દિવસ : ૩ માર્ચ ૨000
સમય : ભર બપોરે ૩ વાગે
સ્થળ : પેલું ટ્યૂશન જોડેનું મોટું મેદાન
સૂર્ય હવે ઓવર ટાઈમ કરીને જાણે ઉનાળાની તૈયારી માર્ચથી જ કરવા લાગ્યો છે, એમ હમણાંથી જ ગરમીએ જોર પકડી લીધું છે. નાની નાની ધૂળની ડમરીઓ મેદાનમાં સ્પર્ધામાં ઉતરી છે. આ સમયે રસ્તાઓ પર વાહનોની અવર-જવરે ઓછી હાજરી પુરાવાનું ચાલુ કરી દીધું છે. ક્રિકેટ રમવાવાળા બારેમાસ અડગ ઉભા રહેતા સૈનિકો ભાતિ અચૂક મેદાન પર રમતા જોવા મળી રહ્યા છે. આ સમયે રોજ મજબૂરીમાં વીલા મોઢે , ઘરેથી ધક્કો મારીને કાઢી મુકાયેલ ટ્યૂશનિયાઓ આજે કલાક વહેલા મેદાનમાં આંબલીના ઝાડ નીચે ધૂપ-છાવ ખાતા ગપ્પા મારતા ઉભા છે. ૨ - ૩ છોકરીઓ હોટ ફેવરિટ આંબલી વીણી વીણીને સાફ કરી રહી છે. પરીક્ષા નજીક આવે છે એવી વાતોને આજ પૂરતી બેગમાં મૂકી દીધી છે. આજે તો ખાસ ખુફિયા એજન્ટ બનીને બધા ફેરવેલ પાર્ટીના પ્લાનિંગ માટે ભેગા થયા છે.
" તો હજી મેડમ પધાર્યા કેમ નથી ? અહીં તડકા માં કેટલું ઉભું રેવાનું છે? આપડે જાતે નક્કી કરી લઈએ ? " પ્રશ્નોની હારમાળા બનાવતા બનાવતા પૂર્વીએ મેહુલ સામે જોયું.
ત્યાર બાદ દરેકે પૂર્વીનું અનુકરણ કરતા મેહુલ સામે જોયું લીધું. મેહુલએ ખભા ઉછાળીને સાંકેતિક રીતે ખબર ન હોવાનો ડોળ કર્યો.
મેહુલને ખબર જ હતી કે સોની બપોરેની તેની વ્હાલી નીંદર કોઈ પણ ભોગે પુરી કરતી હશે એટલે આવવામાં મોડું થતું હશે. કદાચ તેને યાદ પણ હશે કે કેમ એવી ચિંતામાં મેહુલ પણ મેદાનના ગેટ પર નજર કરી લેતો હતો. કારણકે સોનીને ના ઉઠાડવાનું અને સંસદ કરતા પણ ખાસ આજની મીટીંગ યાદ કેમ ન કરાવી તેવા બધા ગુનાની ચાર્ટ શીટ અંતે તેના નામે દર્જ થવાની છે.
ગૌરવએ પોતાનું પ્રોડ્યૂકટીવ દિમાગ લગાવતા બધાને આ એકધારી સુષુપ્ત અવસ્થામાંથી બહાર લાવતા કહ્યું કે " દરેક જણ અહીં વચ્ચે આવીને આઈડિયા બોલશે બેસ્ટ આઈડિયામાંથી લાસ્ટમાં શોર્ટ લિસ્ટ કર્યે એટલે છેલ્લે ૧ આઈડિયા નક્કી કરવાનું જ રહે ".
