25 interesting pokemon go stories books and stories free download online pdf in Gujarati

પોકેમોન ગેમ વિષે ૨૫ અવિશ્વસનીય કિસ્સાઓ

પોકેમોન, આ નામ કદાચ જ કોઇથી અજાણ હશે. આમ તો આ એક કાર્ટૂન કેરેક્ટર છે પરંતુ લગભગ બે થી ત્રણ વર્ષ પહેલા તેની એક મોબાઈલ ગેમ પણ અસ્તિત્વમાં આવી હતી અને તેણે સમગ્ર વિશ્વમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. લોકો સમય અને સ્થળનું ભાન ભૂલીને આખા ગામમાં “પોકેમોન પકડવા” માટે અહીં તહીં ભટકવા લાગ્યા હતા.

આ ગેમની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ કે પોકેમોનના થીમવાળા ટીશર્ટ, શૂઝ અને અન્ય એસેસરીઝનું માર્કેટિંગ પણ ધૂમ ચાલ્યું હતું. ત્યારબાદ તેના પર ટેલીવિઝન શો પણ થયા અને તેના પર ફિલ્મો પણ બની હતી. જો કે આ ગેમ ૨૭ ફેબ્રુઆરી ૧૯૯૬ના દિવસે જાપાનના નીન્ટેન્ડો ગેમ બોય સિસ્ટમ દ્વારા સહુથી પહેલીવાર રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ તેની લોકપ્રિયતા ૨૦૦૦ની સદીના બીજા દાયકામાં ચરમસીમાએ પહોંચી હતી.

જેમ આપણે આગળ વાત કરી એમ આ રમત રમનારાઓ સમય, સ્થળ અને કામધંધાને બાજુમાં મુકીને પોકેમોન પકડવા જતા હતા અને તેમના આ ગાંડપણના કેટલાક મજેદાર તો કેટલાક કરુણ કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. આવા ૨૫ અવિશ્વસનીય કિસ્સાઓ વિષે આપણે આજે ચર્ચા કરીશું.

૨૫ – ગેમ ઈરાનમાં પ્રતિબંધિત થઇ

આ રમત વિષે જ્યારે પહેલીવાર લોકોને સાચી જાણકારી મળી ત્યારે તેમને પોતાના બાળકોની સુરક્ષા વિષે ચિંતા થઇ. આ ચિંતા પાછળનું કારણ એવું હતું કે પોકેમોન અથવાતો ઈંડા કે પછી જુદાજુદા પ્રાણીઓ પકડવા લોકોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ભટકવું પડતું. ઈરાનની સરકારે લોકોની આ ચિંતાને જરા વધુ પડતી ચિંતા કરીને સ્વીકારી અને ગેમના રિલીઝ થવાના અમુક જ મહિનામાં સમગ્ર દેશમાં તેને બેન કરી દીધી. ઈરાનના સરકારી અધિકારીએ પણ કહ્યું કે લોકોની સુરક્ષા સામેં તકલીફ ઉભી થતી હોવાથી તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

૨૪ – જાપાનના ખેલાડીને પોકેમોન રમવું મોંઘુ પડ્યું

પોકેમોન ગેમના સ્થાપકોએ પણ ગેમને વધુને વધુ લોકપ્રિય બનાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. આ માટે તેમણે ૨૦૧૬માં બ્રાઝીલના રિયો ડી જાનેરોમાં રમાયેલી ઓલિમ્પિક ગેમ્સ માટે ખાસ પ્રકારના પોકેમોન્સ અને અન્ય વસ્તુઓ પકડવા પર એક્સ્ટ્રા પોઈન્ટ્સ આપવાનું જાહેર કર્યું હતું. પોકેમોન ગો ગેમ આમપણ સમગ્ર વિશ્વમાં ક્રેઝ ધરાવતી હતી અને આથી જાપાનીઝ ખેલાડીઓ જેમના દેશમાં આ ગેમ બની હતી તેઓ તેમાંથી કેવી રીતે બાકાત રહી શકે? આમાંથી એક જાપાનીઝ ખેલાડી જે ઓલિમ્પિક રમવા અહીં આવ્યો હતો તે પોતાના મોબાઈલ પર આ ગેમ રમવા માટે એટલો બધો સમય ગાળતો કે તેને સમયનું ભાન પણ ન રહેતું. જ્યારે આ ખેલાડી રિયોથી જાપાન પરત થયું ત્યારે તેની મોબાઈલ કંપનીએ તેને ૫ લાખ યેનનું બીલ પકડાવી દીધું હતું.

