વિશ્વના ઇતિહાસના ૨૫ જબરદસ્ત બદલાના કિસ્સાઓ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વના ઇતિહાસના ૨૫ જબરદસ્ત બદલાના કિસ્સાઓ

મહાત્મા ગાંધીનું એક પ્રખ્યાત અવતરણ છે જેમાં તેમણે કહ્યું છે કે જો દરેક વ્યક્તિ આંખ માટે આંખ લેવાનો બદલો લે તો એક દિવસ આખું વિશ્વ આંધળું થઇ જશે. ટૂંકમાં કહીએ તો ગાંધીજી બદલો લેવાની ભાવનાની વિરુદ્ધ હતા. પરંતુ આ વિશ્વમાં અમુક એવી ઘટનાઓ બની છે અથવાતો એવા વ્યક્તિઓ પણ થઇ ગયા છે જેમણે માત્ર આંખ માટે આંખ જ નથી લીધી પરંતુ દાંત માટે દાંત પણ લીધા છે અને બદલો લેવા માટે કોઈની હત્યા પણ કરી છે.

ઇતિહાસમાં ડોકિયું કરીએ તો બદલાને મોટેભાગે ન્યાય આપવાની ભાવના તરીકે ઓળખવામાં આવતી હતી આ ઉપરાંત કોઇપણ વ્યક્તિ ગુનો કરતા ડરે તે માટે પણ બદલો લેવાનો એક ભય સતત જીવંત રાખવામાં આવતો હતો. આ પ્રકારની ભાવના ઇતિહાસમાં દુનિયાના લગભગ દરેક ખૂણે પ્રવર્તમાન હતી અને કદાચ તેને કારણેજ મોટાભાગના લોકો બદલાની ભાવના સાથે સહમત પણ થતા હતા.

મનોવિજ્ઞાન પણ કહે છે કે બદલો લેવો અને કોઈને ભરપૂર નુકશાન પહોંચાડવું તે વચ્ચે પાતળી ભેદરેખા હોય છે જેને ઘણીવાર બદલો લેનાર વ્યક્તિ ઓળખી શકતો નથી. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને ખૂબ ગુસ્સો આવે છે ત્યારે તે આ ભેદરેખા માનવા માટે પણ તૈયાર નથી હોતો. વિશ્વના ઈતિહાસમાંથી અમે આવી જ બદલાની જબરદસ્ત એવી ૨૫ કાર્યવાહીઓને તમારા માટે પસંદ કરી છે.

૨૫ – એલન રાલ્સ્કીનો સ્પામ બદલો

એલન રાલ્સ્કીને સ્પામના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ૧૯૯૬માં પોતાની કારકિર્દી શરુ કરતી વખતે સાવ સસ્તાભાવના શેર્સમાં રોકાણ કરીને કરી હતી. આ શેર્સ એવી કંપનીના હતા જે કાં તો બોગસ હતી નહીં તો તેમનું કોઈજ ભવિષ્ય ન હતું. અમુક વર્ષો સુધી એલને લાખો લોકોના ઈનબોક્સમાં ફેક સ્ટોક્સના ઓર્ડર મોકલવાના શરુ કર્યા.

પરંતુ રાલ્સ્કીને થોડા સમય બાદ પોતાની જ જાળમાં ફસાવવાનો વારો આવ્યો. એક મેગેઝીને રાલ્સ્કીની ભવ્ય લાઈફ સ્ટાઈલ વિષે અને તેના લક્ઝુરીયસ ઘર વિષે આખો આર્ટીકલ છાપી માર્યો હતો. જે લોકોને એલન પાસેથી ફ્રોડ શેર્સના મેસેજ મળ્યા હતા તેમને ખબર પડી ગઈ કે આ વ્યક્તિનું સાચું એડ્રેસ શું છે. આ લોકોએ હજારોની સંખ્યામાં રાલ્સ્કીને ટપાલ મોકલવાની શરુ કરી અને લોકોને આમ કરવાનું ઈન્ટરનેટ પર કહેવામાં આવ્યું. થોડાજ દિવસમાં એલન રાલ્સ્કીનું ઘર ટપાલોના ઢગલાથી ભરાઈ ગયું.

