Featured Books
શ્રેણી
શેયર કરો

૨૫ હાસ્યાસ્પદ વર્લ્ડ રેકોર્ડ્ઝ જેને તોડવાની કોઈને ઈચ્છા જ નથી

વર્લ્ડ રેકોર્ડ ત્યારેજ થાય જ્યારે કોઈ વ્યક્તિ કશુંક અસમાન્ય કરી બતાવે. કશુંક એવું જે આપણામાંથી કોઈ પણ કરવાનો વિચાર સુદ્ધાં પણ ન કરી શકે. જે કોઈ પણ વ્યક્તિ કોઇપણ ક્ષેત્રમાં વર્લ્ડ રેકોર્ડ બનાવે ત્યારે તેને ખૂબ મોટું સન્માન મળ્યું છે એમ કહી શકાય. ઘણા વ્યક્તિઓ એક પછી એક વર્લ્ડ રેકોર્ડ્સ બનાવતા હોય છે, પરંતુ અમુક તો જીવનભરની અમુલ્ય ક્ષણ તરીકે આખા જીવનમાં એક જ વખત વર્લ્ડ રેકોર્ડ બનાવી શકતા હોય છે.

વર્લ્ડ રેકોર્ડ્સનું મહત્ત્વ ત્યારે સમજી શકાય છે જ્યારે ગીનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ કે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ જેવી સંસ્થાઓ દુનિયા કે દેશભરમાં ફરી ફરીને આ રેકોર્ડ્સની નોંધ લેતા હોય છે અને પાછું તેના પર આખું પુસ્તક પણ પ્રકાશિત કરતા હોય છે.

આવા નોંધપાત્ર કે વખાણવાલાયક રેકોર્ડ્સ આપણને કળા, વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જીનીયરીંગ, બાંધકામ કે પછી રમતની દુનિયામાં જોવા મળતા હોય છે અને એવા કેટલાક હાસ્યાસ્પદ વર્લ્ડ રેકોર્ડ્સ પણ છે જેની નોંધ પણ ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ લે છે.

પહેલી નજરે આ તમામ વર્લ્ડ રેકોર્ડ્સ જ છે, પરંતુ કદાચ આ તમામ વર્લ્ડ રેકોર્ડ્સ અમર થઇ જશે અથવાતો તેમને તૂટતા વર્ષો લાગી શકે તેમ છે. કારણ? કારણ એટલુંજ છે કે આ એવા વર્લ્ડ રેકોર્ડ્સ છે જેને તોડવાની ઈચ્છા કોઈને પણ થાય એવી નથી!

૨૫ – ડ્રીલ મશીનની મદદથી સહુથી વધુ ચક્કર મારવા

આ વર્લ્ડ રેકોર્ડ સિદ્ધ કરવા માટે તમારા શરીરના ઉપલા ભાગની મજબૂતી ખૂબ મહત્ત્વ ધરાવે છે. જો કે આ રેકોર્ડ અત્યંત હાસ્યાસ્પદ જરૂર છે પરંતુ તે તમારા શરીરની મજબૂતીને જરૂરથી સીરીયસલી લેતી હોય છે. પરંતુ તેમ છતાં અમે તમને સલાહ આપીએ છીએ કે આ રેકોર્ડ તમે તોડવાની બિલકુલ કોશિશ ન કરતા. ત્યારે ધ હુય જીઆંગ નામનો આ વ્યક્તિ આ રેકોર્ડ પોતાના નામે ધરાવે છે જેણે એક મિનીટમાં ૧૪૮ વખત ડ્રીલ મશીનને પકડીને ગોળ ગોળ ચક્કર ખાધા છે.

