જંતર-મંતર - 19 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

જંતર-મંતર - 19

જંતર-મંતર

( પ્રકરણ : ઓગણીસ )

ફકીરબાબાના અવસાન પછી સુલતાનબાબા રીમાની હાલત જોઈને રીમાનો ઈલાજ કરવાની ના પાડી દેશે તો રીમાનું શું થશે...? એ વિચાર આવતાં જ હંસા ધ્રૂજી ઊઠી. તેમ છતાંય તેણે હિંમતથી કામ લેવાનું નક્કી કર્યું. હંસાએ હેમંતને ખોળામાં લીધો. હેમંતે રીમાના બાવડા ઉપરના તાવીજ સાથે રમતા રમતા હળવેકથી તાવીજ ખોલી નાખ્યું હતું અને એ અડધું તાવીજ ખૂલી જવા પછી રીમાની આંખમાં એક પ્રકારની ચમક આવી ગઈ હતી. શિકારને જોઈને શિકારીની આંખમાં ચમક આવે એવી ચમક.

હંસાએ શાકની ઝોળી ફગાવીને હેમંતને પોતાની છાતી સરસો ચાંપી લીધો હતો અને પછી કચકચાવીને તાવીજ બાંધી દીધું હતું.

એની અસર સિકંદર ઉપર જબરી પડી હતી.

ખંડેરમાં સિકંદર લોખંડથી બંધાયેલી હાલતમાં પડયો હતો. અને જેવું હેમંતે તાવીજ ખોલવા માંડયું, તેવો જ એ સાવધ થઈ ગયો હતો. ઘડી બે ઘડીમાં પોતે છૂટી જશે એવું એને લાગવા માંડયું હતું. પણ છેલ્લી ઘડીએ હંસાએ આવીને બધી જ બાજી બગાડી નાખી હતી.

સિકંદર ખૂબ શક્તિશાળી હતો. માત્ર ઈંટ-ચૂનાની જ નહીં પણ કાચની અને લોખંડની દીવાલની આરપાર જવાની એ તાકાત ધરાવતો હતો. એની સામે લોખંડની સાંકળોનો તો કોઈ હિસાબ નહોતો.

પણ આ લોખંડની સાંકળો સાચા લોખંડની નહોતી. એ તો ઈલમથી અને મંત્રથી પેદા થયેલી ચમત્કારિક અદૃશ્ય સાંકળો હતી. પણ લોખંડની સાંકળો કરતાંય મજબૂત હતી. એ સાંકળોથી સિકંદર બરાબરનો બંધાયેલો હતો. સાંકળોના બંધનમાંથી સિકંદર છૂટો થવાની અણી ઉપર હતો ત્યાં જ હંસાએ પેલા તાવીજને બરાબર બાંધીને સિકંદરને બરાબર બાંધી દીધો હતો.

હંસાની આ હરકતથી સિકંદર બરાબરનો છંછેડાઈ ગયો હતો. આમેય એ શરૂઆતથી જ હંસા ઉપર ખિજવાયેલો હતો. જ્યારે એણે માવજીનું ખૂન પીધું હતું, ત્યારે પોતાને છુપી રીતે જોઈ રહેલી હંસા ઉપર જ એને ગુસ્સો ચડયો હતો. પણ એ પછી હંસા તરફ એણે કોઈ ધ્યાન આપ્યું નહોતું.

પણ દિવસે દિવસે હંસા વધુ ને વધુ આ બાબતમાં ચિંતા કરતી હતી, પોતાનાં સાસુ-સસરા, પતિ અને અમરને પણ એણે જ આ વાતનો ફોડ પાડયો હતો. ફકીરબાબાની મદદમાં પણ એ જ રહેતી હતી. એ બાઈ પહેલેથી જ સિકંદરને ખટકતી રહી હતી. અને એમાંય એણે તાવીજ બરાબર કચકચાવીને બાંધવાની હરકત કરી એટલે સિકંદર એની ઉપર ધૂંઆપૂંઆ થઈ ગયો.