૨૪ – ચાણક્યનો અપમાનનો બદલો

ચાણક્યને અદભુત શિક્ષક, ફિલસૂફ તેમજ શ્રેષ્ઠ રાજકીય સલાહકાર તરીકે ઓળખવામાં આવે છે. તેમને મૌર્ય વંશની સ્થાપના કરનાર ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ તરીકે ચોથી સદીના મહાન વ્યક્તિત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઇતિહાસના મોટાભાગના પુસ્તકો અનુસાર રાજા ધનાનંદે તેના દેખાવની મશ્કરી કરીને તેને રાજ દરબારમાંથી અપમાનિત કરીને કાઢી મૂક્યો હતો. આ કાર્ય કરતા વખતે ચાણક્યને ધનાનંદના સૈનિકો દ્વારા ધક્કો મારવામાં આવ્યો હતો અને તે પડી જતા તેનો દાંત તૂટી ગયો હતો અને તેનો પગ પણ ભાંગી ગયો હતો. ચાણક્ય આ ઘટનાથી એટલો બધો ગુસ્સે થયો કે તેણે ધનાનંદ સામે પ્રતિજ્ઞા લીધી કે તે એક દિવસ તેનું શાસન ઉખાડી ફેંકશે અને ત્યાંસુધી તે પોતી શીખા નહીં બાંધે.

ત્યારબાદ ચાણક્યએ ચંદ્રગુપ્ત નામના સાવ અજાણ્યા બાળકને એ રીતે ઉછેર્યો અને એ રીતે તેને તાલીમ આપી કે તેણે છેવટે વર્ષો બાદ ધનાનંદના શાસનને ઉખાડી ફેક્યું.

૨૩ – દાચાઉ નરસંહારનો બદલો

દાચાઉ નરસંહાર એટલે નાઝીઓ દ્વારા હજારોની સંખ્યામાં યહુદીઓને મોતને ઘાટ ઉતારવાની ઘટના. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આ યોજનાને અમલમાં મુકવામાં આવી હતી. વિશ્વના ઇતિહાસમાં આ નરસંહારને સહુથી ભયાવહ નરસંહારમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ તેમ છતાં આ ભયંકર ઘટનાનો બદલો પણ લેવામાં આવ્યો હતો તેવું તાજું તારણ કહે છે.

હાલમાં જ પ્રકાશમાં આવેલા અમેરિકન આર્મીના ડોક્ટર કેપ્ટન ડેવિડ વિલ્સીએ એ અફવાઓને સમર્થન આપ્યું છે કે ૧૯૪૫માં દાચાઉ કેમ્પના નરસંહારમાં સામેલ એવા દરેક જર્મન સૈનિકો તેમજ અધિકારીઓને વીણીવીણીને મારી નાખ્યા હતા.

૨૨ – ઉધમસિંહે ૨૧ વર્ષે પોતાનો બદલો લીધો

જલિયાંવાલા બાગ હત્યાકાંડને કોણ નથી જાણતું? આ હત્યાકાંડમાં બ્રિટીશ જનરલ માઈકલ ઓ ડાયરે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા અસંખ્ય નિશસ્ત્ર ભારતીયો પર ગોળીબાર કર્યો હતો જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. ઉધમસિંહે આ જ સમયે જનરલ ડાયરને મારીને બદલો લેવાનું નક્કી કર્યું હતું. ઉધમસિંહ જે ગદર પાર્ટી સાથે સંબંધ ધરાવતા હતા તેમણે આ બદલો લેવા માટે એક નહીં, બે નહીં પરંતુ ૨૧ વર્ષ રાહ જોઈ હતી.

ઉધમસિંહે ૧૯૪૦માં લંડનના સેક્સટન હોલમાં આયોજીત ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશનમાં ભાગ લઇ રહેલા પૂર્વ જનરલ ડાયરને બહુ નજીકથી ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ડાયર પર ગોળી ચલાવ્યા બાદ ઉધમસિંહે ભાગવાની બિલકુલ કોશિશ ન કરી અને તેઓ ત્યાંજ ઉભા રહ્યા અને તેમની પોલીસે ધરપકડ કરી લીધી હતી.

૨૧ – બાળકનો ૧૨ વર્ષે બદલો

નવી દિલ્હીમાં રહેતા આલમ ખાનની નજર સમક્ષ તેના પિતાની હત્યા તેના પારિવારિક મિત્ર મોહમ્મદ રઈસે કરી હતી. આ વખતે આલમ ખાન ઘણો નાનો હતો પરંતુ બદલાની ભાવના તેના મનમાંથી જતી રહી ન હતી. આથી આલમ ખાને ૧૨ વર્ષ રાહ જોયા બાદ મોહમ્મદ રઈસને પોતાના ઘેરે કોઈ વસ્તુ રીપેર કરવા માટે બોલાવ્યો. ત્યારબાદ તેને દારૂ પાયો અને મોટા અવાજે સંગીત શરુ કરીને રઈસ પર છરીના ૧૨ ઘા મારીને તેને મારી નાખ્યો. આ ૧૨ ઘા તેણે પોતાના પિતાની હત્યાના વર્ષ જેટલા ગણીને માર્યા હતા.

