જંતર-મંતર - 20 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

જંતર-મંતર - 20

જંતર-મંતર

( પ્રકરણ : વીસ )

ચુનીલાલ ઘરમાં બેઠા ચિંતા કરી રહ્યા હતા. હંસા પણ બેચેનીપૂર્વક ઘરમાં અહીંથી તહીં આંટા મારતી હતી. આજે વહેલી સવારે મનોરમામાસી સાથે મનોજ સુલતાનબાબાને બોલાવવા સંબલપુર ગયો હતો. બધાના મનમાં શંકા હતી. સુલતાનબાબા આટલી બધી દૂરથી આવશે, એવો વિશ્વાસ ઘરનાં કોઈનાય મનમાં નહોતો. અધૂરામાં પૂરું મનોજ ઘરેથી સુલતાનબાબાને બોલાવવા જવા નીકળ્યો ત્યારપછી રીમા તોફાને ચઢી હતી.

બધાની બેચેની અને આતુરતા વચ્ચે સાડા દશ-અગિયાર વાગ્યાના સમયે મનોરમામાસી અને મનોજ સુલતાબાબાને લઈને આવી પહોંચ્યા.

સુલતાનબાબાએ કાળો ઝભ્ભો પહેર્યો હતો. માથા ઉપર કાળા કપડાંની ગોળ ટોપી પહેરી હતી. એમના માથાના વાળ લાંબા અને સફેદ હતા. દાઢી પણ સફેદ હતી. એમણે લાલ રંગના મોટા મણકાની એક માળા ગળામાં પહેરી હતી. એવી લાલ રંગની નાની માળા એમના હાથમાં હતી. એમની ઉંમર સિત્તેર વરસ કરતાં પણ વધારે હોય એમ પહેલી નજરે જ લાગતું હતું. એમની આંખો ખાસ્સી મોટી, કાળી અને ચમકદાર હતી. એમના ચહેરાનું તેજ ભલભલાને આંજી નાખે એવું હતું.

સુલતાનબાબાને આવેલા જોઈને ઘરનાં બધાં ખુશ-ખુશ થઈ ગયાં હતાં. ચુનીલાલ દોડીને સુલતાનબાબાને કંઈક કહેવા ગયા, પણ સુલતાનબાબાએ હાથ બતાવીને એમને અટકાવતાં કહ્યું, ‘બધું જ ઠીક થઈ જશે. તમે ચિંતા ન કરો.’ પછી એમણે સામે ઊભેલી રીમા તરફ જોયું. રીમાની આંખો સુલતાનબાબા સામે સ્થિર હતી. બેય એક સરખી તાકાત ધરાવતા બળવાન દુશ્મનો એકબીજા ઉપર હુમલો કરવા માટે પેંતરો લેતા હોય એમ બન્ને એકબીજા સામે તાકી રહ્યા.

સુલતાનબાબાના હોઠ ફફડવા માંડયા. જ્યારે રીમા એમની સામે ચેનચાળા કરવા લાગી. હસવા અને કૂદવા લાગી.

થોડીકવાર સુધી કંઈક પઢયા પછી સુલતાનબાબાએ પોતાની ઝોળીમાંથી એક સફેદ કપડું કાઢીને જમીન ઉપર બિછાવી દીધું. અને ચૂપચાપ એની ઉપર બેસીને આંખો મીંચી લીધી.

રીમા સુલતાનબાબાની આજુબાજુ અને આખાય ઘરમાં ચારે તરફ પાંજરામાં પુરાયેલી વાઘણની જેમ ઝડપથી આંટા મારવા લાગી.

