જલારામ બાપા એક આદર્શ સંત છે તેમના સતકર્મોની અઢળક વાતો છે અને તે લાખો લોકો સુધી વહીને પહોંચી છે તેથી જ તો જલારામ બાપાને દેશમાં જ નહિ વિદેશમાં પણ લોકો ઓળખે છે.
તેમનું જન્મ અને કર્મ સ્થાન ગુજરાતનું વીરપુર છે. નાનપણથી જ તેઓ ધર્મ અને કર્તવ્ય પરાયણ હતા. દાન - દક્ષિણા આપવામાં તેઓ અનેરો આનંદ અનુભવતા. ચૌદ વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા હતા. તેમના ધર્મપત્ની વિરબાઈજી પણ પત્નીધર્મ મુજબ પતિના પગલે ચાલીને તેમને તેમના કર્મોને અનુસર્યા હતા. દાન અને દક્ષિણા સ્વાભાવિક રીતે જ મધ્યમ વર્ગીય કુટુંબને પોષાય નહિ તેથી જલારામ બાપાની દાનવૃત્તિને લીધે તેમને ગૃહત્યાગ કરવાની ફરજ પાડવામાં આવી હતી. દરમિયાન તેમના કાકા પાસે તેમને મજૂરી અને આશ્રય મળ્યો અને તેઓ વેપાર કરતા થયા પરંતુ તેમના મનમાંથી ભક્તિ ઘટવા ન પામી , તેમના કર્મો જે ના તે જ રહ્યા. વીરપુરમાં જલારામની દુકાનેથી કોઈ ગરીબ , માંગણ, સાધુ, બ્રાહ્મણ કે અતિથિ ક્યારેય ખાલી હાથે ન જતો અને તેથી જલારામ ઘણા લોકોની આંખમાં ખૂંચવા લાગ્યા. સ્વભાવ મુજબ લોકોએ એમના કાકાને ફરિયાદ કરી પરંતુ એનાથી તેમના કર્મોમાં કોઈ ફેરફાર થયો નહિ. જોકે આ ઘટનાથી જલારામ મનમાં અકળાઈ ગયા હતા એટલે તેમણે કાકાના ઘરેથી વિદાય લીધી.
એ પછી તેમણે તેમના ગુરુના આશીર્વાદ સાથે સદાવ્રતની શરૂઆત કરી. સદાવ્રતમાં દરેક ભૂખ્યા જણને ભોજન અને રાહદારીને આશ્રય મળવા લાગ્યો. જલારામનો જીવન મંત્ર હતો , "આપો ટુકડો તો પ્રભુ ઢુકડો". એ જીવનમંત્ર મુજબ તેઓ જીવતા હતા. જલારામ બાપાને એમની પત્નીનો સાથ સહકાર પણ તેટલો જ મળ્યો હતો.
બાપાના ધામે દાન સ્વીકારવામાં આવતું નથી ફક્ત નિસ્વાર્થ ભાવે કરેલી સેવા જ સ્વીકારવામાં આવે છે. આજે પણ વીરપુરમાં સદાવ્રત ચાલે છે. દૂર દૂરથી લોકો પોતાનું જીવન સેવા ભક્તિ માટે સમર્પિત કરનાર આ જલારામ બાપાને નમવા માટે અને પ્રસાદ લેવા આવે છે.
જોકે આ વાતો તો લગભગ બધા જાણે છે. પરંતુ કોઈ વ્યક્તિના જીવન વિશે જાણવું અને વાહવાહ કરવી કે પ્રભાવિત થવું અલગ વાત છે અને એ વ્યક્તિના વ્યક્તિત્વનું આચરણ કરવું જુદી વાત છે. ચોક્કસ જલારામ બાપા જેમ આજીવન સેવા ભક્તિ બધાથી ન થઈ શકે પણ મારા અંગત મત મુજબ એમના જીવનમાંથી આપણા પોતાના ફાયદા માટે , આપણા પોતાના જીવનધોરણમાં સુધારો આવે એવી બાબતો પણ આપણે આચરણમાં નથી લેતા.