૨૦ – ક્વીન બોડીસાનો બદલો

બ્રિટીશ સેલ્ટીક જનજાતિ આઈસેનીની રાણી હતી બોડીસા. રોમનોએ આ વિસ્તાર પર હુમલો કર્યો અને બોડીસાના પતિ એટલેકે આ જનજાતિના રાજાને તેમણે મારી નાખ્યો હતો. ત્યારબાદ રોમન સૈનિકો અને સેનાપતિઓએ રાણી બોડીસા અને તેની પુત્રીઓને પકડીને તેમના પર અમાનુષી અત્યાચાર કરતા તેમના પર બળાત્કાર પણ કર્યા હતા.

ત્યારબાદ ક્વીન બોડીસાએ પોતાની પુત્રીઓને વચન આપ્યું હતું કે તે આ અપમાનનો બદલો જરૂરથી લેશે અને થોડા વર્ષો બાદ બોડીસાએ રોમનો વિરુદ્ધ બળવો પોકાર્યો. જો કે આ બળવો નિષ્ફળ રહ્યો હતો પરંતુ કહેવાય છે કે ક્વીન બોડીસાએ અસંખ્ય રોમન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

૧૯ – એરન બરને બદલા લેવા માટે પૂરતા કારણો હતા

એરન બર જુનિયર અમેરિકન રાજકારણી અને વકીલ હતો. તે અમેરિકાનો ત્રીજો ઉપરાષ્ટ્રપતિ હતો અને ૧૮૦૧થી ૧૮૦૫ સુધી તે આ પદ પર રહ્યો હતું. એરન બરને હવે અમેરિકાના રાષ્ટ્રપતિ બનવું હતું. તે રિપબ્લિકન પાર્ટીનો કેમ્પેન મેનેજર પણ રહ્યો હતો અને દર વખતે તે જ રાષ્ટ્રપતિની ચૂંટણીનો પ્રચાર શરુ કરતો હતો.

બરનો રાજકીય વિરોધી એલેકઝાન્ડર હેમિલ્ટન તેના તમામ પ્રચારના કાર્યને ઊંધું વાળવાની કોશિશ કરતો. ૧૮૦૧માં જ્યારે એરન બર થોમસ જેફરસન સામે રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયો ત્યારે તેણે તેનો સઘળો વાંક તેણે હેમિલ્ટન પર નાખી દીધો. ત્રણ વર્ષ બાદ બર અને હેમિલ્ટન બંદૂક લઈને આમનેસામને આવી ગયા જેમાં બરે હેમિલ્ટનની ગોળી મારીને હત્યા કરી દીધી. એ વખતે સામસામી લડાઈમાં થતી હત્યાને અમેરિકામાં ગુનો ગણવામાં આવતો ન હતો.

૧૮ – પત્નીનો બદલો પતિએ લીધો

પોર્ટુગલના રાજા કિંગ અફોન્ઝો પાંચમાંને તેનો પુત્ર પીટર પહેલાના એક સામાન્ય ઘરની છોકરી ઇનેસ ડી કેસ્ટ્રો સાથેના સંબંધો પસંદ ન હતા. આ બંનેના લગ્ન થતા કિંગ અફોન્ઝોએ કેટલાક હત્યારાઓને પૈસા આપીને ઇનેસનું ખૂન કરાવ્યું. અમુક વર્ષો બાદ જ્યારે પીટર પોર્ટુગલનો રાજા બન્યો ત્યારે તેણે પોતાની પત્નીના હત્યારાઓને શોધી કાઢ્યા અને તેમને મારી નાખ્યા

