વન્સ અપોન અ ટાઈમ - 156 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 156

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 156

‘દાઉદને આનંદ થાય એવા એક સમાચાર તેને ઈન્ડોનેશિયાથી મળ્યા. 19 ઓગસ્ટ, 2004ના દિવસે છોટા રાજન ઈન્ડોનેશિયામાં બનાવટી ચલણી નોટોના કેસમાં તેના બે સાથીદારો સાથે ઝડપાઈ ગયો. જોકે દાઉજ છોટા રાજનની ધરપકડની ખુશી બહુ લાંબા સમય સુધી મનાવી શક્યો નહીં. રાજન લાંચ આપીને ઈન્ડોનેશિયાના કાનૂન ગાળિયામાંથી છટકી ગયો.

દાઉદ અને રાજન આ રીતે વિદેશી ધરતી પર અસ્તિત્વ ટકાવવા માટે મથી રહ્યા હતા એ દરમિયાન મુંબઈમાં અને ભારતના શહેરોમાં તેમની છૂટીછવાઈ પ્રવૃત્તિ ચાલુ જ હતી. મુંબઈમાં ખંડણી ઉઘરાણીનું પ્રમાણ ઘટી ગયું હતું, પણ પ્રોપર્ટીઝના વિવાદમાં અને વેપારીઓ કે બિલ્ડરો કે ઉદ્યોગપતિઓના આર્થિક વિખવાદમાં વચ્ચે પડીને તેઓ બે પાર્ટી વચ્ચે સમાધાન કરાવીને કમાણી કરી લેતા હતા. દાઉદના સમાધાન કરાવવાની સ્ટાઈલ બે વાનર વચ્ચે એક રોટલા માટે સમાધાન કરાવતી બિલાડી જેવી હતી. જેમાં સમાધાનને અંતે બેમાંથી એક પણ વાનરને રોટલાનો ટુકડોય ન મળે અને બિલાડી આખો રોટલો જમી જાય!

આવો જ એક કિસ્સો સપ્ટેમ્બર, 2004માં બહાર આવ્યો. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના બાંદરા યુનિટના વડા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વિજય સાળસકરે 27 સપ્ટેમ્બર, 2004ના દિસસે દાઉદ ગેંગના ગુંડા જમરુદ્દીન અંસારી ઉર્ફે જમ્બો અને તેના એક સાથીદારની ધરપકડ કરી એ પછી બહાર આવ્યું કે 2002માં ભારતના બે અજબપતિ ગુટખાકિંગ વચ્ચે રૂપિયા 40 કરોડને મુદ્દે ઝઘડો થયો હતો અને ઝઘડાના સમાધાન માટે દાઉદના ભાઈ અનીસે તે બન્નેને દુબઈ બોલાવ્યા. પણ ત્યાં બંને વચ્ચે સમાધાન ન થઈ શક્યું એટલે પછી દાઉદના આદેશથી બન્નેએ કરાચીમાં દાઉદના દરબારમાં હાજર થવું પડ્યું હતું. દાઉદે બંને વચ્ચે સમાધાન કરાવી આપ્યું પણ એના બદલામાં બન્ને પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા. જોકે અમેરિકાએ દાઉદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો એ પછી દાઉદની આવી પ્રવૃત્તિ પણ ઘટી રહી હતી. 16 ઓકટોબર, 2003ના દિવસે અમેરિકાએ દાઉદને વૈશ્વિક આંતકવાદી ઠરાવવાની સાથે ઓસામા બિન લાદેનનો સાથીદાર ગણાવ્યો હતો. એ ઉપરાંત કેટલાક અવળચંડા દેશોને અણુશસ્ત્રો બનાવવાની ફોર્મ્યુલા વેચી મારનારા પાકિસ્તાની વૈજ્ઞાનિક અબ્દુલ કય્યુમ ખાન સાથે દાઉદને સંબંધ હોવાનું પણ અમેરિકાએ જાહેર કર્યું હતું.

એ પછી દાઉદને યુનાઈટેડ નેશન્સ (યુનો) દ્વારા પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવે એ માટે અમેરિકા દબાણ કરી રહ્યું હતું. છેવટે 8 મે, 2005ના દિવસે યુનાઈટેડ નૅશન્સ દ્વારા દાઉદને મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી જાહેર કરાયો. યુનાઈટેડ નેશન્સના 1267ના ઠરાવ અંતર્ગત મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીની યાદીમાં દાઉદના નામનો સમાવેશ કરવામાં આવ્યો એ સાથે તમામ સભ્ય રાષ્ટ્રોને એવો સંદેશ પહોંચી ગયો કે દાઉદની સંપત્તિ જપ્ત કરવી અને દાઉદને કોઈપણ રાષ્ટ્રએ આશરો આપવો નહીં અને પોતપોતાની ધરતીનો ઉપયોગ દાઉદને કોઈપણ પ્રવૃત્તિ માટે કરવા દેવો નહીં.

યુનાઈટેડ નેશન્સ દ્વારા દાઉદને મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી ગણાવતી નવી યાદી જાહેર કરવામાં આવી. એ યાદીમાં દાઉદને ભારતીય નાગરિક દર્શાવાયો હતો અને તેનું જન્મસ્થળ મહારાષ્ટ્રનું રત્નાગિરિ શહેર અને પાસપોર્ટ નંબર એ-333602 દર્શાવાયો હતો. (જે પાસપોર્ટ દાઉદે 4 જૂન,

1985ના દિવસે મુંબઈ પાસપોર્ટ ઓફિસમાંથી મેળવ્યો હતો.) યુનાઈટેડ નૅશન્સ દ્વારા એવું દર્શાવાયું હતું કે દાઉદ અત્યારે ક્યાં દેશમાં છુપાયો છે એની માહિતી યુનાઈટેડ નૅશન્સને મળી નથી.

એક બાજુ યુનાઈટેડ નૅશન્સ દ્વારા દાઉદને મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી જાહેર કરવામાં આવ્યો ત્યારે બીજીબાજુ દાઉદ કરાચીમાં કંઈક જુદી જ તૈયારીઓ કરી રહ્યો હતો અને એ મુદ્દે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ ચિંતિત બની ગઈ હતી.

***

યુનાઈટેડ નૅશન્સ દ્વારા દાઉદને આંતરરાષ્ટ્રીય આંતકવાદી જાહેર કરવામાં આવ્યો એ દરમિયાન દાઉદ તેની મોટી દીકરી માહરુખના લગ્નની તૈયારી કરી રહ્યો હતો. દાઉદની દીકરી માહરુખ બે વર્ષથી પાકિસ્તાના ભૂતપૂર્વ ક્રિકેટર કેપ્ટન જાવેદ મિયાદાદના દીકરા જુનૈદના પ્રેમમાં હતી. માહરુખ લંડનમાં અભ્યાસ કરતી હતી ત્યારે તે જાવેદ મિયાદાદના દીકરા જુનૈદના પ્રેમમાં પડી હતી. જુનૈદ પણ બ્રિટનની ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં બિઝનેસ મૅનેજમેન્ટનો અભ્યાસ કરતો હતો. દાઉદ અને જાવેદ મિયાદાદ વચ્ચે ગાઢ દોસ્તી હતી અને જાવેદની પત્ની તાહિરા દાઉદની પત્ની મહેજબીન પણ ગાઢ સખી હોવાથી દાઉદ અને જાવેદના સંતાનો વચ્ચે સારું બનતું હતું. અધૂરામાં પૂરું, જુનૈદ અને માહરુખ લંડન ભણવા ગયા એટલે પરદેશમાં સ્વાભાવિક રીતે અવારનવાર મુલાકાતોને કારણે બન્ને બહુ નજીક આવી ગયાં હતાં.

જાવેદ મિયાંદાદ અને દાઉદ ઈબ્રાહિમને તેમના સંતાનોના પ્રેમસંબંધની ખબર પડી ત્યારે બંનેએ હોંશેહોંશે એ સંબંધ સ્વીકારી લીધો. પણ પોતાની દીકરી જાવેદ મિયાંદાદના દીકરા સાથે પરણાવવા ઈચ્છતા દાઉદ માટે આઈએસઆઈના ઉચ્ચ અધિકારીઓએ વિલનની જેમ અવરોધ ઊભો કર્યો. દાઉદ અને જાવેદના સંતાનોના લગ્ન થાય અને દાઉદ-જાવેદ વેવાઈ બને તો દાઉદ પાકિસ્તાનમાં જ છે એ વાતને જગતના ચૌટે માન્યતા મળી જાય. આ કારણથી આઈએસઆઈએ દાઉદ-જાવેદના સંતાનોનાં લગ્નનો વિરોધ કર્યો. તેમણે સોઈ ઝાટકીને એવું કહી દીધું કે અમે આ લગ્ન કોઈ પણ કાળે નહીં થવા દઈએ. આઈએસઆઈના વિરોધને કારણે દાઉદ અને જાવેદ અપસેટ થઈ ગયા, પણ તે બંનેએ જુનૈદ-માહરુખનાં લગ્ન માટે માર્ગ મોકળો કરવા પોતપોતાની વગ લગાડી. પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પદાધિકારીઓ અને ખાસ તો પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ અને નિવૃત્ત લેફ્ટન્ટ જનરલ તૌકીર ઝિયાએ આઈએસઆઈના અધિકારીઓને સમજાવવા ભારે મહેનત કરી.

બીજી બાજુ દાઉદે પણ કેટલાક પાકિસ્તાની સત્તાધીશો અને આઈએસઆઈના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજીને તેમને માહરુખનાં લગ્ન આડે વિલન ન બનવા માટે વિનવ્યા. છેવટે દાઉદ-જાવેદની અમુક મહિનાઓની મથામણ પછી આઈએસઆઈના ઉચ્ચ અધિકારીઓ માહરુખ-જુનૈદનાં લગ્ન માટે ગ્રીન સિગ્નલ આપવા તૈયાર થયા. પણ એ મંજૂરીના બદલામાં દાઉદે મોટી કિંમત ચૂકવવી પડી!’

(ક્રમશ:)