જંતર-મંતર - 22 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જંતર-મંતર - 22

જંતર-મંતર

( પ્રકરણ : બાવીસ )

અમર તરત જ રીમાનો હાથ પકડીને ઘરની બહાર નીકળ્યો. દરવાજા ઉપર તાળું મારીને, ચાવી પોતાના કોટના ખિસ્સામાં સેરવીને અમર રીમા સાથે રસ્તા ઉપર આવ્યો. હજુ બપોર થઈ નહોતી. રસ્તા ઉપર વાહનોની જબરી દોડાદોડ હતી. રસ્તાની એક તરફ અમર અને રીમા ચૂપચાપ ચાલી રહ્યાં હતાં. રીમા ચૂપચાપ ઉદાસ-ઉદાસ ચાલી રહી હતી.

અમર એની સાથે હસતો-બોલતો વાતો કરતો જતો હતો, પણ રીમા એની સાથે બિલકુલ વાત કરતી નહોતી. અમરની વાતનો જવાબ પણ ‘હા-હું’ કરીને જ આપતી હતી. જ્યારથી એણે પેલો કાળો મોટો વિકરાળ બિલાડો જોયો હતો ત્યારથી એનું મન બેચેન બની ગયું હતું.

હળવે હળવે ચાલતાં બન્નેએ રસ્તો પસાર કર્યો, રસ્તો પૂરો થઈ ગયો એટલે અમર પાછા વળવાનું વિચારતો હતો. એણે રીમાને હળવેકથી કહ્યું, ‘ચાલો, હવે આપણે ઘર તરફ પાછા ફરી જઈએ.’

પણ રીમા જાણે અમર સાથે એના ઘરે પાછી ફરવા માંગતી ન હોય એમ એણે અમરની વાત સાંભળી નહીં. એ ચૂપચાપ આગળ વધતી ગઈ.

પાછા વળવા માટે ઊભા રહી ગયેલા અમરને રીમાના આવા વર્તનથી નવાઈ લાગી. મનમાં એને ગુસ્સો પણ આવ્યો. પણ અચાનક અમરને લાગ્યું કે રીમાની ચાલવાની ઝડપ એકાએક વધી ગઈ છે. રીમા ઝડપથી ચાલતી નથી, પણ રીમા ઝડપથી સરકી રહી છે.

‘રીમા...! રીમા...!’ ગભરાટભર્યા અવાજે બૂમો મારતો ચિલ્લાતો અમર રીમા પાછળ ભાગ્યો....

‘હવે રીમાને પકડવી મુશ્કેલ છે.’ એ વિચારે અમર મનોમન થરથરી ઊઠયો. રીમાને લઈને પોતે આ રીતે બહાર નીકળ્યો એ પોતાની ભૂલ બદલ પણ એને મનોમન પસ્તાવો થયો. પણ હવે પસ્તાવો કરે કંઈ વળવાનું નહોતું. ગમે તેમ કરીને રીમાને ફરીથી હાથ કરવાની હતી. એ ઝડપથી રીમાની પાછળ પાછળ દોડી રહ્યો હતો અને રીમા એની આગળ ને આગળ હવામાં સરકી રહી હતી.

લગભગ દસેક મિનિટ સુધી સરકતી રહીને રીમા એક ખંડેર પાસે આવી પહોંચી. ખંડેર પાસે એના પગ આપોઆપ અટકી ગયાં. હળવે-હળવે એ ચાવી દીધેલી ઢીંગલીની જેમ ખંડેરમાં ઘૂસી ગઈ.

ખંડેરના એક ખૂણામાં એ શયતાન સિકંદર લોખંડની મજબૂત સાંકળોથી બંધાઈને પડયો હતો. રીમાને જોતાં જ એણે જોશથી ત્રાડ નાખી, ‘હરામજાદી, મેં તને મારો પ્યાર આપ્યો. મેં તને સુખ આપ્યું. અને તેં મારી આ દશા કરી...?’

રીમાએ કંઈ જવાબ ન આપ્યો એટલે ખીજવાયેલો સિકંદર વધુ ગુસ્સાથી અને વધુ જોશથી તાડુકયો, ‘તારી એ નપાવટ ભાભીએ મારી બધી બાજી બગાડી નાખી છે. અને પેલો સુલતાન...!’ કહેતાં એણે દાંત પીસતાં ઉમેર્યું, ‘....એ ભિખારીને તો હું જોઈ લઈશ... પણ હવે પહેલાં મારે છૂટા થવું પડશે.... પણ મને છૂટો કરવા માટે તારે ખતમ થવું પડશે...!’