૧૭ – યહુદીઓનો બદલો

બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી મોટાભાગના લોકો પોતાનું જીવન ફરીથી જીવવા લાગ્યા હતા. જો કે નાઝીઓના યહુદીઓની હત્યા કરવાના કેમ્પમાંથી બચી ગયેલા અમુક યહુદીઓ આ ભયાનક ભૂતાવળ ભૂલી શક્યા ન હતા. આ લોકોને જ્યુઈશ એવેન્જર્સ કહેવામાં આવતા અને તેમાંથી એક હતો જોસેફ હર્માઝ અને તેના સાથીદારોએ અમેરિકાની કેદમાં રહેલા જર્મનીના સૈનિકોને ૧૯૪૬માં ખોરાકમાં ઝેર આપ્યું. આ કાર્યમાં ભાગ લેનારા દરેક યહુદીને પોતાની પસંદગીના જર્મન સૈનિકને ઝેર આપવાનું કહેવામાં આવ્યું હતું. આ કાર્ય બાદ લગભગ ૪૦૦ જર્મન સૈનિકોના મૃત્યુ થયા હતા અને ૨૨૦૦ સૈનિકો માંદા પડી ગયા હતા.

૧૬ – ફિલ્મી કથા જેવો બદલો

કોઈ એક વ્યક્તિને ખોટા આરોપસર ફસાવી દઈને જેલમાં નાખી દેવામાં આવે અને પછી જ્યારે એ વ્યક્તિ જેલની સજા પૂર્ણ કરીને બહાર આવે ત્યારે એ વ્યક્તિઓ સમે બદલો લે એવી કથાઓ બોલિવુડની ફિલ્મોમાં જ જોવા મળી શકે છે. પરંતુ ફ્રાન્સમાં આવું ખરેખર બન્યું હતું. પિયેર પીકુદના ત્રણ મિત્રોએ તેના વિરુદ્ધ કાવતરું કરીને તેને જેલની સજા કરાવી. જેલમાં તેને એક પાદરી મળ્યો જેની સાથે પીકુદે દોસ્તી કરી. મર્યા પછી પાદરીએ પોતાની તમામ સંપત્તિ પીકુદના નામે કરી દીધી.

દસ વર્ષ બાદ જ્યારે પિયેર પીકુદ જેલની બહાર આવ્યો ત્યારે તેણે પોતાના પેલા ત્રણ મિત્રો લુપીઆન, સોલારી અને શોબર્ટને ગોળી મારીને મારી નાખ્યા હતા.

૧૫ – સેંટ બાર્થોલોમીયોનો હત્યાકાંડ

દુનિયામાં ઘણા બધા ભયાનક હત્યાકાંડ જોવા મળ્યા છે અને ૧૫૭૨નો સેંટ બાર્થોલોમીયોનો હત્યાકાંડ પણ આ પ્રકારના એક ભયાનક હત્યાકાંડ તરીકે ઓળખાય છે. ફ્રાન્સના રાજા ચાર્લ્સ ચોથા દ્વારા કેથોલિક અને પ્રોટેસ્ટન્ટને એક કરવાની કોશિશ નિષ્ફળ ગયા બાદ તેના વિરોધીઓની સંખ્યા અતિશય વધી ગઈ. એક સમયે તેના વિરુદ્ધ ફ્રાન્સના લોકોનો ગુસ્સો એટલો બધો વધી ગયો કે તેણે લોકોનો ગુસ્સો દાબી દેવા માટે લગભગ એક લાખ લોકોની હત્યા કરાવી દીધી હતી.

૧૪ – વિડીયો ગેમમાં હારનો ગુસ્સો

૨૧૦માં પેરિસમાં જુલીયન બોર્દેઓ પોતાના મિત્ર સાથે કાઉન્ટર સ્ટ્રાઈક વિડીયો ગેમ રમતી વખતે પોતાની વર્ચ્યુઅલ નાઈફની ફાઈટમાં હારી ગયો. આ હારથી જુલીયન એટલો બધો ગુસ્સે થઇ ગયો કે તેણે બદલો લેવાનું નક્કી કર્યું. બોર્દેઓ તેના મિત્રના ઘરે ગયો અને તેના શરીર પર છરીથી ઘા મારવા લાગ્યો. તેનો એક ઘા તો હ્રદયથી માત્ર એક ઇંચ જ દૂર રહી ગયો હતો. ત્યારબાદ જુલીયનની પોલીસે ધરપકડ કરી અને તેને બે વર્ષની કેદની સજા થઇ.