પરંતુ બાદમાં આ ખેલાડીએ આ કંપનીને હકીકત જણાવી એટલે તેને થોડી રાહત જરૂર મળી હતી.

૨૩ – પોકેમોન ગો ખેલાડીઓ લુંટાયા

અમેરિકાના મીઝુરી રાજ્યમાં એક હથિયારધારી ચોરે ખાસ પોકેમોન ગો ના ખેલાડીઓને ટાર્ગેટ કર્યા હતા. જ્યાં પણ આવા લોકો આ ગેમ રમતા જોવા મળે કે તેમને તે પોતાની ગન દેખાડીને લુંટી લીધો હતો. આ વ્યક્તિનો કાળો કેર એટલો બધો તો વધી ગયો હતો કે મીઝુરી પોલીસે ખાસ જાહેરનામું બહાર પાડીને લોકોને જાહેરમાં પોકેમોન ગો રમવા સામે ચેતવણી આપવી પડી. બદનસીબે થોડા સમય બાદ ખબર પડી કે પોકેમોન ગો રમનારા લોકોને ટાર્ગેટ કરીને તેમને લુંટી લેનારા વ્યક્તિઓ માત્ર મીઝુરીમાં જ નહીં પરંતુ મોટાભાગના અમેરિકામાં ફેલાયેલા હતા.

૨૨ – પોકેસ્ટોપ કે ફાયર સ્ટેશન

અમેરિકાના બીજા રાજ્ય નોર્ધન ટેરેટરીઝના સત્તાવાળાઓએ પણ પોતાના રાજ્યના નાગરિકોને પોકેમોન ગો માટે ચેતવણી આપી હતી. અહીની પોલીસ અને ફાયરબ્રિગેડ વાળાઓએ ૫ જુલાઈ ૨૦૧૬ના દિવસે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે લોકો જ્યારે પોકેમોન ગો ના વિવિધ રમકડાં પકડવા માટે રસ્તા પર ચાલતા હોય ત્યારે જરા ડાબી જમણી બાજુ જોઇને રસ્તો ક્રોસ કરે નહીં તો અકસ્માતનો ભય છે. આટલુંજ નહીં અહીંનું ફાયર સ્ટેશન પણ પોકેસ્ટોપ હતું આથી નાગરિકોને ચેતવણી પણ આપવામાં આવી હોય કે પોતાના પોકેમોન પકડવા તેમણે ફાયર સ્ટેશનમાં એન્ટ્રી કરવી નહીં,

૨૧ – પોકેસ્ટોપને ખાસ પ્રકારના ગુનેગારોથી દૂર રાખો

ન્યૂયોર્ક રાજ્યની સેનેટે એક મહત્ત્વના મુદ્દે ચર્ચા કરી હતી. આ સેનેટના સભ્યોની ચર્ચાનો વિષય હતો કે પોકેસ્ટોપને જાતિય ગુનો કરનાર વ્યક્તિઓથી ઓછામાં ઓછું ૧૦૦ ફૂટ દૂર રાખવું એવો કાયદો સેનેટે પસાર કરવો જોઈએ. ન્યૂયોર્કના ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોએ જણાવ્યું કે આ શરત માત્ર અમુક સમાજના લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં જ્યાં પણ પોકેમોન ગો રમાય છે તેના માટે પણ લાભદાયક બની રહેશે.