રીમા એકીટસે ચિલ્લાતા-બરાડતા સિકંદરને જોઈ રહી. સિકંદરનો ચહેરો બિલકુલ પીળો પડી ગયો હતો. એનો અવાજ ધ્રૂજતો હતો. એનું શરીર બિલકુલ નંખાઈ ગયું હતું. એની આંખો બુઝાવાની અણીએ પહોંચેલા દીવા જેવી નિસ્તેજ થઈ ગઈ હતી. આટલું બોલતાં-બોલતાં તો એ થાકી ગયો. હાંફી ગયો હતો...

એ થોડીકવાર સુધી રીમાને તાકી રહ્યો. રીમાને જાણે એ છેલ્લીવાર જોતો હોય એમ પગથી માથા સુધી રીમાના ગોરા ગુલાબી અને ભર્યાભર્યા બદનને એ મન ભરીને એકીટસે નિરખી રહ્યો. પછી કઠણ કાળજું કરીને બોલતો હોય એમ ધીમા અને કંપતા અવાજે બોલ્યો, ‘જા, અહીંથી ચાલી જા...ચાલી જા....આગળ પહાડ છે. એ પહાડ ઉપર ચઢીને કૂદી પડ....તું પણ છૂટી જઈશ અને હું પણ છૂટી જઈશ....!’

રીમા તો જાણે એના જ હુકમની વાટ જોતી હોય એમ તરત જ પાછી વળીને ચૂપચાપ એ પહાડની ટોચ તરફ આગળ વધવા લાગી.

શયતાન સિકંદરનો હુકમ થતાં જ રીમા ધીમે-ધીમે પહાડ તરફ આગળ વધવા લાગી. પહાડ બહુ ઊંચો નહોતો. એક સાધારણ ટેકરી જેવો એ પહાડ હતો. છતાંય એ ટેકરીની ટોચ ઉપરથી બીજી તરફ કૂદી પડવામાં બહુ જ મોટું જોખમ હતું. એની બીજી તરફ મોટા અને ધારદાર પથ્થરો હતા. પડનાર કોઈ પણ હાલતમાં બચી શકે જ નહિ એવી હાલત હતી. રીમા ધીમે-ધીમે એ તરફ સરકી રહી હતી. જાણે મોત તરફ સરકતી હતી.

રીમાની પાછળ-પાછળ અમર પણ આવી ગયો હતો. રીમા સિકંદરની પાસે ઊભી હતી. સિકંદર રીમાને ઠપકો આપી રહ્યો હતો. એની સામે ત્રાડો નાખતો હતો. બરાબર એ જ સમયે દોડતો-હાંફતો અમર રીમાની નજીક પહોંચી ગયો હતો.

પણ અમર રીમા પાસે પહોંચે, રીમાને પકડે એ પહેલાં તો રીમા પહાડની ટોચ તરફ આગળ વધવા લાગી હતી. અમર ઠોકરો ખાતો, પડતો-અથડાતો સતત એની પાછળ દોડી રહ્યો હતો. દોડી દોડીને અમરનો શ્વાસ ફૂલી ગયો હતો. એનામાં હવે વધારે દોડવાની શક્તિ નહોતી, પણ દોડયા વિના છૂટકો નહોતો. એ જાણતો હતો કે, જો રીમાને એ સમયસર નહીં પકડી પાડે, તો જરૂર કંઈક અજુગતું બની જશે. એ રીમાને પકડી પાડવા માટે ખૂબ જોશથી સતત દોડી રહ્યો હતો. જોકે, રીમા એના કરતાંય વધુ ઝડપથી સરકી રહી હતી. રીમાને પકડી પાડવી એ અશકય હતું. છતાંય અમરને મનમાં શ્રદ્ધા હતી કે જરૂર રીમાને પકડી પાડશે. જો રીમાને કંઈક થઈ જશે તો એના નામને બટ્ટો લાગી જશે. એ વારેઘડીએ રીમાને આગળ વધતી રોકવા માટે એના નામની બૂમો મારતો હતો. પણ રીમા જાણે કંઈ જ સાંભળતી ન હોય એમ ચૂપચાપ આગળ વધતી જતી હતી.