હવે દરેક જણ એકબીજા સામે જોવા લાગ્યા અને આગમાં કૂદવા ધક્કો મારતા હોય એમ પહેલા તું - પહેલા તું કરવા લાગ્યા. કારણકે કોઈએ કઈ વિચાર્યું ક્યાં હતું. બધા પોતાના સગવડતા ભર્યા કામ કરવામાં વ્યસ્ત હતા ને , કોઈ પોતાના ક્રશ ને જોતું હતું , તો જેને નક્કી છે એ લોકો આંખોમાં - આંખોમાં વાતો કરતા હતા, તો અમુક મહાન લોકો આ બધાથી પરે સાયકલના પેન્ડલ હાથથી ફેરવવામાંની સ્પર્ધા કરતા હતા. એકબાજુ આંબલી ની મિજબાની તો ખરીજ , ભણેસરી ગ્રુપ આજે ટ્યૂશનમાં પૂછવાના પ્રશ્નોના જવાબ જોતા હતા ( સાલું આમને પહેલા તો એ પ્રશ્નો મળે છે ક્યાંથી ? નાસાએ શોધવું જોઈએ. )
" ૧૨ માં વાળા આખું વર્ષ મૂવી જોવા જ નહીં ગયા હોય , મૂવી જોવાનું ગોઠવયે તો કેવું ? " રૂપાલીએ ઉત્સાહમાં આવીને કોઈનો વિચાર કર્યા વગર કહ્યું. હવે ઘુરીને જોવાનો વારો રૂપાલી માટે આવી ગયો.
" વાહ !! વાહ ભાનગઢની રાજકુમારી વાહ ! " ગૌરવ આગળ વધુ વ્યન્ગ કરતા બોલ્યો " હવે રાજકુમારીજી પોતાના ખર્ચે બધાને મૂવી દેખાડશે. તાલીયા .. "
રૂપાલીએ મોઢું ચડાવ્યું, ત્યાર બાદ બધાએ DJ , ચાંપાનેર જવાનું, રમત - ગમત , ગરબા કરવાનું , જમણવાર કરવાનું તો અમુકે ice - cream માં વાત રફ-દફા કરવાનો આઈડિયા આપ્યો. પરંતુ ૧ -૨ આઈડિયા જ બજેટ અને સમયને ધ્યાનમાં રાખીને શોર્ટ લિસ્ટ થઈ શક્યા છે. આખરે થોડા દિવસ પછી ૧૨માં વાળાની જીવન- મરણ ની કસોટી એવી ૧૨માંની બોર્ડની પરીક્ષા છે.
આ બધાની ચિંતા છોડી મેહુલ હજી ગેટ સામે મીટ માંડીને બેઠો છે. ત્યાં એના ચહેરા પર કાન સુધી લાંબી મુસ્કાન જોવા આવી જાય છે. ધીરે ધીરે એ મુસ્કાન ડરમાં ફરવા લાગે છે.
" અરે અરે સોની આવી ગઈ લો હવે " પૂર્વીએ ખુબ શાંતિથી કહ્યું. ગૌરવએ વેધક નઝરે તેની સામે જોયું અને કહ્યું " કશું મેડમ જેવું ખૂટે છે એવું નથી લાગતું ? " . બધા હસવા લાગ્યા.
સોની ઉર્ફે સોનલ દિનુપ્રસાદ ત્રિવેદી, ઉર્ફે ડોન , ઉર્ફે બોડી , ઉર્ફે પપ્પાનો દીકરો , ઉર્ફે મમ્મીની બગડેલી દીકરી, ઉર્ફે ગ્રુપની લીડર, ઉર્ફે શિક્ષકોની પહેલી પસન્દ, ઉર્ફે મેહુલની બેસ્ટ ફ્રેન્ડ
સોની રોજના એકદમ ટોમ - બોય લૂકમાં છાશઠ ઉર્ફે જીગ્નેશ છાશઠિયા સાથે પોતાની રોયલ - સ્કુટી પર ૬૦ની સ્પીડે પધારે છે. આખા ગ્રુપમાં સ્કુટી માત્ર સોનલ પાસે જ છે.
સ્કુટી સ્ટેન્ડ પર ચડાવીને સોની એ મેહુલ સામે જોઈ લીધું, તેનો નોર્મલ ચહેરો જોઈ મેહુલ ને જાણે જન્મ - પીટની સજા મળતા મળતા રહી ગઈ એવી શાંતિ થઈ.
" અલા છાશઠિયા કેમનું આજે ? બાપા મુકવા ના આયા. અમને એમ કે તું વહાલો નહીં આવે " હવે જલ્પેશએ પોતાની ઓલોમ્પિક ગેમ્સ જેવી રમતમાંથી બહાર જમ્પલાવતાં કહ્યું.