૨૦ – ઝૂમાં ગેરકાયદેસર એન્ટ્રી

અમેરિકાના ઓહાયો રાજ્યના ટલીડોના ઝૂમાં એક મહિલા ઝૂ બંધ હતું તો પણ પોકેમોન એગ્સ પકડવા માટે અંદર ઘુસી ગઈ હતી. એક રીતે જોવા જઈએ તો આ કાર્ય ગેરકાયદેસર હોવા ઉપરાંત ખતરનાક પણ હતું કારણકે ઝૂમાં રહેલા પ્રાણીઓ આમ અચાનક પોતાની પ્રાઈવસી ભંગ કરવા આવેલી વ્યક્તિ સાથે ક્યારે શું કરી નાખે તેનો કોઈજ ભરોસો નથી હોતો. પરંતુ આ મહિલાએ તો થોડા દિવસ અગાઉ જ ફેસબુક પર જાહેર કરી દીધું હતું કે તેને અમુક એગ્સની ખાસ જરૂર છે અને આથી તે ઝૂમાં ગમેતેમ કરીને ઘૂસીને જ રહેશે.

આ મહિલા ગેરકાયદેસર ઝૂમાં ઘુસી પણ ખરી અને ઝૂના સત્તાવાળાઓએ તેને પકડીને બહાર પણ કરી દીધી. આ મહિલા પર ત્યારબાદ આજીવન ઝૂમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો, પરંતુ અન્ય પોકેમોન ખેલાડીઓ જો ઝૂના રોજના કામના સમય દરમ્યાન અંદર આવીને પોકેમોન રમવું હોય તો તેમને છૂટ આપવામાં આવી.

૧૯ – દોરડા પરથી નીચે

ઘણી વખત પોકેમોનના જાનવરો, પોકેસ્પોટ્ર્સ અને પોકેમોન જીમ જાહેર સ્થળો જેવાકે બગીચાઓ, મોલ્સ અને વિવિધ દુકાનોની આસપાસ મળતા હોય છે. તો ઘણીવાર કોઈ અસામાન્ય જગ્યાઓ પર પણ તે મળતા હોય છે. બદનસીબે કેલીફોર્નીયાના ઉત્તરી સેન ડિયેગોમાં બે વ્યક્તિઓ પોકેમોન શોધવા નીકળ્યા. શોધતા શોધતા તેઓ એક પહાડ પર જઈ ચડ્યા અને ત્યારબાદ તેમણે દોરડા પરથી નીચે લટકવું પડ્યું. આમ કરતા અચાનક જ દોરડું તૂટ્યું અને બંને નીચે પટકાયા. સદભાગ્યે બંનેને માત્ર મામુલી ઈજા થઇ.

૧૮ – પોકેમોન હીરોઝ

અત્યારસુધીના કિસ્સા વાંચીને તમને કદાચ એવું લાગ્યું હોય કે પોકેમોનથી માત્ર નકારાત્મકતા જ ફેલાય છે, પરંતુ ખરેખર એવું નથી. એક વખત કોઈ વિસ્તારમાં એક વ્યક્તિ એક મહિલા અને એના બાળકને હેરાન કરી રહ્યો હતો. આ જ સમયે એક ટીનેજ છોકરો અને છોકરી પોકેમોન પકડવા અહીં આવ્યા. તેમણે જેવું જોયું કે પેલો વ્યક્તિ પેલી મહિલા અને તેના બાળકને હેરાન કરી રહ્યો છે કે તરતજ આ બંનેએ તે વ્યક્તિને પકડી લીધો અને પોલીસ બોલાવીને તેને પકડાવી દીધો.

