અંગત ડાયરી
============
શીર્ષક : ઠાગાઠૈયા
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
દરેક સંસ્થામાં, પછી એ કોઈ કમ્પની હોય, સંપ્રદાય, બેંક, રાજકીય પાર્ટી, સ્કૂલ, પરિવાર કે કોઈ સમાજ હોય, તેમાં દસથી વીસ ટકા ઓનેસ્ટ અને મહેનતુ એવા ખરા કૃતિશીલો હોય જ છે, જેને કારણે ખરા અર્થમાં એ સંસ્થાનું અસ્તિત્વ કે નામ હોય છે. એ જ સંસ્થામાં દસ વીસ ટકા એવાય હોય જ છે, જે ખાલી માખણીયા, બોલકા, ઢોંગી અને ઠાગાઠૈયા કરવાવાળા હોય છે. આવા લોકો ફોટો પડાવવામાં, સ્ટેજ પર ચઢી જવામાં, ઉપરીઓને વહાલા થવામાં ઉસ્તાદ હોય છે, જયારે કર્મક્ષેત્રે ઠાગાઠૈયા કરતા હોય છે.
નાનપણમાં બા પાસે એક વાર્તા સાંભળેલી: કાગડા અને કાબરની. એક દિવસ બંનેએ પાર્ટનરશીપમાં ખેતી કરવાનું નક્કી કર્યું. નક્કી કરેલા દિવસે કાબર કાગડાને બોલાવવા ગઈ. "ચાલો કાગડા ભાઈ આજથી મહેનત શરુ કરીએ." કાગડો કહે "તમે પહોંચો કાબરબેન, હું પાછળ પાછળ આવું છું." કૃતિશીલ કાબર તો ખેતરે પહોંચી. કલાક એક રાહ જોઈ. કાગડો ન આવ્યો. કાબર બહેને એકલે હાથે મહેનત શરુ કરી. બીજા દિવસે પણ કાગડાએ કહ્યું, "આજે ચાંચમાં પ્રોબ્લેમ છે. ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી વીંધાવું છું, જાઓ કાબરબેન કાલ સવારે આવું છું." ખેતર ખેડાઈ ગયું. વાવણી વખતે પણ કાગડાનો એ જ જવાબ. પાણી સિંચવામાંય કાબર બેન એકલા. એમ કરતાં-કરતાં લણણીનો સમય આવી ગયો. કાગડાના ગલ્લા-તલ્લા ચાલુ હતા [આ વાંચતી વખતે, તમને પણ તમારાં ગ્રુપનાં આવા કોઈ કાગડાભાઈ કે કાગડીબેન નજર સામે આવી ગયા હશે.] આખરે કાબરે મગફળીના પાક લણીને મોટો ઢગલો ખેતરમાં કર્યો, તોય કાગડાભાઇ ન આવ્યા. એક જ જવાબ "ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી વિધાવું છું, જાઓ કાબરબેન કાલ સવારે આવું છું." કાબરબેને મગફળી ફોલી અંદરના દાણા છૂટ્ટા પાડ્યા.
હવે તો કંઈ કામ બાકી જ નહોતું રહ્યું. છેલ્લા દિવસે કાબરબેન કાગડાભાઈને બોલાવવા ગયા. "કાગડાભાઈ, આજે તો હવે ભાગ પાડવાના છે." કાગડો તરત જ તૈયાર થઇ ગયો. ઊંચે આકાશમાંથી ઉડતાં-ઉડતાં કાગડાએ નીચે ખેતરમાં બે ઢગલા જોયા અને બોલ્યો, "કાબરબેન, ઓલો મોટો ઢગલો મારો અને નાનો ઢગલો તમારો. તમને મારા સોગંદ છે હવે એમાં કંઈ ફેરફાર કરતા નહીં." નીચે આવી જોયું તો મોટો ઢગલો મગફળીના ફોતરાનો હતો અને નાનો દાણાનો હતો. ઈશ્વરને ત્યાં અંધેર નથી. કોઈના ઠાગાઠૈયા ચાલતા નથી. અસ્સલ કર્મ જ ત્યાં ત્રાજવે તોલાય છે. આશ્ચર્યની વાત એ છે કે સમાજના કાગડાઓ પણ આ વાત જાણે છે. પણ કોણ જાણે કેમ દુર્યોધનના મુખે બોલાયેલું એ વાક્ય "જાનામિ ધર્મં, ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મં ન ચ મે નિવૃત્તિ.." એમને સુધરતાં રોકતું હશે.