૨૪ – ચહેરા પર સહુથી વધુ સંખ્યામાં ગોકળગાય મુકવી

ઉટાહનો એક યુવાન નામે ફીન કેહલર તેણે ૨૦૦૯માં પોતાના ચહેરા પર સહુથી વધુ સંખ્યામાં ગોકળગાય રાખીને આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. એ દિવસે તેનો જન્મદિવસ હતો અને તેણે પોતાના મિત્રો અને પડોશીઓને બને તેટલી સંખ્યામાં પોતાના ચહેરા પર ગોકળગાયોને મુકવાનું કહ્યું હતું. ત્યારબાદ પૂરી દસ સેકન્ડ્સ સુધી તેણે આ ગોકળગાયોને પોતાના ચહેરા પર ધારણ કરી હતી જે એક વર્લ્ડ રેકોર્ડ છે!

૨૩ – પેટ દ્વારા સહુથી વધુ તડબુચ તોડ્યા

કેટલાક વર્લ્ડ રેકોર્ડ્સ કેટલાક અજીબ કારણોસર બનતા હોય છે, આવો જ એક રેકોર્ડ ગીનેસ બુકમાં નોધાયો છે જેનું નામ છે, “એક મીનીટની અંદર પેટની મદદથી સહુથી વધુ સંખ્યામાં તડબુચ તોડવા”. આ વિક્રમ બીપીન લાર્કીન નામના વ્યક્તિએ નોંધાવ્યો છે જેણે કુહાડીની મદદથી એક મિનિટમાં ૪૮ તડબુચ તોડ્યા હતા. જો કે આ રેકોર્ડ ભલે બીપીન લાર્કીનના નામે હોય પરંતુ તેણે આ વિક્રમ તોડવામાં મદદ કરવા માટે પોતાના અતિશય વિશ્વાસુ સાથીનો આભાર માનવો જોઈએ જેણે પેલી કુહાડી પોતાના પેટ પર મૂકી હતી અને જેના પર બીપીને એક પછી એક તડબુચ ફેંકીને આ રેકોર્ડ બનાવ્યો હતો.

૨૨ – ફાર્ટ કરીને સહુથી વધુ સંખ્યામાં મીણબત્તી બુઝાવવી

ઘણા લોકો અત્યંત ટેલેન્ટેડ હોય છે. કેટલાક સ્પોર્ટ્સમાં ટેલેન્ટ ડ હરાવે છે તો કેટલાક વિજ્ઞાનમાં. પરંતુ અમુક લોકો એવા હોય છે જે કોઈ અન્ય ક્ષેત્રમાં જબરી ટેલેન્ટ ધરાવે છે અને તેમની આ ટેલેન્ટની કોપી અથવાતો તેની બાજુમાં ઉભા રહેવા માટે આપણામાંથી કોઈપણ વ્યક્તિ સક્ષમ હોતો નથી. ફિલિપાઈન્સનો ગેરાર્ડ જેસ્સી પાસે ફાર્ટ કરવાની અદભુત ટેલેન્ટ છે અને આ ટેલેન્ટનો ઉપયોગ કરીને તેણે સહુથી વધુ સંખ્યામાં મીણબત્તી બુઝાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. પોતાની આ ટેલેન્ટ વડે બુઝાવેલી મીણબત્તીની સંખ્યા ૫ રહી હતી.

૨૧ – પ્લેન ખેંચવાનો વિક્રમ

અમેરિકાના રેવરેંડ ડૉ. કેવિન ફાસ્ટના નામે ઘણી બધી વજનદાર ચીજો ખેંચવાના રેકોર્ડ્સ છે. પરંતુ તેમણે ૨૦૦૯માં ૪,૧૬,૨૯૯ પાઉન્ડનું CC-177 Globmaster III પ્લેનને પોતાની પીઠ પર બાંધીને ૨૮ ફૂટ સુધી ખેંચ્યું હતું. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. અને આ એવો એક વર્લ્ડ રેકોર્ડ છે જેને તોડવો લગભગ અશક્ય છે કારણકે આટલી વજનદાર વસ્તુને આ સરળતાથી ખેંચવી એટલું સરળ નથી બરોબર છે ને?