અચાનક અમરના મનમાં ઝબકારો થયો. રીમાને રોકવા માટે એના મગજમાં એક તુક્કો સૂઝયો. એણે દોડતાં-દોડતાં જ એક ઠીક-ઠીક એવો મોટો પથરો ઉઠાવી લીધો અને પછી એકાદ પળ માટે અટકીને એણે હાંફતાં-હાફતાં જ એ પથરો રીમાના પગ તરફ ફેંકયો. પણ અમર ઘા ચૂકી ગયો. પથ્થર રીમાના પગ સાથે અથડાવવાને બદલે બીજા એક મોટા પથરા સાથે અથડાઈને પાછો પડયો. પણ અમરે હિંમત જાળવી રાખી. એણે બીજો એક પથરો ઉઠાવી લીધો અને દોડતી-ભાગતી રીમાના પગ તરફ જોશથી ઘા કર્યો. પથરો રીમાના પગ ઉપર પડયો, પણ ખાસ વાગ્યું ન હોય એ રીતે રીમા દોડતી જ રહી.

પણ અમર એને આ રીતે અધવચ્ચેથી છોડીને ચાલ્યો જાય એવો કાયર નહોતો. એણે ઉપરા-ઉપરી ચાર-પાંચ પથરા રીમાના પગ તરફ ફેંકયા. અને એમાંનો એક પથ્થર આબાદ કામ કરી ગયો. રીમા ગડથોલું ખાઈને એક પથ્થર ઉપર ઢળી પડી. પણ પડયા પછી તરત જ તે ઊભી થઈ. એણે પાછળ ફરીને પથ્થર ફેંકનાર તરફ જોવાની દરકાર પણ કરી નહીં. એ પાછી પહાડની ટોચ તરફ આગળ વધવા લાગી. પણ હવે એના પગમાં પહેલાં જેવી ઝડપ નહોતી. કદાચ એના પગમાંથી લોહી નીકળ્યું હતું. પથ્થર ધાર્યા કરતાં વધારે વાગ્યો હતો.

રીમાની ઝડપ ઓછી થયેલી જોઈને, અમરને મનમાં કંઈક રાહત થઈ. એને આશા બંધાઈ કે હવે જરૂર એ રીમાને પકડી પાડશે. અમર એકી શ્વાસે સતત રસ્તામાં દોડતો રહ્યો. એકાદ બે વાર ગડથોલું ખાઈને એ રસ્તામાં પડી ગયો હતો. એના ઢીંચણ અને પગ છોલાઈ ગયા હતા. હાથ અને કોણીમાં પણ માર વાગ્યો હતો, છતાં એ શ્વાસ ઘૂંટતો દોડી રહ્યો હતો.

રીમા હવે એનાથી બે-ત્રણ ફૂટ જેટલી જ દૂર હતી. અમર હવે સતત ‘રીમા-રીમા’ પોકારી રહ્યો હતો. એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. હવે બન્ને જણાં પહાડની ટોચ ઉપર પહોંચી ગયાં હતાં. રીમાને જો સમયસર નહીં પકડે પાડે તો રીમા જરૂર બીજી તરફ છલાંગ લગાવી દેશે, એવી બીકે રીમાને પકડી પાડવા માટે અમરે રીમા ઉપર જોરથી છલાંગ લગાવી. રીમાના માથા ઉપર એનો હાથ પડયો અને માથા, ખભા અને કમર સુધી એ હાથ સરકી ગયો. રીમા આગળ જાય એ પહેલાં જ એની આંગળીઓએ રીમાના હાથની આંગળીઓ પકડી લીધી.

એકાએક પાછળથી હાથ ખેંચાતા રીમા એક આંચકા સાથે ઢળી પડી. ઘાટઘુટ વગરના પથ્થર ઉપરથી એનો પગ લથડી ગયો અને એ સીધી અમરની છાતી ઉપર ધસી પડી. એકાએક રીમા ધસી પડી એટલે અમર પણ લથડી ગયો અને બન્ને જણાં એક મોટી શીલા ઉપર પડયાં અને એ સપાટ ત્રાંસી શીલા ઉપર સરકીને નીચે પથ્થર ઉપર પડયાં. અમર નીચે પડયો અને એની ઉપર રીમા પણ ગબડી પડી.

પડયા પછી રીમા ફરી ઊભી થઈ ગઈ. પણ અમર જલદી ઊભો થઈ શકયો નહીં. એના હાથ-પગ અને વાંસામાં સારો એવો માર લાગ્યો હતો. જોકે, અમરે લથડિયાં ખાધાં પછી અને પડયા પછી પણ રીમાનો હાથ છોડયો નહોતો એટલું સારું હતું.

એ મારની પીડા અનુભવતો ઊભો થયો. એટલે રીમાએ આગળ વધવા માંડયું. પણ રીમાને અમર હવે આગળ વધવા દે તેવો નહોતો. એણે રીમાના હાથની પકકડ વધારી દીધી. અને બીજા હાથે રીમાનો ખભો પકડીને એને ઝણઝણાવી નાખતાં એણે પૂછયું, ‘રીમા...રીમા..કયાં જવું છે ? આ તું શું કરી રહી છે...?’