સિકંદરને બાંધી દેનાર અને સિકંદરને ખતમ કરવાની વાતો કરનારને સિકંદરે કયારનોય ખતમ કરી નાખ્યો હતો. ફકીરબાબાને ખતમ કર્યા પછી સિકંદર મનોમન ખુશ થતો હતો.

ફકીરબાબા એના રસ્તાનો મોટામાં મોટો કાંટો હતો. એ કાંટો તો દૂર થઈ ગયો હતો. હવે ફકત એક હંસા બાકી હતી.

અને જ્યારે ફકીરબાબા જેવો ઈલમનો જાણકાર અને સિકંદર સામે હિંમતથી ટક્કર લેનાર જાણકાર ખતમ થઈ ગયો હતો તો પછી હંસા જેવી સામાન્ય સ્ત્રીનું તો સિકંદર સામે શું ગજું ?

સિકંદરે બરાબર એ જ વખતે મનમાં નક્કી કરી લીધું કે ફકીરબાબા તો ખતમ થઈ ગયો. હવે એ હંસાને પરેશાન કરશે...હા, હંસાને ખતમ નહીં કરે....સહેલાઈથી મારી નહીં નાખે....એને ડરાવશે… ડરાવી....રડાવશે અને રડાવી રડાવીને અધમૂઈ કરી નાખે. એ રીતે ખૂબ રિબાવ્યા પછી એને ખતમ કરી નાખશે....મનમાં એવો ભયાનક નિર્ણય લઈને સિકંદર ખડખડાટ હસી પડયો. એના અટ્ટહાસ્યથી ખંડેરની દીવાલો ધ્રુજી ઊઠી. એ ખંડેરમાં માળાઓ બાંધીને રહેતા પંખીઓ ડરી-ફફડીને માળો છોડીને ભાગી ગયાં. સિકંદરના આ અટ્ટહાસ્યના પડઘાં કયાંય સુધી ખંડેરમાં ગુંજતા રહ્યા....

સિકંદરના એ પડઘા શમે એ પહેલાં જ હંસાની સામે એક મોટો કાળો બિલાડો આવીને ખડો થઈ ગયો.

હંસાને બદલે જો રીમા સામે બિલાડો આવીને ખડો થઈ ગયો હોત તો રીમા ધ્રુજી ઊઠી હોત. પણ હંસા એમ ડરી કે ધ્રુજી જાય એવી નહોતી. એનું દિલ વધુ પડતું મજબૂત અને એનું કાળજું વધુ પડતું કઠણ હતું. એણે બિલાડાને હાંકવા માટે કોઈક વસ્તુ શોધવા ડાબી તરફ જોયું. એ એકાએક ચોંકી ગઈ. ડાબી તરફ એવો જ એક બિલાડો એની સામે આંખો તાણીને ઊભો હતો.

હંસા એ બિલાડાને હાંકે એ પહેલાં જ એને પાછળના ભાગમાંથી અને જમણી તરફથી ‘મિયાઉં… મિયાઉં...’નો અવાજ સંભળાયો. હંસાએ ચમકીને પાછળ જોયું. ખરેખર ત્યાં પણ એવો જ મોટો બિલાડો હતો. હવે હંસાના મનમાં ફફડાટ પેઠો. લાગ્યું કે અત્યાર સુધી રીમાને પરેશાન કરનાર સિકંદર હવે પોતાને હેરાન-પરેશાન કરવા લાગ્યો છે.

એણે ગુસ્સાથી એ બિલાડા સામે જોયું. બિલાડાની આંખો પણ ક્રોધથી લાલ બનેલી હતી. હંસાએ વારાફરતી નજર ઘુમાવીને ત્રણે તરફ જોયું. ત્રણે બિલાડા એક સરખા જ દેખાતા હતા. અચાનક એને મનમાં શંકા જાગી. બિલાડા ત્રણ નથી, બિલાડો તો એક જ છે. પણ પોતાને એ ત્રણે બિલાડા અલગ-અલગ દેખાય છે. પોતે જે તરફ નજર નાખે છે એ તરફ એ જ બિલાડો હાજર થઈ જાય છે.