સેટેલાઇટ ઉર્ફે કાર્તિક અને આનંદ પણ ચર્ચામાં આવી ગયા છે. સોનીના આવતા જ ચહલ-પહલ થઈ ગઈ એતો જાણે સ્વાભાવિક છે. છોકરીઓ જે લક્ષમ્ણ રેખાની પેલી પાર ઉભી રહી હતી તે પણ હવે વચ્ચે આવી જાય છે.
બધાએ સાવધાન થઈને કાન લગાવ્યા એટલે મેદાનમાં પથ્થરો ભેગા કરીને સ્ટેજ પણ કેહતા શરમ આવે એવા પથ્થરિયા સ્ટેજ પર સોની ચડી ગઈ અને તેને બોલવાનું ચાલુ કર્યું ,
" દર વર્ષ 11માં વાળા ફરેવેલ પાર્ટી આપે , એટલે આ વખતે આપણે આ કામ કરવાનું છે, જેના માટે હું અને છાશઠ હમણાં એના ખેતરે તેના પપ્પાને મળી આવ્યા, તેમને ત્યાં પાર્ટી કરવાની પરવાનગી આપી દીધી છે. પરમદિવસે રવિવારે ટ્યૂશન સવારે હશે એટલે બધાએ ૪ વાગે ખેતર પર આવી જવું, ટાઈમ ૪ થી ૭ નો છે એટલે છોકરીયોને તકલીફ ન પડે. બરાબર? " . લીડરની જેમ જ દરેક નો વિચાર અને પ્લાનિંગ અને એ પણ પ્લાનિંગ પર કામ કરવાનું ચાલુ કરીને સોનીએ દરેકને નિર્દેશ આપતા કહ્યું.
" તારા બાપા માન્યા એવું ? કેવું પડે ?" જલ્પેશ એ પાછું છાશઠને ખીજવતા કહ્યું.
" ભાઈલા મનાવા કોણ ગયું હતું એતો જો " છાશઠએ સોની સામે આંખોથી ઈશારો કર્યો.
સોની એ બન્નેને જ જોઈ રહી છે. " પત્યું ? " સોનીએ બન્નેને પૂછ્યું.
" પણ ત્યાં શું કરીશુ ?" આનંદ એ સોનીને પૂછ્યું.
" આ બન્નેનું પતે તો કહું " સોની બોલી, હવે બધા છાશઠ અને જલ્પેશને જોવા લાગ્યા.
ખોંખારો ખાઈને સોની આગળ બોલી " ત્યાં નાસ્તો હશે જે ખેતર વાળા જશકાકા જ બનાવે , તેમ છત્તા દરેક જણએ પોતાના ઘરેથી કંઈક થોડું એક - એક ડબ્બામાં લાવાનું છે. "
" લ્યા એટલે ડબ્બા પાર્ટી કરવાની. આતો પહાડ ખુંધયો અને ઉંદર નીકળ્યો " હવે જલ્પેશ જાણે પોતે જ માર ખાવાનો થયો છે એમ પાછું બોલ્યો.
" ના આઈડિયા બીજો છે , પણ તને કહેવામાં નહી આવે, અને તારા લીધે હવે કોઈ ને નહીં જાણવા મળે, એ દિવસ ખબર પડશે " સોનીએ પહેલું વાક્ય ગુસ્સામાં જલ્પેશ ને જોઈને અને બીજું હસતા - હસતા છાશઠની સામે જોઈને કહ્યું.
" ૧૨માં વાળા ને કહેવાનું કામ મેહુલ કરશે કારણકે એની એ લોકો જોડે બને છે," . સોની મેહુલ સામે જોતા બોલી. મેહુલએ હકારમાં માથું ધુણાવ્યું.
બધા જલ્પેશ સામે ગુસ્સામાં જોવા લાગ્યા, એટલે જલ્પેશએ બચવા માટેનો રસ્તો વિચારતા બધાને ટ્યૂશનનો આજનો ટાઈમ યાદ કરાવ્યો.
બધાએ ટ્યૂશન બાજુ દોટ મૂકી.
ટ્યૂશનમાં પણ છોકરીઓ પોતાની પાક-કળાની ચર્ચામાં કરે છે, જે એમને પરમદિવસે બતાવવાનો ચાન્સ મળશે. જયારે છોકરાઓ મમ્મીને કશું બનાવી આપવા કેવી રીતે મનાવશે એની ચિંતામાં છે, કારણકે એવરગ્રીન જવાબ ખબર હતી - ટ્યૂશનમાં ભણવા જાય કે આવું બધું કરવા.