૧૩ – આકીલીઝ દ્વારા હેક્ટરની પરિવાર સમક્ષ હત્યા

કેટલાક લોકો કહે છે કે ટ્રોય એ માત્ર દંતકથા જ છે, પરંતુ કેટલાક ઈતિહાસકારોએ એ સાબિત કર્યું છે કે ટ્રોયની ઘટના ખરેખર બની છે. આથી હોમરે ભલે આ યુદ્ધમાં સામેલ લોકોની સંખ્યા વિષે જરા વધારે પડતું લખ્યું હોય પરંતુ તેને કારણે તે માત્ર દંતકથા જ બની જતી નથી.

તો હેક્ટરે પેટ્રોક્લસને યુદ્ધમાં હરાવ્યો હતો જે આકીલીસનો ખાસ મિત્ર હતો. પોતાના મિત્રના મૃત્યુનો બદલો લેવા માટે આ ગ્રીક યોદ્ધો ખુદ ટ્રોયના કિલ્લાની દીવાલ સુધી એકલો પહોચી ગયો અને તેણે હેક્ટરને પડકાર ફેંક્યો. આકીલીઝે ટ્રોજનના કુંવરને તેના સૈનિકો, પિતા, પત્ની અને ભાઈ પેરીસની નજર સમક્ષ એક ભયંકર દ્વંદ્વયુદ્ધમાં મારી નાખ્યો અને પછી તેના મૃત શરીરને તેણે પોતાના રથ સાથે બાંધીને અને તેને ઢસડીને ગ્રીક છાવણીઓ સુધી લઇ ગયો હતો.

૧૨ – ૪૭ રોનીન

૧૮મી સદીમાં જાપાનના એક જમીનદારને તેના એક અભિમાની અધિકારી કિરા સામે અપમાનિત કરવામાં આવતા સેપ્પુકુ કરવું પડ્યું. સેપ્પુકુ એટલે આત્મહત્યા. આથી આ જમીનદારના ૪૭ સૈનિકોને રોનીન જાહેર કરવામાં આવ્યા. રોનીન એટલે જાપાનીઝ ભાષામાં માલિક વગરના સૈનિકો અથવાતો સમુરાઈઓ.

આમાંથી મોટાભાગના સૈનિકો શરમના માર્યા સાધુ થઇ ગયા અથવાતો વેપાર ધંધો કરવા લાગ્યા. તેમનો નેતા ઓઈશી વેશ્યાલય પર જવા લાગ્યો, ખૂબ દારુ પીવા લાગ્યો. આ બધું એટલા માટે કરવામાં આવ્યું કારણકે કિરા અને તેના સાથીઓ તેમનાથી નિશ્ચિંત થઇ જાય.

ત્યારબાદ આ ૪૭ રોનીનોએ બે વર્ષ બાદ એક પ્લાન બનાવ્યો અને ૩૦મી જાન્યુઆરી ૧૭૦૩ના દિવસે તેમણે કિરાના ઘર પર હુમલો કર્યો અને તેના તમામ સૈનિકોને મારી નાખ્યા. તેમણે કિરાને પણ સેપ્પુકુ કરવાનું કહ્યું પરંતુ કિરા ન માન્યો. આથી ઓશીઈએ કિરાને એ જ છરીથી મારી નાખ્યો જે છરીથી તેના માલિકે આત્મહત્યા કરી હતી.

૧૧ – ત્રિપોલીત્સાનો હુમલો

ગ્રીસના ૧૮૨૧ના સ્વતંત્રતાના યુદ્ધના સહુથી લોહિયાળ સંઘર્ષમાં ત્રિપોલીત્સાના હુમલાને સદાય યાદ રાખવામાં આવે છે. આંદોલનકારી ગ્રીક સૈનિકોએ દેશ પર કબજો મેળવવા માટે લગભગ ચાર સદીઓના સંઘર્ષ બાદ સફળતા મેળવવાનું શરુ કર્યું.

ગ્રીક જનરલ થીઓડોરોસ કોલોકોટ્રોનીસનું તેના સૈનિકો માટે એક જ સૂત્ર હતું, “કોઇપણ દયાભાવ ન રાખવો”. ત્રિપોલીત્સાના શહેર પર કબજો મેળવવા માટે ગ્રીક સૈનિકોએ ઓટોમન સામ્રાજ્ય વિરુદ્ધ અહીં લોહિયાળ જંગ ખેલ્યો હતો. તેમને આ શહેર પર કબજો મેળવતા ત્રણ દિવસ લાગ્યા હતા પરંતુ તેમણે આ દરમ્યાન ઓટોમન રાજ્યના સૈનિકોની ક્રૂર હત્યા કરી હતી.