સુલતાનબાબાએ આંખો ખોલી ત્યાં સુધી હંસાએ ધૂપદાનીમાં સળગતા કોલસા ભરીને મૂકી દીધા હતા. સુલતાનબાબા એકાદ મિનિટ સુધી એ ધૂપદાનીમાં નીકળતા ધુમાડાને જોઈ રહ્યા. પછી પાસે ઊભેલી હંસા તરફ જોઈને બોલ્યા, ‘બેટી, તેં સારું કામ કર્યું....પણ મને એની જરૂર નહીં પડે. ફકીરબાબાએ એને બાંધી રાખ્યો છે. પણ આપણે તો એને ખતમ કરવાનો છે. તું મને એક લીંબુ આપ બેટી....!’

હંસા તરત જ દોડીને રસોડામાંથી એક સારું મોટું લીંબુ ઉઠાવી લાવી. સુલતાનબાબાએ ચારે તરફ લીંબુ ફેરવીને જોયું. પછી હંસાને કહ્યું, ‘બેટી, હવે મને ચાર-પાંચ લાંબી સોય લાવી દે.’

હંસા ફરી સોય લેવા માટે દોડી ગઈ અને થોડીવારમાં ચારેક સોય લાવીને સુલતાનબાબા સામે મૂકી. સુલતાનબાબાએ ફરી આંખો મીંચી લીધી. હવે એમણે પઢી-પઢીને થોડી થોડી વારે ચારે દિશાઓમાં ફૂંકો મારવા માંડી.

સુલતાનબાબાએ જોરથી ફૂંકો મારવી ચાલુ કરી પછી રીમાની ઉછળકૂદ અને દોડભાગ ખૂબ વધી ગયાં હતાં. એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. એનો ચહેરો તાંબાની જેમ લાલચોળ થઈ ગયો હતો. એની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. હવે એ પોતાના મોઢેથી ગણગણતી હોય એમ ચિત્ર-વિચિત્ર અવાજો પણ કાઢવા લાગી હતી.

અચાનક સુલતાનબાબાએ જોશથી ત્રાડ નાખીને આંખો ઉઘાડી. સામે પડેલી લીંબુ ઉઠાવીને એમણે લીંબુ ઉપર ફૂંક મારી. પછી લીંબુને ડાબા હાથમાં પકડીને, એમણે જમણા હાથમાં એક સોય લીધી. પણ એ સોય ઉપર ફૂંક મારતાં જ જાણે અજબ ચમત્કાર થયો. ચારે તરફ દોડાદોડી કરતી અને સુલતાનબાબાની આસપાસ ઘુમરાયા કરતી રીમા આવીને, સુલતાનબાબાની સામે ફસડાઈ પડી.

સુલતાનબાબાએ એ સોયને હળવેકથી લીંબુની છાલ ઉપર ઘોંચી, લીંબુમાં સોય ઘોંચતાં જ, જાણે પોતાની પીઠમાં ધારદાર ભાલો ઘોંચાયો હોય એમ રીમા જોશથી પીડાભરી ચીસ પાડી ઊઠી. પણ પછી રીમાનું બધું તોફાન જાણે શાંત પડી ગયું. સુલતાનબાબાએ થોડીકવાર એને એમ ને એમ પડી રહેવા દીધી. રીમા પડી પડી હાંફતી રહી.

જ્યારે રીમા કંઈક શાંત થઈ, એની હાંફ ઓછી થઈ પછી સુલતાનબાબાએ હંસા તરફ નજર કરી, ‘બેટી, એના બાવડા ઉપરનું તાવીજ કાઢી નાખ.’

તાવીજ ખોલવાનું નામ સાંભળીને જ હંસા ડરી ગઈ, એના મનમાંનો ભય એના ચહેરા ઉપર ડોકાવા લાગ્યો ત્યારે સુલતાનબાબાએ એને ધરપત આપીને સમજાવી, ‘બેટી, જ્યાં સુધી તાવીજ હશે ત્યાં સુધી એ શયતાન સાથે વાતચીત નહીં થઈ શકે. તું ખોલી નાખ. મેં એને પકડી રાખ્યો છે. હવે એ તોફાન નહીં કરે.’