૧૭ – ડ્રાઈવિંગ કરતા કરતા પોકેમોન ન રમશો

જ્યારે પોકેમોન ગો નવી નવી હતી ત્યારે તેને રમવાનો ક્રેઝ આસમાને પહોંચ્યો હતો. કેટલાક સરવે અનુસાર લોકો ડ્રાઈવિંગ કરતા કરતા પણ પોકેમોન રમી રહ્યા હતા. ધીમેધીમે આવા લોકોની સંખ્યા વધતી ચાલી અને ત્યારબાદ અમુક દેશોની પોલીસને ખાસ જાહેરાત કરવી પડી કે ડ્રાઈવિંગ કરતી વખતે પોકેમોન રમવી નહીં. આ પાછળનું કારણ એ હતું કે જે વ્યક્તિ ડ્રાઈવિંગ કરતા કરતા પોકેમોન રમતી હોય તે વ્યક્તિ મોટેભાગે પોતાની કાર ધીમી ચલાવતો હોય છે, જે રસ્તા પર સામાન્ય ગતિએ વાહન ચલાવતા લોકો માટે અત્યંત ખતરનાક બની શકે તેમ હતું.

૧૬ – પગમાં સોજા ચડી ગયા

પોકેમોન ગેમનો જો કોઈ મોટો ફાયદો હોય તો તે એ છે કે તેને રમવા ખેલાડીને થોડોઘણો શારીરિક શ્રમ કરવો પડે છે. પોકેમોન પકડવા તમારે અમુક જગ્યાએ ચાલીને જવું પડે છે. જે વ્યક્તિ આ ગેમ સતત રમતો હોય તેને સતત ચાલવું પડતું હોય છે. એક વ્યક્તિએ સોશિયલ મિડિયા પર સ્વીકાર કર્યો હતો કે તે પોકેમોન પકડવા દિવસમાં એટલું બધું ચાલે છે કે તેના પગમાં સોજા ચડી ગયા છે. આ ઘટના બાદ તપાસ કરતા આવા તો અસંખ્ય કિસ્સાઓ બહાર આવ્યા હતા જેમાં પોકેમોન ખેલાડીઓના પગ ચાલી ચાલીને સુજી ગયા હતા.

૧૫ – પોકેમોનની જગ્યાએ કશું બીજું જ મળ્યું

જે લોકોને પોકેમોન ગેમમાં આગળ વધવું હોય તેણે ઘણો શારીરિક શ્રમ કરવો પડે છે એ આપણે જાણીએ છીએ. મોટેભાગે આ ખેલાડીઓને પોકેમોન જાનવરો કે પછી પોકેસ્ટોર સુધી પહોંચવાનું હોય છે. પરંતુ ઘણીવાર પોકેમોન ખેલાડીઓને પોકેમોન પકડવાની સાથે અન્ય વસ્તુઓ પણ મળી જતી હોય છે. ૧૯ વર્ષીય શાયલા વિગીન્સને પણ આવો જ અનુભવ થયો હતો. શાયલા એક પોકેમોન શોધતી શોધતી એક તળાવના કિનારે આવી પહોચી હતી. અહીં તેને એક મૃતદેહ તળાવની સપાટી પર તરતો જોવા મળ્યો.

શાયલાએ તરતજ પોલીસને માહિતી આપી. પોલીસ તપાસમાં બાદમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિનું મૃત્યુ અકસ્માતને કારણે થયું છે અને તેને પોકેમોન સાથે કોઈજ લેવાદેવા નથી.

૧૪ – સ્ટ્રીપ ક્લબમાં પોકેસ્પોટ

પોકેમોન આમ તો બધીજ ઉંમરની વ્યક્તિ રમતી હોય છે પંરતુ મોટેભાગે ૧૨ થી ૨૦ વર્ષની ઉંમરના કિશોરોમાં આ ગેમ સહુથી વધુ લોકપ્રિય હોય છે. તેમ છતાં એક પુખ્તવયનો વ્યક્તિ ગજાન કુલાસિંઘમ ત્યારે આશ્ચર્ય પામ્યો જ્યારે એક સ્ટ્રીપ ક્લબમાં તેને પોકેસ્પોટ જોવા મળ્યું. ત્યારબાદ તેણે પોતાનો અનુભવ જ્યારે ટ્વીટર પર શેર કર્યો ત્યારે તેની ટ્વીટને ૧૦૦૦ લાઈક્સ મળી હતી અને ૬૦૦થી પણ વધુ પોકેમોન ખેલાડીઓએ કમેન્ટ્સ કરી હતી.