૧૦ – ઓપરેશન વ્રેથ ઓફ ગોડ

ઓપરેશન વ્રેથ ઓફ ગોડને ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ દ્વારા અમલમાં મુકવામાં આવ્યું હતું. આ ઓપરેશન મ્યુનિક ઓલિમ્પિકમાં આતંકવાદીઓ દ્વારા ૧૧ ઈઝરાયેલી ખેલાડીઓની કરવામાં આવેલી હત્યાનો બદલો લેવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.

આ ઓપરેશનને ૨૦મી સદીમાં એકદમ ઠંડા કલેજે કરવામાં આવેલી હત્યાઓમાંથી એક ગણવામાં આવે છે. મોસાદના જાસૂસોએ પેલેસ્ટાઇન આતંકવાદીઓના પરિવારોને પહેલા તેમની હત્યાના પત્રો મોકલ્યા હતા અને પછી તેમની હત્યા કરી દેતા હતા.

૧૧ – વ્લાદને રોમન રાજ્ય ગમતું ન હતું

વ્લાદ ધ ઈમ્પેલરને સહુથી બિન્ધાસ્ત રોમન તરીકે ઓળખવામાં આવે છે જે ક્રૂર પણ હતો. તમે જો કાઉન્ટ ડ્રેક્યુલા એન્ડ વેમ્પાયર્સની કથા સાંભળી કે વાંચી હશે તો તમે વ્લાદથી અજાણ નહીં હોવ. વ્લાદના મોટાભાગના યુદ્ધો ઓટોમન અને સેક્સોન સાથે થયા હતા જેમાંથી મોટાભાગના અત્યંત હિંસક રહ્યા હતા. તેના ખુદ પર ૧ લાખથી પણ વધુ લોકોની હત્યા કરવાનો આરોપ હતો. તેણે એક વખત ઓટોમન રાજ્ય સાથે જોડાયેલા ૩૪૧ શ્રીમંતોને પકડી લીધા. ત્યારબાદ તેણે તેમની તમામ સંપત્તિ લઇ લીધી અને રાત્રીભોજ કરતા કરતા આ તમામ વ્યક્તિઓ તેમજ તેમના પરિવારોની હત્યા કરી દીધી હતી.

૮ – બળાત્કારીને જાહેરમાં સજા આપવામાં આવી

કસ્તુરબા નગરના અક્કુ યાદવ પર એક દાયકામાં ૨૦૦ મહિલાઓ પર બળાત્કાર કરવાનો આરોપ હતો. અક્કુ યાદવની પોલીસે ધરપકડ કરી અને જ્યારે તેને કોર્ટમાં લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે મહિલાઓએ મોટી સંખ્યામાં અક્કુ યાદવ પર હુમલો કાર્યો. અક્કુએ જ્યારે આ હુમલા સામે પ્રતિકાર કરવાની કોશિશ કરી ત્યારે તેની આંખોમાં આ મહિલાઓએ મરચાંનો પાઉડર નાખ્યો અને તેના પર પથ્થરમારો કર્યો. ત્યારબાદ શાક કાપવાની છરીથી અક્કુ યાદવની જનનેન્દ્રિય કાપી નાખવામાં આવી અને તેના પર ૭૦ ઉપર ઘા કરવામાં આવ્યા.

૭ – વૃદ્ધ એનરિકો દાન્દાલોનો બદલો

૧૨મી સદીમાં પશ્ચિમી રોમન સામ્રાજ્ય તૂટી પડ્યું હતું અને બાયઝાનટીન સામ્રાજ્ય ફક્ત પશ્ચિમી યુરોપ સુધી જ સીમિત કરી દીધું હતું. થોડા સમય બાદ બાયઝાનટીન સામ્રાજ્ય પણ ગ્રીક સામ્રાજ્યમાં પરિવર્તિત થઇ ગયું. આથી કોન્સ્ટેન્ટીનોપલના લોકોને આ સામ્રાજ્ય દ્વારા ધુત્કાર સહન કરવાનો આવ્યો.

આમાંથી એક ૬૦ વર્ષનો એનરિકો દાન્દાલો હતો. જ્યારે તે વેનિસ તરફથી ચર્ચા કરવા માટે ગ્રીક સામ્રાજ્ય પાસે ગયો ત્યારે ત્યાંના લોકોએ તેને અંધ બનાવીને માર માર્યો. આ ઘટનાના ૩૦ વર્ષ પછી એટલેકે જ્યારે એનરિકો ૯૦ વર્ષનો થયો ત્યારે તેણે કોન્સ્ટેન્ટીનોપલની સેના બનાવી અને રોમન સામ્રાજ્ય પર વિજય મેળવ્યો.