પરંતુ મારા મનમાં જલારામ બાપના જીવનની ત્રણ સત્ય ઘટનાઓ ઘર કરી ગઈ છે. ઘર કરી ગઈ એનું કારણ જ એ છે કે જે કામ જલારામ બાપાએ એ જમાનામાં કર્યું હતું એ કામ લોકો આજે પણ નથી કરી શકતા. અરે ખુદ જલારામ બાપાના ભક્તો પણ એ કામ કરતા નથી. આજે આપણે ઘણું બધું અપનાવી લીધું છે. વિજ્ઞાન અપનાવી લીધું , ટેકનોલોજી અપનાવી લીધી અરે સ્મશાનમાં લાકડાને બદલે ઇલેક્ટ્રિક સગડીમાં અગ્નિસંસ્કાર કરવા લાગ્યા ! પણ આપણે જે અપનાવવા જેવું હતું એ નથી અપનાવ્યું. અને એટલે જ જલારામ બાપાના જીવન વિશે મેં જ્યારથી જાણ્યું ત્યારથી એમના જીવનની અઢળક ઘટનાઓમાંથી ત્રણ ઘટનાઓ મારા મનમાંથી ખસતી નથી. શુ છે એ ત્રણ બાબતો વિગતવાર જોઈએ.
1. જલારામ બાપાનાં કાકાએ તેમને ગૃહસ્થી ધર્મ સમજાવ્યો. ન માત્ર સમજાવ્યો પણ શ્રેષ્ઠ ગણાવ્યો. જલારામ બાપાએ એ સ્વીકારી લઈ સંસારમાં રહીને ભક્તિ કરી છે. આ વાત વિચારવા જેવી નથી શુ ?
ભક્તિ કરવા માટે ઘર સંસારનો ત્યાગ જરૂરી નથી , દૂર પહાડો કે જંગલમાં નીકળી પડવું જરૂરી નથી , ભક્તિ અને સેવા તમે ઘર સંસાર સાથે રહીને પણ કરી શકો છો એ વાત સમજવા માટે જલારામ બાપા શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં કહેવાનો મતલબ એ છે કે જલારામ બાપા પરિવર્તનમાં માનતા હતા અને તેને જરૂરી પણ સમજતા હતા. જ્યારે સાધુ સંતો ગૃહત્યાગ કરીને જંગલોમાં વસતા ત્યારે બાપાએ ઘર સંસાર બધું જ સંભાળીને સેવા ધર્મ નિભાવ્યો હતો. એમણે ગૃહત્યાગના રિવાજમાં બદલાવ લાવ્યો હતો. તેવી જ રીતે આજે ચૂલાની જગ્યા ઓવને લીધી છે. વિરબાઈજી ચૂલા ઉપર રોટલા ઘડીને અતિથિ જમાડતા તેમજ ભગવાનને થાળ ધરતા જે હવે ઓવન પર બને છે. ચૂલા કે ઓવનથી કોઈ ફેર નથી પડતો બસ ભાવ હોવો જોઈએ. ટૂંકમાં પરિવર્તન જરૂરી છે પણ પરિવર્તનનો અર્થ આપણે તો કર્મ બદલવા એવો કરી નાખ્યો છે. વાસ્તવમાં તો આપણે ફક્ત રીત બદલવાની છે કર્મ નહિ. આધુનિકતા ટેકનોલોજીથી આપણા કામ ઝડપી બને છે અને ટેકનોલોજીનો વિકાસ જ તે માટે થયો છે. આપણે આધુનિકતા સાથે ફકત કામ કરવાની રીત બદલવાની જરૂર છે વિચારો નહિ.