આજેય દરેક સંસ્થામાં એવા પાયાના પથ્થર જેવા કૃતિશીલો હોય જ છે, જે સંસ્થા માટે ચૂપચાપ, કોઈ ગણતરી વિના દિવસરાત એક કરી કર્મ કર્યે જાય છે. એમ સમજોને કે દરેક સંસ્થામાં આવા લોકો માટે ૨૦ ટકા અનામત રાખવામાં આવેલી જ હોય છે. [આ અનામતને કોઈ જ્ઞાતિનો બાધ નથી, કૃતિશીલ બધી કેટેગરીમાં હોય છે.] જયારે વર્ષો સુધી જમીન પર, પાયામાં ધરબાઈને કોઈ કૃતિશીલ કર્મ કર્યે જતો હોય ત્યારે સંસ્થા કે સંગઠનના ઉપરી જો એની કદર કરવામાં નિષ્ફળ જાય તો [એ ઉપરી, અધ્યક્ષ કે મેનેજરને મંદબુદ્ધિ, અક્કલનો ઓથમીર કહીને મારા લખાણનું લેવલ નીચું લઇ જવાને બદલે] એ સંસ્થા કે સંગઠનનું અસ્તિત્વ કે ભવિષ્ય અંધકારમય બની જાય છે. [આમ લખી કલમની ગરિમા જાળવવાનું યોગ્ય રહેશે.]
નાટક એ નાટક છે. દંભ એ દંભ છે. તમે કોને છેતરી રહ્યા છો? એક વાર એક નાટક કલાકારનું અવસાન થયું. ઈશ્વરના દરબારમાં ચિત્રગુપ્તે જયારે એનો હિસાબ આપ્યો ત્યારે એણે રીતસર બૂમ પાડી. "ઓબ્જેકશન માયલોર્ડ." આખી જિંદગી એણે નરસિંહ મહેતા, સુદામા, ધ્રુવ, પ્રહલાદ જેવા જ રોલ ભજવેલા. ભક્ત તરીકેનો એનો અભિનય એવોર્ડ વિનર રહ્યો હતો, છતાં ચિત્રગુપ્તે રજૂ કરેલા ઍવિડેન્સમાં એ એકેય નાટકનો ઉલ્લેખ ન હતો. એના ઓબ્જેકશનને અમાન્ય ગણી, અસલી જીંદગીમાં એણે કરેલા ઠાગાઠૈયાઓ જ ઈશ્વરે માન્ય રાખ્યા અને એને નર્કમાં મોકલવાનો ફેંસલો થયો.
મિત્રો, જિંદગી એક નાટક છે એ વાત સાચી, પણ નાટકમાં વળી દંભનું નવું નાટક ઉમેરી ઓવર એક્ટિંગ કરી જિંદગીની ફિલ્મ ફ્લોપ જવા દેવા કરતાં આજના રવિવારે કબૂલાતથી શરુઆત કરી નવો કલાઇમેકસ ઊભો કરીએ તો કેવું? જુઓ બહાર કાબરબેન [જેવા કોઈ કૃતિશીલ] બોલાવી રહ્યા છે. નર્ક અને તમારી વચ્ચે એ કૃતિશીલ જ ચિત્રગુપ્તનો સીસીટીવી લઇને ઊભો છે. અને હા, ઈશ્વર નામના ઉપરીને માખણ કે ચમચાગીરીથી નહીં, ઓરિજનલ કૃતિ કે કર્મથી જ ખુશ કરી શકાય છે. ઓલ ધિ બેસ્ટ.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)