૧૩ – ડિલીવરી કરતા પોકેમોન વધુ મહત્ત્વનું

પોકેમોન ગેમની સહુથી સારી વાત એ છે કે જો તમે ફરે રાખો તો તમને પોકેમોન જાનવરો કે પછી પોકેસ્પોટ્સ ગમેત્યાંથી મળી જતા હોય છે. આવા સ્થળોમાંથી હોસ્પિટલો પણ બાકાત નથી હોતી. એક વ્યક્તિને જ્યારે એક પોકેમોન જાનવર મળવાની જાણ થઇ ત્યારે તે હોસ્પિટલમાં હતો. તે ફરતો ફરતો આ જગ્યાએ પહોંચ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે અહીં તો તેની પત્નીની ડિલીવરી થઇ રહી છે. તેમ છતાં તેણે ત્યાં પહોંચીને પોકેમોન જાનવર પકડ્યું અને તેના આનંદની કોઈ સીમા ન હતી.

૧૨ – યુદ્ધ કરતા પણ પોકેમોન મળ્યો

પોકેમોન દુનિયાના કોઈપણ ખૂણે મળતા હોય છે. પછી તમારી આસપાસની પરિસ્થિતિ ગમેતે હોય તમને પોકેમોન મળી જ જતા હોય છે. સવાલ એ હોય છે કે શું તમે કોઈ ખાસ પરિસ્થિતિમાં આ પોકેમોન પકડવા માંગો છો કે નહીં. આ રમત જ્યારે રિલીઝ થઇ તેના થોડા જ સમયમાં ઈરાકના મોસુલમાં ફરજ બજાવતા લુઈ પાર્કે સોશિયલ મિડીયામાં એક ફોટો મૂક્યો હતો જેમાં તે મોસુલનું રક્ષણ કરતા કરતા પોકેમોન પકડી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું હતું.

૧૧ – પોતાનું ઘર જ પોકેમોન જીમ

પોકેમોન ગો ગેમ બનાવવા માટે ટેક્નોલોજીનો અદભુત ઉપયોગ થયો છે. નિયાનટીક લેબે ગૂગલ સાથે હાથ મેળવીને આ ગેમને જીઓલોકેશનમાં પરિવર્તિત કરી દીધી છે. પોકેસ્પોટ્સ તરીકે એવા ઘણા સ્થાનો છે જેને પોકેમોન જીમ તરીકે ઓળખવામાં આવે છે. આ પોકેમોન જીમ તેમના જીઓ-ટેગ ફોટોગ્રાફ્સ પર આધારિત હોય છે. આમાંથી મોટાભાગની જગ્યાઓ બગીચાઓ, ચર્ચો અને ટુરીસ્ટ સ્થળો હોય છે.

બૂન શેરીડ્ન નામનો એક વ્યક્તિ જે એક ચર્ચમાં રહેતો હતો તેનું ચર્ચ પોકેમોન જીમ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બૂન શેરીડ્ને સોશિયલ મિડીયામાં પોસ્ટ લખી હતી કે હું વર્ષોથી આ ચર્ચમાં રહું છું પરંતુ હવે જ્યારે તે પોકેમોન જીમ બન્યું છે એ જાણીને તેનો આનંદ જ કઈ અલગ છે.

૧૦ – વ્યાપાર વધારવાનું સાધન

પોકેમોન ગો રમવાના ઘણા લાભ હોય છે. અત્યારે આ ગેમનો ક્રેઝ ભારતમાં ભલે ઓછો થઇ ગયો પરંતુ જ્યારે આ ગેમ લોન્ચ થઇ હતી ત્યારે આ ગેમ રમનારા ઉપરાંત તેના વિષે જાણકારી ધરાવનારાઓમાં પણ તેનો ક્રેઝ જબરદસ્ત રહ્યો હતો. આ જ બાબતનો લાભ અમેરિકાના કેટલાક સ્થાનિક વ્યાપારીઓએ કાર્યો હતો. અમેરિકાના એક શહેરના જ્યૂસના બારના માલિકે જાહેર કર્યું કે તેમની દુકાનના અમુક અંતરના વિસ્તારમાં કોઈ વ્યક્તિ પોકેમોન પકડી બતાવશે તો તેને બડ લાઈટ જ્યુસ પર ૧ ડોલર અને સ્મૂધી પર ત્રણ ડોલર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કહેવાની જરૂર ખરી કે એ વ્યક્તિનો બિઝનેસ આ જાહેરાત બાદ ખૂબ ચાલી નીકળ્યો હતો?