હંસાએ તાવીજ ખોલી નાખ્યું. તાવીજ ખોલતાં-ખોલતાં બે-ત્રણ વાર હંસાનો હાથ ધ્રુજી ગયો. તાવીજ ખૂલી ગયું એટલે સુલતાનબાબાએ હંસાને ત્યાંથી ખસી જવા માટે ઈશારો કર્યો. હંસા દૂર ખસી ગઈ.

સુલતાનબાબા થોડીકવાર ચૂપચાપ પોતાની નજીક પડેલી રીમાને જોઈ રહ્યા. પછી એમણે ત્યાંથી નજર ખસેડીને લીંબુ ઉપર નજર ઠેરવી અને ઝડપથી કંઈક પઢવા માંડયું.

એ વખતે આખાય કમરામાં બિલકુલ ખામોશી પથરાયેલી હતી. ચુનીલાલ, રંજનાબહેન, મનોજ અને હંસા ધડકતા દિલે, મન મજબૂત કરીને ચૂપચાપ ઊભાં હતાં. એમની આંખો સુલતાનબાબા ઉપર મંડાયેલી હતી. કમરામાં એટલી શાંતિ હતી કે સુલતાનબાબાનો હોઠ ફફડાવવાનો અવાજ પણ સાંભળી શકાતો હતો.

અચાનક કમરામાં વીજળીનો ઝબકારો થયો હોય એમ, એક જોરદાર પ્રકાશનો લીસોટો પડયો. એની સાથે જ સુલતાનબાબાએ લીંબુમાંથી સોય પાછી ખેંચીને, પછી લીંબુમાં ઘોંચી. એની સાથે જ રીમા જમીન ઉપરથી અદ્ધર ઉછળીને પાછી પટકાઈ. અને બરાબર એ જ વખતે એની કારમી પીડાભરી ચીસ અને સુલતાનબાબાનો પહાડી અવાજ એકીસાથે સંભળાયા : ‘બોલ...કોણ છે તું...?’

એક ધ્રુજારીભર્યો પુરુષનો અવાજ સુલતાનબાબા સામે સંભળાયો, ‘હું સિકંદર છું...!’ એ અવાજમાં જુસ્સો પણ હતો, ગુસ્સો પણ હતો, તુમાખી પણ હતી અની પીડા પણ હતી.

સુલતાનબાબાએ ફરીથી લીંબુમાંથી સોય પાછી ખેંચી લીધી અને પછી જોશથી એ સોય પાછી લીંબુમાં ઘોંચતાં તેમણે ત્રાડ નાખી...‘તું અહીં કેમ આવ્યો છે...?’

‘તું અહીં શા માટે આવ્યો છે ?’ સુલતાનબાબાના સવાલનો સીધો જવાબ આપવાને બદલે સિકંદરે સવાલ પૂછયો. જોકે, હજુય એના અવાજમાં તોછડાઈની સાથોસાથ પીડાની ધ્રૂજારી પણ હતી.

સુલતાનબાબાએ ગુસ્સાથી ત્રાડ નાખીને સવાલ પૂછયો, ‘બોલ તું કેમ આવ્યો છે ?’

‘તું કેમ આવ્યો છે ?’ સિકંદરે ધ્રુજારીભર્યા અવાજે પૂછીને ઉમેર્યું, ‘....તારા જેવા એક ભિખારીને તો મેં કયારનોય ખતમ કરી નાખ્યો છે....તું પણ મારા હાથે મરવાનો છે.’

સુલતાનબાબાનો ગુસ્સો જાણે બેવડાઈ ગયો. એમણે ગુસ્સાથી ધ્રુજતા અવાજે કહ્યું, ‘તું મને ખતમ નહીં કરી શકે. મેં તારા જેવા કેટલાંયને જીવતા સળગાવી દીધા છે. તને પણ સળગાવી દઈશ... સીધી રીતે મારા સવાલનો જવાબ આપતો જા....નહીંતર રિબાવી... રિબાવીને ખતમ કરીશ....!’ કહેતાં એમણે થોડીકવાર કંઈક પઢીને પછી એક ફૂંક મારતાં જોશથી લીંબુમાં સોય ઘોંચી...‘બોલ શું કામ આવ્યો છે ?’