૨૦ – માથાથી ટોઇલેટ સીટ તોડવી

કેટલીક હરકતોને મનોરંજન તરીકે જ લેવી જોઈએ, પરંતુ બધા એવું કરતા નથી કારણકે આ લોકો આવી મનોરંજક હરકતોને એકદમ ગંભીરતાથી લઇ લે છે એટલુંજ નહીં તેનો ઉપયોગ કરીને તેઓ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી દેતા હોય છે. આવો જ એક રેકોર્ડ છે માથાથી ટોઇલેટ સીટ તોડવાનો. કેવિન શેલી નામનો એક વ્યક્તિ આ રેકોર્ડ ધરાવે છે જેણે માત્ર એક મિનિટમાં ૪૬ ટોઇલેટ સીટ્સ પોતાના માથાના પ્રયોગથી તોડી છે. એક તરફ તો આ પ્રકારનો રેકોર્ડ એ મહામુલ્ય એવી ટોઇલેટ સીટ તોડીને તેનો વેસ્ટ જ ઉભો કરે છે તો બીજી તરફ આ રેકોર્ડ તોડવાના પ્રયાસમાં તમે કદાચ બેભાન પણ થઇ શકો છો જેનું ધ્યાન રાખશો.

૧૯ – સહુથી વધુ વજન ઉતાર્યું

ઓછું વજન હોવું અને ફિટ રહેવું બધાને ગમતું હોય છે. પરંતુ ઘણા વ્યક્તિઓ જન્મથીજ અદોદળા હોય છે અને પછી તેમનું આ જાડાપણું ઉંમર વધવાની સાથે સાથે વધતું પણ જતું હોય છે. અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટમાં રહેતા જોન બ્રોવર મીનોક બાર વર્ષની ઉંમરે ૧૩૫ કિલોગ્રામનો હતો. તેનું વજન ત્યારબાદ પણ સતત વધતું જ ચાલ્યું અને છેવટે ૧૯૭૮ની સાલમાં તેનું વજન ૬૩૫ કિલોગ્રામ થઇ ગયું!!

આ જ વખતે તેને હાર્ટએટેક આવ્યો અને તેને શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. ૧૨ ફાયરમેનની મદદથી તેને એક ટ્રકમાં ઉપચાર માટે સીએટલની યુનિવર્સીટી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. અહીં ડોક્ટરોએ નિદાન કર્યું કે જોનના શરીરમાં કુલ ૪૦૦ કિલોગ્રામ જેટલું પ્રવાહી છે.

ત્યારબાદ જોન સતત બે વર્ષ સુધી બે પથારીઓમાં પડ્યો રહ્યો. તેને પડખું ફેરવવા માટે ૧૩ વ્યક્તિઓની મદદ લેવી પડતી હતી. ડોક્ટરોએ જોનને ૧,૨૦૦ કેલરીના ડાયટ પર રાખ્યો અને ૧૯૮૦માં જ્યારે તેણે હોસ્પિટલ છોડી ત્યારે તેણે ૪૧૯ કિલોગ્રામ વજન ઘટાડ્યું હતું જે સહુથી વધુ વજન ઘટાડવાનો વિશ્વ વિક્રમ છે!

૧૮ – પતિ પત્ની વચ્ચે વજનનો સહુથી મોટો ફેર

આ જ જોન મીનોકને હોસ્પિટલમાં જેનેટ મળી અને બંનેને પ્રેમ થઇ ગયો. જેનેટ માત્ર ૫૦ કિલોગ્રામની હતી. થોડા સમય બાદ જોન મીનોક અને જેનેટ એકબીજાને પરણી ગયા અને આમ આ રીતે આ બંનેએ પતિ પત્ની વચ્ચે વજનના સહુથી મોટા ફેરનો એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. જો કે જોનનું જાડાપણું તેને છેવટે નડી ગયું અને બહુ ઝડપથી વજન ઘટવાને કારણે ૪૧ વર્ષની ઉંમરે એટલેકે ૧૯૮૩માં જોન મીનોકનું અવસાન થયું.