૬ – પતિના મોતનો બદલો સમુદ્રી લુંટારૂ બનીને કર્યો

જેની ડી ક્લીસન વિષે દરેકે જાણવાની જરૂર છે.ક્લીસન ફ્રેંચ હતી અને ૧૩૦૦ની સદીમાં તે સમુદ્રી લુંટારૂ બની ગઈ હતી જેની પાછળ કારણ એ હતું કે તેના પતિ પર ફ્રેંચ અધિકારીઓએ ચોરીનો આરોપ મૂક્યો હતો અને જેલમાં પૂરી દીધો હતો. આ બદલો લેવા માટે જેનીએ તેની તમામ સંપત્તિઓ વેંચી નાખી અને ત્રણ જહાજ ખરીદ્યા અને ઈંગ્લીશ ચેનલમાંથી પસાર થતા ફ્રેંચ જહાજોને લુંટવાનું શરુ કર્યું. તેણે ફ્રેંચ રાજાને બદલો આપવા માટે જહાજ પર રહેલા તમામ લોકોની હત્યા કરવાનું ચાલુ કર્યું. તેની આ પ્રવૃત્તિ ૧૩ વર્ષ સુધી ચાલી અને તેને ‘ધ લાયોનેસ ઓફ બ્રિટની’ નું ઉપનામ આપવામાં આવ્યું.

૫ – ઓલ્ગા ઓફ કીવ અને તેમના દુશ્મનો

કેથોલીક અને ઓર્થોડોક્સ ચર્ચ બંનેમાં સંતો હોય છે પરંતુ ઓલ્ગા ઓફ કીવ એક એવી સંત હતી જેની સાથે કોઇપણ વ્યક્તિ લડવાનું વિચારી જ શકતો ન હતો. ઓલ્ગાના પતિને કેટલાક આદિવાસીઓએ મારી નાખ્યો હતો. ઓલ્ગાએ આ આદિવાસીઓને કહેણ મોકલ્યું અને તેમના ૨૦ શ્રેષ્ઠ પુરુષોને પોતાના મહેલમાં આમંત્રણ આપ્યું.

આ ૨૦ પુરુષોનું પ્રતિનિધિમંડળ જ્યારે ઓલ્ગાને મળવા આવ્યું ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેમનું ભવ્ય હૌજમાં સ્નાનવિધિ કરવામાં આવી. ત્યારબાદ જ્યારે આ ૨૦ પુરુષો એક કમરામાં એકઠા થયા કે ઓલ્ગાએ તે કમરાના તમામ દરવાજાઓ બંધ કરાવી દીધા અને એ ઘરમાં આગ લગાવી દીધી અને પોતાનો બદલો લીધો.

૪ – જુલિયસ સિઝરે વિરોધીને પાઠ ભણાવ્યો

૨૫ વર્ષનો જુલિયસ સિઝરને એજિયન સમુદ્રમાં સમુદ્રી ચાંચિયાઓએ પકડી લીધો. ચાંચિયાઓએ તેને છોડવા માટે ૨૦ ચાંદીના સિક્કા માંગ્યા. પરંતુ સિઝરને લાગ્યું કે આ તેનું અપમાન છે એટલે તેણે ચાંચિયાઓને રકમ વધારવાનું કહ્યું. આથી આ ચાંચિયાઓએ ૫૦ સિક્કા માંગ્યા. જુલિયસ સિઝરને આ પણ ઓછા લાગ્યા આથી તે ગુસ્સે થઇ ગયો અને તેણે પ્રતિજ્ઞા લીધી કે તે જ્યારે પણ છૂટશે ત્યારે તે આ ચાંચિયાઓ સામે બદલો લેશે. બન્યું પણ એવું વર્ષો પછી જુલિયસ સિઝરે આ ચાંચિયાઓને એક એક કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા.

૩ – સિકંદર સાથે પંગો નહીં લેવાનો

સિકંદરને મહાન યોદ્ધો ગણવામાં આવે છે. સિકંદરને ફિલોસોફીમાં પણ ખૂબ રસ હતો અને એરીસ્ટૉટલ તેનો ગુરુ હતો. પરંતુ આપણામાંથી ઘણાને ખબર નથી કે આ મહાન યોદ્ધા ઘણી વખત ક્રૂર પણ બની જતો હતો અને કદાચ તેના પરથી જ તેની બાદના ગ્રીક શાસકોએ ક્રૂરતા આચરી હતી.