લીંબુમાં સોય ઘોંચતાં જ રીમા તડપી ઊઠી. પીડાથી ટળવળતી એ જોશથી ચીસો પાડવા લાગી. એની ચીસોની સાથોસાથ સિકંદરનો ઢીલો પડેલો અવાજ પણ સંભળાયો, ‘રહેવા દો...રહેવા...મને પરેશાન ન કરો. મને છોડી દો...છોડી દો...છોડી...!’

‘નહીં, બતાવ...શું કામ આવ્યો છે ?’ સુલતાનબાબાએ ત્રાડ નાખતા પૂછયું.

સિકંદરે કારણ બતાવવાને બદલે ફરીવાર પોતાનું નામ બતાવ્યું, ‘હું સિકંદર છું...!’

સુલતાનબાબાએ સોય પાછી ખેંચી લીધી. સોય પાછી ખેંચાતાં જ રીમાએ છુટકારાનો દમ ખેંચ્યો. અને સિકંદરનો અવાજ આવ્યો, ‘હું સિકંદર છું, સિકંદર...તું અને તારા જેવા અનેક મારી મુઠ્ઠીમાં છે...!’

સુલતાનબાબાએ તીખી નજરે એની સામે જોઈને ધારદાર અવાજે કહ્યું, ‘મેં તારા જેવા કંઈક જોઈ નાખ્યા છે...યાદ રાખ સિકંદરમાં દુનિયા જીતી લેવાની તાકાત હતી, છતાંય એને માથેય મોત હતું.’

‘પણ હું નહીં મરું...મારે માથે મોત નથી...મને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી.’

‘તું સીધી રીતે નહીં જાય તો હું તને ખતમ કરી નાખીશ....’ સુલતાનબાબાનો અવાજ ગુસ્સાથી ઉછાળા મારતો હતો. જ્યારે એમની સામે સિકંદરનો અવાજ એમને વધુ ચીડવતો હતો, ‘હું નહીં જાઉં....હું આ છોકરીને લઈને જ જઈશ....’

સુલતાનબાબાએ ફરી પેલી સોય પૂરા જોશથી લીંબુમાં ઘોંચી દીધી. આખી સોય લીંબુમાંથી પસાર થઈ ગઈ. એના બેય છેડા લીંબુની બન્ને તરફ બહાર ડોકાઈ રહ્યા. પણ લીંબુમાં સોય ઘોંચાતાંની સાથે જ રીમા ઉછળીને પટકાઈ...એણે હાથ-પગ ઉછાળવાનું અને પછાડવાનું શરૂ કર્યું....

સુલતાનબાબાએ હવે બીજી સોય હાથમાં લીધી અને એ સોય ઉપર પઢી-પઢીને ફૂંકવા માંડયું. અને પછી હળવેકથી એ બીજી સોયની અણી જરાક લીંબુની છાલ ઉપર દબાવી.

હવે રીમા વધુ જોશથી ધૂણવા લાગી. એના હાથ-પગ જમીન ઉપર ખૂબ જોશથી પછડાવા લાગ્યા. બધાને ડર લાગવા માંડયો કે જાણે હમણાં એકાદ હાથ કે પગનું હાડકું તૂટી જશે. બધાને રીમાની આ હાલત ઉપર દયા આવતી હતી. પણ બધાં લાચાર બનીને ચૂપચાપ રીમાને પછડાતી અને પટકાતી જોઈ રહ્યાં હતાં.

સુલતાનબાબા ગુસ્સાથી ધ્રુજતા બોલ્યા, ‘હું તને એમ નહીં મારું....હું તને તડપાવી તડપાવીને મારીશ...!’

જવાબમાં સિકંદરનો પીડા ભરેલો, ઠંડો અવાજ સંભળાયો, ‘પણ મેં તારું બગાડયું છે શું ?’

સિકંદરનો અવાજ સાંભળીને સુલતાનબાબાએ સામે ત્રાડ નાખી, ‘તો...આ છોકરીએ તારું શું બગાડયું છે ?’

‘હું આવી છોકરીઓને ખતમ કરીને મારું વેર લઉં છું....આવી જ એક છોકરીએ મારી સાથે બેવફાઈ કરી છે...!’ ઊંડા કૂવામાંથી અવાજ આવતો હોય એવો ધીમો અને ઠંડો અંગારા જેવો અવાજ સંભળાયો.

ફરી વાતાવરણમાં સુલતાનબાબાનો અવાજ ફરી વળ્યો, ‘આજ સુધીમાં તેં કેટલી છોકરીઓને પરેશાન કરી છે...?’

‘આજ સુધી પંદર છોકરીઓને મેં ખૂબ સહેલાઈથી ખતમ કરી નાખી છે...અને આજ સુધી મને કોઈ ખતમ કરી શકયું નથી...આ સોળમી છોકરી છે....એને પણ હું ખતમ કરીને જ જઈશ....’

‘તું છોકરીઓને કેવી રીતે ખતમ કરે છે...?’

સુલતાનબાબાના આ સવાલનો સામેથી કોઈ જવાબ આવ્યો નહીં. એટલે સુલતાનબાબાએ પોતાના હાથમાંની બીજી સોય લીંબુમાંથી પાછી ખેંચીને જોશથી લીંબુમાં ઘોંચી દીધી...એની સાથે જ વીજળીનો એક તેજ ઝબકારો થયો અને વાદળના એક જોરદાર કડાકા સાથે બહાર મુશળધાર વરસાદ તૂટી પડયો. એની સાથે જ સિકંદરની પીડા ભરેલી ત્રાડ સંભળાઈ, ‘હું તમારા પગે પડું છું. મને છોડી દે..છોડી દે...!’

‘નહીં...તું આ છોકરીને છોડી દે...’

‘આ છોકરી તો હવે કોઈ રીતે છૂટી શકે એમ નથી. હું આ છોકરીને પણ નહીં છોડું અને તને પણ નહીં છોડું...જો તું મને વધુ પરેશાન કરીશ તો એનું પરિણામ સારું નહિ આવે.’

સુલતાનબાબાએ એ બીજી સોય બરાબર લીંબુમાં ઘોંચી દીધી અને પછી હંસા પાસેથી રીમાનું તાવીજ લઈને રીમાને બાવડે ફરી પાછું બરાબર મજબૂત રીતે બાંધી દઈને તેઓ ચુનીલાલ તરફ ફર્યા. ‘જુઓ, એ કોઈક શક્તિશાળી આત્મા છે. પણ વાંધો નહીં આવે, હું એને ખતમ કરીને જ જંપીશ. જોકે, એને માટે થોડોક સમય લાગશે. આમ તો અત્યારે એ બરાબર બંધાયેલો છે, એટલે બહુ વાંધો નહીં. કોઈનો જીવ પણ એ લઈ શકે એમ નથી.’ એમ કહીને એમણે સોય ખોંસેલું લીંબુ હંસાને આપતા કહ્યું, ‘બેટી, આને સાચવીને મૂકી દે. આપણી લડાઈનો બધો આધાર આ લીંબુ ઉપર જ છે. ખાસ કરીને એમાંથી સોય નીકળી ન જાય તેનું બરાબર ધ્યાન રાખજે...’