સતત પોતાની સામે તાકી રહેલા બિલાડાઓને જોઈ રહ્યા પછી હવે હંસાને પણ મનમાં બીક લાગવા માંડી હતી. એનું કઠોર કાળજું પણ હવે આછું આછું ધ્રુજવા લાગ્યું હતું. એણે મનોમન કોઈક તરકીબ લડાવાનો વિચાર કર્યો.

એણે પોતાની સામેના બિલાડા ઉપર નજર જમાવી રાખી અને પછી પોતાના બેય હાથ નજીક પડેલા શાક બનાવવા માટે કાપવા લીધેલા રીંગણાં ઉઠાવ્યા અને પોતાના મનને મજબૂત કરીને એણે એ રીંગણાં એ બિલાડાઓ તરફ જોયા વિના જ અંદાજે ફેંકી દીધા.

હંસાના હાથમાંથી રીંગણ ફેંકાયા પછી તરત જ એની સામેનો બિલાડો ઊછળીને ભાગી ગયો.

હંસાએ તરત જ નજર ફેરવીને, ઝડપથી પોતાની ડાબી અને જમણી તરફ જોયું. પણ જોતાં જ એ ફરી એકવાર ચોંકી ગઈ. એનું દિલ ઝડપથી ધડકી ઊઠયું.

બન્ને તરફથી બિલાડાઓ તો ભાગી ગયા હતા, પણ બન્ને બિલાડાઓને હાંકવા-મારવા માટે તેણે ફેંકેલા રીંગણાની જગ્યાએ એક તાજું ખીલેલું ફૂલ પડયું હતું.

હંસા એ ફૂલને ઓળખી ગઈ. આવું જ પીળું ખીલેલું પીળા રંગનું ફૂલ એણે ઘણીવાર રીમાના કમરામાં જોયું હતું.

રીમાએ પહેલીવાર એ ફૂલ સૂંઘ્યું અને એ પીળું ફૂલ સૂંઘ્યા પછી જ એ શયતાન સિકંદર એને વળગ્યો હતો.

પીળા ફૂલને જોતાં જ હંસા ચેતી ગઈ અને ચેતીને ત્યાંથી ઊભી થઈને પોતાના કમરામાં ચાલી ગઈ.

પણ હંસા પોતાના કમરાના બારણા પાસે પહોંચી કે તરત જ કમરાના અંદરનું દૃશ્ય જોઈને હંસાના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ.

હેમંત પથારીમાં રંગીન પ્લાસ્ટીકના ગોળ દડાથી રમતો હતો, હેમંતની નજર એ દડાના રંગો ઉપર ચોંટેલી હતી. અને હેમંતથી ચાર-પાંચ વેંત દૂર એક બિલાડો, હેમંત ઉપર છલાંગ મારીને એને પીંખી નાખવાની તૈયારી કરતો બેઠો હતો.

પણ એ બિલાડો હેમંત ઉપર છલાંગ મારે એ પહેલાં તો હંસાએ દોડીને હેમંતને ઉઠાવીને, પોતાની છાતી સરસો ચાંપી લીધો હતો.

આ ઉપરા-ઉપરી બનેલી બે ઘટનાઓ અને સિકંદરની માયાજાળ જેવા બિલાડાઓથી હંસા ખૂબ જ ડરી ગઈ હતી. આ રીતે તો કેવી રીતે જીવી શકાશે ? આમ ને આમ કયાં સુધી ચાલશે ? અધૂરામાં પૂરું હવે તો એ શયતાન સિકંદરની સામે ટક્કર લેનાર એ હરામખોરનો સામનો કરનાર ફકીરબાબા ખતમ થઈ ગયા હતા.

એ જ સાંજે હંસાએ પોતાનાં સાસુ અને સસરાને કહી દીધું, ‘આ રીતે કયાં સુધી ચાલશે ? રીમાના બાવડા ઉપર જ્યાં સુધી તાવીજ બંધાયેલું છે ત્યાં સુધી એ હરામખોર પણ બંધાયેલો છે. પણ જ્યારે રીમાના બાવડા ઉપરનું તાવીજ ખૂલી જશે કે તરત જ એ શયતાન આઝાદ થઈ જશે. અને એ વખતે એને વશ કરવો મુશ્કેલ થઈ પડશે. માંડ માંડ રીમા મોતના મોઢામાં જતી બચી છે. એની તબિયત પણ સુધરવા લાગી છે અને એનું શરીર પણ સારું થયું છે. આપણે તરત જ કોઈક ઈલાજ શરૂ કરી દેવો જોઈએ.’