************************************** ઈન્ટરવલ - ( ક્યુકી કીટ-કેટ બ્રેક તો બનતા હૈ )
દિવસ : પાર્ટીનો - ૫ માર્ચ ૨૦૦૦
સમય : ૪:૩૦ વાગે ( ૪ નું કહો એટલે બધા ૪:૩૦ એ ભેગા થઈ રે ને !!! )
સ્થળ : છાશઠના પપ્પાનું ખેતર
૪ : ૩૦ સુધી બધા ખેતર પર આવી જાય છે.
૧૨માં વાળા છેલ્લી વખત ભેગા થવાના એટલે ખુશી અને દુઃખની મિશ્ર લાગણી સાથે આવ્યા છે. અમુક લોકો તો હવે પછી ૧ પણ વાર તૈયાર નથી થવાનું એ રીતે સજી-ધજી આવ્યા છે. અમુક પરીક્ષાની ચિંતામાં ડૂબેલા પ્રાણીઓ આંટો મારતા આવું એ ભાવથી ઘરના કપડાં પહેરીને જ આવી ગયા છે, તેઓની માટે ૧ - ૧ મિનિટ મહત્વની ને પાછી. કેટલીક છોકરીઓ મિસ ઇન્ડિયા કોમ્પિટિશનમાં જવાની હતી પણ અહીં ભૂલથી પોહચી ગઈ છે. ઘણા એકતરફી પ્રેમીઓ પોતાના ક્રશને છેલ્લીવાર જોવા પણ આવ્યા છે. સ્કૂલ અને ટ્યૂશનના આ છેલ્લા દિવસોમાં દરેક જણ માફી તો ક્યાંક મસ્કરી, એકરાર તો કયાંક છુટા- છેડા પણ કરી રહ્યું છે. ૧૨ - ૧૨ વર્ષની સ્કૂલની યાદોને સમપેટવા માટે અમુક કલાકો બચ્યા છે આજે, પછી આ પંખીઓ જવાબદારીના વિમાનમાં ચડીને અહીં- તહીં વિખેરાઈ જશે અને કેટલાય વચનો તડ એવો અવાજ કર્યા વગર જ તૂટી જશે.
સોની એન્ડ ગ્રુપ ૩ વાગેનું આવી ગયું હતું અને આજે શું કરવાનું છે એ જાણવા છાશઠને માખણ લગાવવામાં આવી રહ્યું છે. છાશઠ પણ ભરપૂર ફાઈદો ઉઠવાની સાથે હોમ-વર્ક અને ટેસ્ટ માટે સોદે - બાજી કરી રહ્યો છે. બીજા ૧૧માં વાળા પણ ડબ્બા સાથે આવી ચુક્યા છે. ૧૨માં વાળા અમુક ડબ્બો નથી લાવ્યા એવા સનસની સમાચાર ફરી રહ્યા છે.
જશકાકા અને છાશઠના પપ્પાએ પોતાના ઉદાર દિલ નો પરિચય આપતા ખેતર ઠીક ઠીક શણગાર્યું છે. અંધારું થાય તો તકલીફ નહીં , એ માટે લાઈટ પણ લગાવી છે. બેસી શકાય એ માટે સૂકું ઘાસ લઈ આવ્યા છે, જોકે ખુરસીઓ આવી છે પણ લોકો પ્રમાણે ૧૦ % જ. ખેતરમાં બોર વેલ હોવાથી પાણીની ચિંતા નથી. ખાસ તો સાંજ માટે દેશી કેમ્પ-ફાયર જેવી વ્યવસ્થાએ દિલ જીતી લીધું છે. બુફે જેવા ટેબલ નાસ્તા માટે ગોઠવ્યા છે. ભજીયા હશે જ એવી દરેક ને ખબર પડી ગઈ હતી કારણકે કાકીના ચૂલા પાસે પેલી પાક-કળા વાળીઓ પોહચી ચુકી છે.
પાર્ટી આગળ - વધારવાના હેતુથી અને બીજું તો મેલ-મિલાપ રોકવાના હેતુથી પણ સોની સ્ટેજ પર ચડી, (આ વખતે સારો નાનો સ્ટેજ એને બનાવડાવ્યો છે. દર વખતે કઈ ખરાબ ન હોય.)