સિકંદર કાયમ યુદ્ધ કરતા પહેલા દુશ્મન સાથે ચર્ચા કરવાનું પસંદ કરતો. તાયર નામના ટાપુના શાસકો સમક્ષ સિકંદરે પોતાના વિષ્ટિકારોને મીક્લ્યા. તાયરના શાસકોને કદાચ સિકંદર વિષે કે તેની ક્ષમતા વિષે ખાસ માહિતી ન હતી. આથી તેમણે આ તમામ વિષ્ટિકારોને મારી નાખ્યા.

સિકંદર ગુસ્સે તો થયો પરંતુ તેણે પોતાના સૈનિકોને એક નહેર બનાવવાનું કહ્યું. આ નહેર બનતા સાત મહિના લાગ્યા, આ તમામ સમય દરમ્યાન સિકંદર બદલો કેવી રીતે લેવો તે વિચારતો રહ્યો. જ્યારે આ નહેર બની ગઈ ત્યારે તેણે તાયર ટાપુ પર હુમલો કર્યો અને ૮ હજાર નાગરિકોને મારી નાખ્યા અને બાકીના ત્રીસ હજારને પોતાના ગુલામ બનાવી દીધા.

૨ – ચંગીઝ ખાનનો બદલો

કારા-ખીતાનને સફળતાપુર્વક હરાવ્યા બાદ ચંગીઝ ખાનના સામ્રાજ્યની સરહદ શક્તિશાળી ખ્વારેઝમીયા રાજ્ય સાથે જોડાઈ. અહીં શાહ અલ અદ્દીન મોહમ્મદ શાસન કરતો હતો. ખ્વારેઝમીયા સાથે સારા સંબંધો બાંધવા માટે ચંગીઝ ખાને ૫૦૦ મુસ્લિમોને વ્યાપાર કરવા ખ્વારેઝમીયા મીક્લ્યા.

ખ્વારેઝમીયાના શાસકને લાગ્યું કે ચંગીઝ ખાન આમ કરીને તેમની સાથે કોઈ રમત રમી રહ્યો છે આથી તેણે પેલા તમામ મુસ્લિમોની ધરપકડ કરી દીધી. ચંગેઝ ખાન શાંત રહ્યો અને તેણે પોતાના ત્રણ રાજદૂતોને એ કહેવા મોકલ્યા કે તેનો ઈરાદો ધમકી આપવાનો ન હતો. પરંતુ અહીના ગવર્નરે આમાંથી બે રાજદૂતના માથાના વાળ કાપી નાખ્યા અને ત્રીજાનું માથું ધડથી અલગ કરી દીધું.

હવે ચંગીઝ ખાન ખરેખર ગુસ્સે થયો. તેણે અત્યંત શક્તિશાળી ખ્વારેઝમીયા પર હુમલો કર્યો અને રસ્તામાં જે કોઇપણ આવ્યું તેનો નાશ કર્યો અને ખ્વારેઝમીયાનું ધનોતપનોત કાઢી નાખ્યું. ઈતિહાસકારો કહે છે કે ચંગીઝ ખાને અહીં એવો ત્રાસ ગુજાર્યો હતો કે જેના વિષે કોઈ યોગ્ય શબ્દ પણ નથી મળતો.

૧ – હિરોશીમા અને નાગાસાકી

જો કે ઘણા ઈતિહાસકારો હિરોશીમા અને નાગાસાકી પર અણુ હુમલો કરવાને બદલાની કાર્યવાહી ગણાવતા નથી. પરંતુ માનવીય ઇતિહાસમાં હિરોશીમા અને નાગાસાકી પરના હુમલાને સહુથી ક્રૂર બદલો જરૂર ગણવામાં આવે છે.

પર્લ હાર્બર પર જાપાનીઝ સેનાના હુમલાના બદલા રૂપે અમેરિકાએ સૈનિક છાવણી નહીં એવા જાપાનના બે શહેરો હિરોશીમા અને નાગાસાકી પર ૬ અને ૯ ઓગસ્ટ ૧૯૪૫ના દિવસે બે પરમાણુ બોમ્બ નાખ્યા હતા. આ બંને હુમલામાં ૧,૨૯,૦૦૦થી માંડીને ૨,૨૬,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા જેમાંથી મોટાભાગના નાગરિકો હતા.