૧૭ – કોર્ટમાં સહુથી વધુ કેસ દાખલ કરવાનો રેકોર્ડ

તમને વાંચીને ખરેખર નવાઈ લાગી હશે કે આવો પણ કોઈ રેકોર્ડ હોઈ શકે ખરો? પરંતુ જોનાથન લી રિચર્ડ્સ નામના એક વ્યક્તિએ કુલ ૪,૦૦૦ કંપનીઓ અને વ્યક્તિઓ પર કોઈને કોઈ કારણોસર કોર્ટમાં કેસ ઠોક્યા છે અને તેને કારણે જોનાથન લી રિચર્ડ્સનું નામ સહુથી વધુ કેસ કરનાર વ્યક્તિ તરીકે ગીનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે. જોનાથન લીએ બીલ ગેટ્સ અને પોપ બેનેડીક્ટ ચૌદમા પર પણ કેસ કર્યો છે.

મજાની વાત તો એ છે કે જોનાથન લી રિચર્ડ્સે પોતાનું નામ નોંધનાર ગીનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પર પણ એક કેસ ઠોકયો છે!!

૧૬ – ફૂટબોલને હવામાં રાખતા ટી શર્ટ્સ બદલવાનો રેકોર્ડ

ઘણા લોકો પાસે ફૂટબોલ રમવાની કળા હોય છે અને તેમ છતાં તેમને પ્રોફેશનલી ફૂટબોલ રમવાની તક મળતી નથી. પરંતુ કેટલાક લોકો ક્રિસ્ટીઆનો રોનાલ્ડો કે લાયોનેલ મેસ્સીની જેમ આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂટબોલ રમવાની તક મળે તેની રાહ જોતા નથી અને જાતેજ કશુંક એવું કરે છે કે તેઓ આ બંને મહાન ફૂટબોલરોની જેમજ ખ્યાતી મેળવે છે.

આવું જ એક નામ છે બ્રાઝીલના રીબેરીયો ડી સિલ્વાનું જેનો રેકોર્ડ તો કદાચ રોનાલ્ડો કે મેસ્સી પણ નહીં તોડી શકે. ૪૪ વર્ષના ડી સિલ્વાએ ફૂટબોલને હવામાં રાખીને સહુથી વધુ ટીશર્ટ્સ બદલવાનો રેકોર્ડ પોતાને નામે કર્યો છે. ડી સિલ્વાએ માથાથી ફૂટબોલ ને કિક મારતા મારતા ૨૨ ટીશર્ટ્સ બદલ્યા છે. તેનો આ રેકોર્ડ તેણે ૨૦૧૮માં લોસ એન્જેલસ કેલીફોર્નીયા ખાતે બ્લોન દી ઓરો કાર્યક્રમના લાઈવ ટેલીકાસ્ટ દરમ્યાન બનાવ્યો હતો.

૧૫ – સહુથી વધુ ધાતુ ખાવાનો રેકોર્ડ

મિચેલ લોટીતોએ પોતાના સમગ્ર જીવનકાળ દરમ્યાન નવ ટનથી પણ વધુ ધાતુ ખાઈ જવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ નવ ટનમાં સમગ્ર સેસેના ૧૫૦ એરોપ્લેન પણ સામેલ હતું. મિચેલ ૨૦૦૭માં ૫૭ વર્ષની વયે અવસાન પામ્યો હતો. ખરેખર તો મિચેલ પિસા નામની એક બીમારીથી પીડાતો હતો. આ બીમારીથી પીડિત વ્યક્તિને ધાતુ, કચરો અને ગ્લાસ ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય છે.

૧૪ – સહુથી જબરદસ્ત કિક સ્વીકારવાનો રેકોર્ડ

કોઇપણ વ્યક્તિને જ્યારે લાત પડે, જાણતા હોવા છતાં કે અજાણતામાં તેનું દર્દ થોડા સમય માટે તો અસહ્ય બની જ જતું હોય છે. આ બધું કિક એટલેકે લાત કેટલી ગતિથી પડી હોય તેના પર આધારિત હોય છે. MMA ફાઈટીંગ એ અમેરિકામાં WWE ફાઈટની જેમ જ લોકપ્રિય છે. અહીં રોય કીર્બી નામના એક રેસલર પાસે સહુથી જબરદસ્ત કિક મેળવવાનો રેકોર્ડ છે. કીર્બીને આ કિક જસ્ટીસ સ્મિથ નામના એક અન્ય રેસલર દ્વારા મારવામાં આવી હતી જે ૨૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ૧૧૦૦ પાઉન્ડની ગતિએ આવી હતી. અને હા આ પ્રકારની ફાઈટ્સમાં કોઇપણ પ્રકારનું સુરક્ષા કવચ પહેરવામાં આવતું નથી.

૧૩ – ખોપરીમાંથી સહુથી મોટો પદાર્થ કાઢવાનો રેકોર્ડ

છરી આપણા શરીરમાં ગમે ત્યાં વાગે તો પણ તેની ઈજા ગંભીર હોય છે. પરંતુ જો છરી અથવાતો છરો આપણી ખોપરીમાં વાગે તો? યા તો વ્યક્તિનું મૃત્યુ થાય અથવાતો એ વ્યક્તિના મગજ પર કાયમી અસર થઇ જાય. ૧૯૯૮માં અમેરિકામાં માઈકલ હિલને ખોપરીમાં લગભગ આઠ ઇંચ સુધી એક છરો ઘુસી ગયો હતો. તેમ છતાં માઈકલ હિલ બચી ગયો અને તેની આ ઘટનાએ તેને સમગ્ર અમેરિકામાં લોકપ્રિય પણ બનાવી દીધો હતો. કારણકે માઈકલ હિલની ખોપરીમાંથી ડોક્ટરોએ એ છરો સુરક્ષાપૂર્વક બહાર કાઢી નાખ્યો હતો અને માઈકલ હિલ આજે પણ સ્વસ્થ છે અને તે પણ સહુથી મોટો પદાર્થ મનુષ્યની ખોપરીમાંથી બહાર કાઢવાના રેકોર્ડના સન્માન સાથે.

૧૨ – સહુથી વધુ પ્લાસ્ટિક સર્જરી

સિન્ડી જેક્સન એક ખાસ વ્યક્તિ છે અને એ પણ એક ખાસ કારણોસર. ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર સિન્ડીના ચહેરા પર ૧૯૮૮થી અત્યારસુધીમાં ૫૨ વખત પ્લાસ્ટિક અથવાતો કોસ્મેટીક સર્જરી થઇ ચૂકી છે. આ ઓપરેશનોમાં નાક પર બે વખત અને આંખ પર, ગાલ પર, હોંઠ સુધારવા અને ઘૂંટણને સુંદર બનાવવાની સર્જરી પણ સામેલ છે.

આ ઉપરાંત સિન્ડીએ પોતાની જાંઘો, દાઢીનો ભાગ પણ સુધારાવ્યો છે અને શરીરની અમુક જગ્યાએ પોતાના હાડકાં પણ છોલાવ્યા છે.

૧૧ – હવામાં ચાલનારો સહુથી વૃદ્ધ વ્યક્તિ

છેક ૧૯૨૦થી જ એરોપ્લેન પર ચડીને એરવોક કરવાની પદ્ધતિ શરુ થઇ ગઈ છે. આ એરવોકમાં જ્યારે એરોપ્લેન હવામાં તરતું હોય ત્યારે તેના પર ચડવાનું હોય છે. આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે સુરક્ષાના ચાંપતા પ્રબંધ કરવામાં આવે છે તેમ છતાં તે અત્યંત ભયંકર હોય છે. પરંતુ થોમસ લેસીએ એરવોક કરનારા સહુથી વૃદ્ધ વ્યક્તિ તરીકે પોતાનો રેકોર્ડ નોંધાવ્યો છે અને એવું લાગે છે કે તેનો આ રેકોર્ડ હજી ઘણા વર્ષો સુધી અકબંધ રહેશે.

કારણકે થોમસ લેસીએ ૨૦૧૯માં જ્યારે આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો ત્યારે તે ૯૩ વર્ષ અને ૧૦૦ દિવસનો હતો

૧૦ – સહુથી તેજ ગતિએ કાર ક્રેશનો રેકોર્ડ

સહુથી તેજગતિએ કાર ક્રેશ થાય અને તેમાં કોઈ વ્યક્તિ બચી જાય એવો પણ એક વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. આ ઘટના ૧૭મી નવેમ્બર ૧૯૬૬ના દિવસે અમેરિકાના ઉટાહ નજીક બોનવીલ સોલ્ટ ફ્લેટ્સ ખાતે બની હતી. લેન્ડ સ્પિડના રેકોર્ડ હોલ્ડર રેસર આર્ટ એર્ફોન્સ એમની જેટ પાવર્ડ ગ્રીન મોન્સ્ટરને ચલાવી રહ્યા હતા. તેમની ગતિ ૯૮૧ કિલોમીટર પ્રતિ કલાકની હતી અને અચાનક જ તેમની આ કારનું જમણું વ્હીલ જામ થઇ ગયું. એર્ફોન્સની કાર એક માઈલથી પણ વધુ વિસ્તારમાં ગુલાંટ ખાતી ખાતી પડી. કાર તો ભંગાર થઇ ગઈ પરંતુ એર્ફોન્સને તેમાંથી કાઢવામાં આવ્યા ત્યારે તેમને ઈજાઓ થઇ હતી અને તેઓ બેહોશ હતા. પરંતુ તેમને માત્ર નાનીમોટી ઈજા જ થઇ હતી અને કારના જમીન પર ઘસડાવાને કારણે જે આગ લાગી તેનાથી તેમની ચામડી થોડી ઘણી બળી ગઈ હતી, બાકી તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત હતા.

૯ – સહુથી વધુ વખત દુર્ગંધ સુંઘવી

માણસને મોટેભાગે પોતાના શરીરની દુર્ગંધ પણ સહન નથી થતી. કદાચ આ કારણેજ આપણે ત્યાં અત્તર અને ડીઓ વેંચતી અબજો રૂપિયાનો ઉદ્યોગ ધમધમે છે. પરંતુ આ કંપનીઓને પણ પોતાની પ્રોડક્ટ ખરેખર માનવીય દુર્ગંધને દૂર રાખે છે કે નહીં તેનો ટેસ્ટ કરવો પડે છે અને આ માટે તેઓ ખાસ માણસોની નિમણુંક કરે છે. આવી જ એક કર્મચારી છે મેડેલીન અલ્બર્ટ જેણે દુનિયામાં સહુથી વધુ સંખ્યામાં લોકોના પગ અને બગલો સુંઘી છે. મેડેલીન સિનસિનાટી ઓહાયો ખાતે આવેલી હિલ ટોપ રિસર્ચ લેબોરેટરીઝમાં પંદર વર્ષ સુધી આ કામ કરતી રહી હતી.

એક અંદાજ અનુસાર મેડેલીને પોતાની પંદર વર્ષની કારકિર્દીમાં ૫,૬૦૦ પગ અને ઓછામાં ઓછી ૬,૦૦૦ બગલો સુંઘી છે. આમ તો આ મેડેલીનની ડ્યુટીનો એક ભાગ હતો પરંતુ આમ કરતા કરતા તેણે આ વિચિત્ર અને સામાન્ય માનવીને ન ગમે એવો વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો હતો.

૮ – સર્જરી વગર સહુથી વધુ કિલોગ્રામ વજન ઉતાર્યું

અમેરિકાના મિશિગનમાં રહેતી કેરોલ યાગર એક સમયે વિશ્વની સહુથી ભારેખમ સ્ત્રી હતી જેનું વજન ૭૩૦ કિલોગ્રામ હતું. પરંતુ તેના વજન કરતાં વધુ વખાણવા લાયક તેની સિદ્ધિ છે. કેરોલે કોઇપણ પ્રકારની સર્જરીની મદદ લીધા વગર સહુથી વધુ કિલોગ્રામ વજન ઉતારવાનો રેકોર્ડ બનાવ્યો છે, માત્ર ત્રણ જ મહિનામાં કેરોલે ૩૬૫ કિલોગ્રામ જેટલું એટલેકે લગભગ અડધા જેટલું વજન ઉતારી નાખ્યું હતું. પરંતુ અમુક વર્ષો પછી બદનસીબે કેરોલનું અવસાન થયું જ્યારે તે માત્ર ૩૪ વર્ષની હતી. કેરોલના મૃત્યુનું કારણ ઓબેસિટી હોવા ઉપરાંત કીડની ફેઈલીયોર જાણવા મળ્યું હતું.

૭ – સહુથી ઓછા વજનની સ્ત્રી

મેક્સિકોની લ્યુસિયા ઝરાટે ગીનેસ બુક ઓફ રેકોર્ડ્સના જણાવ્યા અનુસાર દુનિયાની સહુથી ઓછા વજનની સ્ત્રી હતી. લ્યુસિયાનું વજન માત્ર ૪.૭ પાઉન્ડનું હતું અને તે માત્ર ૨૧.૫ ઇંચ લાંબી હતી. ઝરાટે જાણવા મળ્યા અનુસાર પૃથ્વી પર જન્મનાર સહુથી ઓછા વજનના મનુષ્ય તરીકે જીવી ગઈ હતી. એ કેટલી પાતળી હતી એ જાણવું હોય તો.... તે એક પુખ્તવયના પુરુષના અંગુઠાથી પણ પાતળી હતી. તેનું અવસાન હાઈપોથેર્મિયાથી થયું હતું જ્યારે તેનું સર્કસ ૧૮૯૦માં સિયેરા નેવાડાના પર્વતોમાં પડેલા બરફમાં ફસાઈ ગયું હતું.

૬ – સહુથી લાંબા નખ

શ્રીધર ચિલ્લાલે ૬૬ વર્ષ સુધી પોતાના નખ કાપ્યા ન હતા અને જ્યારે તેને કાપવામાં આવ્યા ત્યારે તેની લંબાઈ ૨૯ ફૂટની થઇ હતી. શ્રીધરને જ્યારે તેઓ ૧૪ વર્ષના હતા ત્યારે તેમના શિક્ષકે તેમના હાથ પર ફૂટપટ્ટી મારી હતી અને તેમનો નખ તૂટી ગયો હતો, બસ આ પછી તેમણે ક્યારેય એ હાથના નખ કાપ્યા ન હતા. શ્રીધરે અક્કલવાળું કામ એ કર્યું કે તેમણે માત્ર પોતાના ડાબા હાથના જ નખ લાંબા કર્યા જેથી તેઓ બાકીનું કામ જમણા હાથે આસાનીથી કરી શકે.

૫ – સહુથી મોટી પથરી

ડોક્ટરી વિજ્ઞાન અનુસાર કિડનીમાં થતી પથરી એક ગોલ્ફ બોલ કરતા ક્યારેય મોટી નથી હોતી અને આ પણ ખૂબ મોટી પથરી ગણવામાં આવે છે. પરંતુ જેમ દરેક બાબતોમાં કોઈને કોઈ નવીનતા હોય છે એમ અહીં પણ એક નવીનતા જોવા મળી હતી. હંગેરીમાં સેન્ડર સ્ર્કાડી નામના વ્યક્તિની કિડનીમાંથી ૨૦૦૯માં ૧.૧૩ કિલોગ્રામની પથરી કાઢવામાં આવી હતી અને તેનો આકાર નારિયેળ જેટલો જ હતો. સેન્ડર કેટલા દર્દ સાથે જીવ્યો હતો એની કલ્પના તો કરી જ ન શકાય પરંતુ જ્યારે તેને ખબર પડી હશે કે તેની પથરીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ત્યારે તેને આનંદ જરૂર થયો હશે.

