લપસી - તપસી Dipti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લપસી - તપસી

પ્રણામ !!

આપણી સંસ્કૃતિમાં દરેક દિવસ, તિથિ, વાર, સ્થળ અને તહેવારનું અલગ અલગ અને અનેરું મહત્વ છે તથા હજારો લોકવાર્તાઓ તેની સાથે જોડાયેલ છે.

પહેલાના સમયથી જયારે લેખ કે વાતો સંગ્રહ કરવા માટે કોઈ ટેકનોલોજી ન હતી ત્યારથી વિધિ , સાહસિકતા, મહત્વતા, વ્યક્તિ, પ્રસંગ, રીતિ - રિવાજ વિગેરેને આગળની પેઢી સુધી પોહ્ચાડવા માટે વાર્તા ઘડવામાં આવતી હતી. પોતાના બાળકોનું નાનપણથી વાર્તાઓ દ્વારા ઘડતર કરવામાં આવતું અને સમજણ આપવામાં આવતી હતી.

આપણી પાસે બા-દાદા સ્વરૂપે એક એવી પેઢી છે, જેમને આ રિવાજ હજી સુધી જાળવી રાખ્યો છે.
મારા બા પાસેથી મને આ વારસો મળ્યો છે જેમાંથી એક વાર્તા અહીં પ્રસ્તુત કરી રહી છું.


**************************************

લપસી - તપસી


વર્ષો જૂની આ કથા છે.
ગોમતી નદી કિનારે એક ગામમાં લપસી અને તપસી એમ બે ભાઈ રહેતા હતા.
બન્ને ભાઈ એકબીજાથી એકદમ વિપરીત હતા.
તપસીએ કાશી જઈને વેદ - વિદ્યા નું જ્ઞાન લીધું અને વિદ્યવાન તરીકે નામ મેળવ્યું હતું.

જયારે લપસી પોતાનામાં જ મસ્ત રહીને કામ કરતા અને ભ્રમણ કરતા હતા.
બન્ને ભાઈ શ્રીવિષ્ણુના પરમ ભક્ત હતા.

તપસી રોજ ગોમતી કિનારે વિધિ પૂર્વક પૂજા પાઠ , મંત્રોચાર કરે અને પ્રભુને દર્શન માટે યાચના કરતા હતા.

જયારે,

લપસી રોજ સવારે ભજન કર્તા કર્તા ગરમ લાપસી બનાવે અને ઘાટ પર આવીને જોર જોર થી ઘંટ વગાડે અને પ્રભુને કહે કે

" આવો મારા પ્રભુ આવીને લાપસી આરોગો " ,

" આવો મારા પ્રભુ આવીને લાપસી ગ્રહણ કરો " ....

ત્યારે બાદ તેઓ લાપસીનો પ્રસાદ વહેંચીને જાતે પણ પ્રસાદ ખાઈ લેતા હતા.

આ બન્ને રોજનો નિત્ય કર્મ હતો.

રોજ લપસી પ્રભુને બોલાવે અને પછી લાપસી આરોગે, પરંતુ આ વાતથી તપસીનું ધ્યાન ભંગ થતું હતું. જેથી તપસી , લપસીને નાપસન્દ કરતા અને અશબ્દો બોલતા હતા. તેઓ હમેશા લપસીની નિંદા કરતા હતા.

એક દિવસ શ્રી વિષ્ણુએ બન્નેની કસોટી કરવાનું વિચાર્યું.

જયારે લપસી- તપસી પ્રભુને રીઝવવામાં વ્યસ્ત હતા ત્યારે તેમને ઘાટ ઉપર એક રત્ન જડિત અંગુઠી નાંખી દીધી.

લપસી તો જોર જોર થી ઘંટ વગાડીને લાપસી ખાવામાં વ્યસ્ત હતા પરંતુ તપસીનું ધ્યાનએ અંગુઠી તરફ ગયું, તેમને કોઈનું ધ્યાન ન જાય તે રીતે અંગૂઠી લઈને આસન નીચે સંતાડી દીધી અને તપ કરવા લાગ્યા.

આ ઘટનાના અમુક દિવસો પછી પ્રભુએ લપસીને દર્શન દીધા, અને લપસીએ હર્ષમાં આખા ગામમાં લાપસી ખવડાવી,
જ્યારે આ વાતની ખબર તપસીને પડી ત્યારે , ક્રોધમાં આવીને તે પ્રભુને પૂછવા લાગ્યા કે " પ્રભુ મેં તમારી આસ્થા સાથે પૂજા કરી , વિધિ વિધાન સાથે પૂજા કરી હતી અને આ લપસી બસ ઘંટ વગાડે અને ઘોંઘાટ કરે , તેમ છત્તા તમે તેને દર્શન આપ્યા , આવું કેમ ? "

ત્યારે શ્રી હરિએ તેના ઉત્તરમાં કહ્યું કે ,

"હે તપસી તમે માત્ર વિધિ વિધાન નિભાવ્યા , પરંતુ તમારું મન ક્રોધથી ભરેલું હતું , તેમાં ઈર્ષા હતી જેથી તમારું મન એકાગ્ર ન હતું. જેનું પરિણામ તમારા પાસે રહેલી આ અંગૂઠી છે. જયારે લપસીના મનમાં કોઈ ઈર્ષા નથી , તે બસ મને પ્રેમથી વિશ્વાસ સાથે મીઠી મીઠી લાપસી ખવડાવે છે માટે તેમની મનોકામના પૂર્ણ થઈ "

તપસીને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેમનું ર્હદય પરિવર્તન થઈ ગયું હતું. તપસીના મન માંથી દરેક દ્વેષ દૂર થઈ ગયા હતાં.

*************

બોધ ૧ :

જે તે સમય ગાળામાં પરિસ્થિતને આધીન આ વાર્તાનો ઉદેશ્ય હશે કે, પરમાત્માના દર્શન માટે તમારું મન કેવું હોવું જોઈએ.

ચાલો વાત કર્યે આજના સમયમાં આ વાર્તા કહેવાનો તાતપર્ય કે ઉદેશ્ય શું છે?

બોધ ૨ :

આપણા લક્ષ્ય સુધી માટે કોઈ એક જ રીતનું અનુકરણ કરવાની જરૂર નથી. તમે પોતાનો માર્ગ જાતે બનાવી શકો છો , જે કામ કરવામાં તમને આનંદ આવે છે. માત્ર માર્ગ સાચા હોવા જોઈએ. બીજું કે તપસીની જેમ આપણું ધ્યાન ભટકવું ન જોઈએ. આપણામાં લપસી જેવી એકાગ્રતા હોવી જોઈએ. કંઈક મેળવવા માટે માત્ર પોતાના સાથે સ્પર્ધા કરવાની જરૂર છે, બીજા વ્યક્તિ ને જોઈને તેના માટે ઈર્ષા કે ગુસ્સો રાખીને આપણે પોતાનું જ નુકસાન કરી રહ્યા છે .

********************************************


આવી ઘણી વાર્તાઓ આપણી પાસે છે , જેને માત્ર ધાર્મિક રીતે ન જોતા , આજની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો તેઓ આપણે માનસિક સ્વાસ્થ સુધારવા માટે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ , પ્રેરણાત્મક રીતે , ભાષા શીખવા માટે, જેવી ઘણી બાબતમાં મદદ કરી શકે છે.

આવો , બા - દાદા પાસે બેસીને વાર્તાઓ સાંભળયે અને સમજ્યે.
આપણી આગળની પેઠી માટે વારસો ભેગો કર્યે.

ધન્યવાદ !!!!


© દીપ્તિ ઠક્કર " માહી "