પણ રીમા તો જાણે કંઈ જ સાંભળી શકતી નહોતી. એ અમરને ઓળખતી ન હોય એમ એ ચૂપચાપ અમર સામે જોઈ રહી.

અમરને લાગ્યું કે, આ રીતે વધારે સમય પસાર થવા દેવામાં જોખમ છે. કંઈક અજુગતું બને એ પહેલાં એ નીચે નમ્યો અને રીમાને એણે પોતાના ખભા ઉપર ઊંચકી લીધી. પણ રીમાને ઊંચકીને એ હજુ સીધો થાય કે એકાદ ડગલું આગળ વધે એ પહેલાં એક કાળા વિકરાળ બિલાડાએ અમરના ચહેરા ઉપર છલાંગ મારી.

અચાનક અને એકાએક થયેલા આ ઓચિંતા હુમલાથી અમર મૂંઝાઈ ગયો. બિલાડાની છલાંગ સાથે એ ગભરાટથી એક લથડિયું ખાઈ ગયો. પણ પેલી ત્રાંસી શીલાનો છેડો એનો હાથમાં આવી ગયો અને એ પડતાં-પડતાં બચી ગયો. એને લાગ્યું કે જો આ વખતે એ પોતે પડી ગયો હોત તો જરૂર એ બન્નેમાંથી એકાદની ખોપરી પથ્થર સાથે ટકરાઈને તૂટી ગઈ હોત.

એણે ભાન ગુમાવ્યા વિના ઝડપથી અહીંથી નીકળી જવા માટે વિચાર્યું...પેલા બિલાડાને મારવા માટે એણે એક પથરો પોતાના હાથમાં લીધો અને એને શોધવા માટે એણે ચારે તરફ નજર કરી. પણ કયાંય એ બિલાડો દેખાયો નહિ. જે રીતે એકાએક અને અચાનક એ બિલાડો આવ્યો હતો એ જ રીતે કયાંય ગુમ થઈ ગયો હતો.

અમરે મન મક્કમ કરી, પોતાનામાં હતી એટલી બધી જ હિંમત ભેગી કરીને, ઝડપથી ચાલવાનું શરૂ કર્યું....

પરસેવે રેબઝેબ થયેલ અને ખૂબ જ થાકેલો અમર હજી પણ શ્વાસ ફૂલાવીને, હિંમત જાળવીને એકધારો દોડી રહ્યો હતો.

ખૂબ થાક અને ખૂબ મહેનત પછી એ માંડ-માંડ પેલા ખંડેર નજીક પહોંચ્યો. ખંડેર જોઈને અમરને એ ખંડેરમાં થોડીકવાર આરામ લેવાનો વિચાર આવ્યો. પણ બીજી જ પળે એને કોઈક અજાણ્યા ભયનો ખ્યાલ આવતાં ખંડેરમાં આરામ કરવાનો વિચાર મનમાંથી કાઢી નાખ્યો. જોકે, હવે આગળ વધવું મુશ્કેલ હતું. એના પગ વારેઘડીએ લથડી જતા હતા. એના એકેએક અંગમાં ભારે દુઃખાવો થતો હતો. પગ તો જાણે હમણાં ઢીંચણમાંથી તૂટી જશે એમ લાગતું હતું. પણ આ ઘડીએ-આ સંજોગોમાં અહીંથી ભાગી છૂટવું બહુ જરૂરી હતું. નછૂટકે હાંફતો-હાંફતો અમર આગળ વધી રહ્યો હતો.

લગભગ બે-અઢી કલાકે અમર રીમાને ઊંચકીને રસ્તા સુધી પહોંચ્યો. એ ખૂબ થાકી ગયો હતો. એને હવે સખત તરસ લાગી હતી. એના હોઠ તો કયારનાય સૂકાઈ ગયા હતા. વારેઘડીએ એની જીભ આપોઆપ એના હોઠ ઉપર ફરી જતી હતી. એ મહાપરાણે રીમાને છેક રસ્તા ઉપર ખેંચી લાવ્યો અને રસ્તા ઉપરથી પસાર થતી એક રિક્ષા અટકાવી એમાં રીમાને નાખી એ પોતે પણ રિક્ષામાં બેઠો ત્યારે જ એના જીવને કંઈક રાહત થઈ.

જોકે, રિક્ષામાં પણ રીમા તો બેભાન હોય એમ જ પડી હતી. અમરે એ વખતે પણ એનું બાવડું મજબૂતીથી પકડી રાખ્યું હતું.