૪ – શરીર પર સહુથી મોટી સંખ્યામાં મધમાખીઓ ધારણ કરવાનો વિક્રમ

દૂરથી પણ આપણને મધપૂડો જોવા મળે તો આપણે તેનાથી દૂરને દૂર ભાગવા લાગીએ છીએ. આ પાછળ કારણ એવું છે કે મધમાખી જો ડંખ મારે તો તેને સહન કરવાની આપણી શક્તિ બિલકુલ નથી હોતી. પરંતુ જેમને અનોખા વર્લ્ડ રેકોર્ડ્સ બનાવવા છે તેને માટે તો મધમાખી બને તેટલી મોટી સંખ્યામાં તેને વળગી પડે એ જ જોઈતું હોય છે. ચીનના રૂઆન લીઆંગમિંગને પણ તમે એ જ પ્રકારનો વ્યક્તિ ગણી શકો. રૂઆને પોતાના શરીર પર લગભગ ૬,૩૭,૦૦૦ જેટલી મધમાખીઓ ધારણ કરી હતી જેમનું કુલ વજન ૬૩.૫૦ કિલોગ્રામ જેટલું હતું. રુઆને તો વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો પરંતુ તમે બિલકુલ આવી કોશિશ ન કરતા કારણકે મધમાખીનો ડંખ મૃત્યુનું કારણ પણ બની શકે છે.

૩ – એક મિનિટમાં સહુથી વધારે વંદા ખાવા

વાંચીને જ ચીઢ ચડે એવો આ રેકોર્ડ છે. પરંતુ આપણે જાણીએ છીએ કે દુનિયાના અમુક દેશોમાં લોકો વંદા ખાતા હોય છે. ઇંગ્લેન્ડના ડર્બીશાયરમાં રહેતા કેન એડવર્ડ્ઝે દુનિયામાં રહેતા કોઇપણ વ્યક્તિથી પણ વધારે વંદા ખાવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને તે પણ માત્ર એક મિનિટમાં! કેને એક મિનીટની અંદર ૩૬ વંદા ખાધા છે અને તે પણ ૫ માર્ચ ૨૦૦૧ના દિવસે એક ટીવી શોમાં અને એ પણ લાઈવ!

૨ – સહુથી ભયંકર વંટોળમાં બચેલો વ્યક્તિ

ભયંકર અને તોફાની વંટોળમાં અચ્છા અચ્છા મકાનો ઉડી જતા હોય છે, પરંતુ તેમ છતાં જો કોઈ મનુષ્ય એમાંથી બચી જાય તો? તો પછી એ વિશ્વ વિક્રમ જ કહેવાયને? ૨૦૦૬માં અમેરિકાના મિસુરીમાં મેટ સટર ૩૯૮ મીટર ઊંચા ટોર્નેડોમાંથી બચી ગયો હતો. ત્યારે તે ૧૯ વર્ષનો હતો અને એક ટોર્નેડોની અંદર તે ફસાઈ ગયો હતો. તે જે જગ્યાએથી ટોર્નેડોમાં ફસાયો હતો તેનાથી ૩૯૮ મીટર દૂર એક ખેતરમાં બેભાન મળી આવ્યો હતો. સદનસીબે તેને નાની મોટી ઈજાઓ જ થઇ હતી.

૧ – સહુથી વધુ હાડકાં ભાંગવાનો રેકોર્ડ

ઇવેલ નાઈવલ એ મોટરસાયકલ પર સ્ટંટ કરે છે અને તેણે સહુથી વધુ હાડકાં ભાંગવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ૧૯૭૫ના અંત સુધીમાં તેને ૪૩૩ જેટલા ફ્રેક્ચર થયા હતા. આટલા બધા હાડકાં ભંગાયા બાદ અને અસંખ્ય વાર ચક્કર આવીને બેભાન થ્યા બાદ તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તે નાના મોટા બાઈક પ્રદર્શનોમાં આજે પણ પોતાના પુત્ર સાથે હિસ્સો લેતો હોય છે. હા તેનો પુત્ર તેની જેમ ગંભીર અને ખતરનાક બાઈક સ્ટંટ નથી કરતો.