" ૧૧માં વાળા દરેક તરફ થી ૧૨માં વાળા નું ખુબ - ખુબ સ્વાગત " સોનીએ કહ્યું , ત્યાં તો દરેક એ તાળીઓ સાથે તેને વધાવી લીધી.
" આશા છે કે અમારા તરફ થી કરેલો આ પ્રયાસ તમને લોકોને ગમ્યો હશે, આપણી મદદ કરવા બદલ જીગરકાકા ( છાશઠના પપ્પા ) અને જશકાકા નો આભાર" ફરી એક વાર તાળીઓ નો લય-બંધ અવાજ ગુંજી ઉઠ્યો.
આગળ વધતા સોનીએ દરેક સિનિયરનો આભાર માન્યો. ૧૨માં વાળામાંથી ૨ જણે સ્કૂલ લાઈફ વિશે કહ્યું અને સાથે સાથે ૧૧માં વાળા માટે બોર્ડ- પરીક્ષાનું મહત્વ સમજાવતું ભાષણ પણ આપ્યું.
" હવે આજના કાર્યક્મ પર આવ્યે, તમને દરેકને જે જાણવાની ઉત્સુકતા છે" સોનીએ અનોખા નાનકડા રાઝ પરથી પડદો ઉઠાવતા આગળ કહ્યું કે , " અહીં આપણે બધાએ આજે ૧-૧ પાર્ટનર પસન્દ કરવાના છે, જે ૧ મહિના સુધી તમારા પાર્ટનર રહેશે"
આટલું સાંભળતા કેટલાક આશ્ચર્ય સાથે જોવા લાગ્યા તો કેટલાક નવી-નવેલી દુલ્હનની જેમ શરમાઈ ગયા, કેટલાક લોકોના દિલમાં લાડુ વળવા લાગ્યા ( પહેલા બને પછી લડ્ડુ ફૂટે ને ). અમુક છોકરીઓના મુખ પર, મોઢે હાથ રાખીને બા બોલે એવો ભાવ પણ આવી ગયો. બધાએ પોતાને ગમતા લોકો સામે તીરછી નઝર કરી લીધી.
બધા લોકોના ખ્યાલી પુલાવમાં વધારે મીઠું નાખી દેતી હોય એમ સોની આગળ બોલી કે " આજ થી એક મહિના સુધી જે પણ વસ્તુ ખાય કે પીવે એ પોતાના પાર્ટનર એટલે ભાગીદાર સાથે વહેંચીને ખાવાનું . જે છેલ્લે સુધી આ નિયમ પાડશે તે વિજેતા બનશે, તો હવે આપણે એકબીજાના ભાગીદાર બનાવ્યે , લેટ"સ સેલિબ્રેટ ભગ્ગા ડે " . અલગ પરંતુ અનોખા વિચારને દરેકએ વધાવી લીધો. આજે કેટલાય લોકોના અરમાન પુરા થશે એની ખુશી દરેકના ચહેરા પર દેખાતી હતી.
એ સમય હજી છોકરા-છોકરી ક્યારે ફ્રેન્ડ ન હોઈ શકે એ વિચારો વાળો હતો. એકતરફી આશિકોની સંખ્યા વધુ રહતી હતી. બન્ને તરફથી કંઈક હોય તો પણ એ અલગ અલગ એકતરફી બની જતું હતું કારણકે મર્યાદા કહો કે ડરના લીધે વાત આગળ વધતી નહીં. એવામાં આવો ચાન્સ મળવો જેમાં પોતાના ગમતા ભગ્ગા( ભાગીદાર) સાથે ૧ મહિનો ખાવાનું વહેંચતી વખતે વાત કરવા મળશે એ સરકારી નોકરી મળવા જેવી ખુશી હતી.
દરેક જણ પોતાના ભાગીદાર બનાવવા લાગ્યા , કેટલાક શોધવા લાગ્યા તો કેટલાક ફિક્સ જ છે. અહીં અણગમતા ભગ્ગા પણ બન્યા, ટાઈમ - પાસ ભગ્ગા પણ દેખાયા .. અરે જાણી જોઈને ૨ છોકરીઓ પણ ભગ્ગા બની, તો મજબૂરીના માર્યા ૨ છોકરાઓ પણ ભગ્ગા બન્યા.
સોનીનું બાળપણ તેના પપ્પાની છાયામાં અલગ રીતે વીત્યું હતું. સોનીના પપ્પા તેને ખાલી કહેતા નથી પણ દીકરો માનતા હતા. એટલે જ સોની નીડર- લીડર છે. તેનું દિમાગ પણ થોડું અલગ સિદ્ધાંતો પર ચાલે છે. એટલે સોનીથી ઘણા ડરતા, તો ઘણા માન આપે છે. હા એમાં ઈર્ષાવાળા પણ ખરાજ !!!!
મેહુલ ઝાડ પર બેઠો બેઠો આ બધું જોવે છે. તે શાંત પાણી છે , પણ ઊંડો નથી. દરેક જણ તેને ઓળખી જાય એવો સીધો-સરળ છે. જે લોકો સોનીથી ડરે એ મેહુલ ને ખુબ માન આપે કારણ કે એક મેહુલ જ સોનીથી બચાવી શકે એમ છે.
બધાના ભગ્ગા બન્યા પણ સોનીને કોઈએ નહીં પૂછ્યું , હવે લાઈવ જ્વાળામુખી જોડે કેમ કોઈ ફરે. કામથી કામ રાખવાનું હોય. મેહુલ ઝાડ પર ચડ્યો છે એટલે તેના તરફ પણ કોઈનું ધ્યાન ગયું નથી. સોનીની નઝર જેવી મેહુલ પર પડી તેને જોર થી કહ્યું " આ રહ્યો મારો ભગ્ગો " . બધા મેહુલ તરફ જોવા લાગ્યા. હવે શરમાવાનો વારો મેહુલનો છે. તે કશું બોલી શકતો નથી. બસ હકારમાં માથું ધુણાવે છે. મેહુલ માટે તો ભાવતું હતું ને વૈદ્ધએ કીધું તેવી વાત થઈ ગઈ.
દરેક જણએ ઘરથી લાવેલો નાસ્તો પોતાના ભાગીદાર જોડે વહેંચ્યો, સાથે જશકાકાનો નાસ્તો ખરો જ. દેશી કેમ્પ-ફાયરની આજુ - બાજુ અંતાક્ષરી રમાડવામાં આવે છે. ૭ વાગે બધા બેસ્ટ ફ્રેન્ડ જાણે અંતિમ વાર મળે છે. ગ્રુપ ફોટો લઈ લેવાય છે. નંબરની આપ-લે થઈ જાય છે. વેકેશનમાં મળવાના વાયદા થઈ જાય છે. અને બધા છુટ્ટા પડે છે.
***********************************************
બીજા દિવસે પણ બધા પોતાના ભાગીદાર જોડે નાસ્તો વહેંચે છે.
ધીરે ધીરે અઠવાડિયું થતા ટાઈમ-પાસ વાળા સુધી પહેલા આ રેસમાંથી બહાર નીકળી ગયા છે.
સોની અને મેહુલએ નિયમને જાણે આદત બનાવી હોય એમ એકપણ દિવસ ખાવાનું વહેંચવાનું ચુકતા નથી. તેમની વચ્ચે સવારની રોટલીથી લઈને સાંજની ખીચડી સુધી વહેંચીને ખવાય છે.
૧૨માં વાળા ૧ મહિના પછી ભગ્ગા વિશે પૂછવા આવ્યા ત્યારે ઓચિંતી બનેલા આ ભગ્ગા સોની-મેહુલ વિજેતા બન્યા.
***************************************
દિવસ : ૫ માર્ચ ૨૦૨૦
સમય : ૧૧ વાગે સવારે
સ્થળ : શ્રીમાન મેહુલ- શ્રીમતી સોનલના ઘરે
મેહુલ એન્ડ સોની સેલિબ્રટ્સ ભગ્ગા ડે
આ વખતે મેહુલ સ્ટેજ પર છે.
મેહુલ : હેપી ભગ્ગા ડે સોની, જે હવે માત્ર જમવાનું નહીં પણ તેની લાઈફ , કાળજી , સુ:ખ - દુઃખ મારા સાથે વહેંચે છે.
© દીપ્તિ ઠક્કર " માહી "