રિક્ષા ઘર પાસે આવીને અટકી ત્યારે રીમાના ઘરનાં બધાં આવીને બહાર ઊભા હતા.

રિક્ષામાં રીમા અને અમરને આવેલાં જોતાં જ હંસા એ તરફ દોડી આવી. એ અમરને કંઈ પૂછે એ પહેલાં જ રીમાના ચોળાયેલા કપડાં, એની બેહોશ હાલત અને અમરનો ઊતરેલો ચહેરો જોઈને એ ચૂપ રહી. અમરે પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢીને હંસાના હાથમાં આપી.

હંસાએ ઝડપથી દોડીને બારણું ઉઘાડયું. અમરે રિક્ષાવાળાને ભાડું ચૂકવી દીધું અને પછી રીમાને ખભે ઊંચકીને એ ઘરમાં લઈ ગયો.

રીમાને પલંગ ઉપર નાખ્યા પછી એણે કંઈક નિરાંતનો દમ લીધો.

અમર રૂમાલથી પોતાનો ચહેરો સાફ કરતાં ખુરશીમાં બેઠો ત્યારે ઘરનાં સૌની નજર અમર ઉપર ચોંટેલી હતી. બધાની આંખોમાં ‘કયાં ગયા હતા ? શું થયું ?’ એવા સવાલો ચમકી રહ્યા હતા.

અમરે બધાના સંતોષ ખાતર ટૂંકમાં જ જે કંઈ બન્યું હતું એ હકીકત કહી સંભળાવી ત્યારે હંસાભાભીએ અમરને ઠપકાભર્યા અવાજે કહ્યું, ‘તમેય શું અમરભાઈ ! એકવાર તમારા ઉપર બરાબર વીતી ગઈ છે છતાંય તમે એને લઈને ફરીવાર બહાર ગયા !’

અમર ઝંખવાણો પડી ગયો. એ કંઈ જવાબ આપી શકયો નહીં. જમાઈને માઠું ન લાગે એટલા ખાતર હંસાને વાત વાળી લેવી પડી, ‘તમે થોડાક દિવસ ખમી જાવ અમરભાઈ ! ત્રણેક મહિના પછી રીમા બિલકુલ સાજી થઈ જશે. પછી રીમા તમારી જ છે ને !’

અમરે કોઈ જવાબ ન આપ્યો, પણ વાતાવરણ કંઈક હળવું થઈ ગયું. હંસા બધા માટે પાણી લઈ આવી અને પછી રસોડા તરફ જતાં બોલી, ‘અમરભાઈ, આમ ચાલ્યા ન જતા, હું હમણાં ચા બનાવીને લાવું છું.’

ચા-પાણી પતાવીને અમર વિદાય થયો. પછી હંસાએ રીમા તફ પોતાનું ધ્યાન પરોવ્યું. એણે રીમાના ચહેરા ઉપર પાણી છાંટીને એને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા માંડયા. જોકે, રીમાની આંખો તો અત્યારે ખુલ્લી હતી, પણ એ જાણે હોશમાં ન હોય તેમ અવાચક બનીને એક તરફ તાકી રહી હતી. એ કંઈ જોતી ન હોય, સાંભળતી ન હોય એમ એ ચૂપચાપ બેઠી હતી. હંસાએ એના ચહેરા ઉપર પાણીની છાલકો મારી એટલે એ ઊભી થઈ જતાં બોલી, ‘મને જવા દો...મને એ બોલાવે છે...બોલાવે છે...!’

રીમાની વાત સાંભળીને હંસા ચમકી ગઈ. એને સુલતાનબાબા યાદ આવી ગયા. એ મનોમન વિચારવા લાગી કે હવે સુલતાનબાબા વહેલાસર સિકંદરનો ફેંસલો કરી દે તો સારું, નહિતર આ સિકંદર રીમાને શાંતિથી જીવવા નહિ દે.’

પછી..? પછી શું થયું..? રીમાનું શું થયું...? હંસાનું શું થયું...? હંસાના દુશ્મન બનેલા સિકંદરે હંસાને શું ખરેખર ખતમ કરી નાખી...? રીમાનો ઈલાજ કરવા આવેલા સુલતાનબાબાએ શું કર્યું...? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? અમરનું શુ થયું...? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Payal Chavda Palodara

Payal Chavda Palodara માતૃભારતી ચકાસાયેલ 7 માસ પહેલા

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 2 વર્ષ પહેલા

Bhayani Alkesh

Bhayani Alkesh માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Tejal

Tejal 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા