વન્સ અપોન અ ટાઈમ - 163 - છેલ્લો ભાગ Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વન્સ અપોન અ ટાઈમ - 163 - છેલ્લો ભાગ

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 163

અમારા પોલીસ ઑફિસર મિત્રએ પપ્પુ ટકલાને મળાવતાં પહેલાં કહેલી ઘટના અમને યાદ આવી ગઈ. વર્ષો અગાઉ જ્યારે એ સોનાની દાણચોરી કરતો હતો. ત્યારે એક વખત પોલીસના હાથે ઝડપાઈ જતાં બચવા માટે એણે પોલીસ ટીમ તરફ ફાયરીંગ કર્યું હતું અને એ વખતે એક નવાણિયો માણસ કુટાઈ ગયો હતો. પોતાની ગોળીથી એ માણસ મરી ગયો, એથી વ્યથિત થયેલા પપ્પુ ટકલાએ એ માણસના પરિવારને શોધીને લગભગ પચીસેક વર્ષ અગાઉ રૂપિયા બે લાખ મોકલી આપ્યા હતા.

અંડરવર્લ્ડની માહિતી મેળવવા અમે અવારનવાર તેના ઘરે જતા હતા ત્યારે અમારી નજર સામે એકવાર એણે પોતાને ત્યાં ઘરકામ કરતી મહિલાને એની દીકરીને કોલેજમાં ભણાવવા માટે પૈસા આપ્યા હતા. જોકે એ બધાથી પપ્પુ ટકલાના લોહીથી ખરડાયેલા હાથ ધોવાઈ ગયા હતા એવું માનવાને કોઈ કારણ નહોતું. અને એટલે જ એના શરીરમાં 16 ગોળીઓ ધરબાઈ જાય એ ઘટના કવિન્યાય જેવી વધુ લાગતી હતી. આ અગાઉ પણ એના પર હુમલો થયો હતો. ત્યારે એને ત્રણ ગોળી વાગી હતી. એટલે પપ્પુ ટકલા ગમે ત્યારે હતો ન હતો થઈ જશે એની અમને ખબર હતી. આ સિવાય પોલીસ ઑફિસર મિત્ર પણ છેલ્લા ઘણા સમયથી પપ્પુ ટકલાની અંડરવર્લ્ડમાં પુનઃએન્ટ્રી વિશે અમને જાણ કરી ચૂક્યા હતા. અને તેને મળતી વખતે સાવચેતી રાખવાનું કહી ચૂક્યા હતા. હવે અમને સમજાઈ રહ્યું હતું કે પોલીસ ઓફિસર ફ્રેન્ડ પપ્પુ ટકલા સાથે જાહેરમાં ક્યાંય જવા માટે અમને ઘણા સમયથી ના કેમ પાડી રહ્યા હતા.

‘શું વિચારોમાં ખોવાઈ ગયા?’ પોલીસ ઓફિસર મિત્રએ અમને પૂછ્યું. ‘ગુનાખોરીની દુનિયામાં પ્રવેશનાર લગભગ તમામ વ્યક્તિનો અંજામ ઓછાવત્તા અંશે આવો જ હોય છે,’ એમણે પોતાના અનુભવોનો નિચોડ આપતાં કહ્યું, આ લોકોના જીવનની કરૂણતા જ એ હોય છે કે જીવનભર જે પૈસા મેળવવા તેઓ દોડ મૂકે છે એમને ઘણીવાર કફન પણ નસીબ નથી થતું હોતું. પપ્પુ ટકલાની જ વાત કરીએ તો એના અંતિમસંસ્કાર તો ઠીક, એની લાશનો કબજો લેનાર પણ કોઈ નહોતું. એટલે પોલીસે બિનવારસી ગણીને એની લાશના અંતિમ સંસ્કાર કરવા પડશે!’

‘કેમ એના પરિવારમાં કોઈ નથી?’ અમે પોલીસ ઑફિસર ફ્રેન્ડને પૂછ્યું, ‘પપ્પુ ટકલાના જુવાનજોધ દીકરાનું ગેંગવોરમાં મર્ડર થઈ ગયા પછી પપ્પુની પત્ની દીકરી ગુમાવવાના આઘાતમાં ભાંગી પડી હતી. અને છેવટે કેન્સરની બિમારીમાં એનું પણ મોત થયું હતું.’ પોલીસ ઑફિસર ફ્રેન્ડે કહ્યું.

“પણ દીકરા સિવાય એને બીજું કોઈ સંતાન નહોતું?” અમારાથી પુછાઈ ગયું.

પોલીસ ઓફિસર મિત્રએ જવાબ વાળતા અમને કહ્યું, ‘પપ્પુએ એકવાર તેની દીકરીનો ઉલ્લેખ કર્યો હતો, પણ ભાઈના મૃ્ત્યુ પછી આ બાપ પર એને નફરત થઈ ગઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે પપ્પુ ટકલાની દીકરીએ એક આઈપીએસ ઓફિસર સાથે લગ્ન કરી લીધા અને અત્યારે એ પંજાબ કેડરના એક આઈપીએસ ઑફિસર સાથે રહે છે. તમારા મનમા ઘુમરાતો અને તમે ક્યારેય ન પૂછેલા સવાલનો જવાબ આપી દઉં તો એ આઈપીએસ ઓફિસર મારો અંગત મિત્ર છે. જોકે પપ્પુ ટકલાની દીકરીએ મને સાફ શબ્દોમાં કહ્યું છે કે ‘મારો બાપ મરી જાય તો મને જાણ પણ ન કરતા. કારણ કે મારા માટે તો મારા ભાઈની ચિતા સળગી ત્યારે જ એ માણસ, જેને હું બાપ તરીકે ઓળખતી હતી, એનું મોત થઈ ગયું હતું.’ દીકરીની આવી નફરતથી પપ્પુ ટકલા થોડા સમય માટે હચમચી ગયો હતો અને તેણે અંડરવર્લ્ડ સાથે છેડો ફાડી નાખ્યો હતો. પરંતુ શરાબ અને સિગરેટ કે અન્ય કોઈ વ્યસન કરતા પણ ગુનાખોરીની દુનિયાનું ગ્લેમર વધુ જકડી રાખનારું હોય છે. એક વખત આનો સ્વાદ ચાખનાર માણસ સર્વસ્વ ગુમાવી દીધા પછી પણ અહીં પાછા ફરવાની લાલચ રોકી શકતો નથી. પપ્પુ ટકલાનું પણ આવું જ થયું હતું આ એક એવું કુંડાળું છે કે જેનો આરંભ જાણવો મુશ્કેલ છે અને અંત અનંત છે, અત્યંત તેજ ગતિથી ફરી રહેલા આ કુંડાળામાં કેટલાય પપ્પુ ટકલાઓ અટવાઈને જિંદગી બરબાદ કરી ચૂક્યા છે. અંડરવર્લ્ડની માહિતી મેળવવા તમે આ દુનિયાને ખૂબ નજીકથી જોઈ છે, પણ ફરીવાર આવા કારણ માટે પણ શક્ય હોય ત્યાં સુધી એની નજીક જવાની કોશિશ નહીં કરતાં એવી મારી તમને સલાહ છે,” કહીને પોલીસ ઑફિસર મિત્રએ વાત પૂરી કરી.

પોલીસ ઓફિસર મિત્રની વાતમાં ચોક્કસપણે વજૂદ હતું, પણ પપ્પુ ટકલાની અચાનક એક્ઝિટથી અંડરવર્લ્ડને લગતા અનેક પ્રશ્નો હવામાં અદ્ધર લટકતા રહી ગયા હતા. કોઈ રસપ્રદ નવલકથા વાંચતા હોઈએ અને એના છેલ્લા કેટલાક પાનાંઓ બાકી હોય ત્યારે સમજાય કે એ પુસ્તકના છેલ્લા થોડા પાનાં છે જ નહીં ત્યારે જેવી લાગણી અનુભવાય એવું જ કંઈક અમારી સાથે બન્યું હતું. આ રિયલ લાઈફ સ્ટોરીના ઘણા બધા છેડા અધૂરા રહી ગયા હતા, પણ દોર સાધવા માટે ફાઈવફાઈવફાઈવ સિગરેટના કશ ખેંચતો અને બ્લેક લેબલ વ્હિસ્કીના ઘૂંટ ભરતો પપ્પુ ટકલા હવે નહોતો રહ્યો એ વાસ્તવિકતા હતી. અધૂરી રહી ગયેલી વાતો જાણવા માટે કદાચ અમારે કોઈ બીજો માણસ શોધવો પડશે એવા વિચારો અમારા મનમાં ઘૂમી રહ્યા હતા. બીજી બાજુ પોલીસ ઑફિસરે આપેલી સલાહના શબ્દો અમારા મનમાં પડઘાઈ રહ્યા હતાઃ ‘આ દુનિયાથી છેટા રહો એ જ સારું છે. એમની સલાહ અમે સ્વીકારી પણ લીધી હતી. પણ જ્યાં સુધી બીજો કોઈ પપ્પુ ટકલા ન મળી જાય ત્યાં સુધી જ અમે આ સલાહનો અમલ કરવાના છીએ એની અમને અને પોલીસ ઓફિસર ફ્રેન્ડને પણ ખબર હતી!

(સમાપ્ત)

રેટ કરો અને રિવ્યુ આપો

Nitesh Shah

Nitesh Shah 1 દિવસ પહેલા

Chintan Gajera

Chintan Gajera 3 વર્ષ પહેલા

Kishor Sosa

Kishor Sosa 1 માસ પહેલા

Jigna Dalal

Jigna Dalal 5 માસ પહેલા

Jignesh Thakkar

Jignesh Thakkar 9 માસ પહેલા