૯ – ન્યાયની લડાઈ

પોકેમોન ગેમે માત્ર તેને રમનાર ખેલાડીઓમાં જ નહીં પરંતુ ઈન્ટરનેટનો મોટાપાયે ઉપયોગ કરનારાઓમાં પણ કુતુહલ ઉભું કર્યું હતું. લોકો પોતાની પોકેમોન ગો ગેમની સિદ્ધિઓ સોશિયલ મિડીયામાં શેર કરતા, એટલુંજ નહીં પરંતુ જે તે શહેરમાં ક્યાં ક્યાં પોકેસ્પોટ કે પછી પોકેમોન જીમ આવ્યા છે તેની માહિતી પણ શેર કરતા જેથી અન્યોને તેનાથી ફાયદો થાય.

આવી જ એક ઘટનામાં કશુંક અનોખું બની ગયું. ૯ જુલાઈ ૨૦૧૬ના દિવસે એન્થોની ઓલીવેરાએ ટ્વીટ કરી કે વેસ્ટબરો બેપ્ટીસ્ટ ચર્ચ જે એક પોકેમોન ગો જીમ છે તેના પર કેટલાક લોકોએ કબજો જમાવી લીધો છે. બસ ત્યારબાદ તો જાણેકે એક નાનકડું આંદોલન શરુ થયું જેનું નામ હતું Stop Hate! અને છેવટે આ આંદોલનકારીઓએ એ ચર્ચને પેલા લોકોથી મુક્ત કરાવ્યું હતું.

૮ – પોકેમોન ખેલાડીઓ માટે અનોખી સર્વિસ

કેલીફોર્નીયા અમસ્તું પણ મોજમજા અને આનંદ માટે જાણીતું છે. લોસ એન્જેલસમાં પોકેમોન ગોનો અનુભવ પણ અત્યંત આનંદદાયક બની ગયો હતો. એક સંસ્થાએ માત્ર ત્રીસ ડોલર્સમાં પોકેમોન ખેલાડીઓને કેબ સર્વિસ ઓફર કરી. આ સર્વિસ લેનારા વ્યક્તિને ડ્રાઈવર સાથે સેલફોન ચાર્જર્સ, બેકઅપ બેટરી અને તમામ પોકેસ્પોટ્સ, પોકેમોન જીમ અને હાઈફ્રિકવન્સી સ્પવામ પોઈન્ટ્સના નકશા સાથેની માહિતી પૂરી પાડવામાં આવતી હતી.

આ પ્રકારની કેબનો ડ્રાઈવર પણ જ્યારે રહેવાસી વિસ્તારમાંથી પસાર થતો ત્યારે કેબ જાણીજોઈને ધીમી ચલાવતો જેથી ઈંડાઓ સમયસર ફૂટી શકે.

૭ – પોકેમોને સાચો પ્રેમ અપાવ્યો

એક તરફ લોકો કહે છે કે સાચો પ્રેમ એમ આસાનીથી નથી મળતો. પરંતુ સોશિયલ મિડીયામાં એક પોસ્ટ એવી જોવા મળી હતી કે જેમાં એ જાણવા મળ્યું હતું કે બોબ નામનો એક વ્યક્તિ જેને પોકેમોન ગો ને કારણે પોતાના જીવનનો શ્રેષ્ઠ દિવસ જીવવા મળ્યો હતો. બોબ અને તેનો મિત્ર તેના ઘર નજીક આવેલી એક નદી પાસે પોકેમોન પકડવા ગયો હતો. અહીં તેમને બે છોકરીઓ મળી જે પણ પોકેમોન પકડવા માટે જ આવી હતી. આ બે છોકરીઓમાંથી એક છોકરી સાથે બોબે વાતચીત કરી. વાતચીત કર્યા બાદ બોબ અને આ છોકરી વચ્ચે ઘણી સમાનતાઓ જોવા મળી અને છેવટે તેઓ બંને એકબીજાના પ્રેમમાં પણ પડી ગયા.

૬ – પોકેમોન માટે સ્પર્ધા અધુરી છોડી દીધી

એ જાણીને ઘણીવાર આશ્ચર્ય થાય છે કે લોકો પોકેમોન, પોકેસ્ટોપ કે પોકેમોન જીમ માટે કેટલી હદ સુધી જઈ શકે છે. એક નાનકડા નગરમાં નૌકા સ્પર્ધા હતી. આ સ્પર્ધામાં એક પતિ પત્નીએ પણ ભાગ લીધો હતો. નૌકા ચલાવતા ચલાવતા તેઓ પોકેમોન પણ રમતા હતા. અહીં તેમને ખ્યાલ આવ્યો કે આ નદીની બરોબર વચ્ચે જ એક પોકેમોન જીમ છે. આથી તેમણે સ્પર્ધા બાજુમાં મૂકી અને પોતાની નૌકા જે જગ્યાએ પોકેમોન જીમ હતું ત્યાં લઇ લીધી. આ દંપતી સ્પર્ધા તો હારી ગયું પરંતુ તેમને પોકેમોન જીમ મળી ગયું અને થોડીઘણી કસરત પણ થઇ જ ગઈ.

૫ – રોકડીયા ગ્રાહકો માટે જ

આગળ આપણે એક કિસ્સો જોયો કે એક વ્યાપારીએ પોતાનો બિઝનેસ આગળ વધારવા માટે પોકેમોન ખેલાડીઓને ડિસ્કાઉન્ટની લાલચ આપી હતી. પરંતુ દરેક વ્યાપારીઓ આવું વિચારતા નથી હોતા. તેમને એવું લાગે છે કે પોકેમોન ખેલાડીઓ પોતાના વ્યાપારના સ્થળે આવીને માત્ર તે પોકેસ્પોટ કે પોકેમોન જીમ હોવાને કારણે, વ્યાપારીઓનો સમય બગાડે છે. આથી અમેરિકાની અમુક દુકાનોમાં એવા બોર્ડ મારવામાં આવ્યા છે કે પોકેમોન ખેલાડીઓ જો ગ્રાહક બનીને આવે તો જ તેમને અહીં રમવા દેવામાં આવશે.

૪ – પોકેમોન ખેલાડીઓને પકડવા પોલીસ

એવું કહેવાય છે કે પુસ્તકના કવર પરથી પુસ્તક કેવું હોય તેની કલ્પના ન કરી શકાય. એવી જ રીતે પોકેમોન ખેલાડીઓ પોતાની રમતમાં એટલા બધા ખોવાઈ જતા હોય છે કે તેઓ ગમેત્યારે અને ગમે તે સ્થળ પર આ ગેમ વિષે ચર્ચા કરતા હોય છે.

એક વૃદ્ધ વ્યક્તિને પણ પોકેમોન ગેમનું વ્યસન લાગી ગયું હતું આથી તે વહેલી સવારે ત્રણ વાગ્યે ઘરની નજીક આવેલા પાર્કમાં પહોંચી ગયો અને પોકેમોન પકડવા લાગ્યો. અહીં તેને બે યુવાનો પણ મળ્યા જેઓ અહીં પોકેમોન પકડવા આવ્યા હતા. ત્યારબાદ તો આ રમતના આ ત્રણેય વ્યસનીઓ પોકેમોન ગેમ વિષે એવી ઊંડી ચર્ચામાં વ્યસ્ત થઇ ગયા કે તેમને સમયનું ભાન ન રહ્યું. થોડા સમય બાદ પોલીસ ત્યાં આવી અને આટલા અંધારામાં તેઓ શેની ચર્ચા કરી રહ્યા છે તેની કડક પુછપરછ કરવા લાગી.

