અંગત ડાયરી - નાના મોઢે મોટી વાત Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગત ડાયરી - નાના મોઢે મોટી વાત

અંગત ડાયરી
============
શીર્ષક : નાના મોઢે મોટી વાત
લેખક : કમલેશ જોશી
ઓલ ઈઝ વેલ

ખુશખુશાલ ચહેરે એ મિત્રે ત્રણ અર્ધી ચા મંગાવી પાર્ટી આપી. એક એક ચૂસકીએ એના ચહેરા પરનો આનંદ જોવા જેવો હતો. કશું જ નવું નહોતું બન્યું, છતાં જાણે એ જંગ જીતી ગયો હોય એવો ખુશ હતો. વાત સામાન્ય હતી. આજ સવારે એનો મોબાઈલ ખોવાઈ ગયો હતો. આખું ઘર ફેંદી વળ્યા. શક્ય હતી એ બધી જ જગ્યાઓ જોઈ લીધી. આખરે પોલીસ ફરિયાદ કરી ‘સેફ’ થઇ જવા સુધીનું પ્લાનિંગ અમે કરી લીધું. અચાનક જ મોબાઈલ એના જેકેટના અંદરના ખિસ્સામાંથી બંધ હાલતમાં મળી આવ્યો. એનો ચહેરો ત્યારે જોવા જેવો થયેલો. વાત નાની હતી પણ ત્રીજા મિત્રે જે ફિલોસોફીકલ વાક્ય કહ્યું એ મોટું હતું: ‘ક્યારેક તમારા નસીબમાં કોઈ નવું સુખ કે આનંદ લખ્યો નથી હોતો અને ઈશ્વર તમને ખુશ કરવા માંગતો હોય છે, ત્યારે તમારી કોઈ પ્રિય વસ્તુ કે વ્યક્તિને તમારાથી થોડો સમય દૂર કરી દે અને પછી અચાનક એ તમને પરત આપે. તમારું જ હતું અને તમને પરત આપ્યું છતાં તમે બેહદ ખુશ થઇ જાઓ.’
શું ખરેખર ઈશ્વર આવું કરતો હશે? છાતીમાં દુખે અને હાર્ટ એટેક સુધીની ચિંતા કરી બેસતા આપણને ડોક્ટર કહે કે સામાન્ય દુઃખાવો છે, ટ્રાફિક પોલીસવાળો આપણી ગાડી રોકે, સાઈડમાં ઉભી રખાવે, ત્યારે આપણી પરાકાષ્ટાએ પહોંચી જતી પીડા, અને પછી એ ટ્રાફિક વાળો ગાડીમાં પાછળ બેસતા, ‘ચાર રસ્તે મને જરા ઉતારી દેજો’ બોલે ત્યારે ભીતરે ઉછળતો આનંદ શું ખરેખર જ ઈશ્વરની એક અનોખી ‘રમત’ માત્ર હશે? જો જેતપુરના એક સામાન્ય ધોબી મિત્રની ફિલોસોફી માનવા તૈયાર હો તો જવાબ છે : હા, ઈશ્વર એવું કરે છે.

બીજી અસામાન્ય ફિલોસોફી, જે કોઈ સંતે નહિ, એક સામાન્ય વ્યક્તિ એ કહી:
એનું એક્સીડેન્ટ થયું. બેક મહિના હોસ્પિટલની સારવાર અને બેક લાખ રૂપિયાનો ખર્ચ કાર્ય બાદ એક સાંજે એની સાથે ચાની ચૂસકી લેતા મેં પૂછ્યું : શું નિષ્કર્ષ નીકળ્યો આ એક્સીડેન્ટનો? એણે જવાબ આપ્યો એ જરા કાન ખોલી સાંભળજો:

‘બે વાત સ્પષ્ટ સમજાઈ : એક, તમે જે અંગતોનું લીસ્ટ બનાવ્યું હોય એમાંથી મુસીબતના સમયે પહેલા દસમાંથી કદાચ એકેય કામ ન આવે એવું બને અને જેનું નામ સીતેર કે નેવું નંબર પર હોય એ વ્યક્તિ ચોવીસ કલાક ખડે પગે તમારી સેવામાં ઉભો રહે એવું બનવાના ચાન્સીસ પણ સો ટકા. એનો અર્થ એ નહિ કે ટોપ ટેનમાં જેના નામ હતા એ ખોટા કે ખરાબ હોય, એમના ન પહોંચવાના કારણો સો ટકા સાચા જ હોય એવું પણ બને જ. બીજું: નાની નાની વાતોમાં, જેમ કે થોડું ઘી ઢોળાઈ ગયું કે શાક થોડું વધી પડ્યું કે કોઈ અર્ધી કલાકના કામ માટે બે કલાક ખોટા બગાડ્યા એવી નાની નાની વાતોમાં આપણે બહુ મોટું નુકસાન થયું હોય એવા રિએક્શન આપતા હોઈએ છીએ, એ ન કરવું. બે લાખ રૂપિયા મેં હોસ્પિટલનો ખર્ચ ચૂકવ્યો ત્યારે સમજાયું કે વ્યર્થ ઉશ્કેરાટ કરવો નહિ, અવળા અર્થ કે વિચારો કરવા નહિ. કોઈ જાણી જોઈ ને ઘી ઢોળતું નથી કે હેરાન કરતું નથી. બધું બનવાકાળ હોય છે.’

ત્રીજી એક ઘટના:
કોલેજ કાળ દરમિયાન એક મિત્ર સાથે બાઈકમાં બજારમાં ગયા હતા ત્યારે રોંગ પાર્કિંગ માટે ટ્રાફિકવાળા એ રૂ. 100 નો દંડ લીધો. વિલા મોંએ મિત્રે દંડ ભર્યો. મને આશ્ચર્ય તો ત્યારે થયું કે જયારે મિત્રે બાઈક એક આઈસ્ક્રીમની દુકાને ઉભી રાખી. ૨૫-૨૫ વાળા બે કપ એણે મંગાવ્યા અને જે ફિલોસોફી કહી એ નાની પણ ગજબ લાગી: ‘કોલેજેથી નીકળ્યા ત્યારે જ મારી ઈચ્છા હતી કે આપણે આઈસ્ક્રીમ ખાઈએ, પણ પછી ‘ખોટો ખર્ચ ક્યાં કરવો’ વિચાર્યું, તો ટ્રાફિકવાળાએ સો રૂપિયાનો દંડ ફટકારી દીધો.’ હું તો એને તાકી જ રહ્યો. નક્કી કર્યું કે સારા કામમાં, આનંદ કે ખુશી માટે, પરિવાર માટે ખર્ચાતી નાની મોટી રકમ કે સમય પાછળ બહુ વિચાર ન કરવો. એ ખર્ચ આજે જ કરવું અને અત્યારે જ કરવું....

મિત્રો, આપણે અનેક વસ્તુઓ અને વ્યક્તિઓ ગુમાવી ચૂક્યા છીએ. આજે રવિવાર છે. જે અંગતો નજીક છે એમને આજનો રવિવાર યાદગાર રહી જાય એવું કઈક કરીએ તો કેવું?
હેપી સન ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હો...!)