2. જલારામ બાપા વિશે જે જાણતા હશે એમને ખબર જ હશે કે ભગવાન એકવાર એમની કસોટી લેવા સાધુ બનીને આવ્યા હતા અને જલારામ પાસે સેવા અર્થે તેમની પત્ની માંગી હતી. જલારામે કોઈ ખચકાટ વગર સાધુની માંગણી સ્વીકારી હતી અને પછી પત્નીને એ વાત કરી હતી. વીરબાઈ પણ સામે એવા જ હતા. વિરબાઈએ કહ્યું હતું , " તમે મને પૂછવા શુ કામ આવ્યા ? તમે જે પણ નિર્ણય લીધો હશે એ યોગ્ય જ હશે." આ ઘટના આપણને શીખવે છે વિશ્વાસ. પત્નીને પતિ ઉપર વિશ્વાસ હોય અને પતિને પત્ની ઉપર. પણ આજે કેટલા પતિ પત્નીને ખરેખર એકબીજા ઉપર વિશ્વાસ હોય છે ? વિરબાઈને કેટલો વિશ્વાસ હશે એ તમે જ વિચારો અને પછી આજના આપણા સંબંધોમાં કેટલો વિશ્વાસ છે એ પ્રશ્ન ખુદને જ પૂછો. ચલો આજથી જે જલારામ બાપાને અને વીરબાઈને હાથ જોડીને નમન કરીને સારા જીવનસાથીની કામના કરીએ છીએ એમની સામે મનોમન જલારામ અને વીરબાઈ જેવો વિશ્વાસ કરતા શીખીશું એ પણ નક્કી કરીએ. જેમને આપણે નમન કરીએ છીએ એમના જીવનની આ રીત આપણે આપણા જીવનમાં ઉતારીએ.
3. જલારામ બાપાને એક દીકરી હતી જમનાબાઈ. તેમને કોઈ દીકરો ન હતો. સમજવા જેવું એ છે કે તેમણે દીકરીના સંતાનો ને વારસદાર બનાવ્યા હતા. એ જમાનામાં આવા આધુનિક વિચાર બાપા પાસે હતા. પ્રશ્ન પોતાની જાતને કરવાનો છે કે શું જલારામના ભક્ત આવા વિચાર ધરાવે છે ખરા ? આવી બાબતો જીવનમાં ઉતારે છે ખરા ? આ વિચાર અહીં જ છોડી દેવા જેવો નથી એના ઉપર મનન કરવાની જરુંર છે. દીકરી બચાવોની બુમો તો આજે દેશના દરેક ખૂણે સાંભળવા મળે છે પણ શુ આપણે જલારામના દીકરી વિશેના આધુનિક વિચાર અપનાવ્યા હોત તો આજે આ બુમો પડતી હોત ખરા ? ટૂંકમાં આપણે આધુનિક નથી બન્યા આપણે ફક્ત આધુનિક વસ્તુઓ જ સ્વીકારી છે. મોબાઈલ , લેપટોપ કે કપડાંની આધુનિકતા એ કોઈ આધુનિકતા નથી. ટુ બી મોડર્નની વ્યાખ્યા જ આપણે ખોટી કરી છે. આધુનિક વિચાર તો આપણે અપનાવ્યા જ નથી. આપણે આધુનિક નહિ પણ ફિલ્મી બન્યા છીએ. બાપા એ જમાનામાં પણ આધુનિક હતા પણ આપણે નથી. આપણે સમય મુજબ ફક્ત ભૌતિક પરિવર્તન સ્વીકાર્યું છે વિચારોની આધુનિકતા મોકળાશ આપણા મનથી હજુ સ્વીકારી નથી શકાતી.
આપણે જેમનું સન્માન કરીએ છીએ એવા વ્યક્તિઓના જીવનમાંથી આપણે આવી બાબતો સ્વીકારીએ અને અમલમાં મૂકીએ તો આજની ઘણી સમસ્યાઓનો નિકાલ આપણે જાતે જ લાવી શકીએ તેમ છીએ. તે વ્યક્તિ આપણા ભગવાન, ગુરુ, પાલક કે આપણે પોતે પણ હોઈ શકીયે છીએ.
© દીપ્તિ ઠક્કર