સુલતાનબાબાએ ધીમે-ધીમે બધું જ સમેટીને પોતાની ઝોળીમાં ભરી લીધું અને પછી ઊભા થઈને ચુનીલાલની નજીક આવ્યા, ‘હવે હું કાલે પાછો આવીશ, પણ ત્યાં સુધી તમે છોકરીનું બરાબર ધ્યાન રાખજો. બને ત્યાં સુધી એને કયાંય બહાર મોકલતા નહીં....!’ અને પછી સુલતાનબાબા બહાર નીકળી ગયા. મનોજ એમને મૂકી આવવા પાછળ દોડયો. પણ સુલતાનબાબાએ એને સમજાવીને પાછો રવાના કરી દીધો.

સુલતાનબાબા ગયા પછી રીમાએ કોઈ તોફાન કર્યું નહીં. એ થાકીને લોથપોથ થઈ ગઈ હતી એટલે મોડે સુધી ઊંઘતી રહી. રીમાને શાંત જોઈને હંસાના મનને પણ શાંતિ થઈ.

પણ બરાબર સાંજના સાત વાગે દિવસ આથમવાના ટાણે રંજનાબહેન હેમંતને રમાડતાં બેઠાં હતાં. પેઢીએથી ચુનીલાલ અને મનોજ હજુ ઘરે આવ્યા નહોતા. રીમાની તબિયત ખરાબ થયા પછી બન્ને બાપ-દીકરો પેઢીનાં કામકાજમાં પણ ધ્યાન આપી શકતા નહોતા. પેઢીનાં કામમાં એમનું ચિત્ત ચોંટતું નહોતું. હિસાબમાં ઘણા ગોટાળા થતા હતા. નછૂટકે જ બાપ-દીકરો પેઢીએ જતા હતા. ઘરમાં પણ બધાનાં મન ઊંચાં રહેતાં હતાં. અત્યારે હંસા પણ રસોડામાં ઊંચા મને રસોઈ બનાવતી હતી. આવડા મોટા ઘરમાં ઉદાસીભરી ખામોશી હતી.

અચાનક રીમા એક ચીસ નાખતી ઊભી થઈને, ઝડપથી બહાર દોડી ગઈ. રસોડામાંથી એ માંડ પાંચ-સાત ડગલાં બહાર નીકળી હશે, ત્યાં સામેથી દોડતી-હાંફતી રીમા આવીને વળગી પડી. એ ગાંડી થઈ ગઈ હોય એમ ‘બચાવો..બચાવો..એ મારી નાખશે.’ એમ એકનું એક વાકય સતત બોલતી જતી હતી.

રીમાની પાછળ-પાછળ જ એક મોટો બિલાડો દોડતો આવી પહોંચ્યો અને રીમા અને હંસાની આસપાસ ચક્કર લગાવવા માંડયો. હંસાએ ગુસ્સે થઈને એને હાંકવા સિસકારો કર્યો અને પગથી એને હડસેલો મારવાનો પ્રયત્ન કર્યો. પણ એ સિસકારાથી એ બિલાડા ઉપર કંઈ અસર થઈ નહીં. એ થોડીકવાર માટે એની ચારે તરફ ફરતો અટકી ગયો અને હંસા સામે પોતાના સફેદ, ચળકતા ડોળા તાકીને ઘૂઘવાટા કરવા લાગ્યો. એ બિલાડાની એ ચમકદાર મોટી આંખો એટલી બધી બિહામણી હતી કે, ગમે તેવો મજબૂત કાળજાનો આદમી પણ એ જોઈને છળી મરે...હંસા પણ ડરી ગઈ. એ આંખો મીંચીને રીમાને વળગી ગઈ....

પછી..? પછી શું થયું..? બિલાડાએ શું કર્યું...? રીમાનો ઈલાજ કરવા આવેેલા સુલતાનબાબાએ શું કર્યું...? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? રીમાનું શું થયું ? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરુષ સિકંદરનું શું થયું ? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Payal Chavda Palodara

Payal Chavda Palodara માતૃભારતી ચકાસાયેલ 7 માસ પહેલા

Alpesh Barot

Alpesh Barot માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Tejal

Tejal 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 3 વર્ષ પહેલા