૩ – પોકેમોને બિલાડીનો જીવ બચાવ્યો

એક પોકેમોન ખેલાડી રમતા રમતા એક જગ્યાએ પહોંચી ગયો અને ત્યાં તેને લાગ્યું કે એક બિલાડી મરેલી હોય તેવું લાગ્યું. થોડી વધુ તપાસ કરતા તેને ખબર પડી કે આ બિલાડી જીવતી છે પણ તેને ગંભીર ઈજા થઇ છે. આથી કેરી બર્ન્સ નામની આ છોકરીએ ટ્વીટર પર ટહેલ નાખી કે પોકેમોન રમતા રમતા તેને ગંભીરરીતે ઈજાગ્રસ્ત બિલાડી મળી છે અને તે તેનો જીવ બચાવવા માંગે છે. આથી તેના જ વિસ્તારમાં રહેતા એક પશુ ડોક્ટરે તેની મદદ કરી અને બિલાડીની સારવાર પણ કરી. આમ આ બિલાડીનો જીવ તો બચ્યો પરંતુ કેરી બર્ન્સે આ બિલાડીને પોતાની સાથે જ રાખી લીધી.

૨ – કિશોરની જિંદગી બદલાઈ ગઈ

પોકેમોન ગેમ અત્યંત રસપ્રદ હોય છે. ખેલાડીઓને ઘરની બહાર નીકળીને જાહેરસ્થળોએ જવા માટે તેમજ અન્ય ખેલાડીઓ સાથે જોડાઈને રેર ક્રિચર્સ પકડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ બધું જાણીને એક માતાએ સોશિયલ મિડીયામાં પોસ્ટ કરી કે તેનો ટીનેજ પુત્ર માનસિક રીતે હતાશ છે અને જો કોઈ પોકેમોન ખેલાડી તેને આ રમત રમવા માટે ઉત્સાહિત કરી શકે તો તે તેની આભારી રહેશે. આ પોસ્ટ જોતાજ ખાસી એવી સંખ્યામાં પોકેમોન ખેલાડીઓ આ માતાના ઘરે પહોંચી ગયા અને પેલા છોકરાને આ ખેલાડીઓએ પોકેમોન ગેમ સમજાવી અને ઘરની બહાર નીકળવા માટે સમજાવ્યો. છોકરો માની ગયો અને પેલા ખેલાડીઓ સાથે મળીને પોકેમોન રમવા લાગ્યો. ધીરેધીરે તેની બધીજ નિરાશા દૂર થઇ અને તે એકદમ સામાન્ય બની ગયો.

૧ – દુશ્મનો મિત્રો બન્યા

જેમ પેલા ટીનેજરની જિંદગી બદલાઈ ગઈ તેમ એક શહેરના યુવાનોના બે ગ્રુપ જે એકબીજાના કટ્ટર દુશ્મનો હતા અને એકબીજાને મારવા સુધી પહોંચી જતા હતા તેમને પણ આવો જ એક અનોખો અનુભવ થયો હતો. આ બંને ગ્રુપના સભ્યો પોકેમોન ગેમ રમવા લાગ્યા. એક દિવસ એવો આવ્યો કે આ બંને જૂથો પોકેમોન પકડવા માટે આમનેસામને આવી ગયા. અત્યારસુધી તો તેઓ આવી પરિસ્થિતિમાં એકબીજાને મારવા પર આવી જતા પરંતુ આ વખતે તેમણે એકબીજાને પોકેમોન પકડવામાં મદદ કરી. આ એકજ ઘટનાએ આ કટ્ટર દુશ્મનોને મિત્રો બનાવી દીધા અને હવે આ બંને ગ્રુપ એકબીજાને ક્યાં ક્યાં પોકેમોન, રેર ક્રિચર્સ, પોકેસ્ટોર કે પછી પોકેમોન જીમ છે તેની માહિતી આપતા રહે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED