર સિનેમા ઘરમાં જતા હતા તેનું મુખ્ય કારણ રીસીવરના સામા છેડે નૂતનના અદ્ભૂત હાવભાવ પણ હતા.

૧૯૬૮ માં રીલીઝ થયેલી ફિલ્મ “સરસ્વતીચન્દ્ર” નું થોડું શૂટિંગ જુનાગઢના ગીરનાર પર અને થોડું વલ્લભીપુરમાં થયું હતું. તે ફિલ્મનું ગીત “ફૂલ તુમ્હે ભેજા હૈ ખત મેં ફૂલ નહિ મેરા દિલ હૈ” તે જમાનાની યુવા પેઢીનો પ્રેમપત્ર બની ગયું હતું. ”ખત સે જી ભરતા નહિ અબ નૈન મિલે તો ચૈન મિલે”. શબ્દોની આવી કમાલ તો ખરેખર ઇન્દીવર જ કરી શકે.

૧૯૭૨ માં રીલીઝ થયેલી “અનુરાગ” માં ફિલ્મ અંત તરફ જઈ રહી હોય છે ત્યારે નૂતને એવી વિધવા મા ની હ્રદયસ્પર્શી ભૂમિકા ભજવી હતી જેનો એક માત્ર દીકરો કેન્સરને કારણે રોજ બ રોજ મૃત્યુની નજીક જઈ રહ્યો હોય છે. તે રોલમાં નૂતન સિવાય અન્ય કોઈ અભિનેત્રીની કલ્પના પણ ન થઇ શકે.

અમિતાભની સાથે “સૌદાગર” માં પણ નૂતનનો અભિનય જીવંત હતો. ૧૯૭૮ માં રીલીઝ થયેલી ફિલ્મ “મૈ તુલસી તેરે આંગન કી” માં નૂતને આશા પારેખ સામે બરોબરની ટક્કર લીધી હતી. મોટા ભાગના પ્રખ્યાત હીરો સાથે કામ કરનાર નુતનને દિલીપ કુમાર સાથે કામ કરવાનું ક્યારેય બન્યું જ નહોતું. જોકે દિલીપ કુમારની સેકન્ડ ઇનિંગમાં રીલીઝ થયેલી ફિલ્મ “કર્મા” માં દિલીપ કુમારની પત્નીનો રોલ નૂતને બખૂબી ભજવ્યો હતો. ”મેરી જંગ” માં અનીલ કપૂરની માતાના રોલમાં પણ નૂતને પ્રાણ પૂરી દીધા હતા.

૧૯૭૪ માં પદ્મશ્રીથી સન્માનિત થનાર નૂતનને છ વાર ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા હતા જેમાંથી પાંચ તો શ્રેષ્ઠ અભિનેત્રીના જ હતા. એ પાંચ એવોર્ડ એટલે સીમા (૧૯૫૫), સુજાતા (૧૯૫૯) બંદીની (૧૯૬૩) મિલન (૧૯૬૭) અને મૈ તુલસી તેરે આંગન કી (૧૯૭૮). બેસ્ટ પરફોર્મન્સનો છઠ્ઠો એવોર્ડ ૧૯૮૫ માં “મેરી જંગ” માટે મળ્યો હતો.

નૂતનની માતા શોભના સમર્થના મોતીલાલ સાથેના સબંધો હમેશા ચર્ચાસ્પદ રહ્યા હતા. નૂતનના માતા પિતા મોટી ઉમરે અલગ થઇ ગયા હતા. પ્રોપર્ટી અને પૈસાના મામલે નૂતન ના તેની માતા સાથે ઘણા વર્ષો સુધી અબોલા રહ્યા હતા. જોકે નૂતનને કેન્સરનું નિદાન થયા બાદ તે અબોલા તૂટયા હતા.

નૂતનના લગ્ન ૧૯૫૯ માં નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર રજનીશ બહલ સાથે થયા હતા. બંનેનો એક માત્ર દીકરો એટલે અભિનેતા મોહનીશ બહલ. થોડા વર્ષો પહેલાં બીબીસી રેડિયોને આપેલી મુલાકાતમાં મોહનીશે સજળનેત્રે કહ્યું હતું. “મૈ મા કી ફિલ્મે ઇસ લિયે નહિ દેખતા હું ક્યોંકી જીતના દેખું ઉતના હી ઉન્હેં મિસ કરતા હું. ” નૂતનના અવસાનના થોડા વર્ષો બાદ તેના પતિ રજનીશ બહલનું ગેસનો બાટલો ફાટવાને કારણે આકસ્મિક મોત થયું હતું.

તા. ૨૧/૨/૧૯૯૧ ના રોજ માત્ર ૫૪ વર્ષની ઉમરે નૂતનનું અવસાન થયું હતું. જયારે તેની માતા શોભના સમર્થનું અવસાન તેના ૯ વર્ષ બાદ ૨૦૦૦ ની સાલમાં થયું હતું.

સમાપ્ત