હંસાની વાત સાંભળીને એના સસરા બોલ્યા, ‘બેટા, તમે જ કહો, આપણે હવે એનો શો ઈલાજ કરી શકીએ ?’

સસરાના અવાજમાં રહેલી ભારોભાર ગંભીરતા અને ચિંતા જોઈને હંસાનું હૈયું પણ ભરાઈ આવ્યું. એ જવાબ આપે એ પહેલાં એનો પતિ મનોજ બોલી ઊઠયો, ‘હવે આપણે બીજા કોઈ સાધુ કે ફકીરને શોધવો પડશે.’

મનોજની વાત સાંભળીને રંજનાબહેન બોલ્યાં, ‘અરે, એ ફકીરબાબાએ જ કોઈક મોટા ફકીરનું નામ આપ્યું હતું....’ પછી પોતાની યાદશક્તિનું રોદણું રડતાં બોલ્યા, ‘બળ્યું, મને તો હવે કંઈ યાદ જ રહેતું નથી. ફકીરબાબાએ તો કોઈક ગામનું અને ફકીરનું નામ પણ લીધું હતું.’

પોતાની સાસુની વાત સાંભળીને હંસાને કંઈક યાદ આવી ગયું હોય એમ બોલી ગઈ, ‘અહીંથી દસ માઈલ દૂર સંબલપુર ગામ છે. એ ગામની સીમમાં એક પીરની દરગાહ છે. મસ્તાનબાબા નામના એક ફકીર રહે છે...!’

‘મસ્તાનબાબા નહીં પણ સુલતાનબાબા નામના ફકીર રહે છે...!’ હંસાએ વાત યાદ કરી એટલે એના સસરા ચુનીલાલને એ વાત યાદ આવી. વહુએ જ્યારે ફકીરનું ખોટું નામ લીધું ત્યારે એમને સાચું નામ યાદ આવી ગયું અને એમણે તરત જ વહુની ભૂલ સુધારી લીધી અને પછી મનોજ તરફ ફરીને કહ્યું, ‘મનોજ, તું કાલે જ મનોરમામાસીને લઈને સુલતાનબાબા પાસે પહોંચી જા. સુલતાનબાબા જરૂર આવશે અને પોતાના ઈલમથી રીમાને સારી કરી દેશે.’

ત્યારબાદ ઘરના બધા કુટુંબની અને વહેવારની આડીઅવળી વાતોમાં પરોવાઈ ગયા. રીમા પણ આવીને બધાની સાથે બેઠી.

ઘડિયાળમાં અગિયારના ડંકા પડયા પછી જ બધાં ઊભાં ગયાં. એ વખતે ચુનીલાલે ફરી મનોજને ટકોર કરી, ‘મનોજ, તું સવારે જ તારી માસી સાથે સુલતાનબાબા પાસે ચાલ્યો જજે.’

ત્યારપછી સૌ પોતપોતાના કમરામાં ચાલ્યાં ગયાં. અડધા કલાક પછી તો ઘરમાં બધાં ઘસઘસાટ ઊંઘતાં હતાં. વાતાવરણમાં બિલકુલ ખામોશી પથરાઈ ગઈ હતી.

અચાનક રાતના એક વાગવાના ડંકાની સાથે ઘરમાં રીમાની એક ભયાનક ચીસ ગુંજી ઊઠી.

ચુનીલાલ, રંજનાબહેન, મનોજ અને હંસા પોતપોતાની પથારીમાંથી ઊઠીને રીમાના કમરા તરફ દોડી ગયાં.

રીમાના કમરામાં ઘૂસીને મનોજે લાઈટ ચાલુ કરી.

કમરાનું દૃશ્ય જોઈને બધા ચોંકી ગયા.

રીમાનો એક હાથ પલંગની નીચે લટકતો હતો. હાથની એક આંગળી ઉપર ચીરો પડેલો હતો અને એમાંથી લોહીની ધાર સતત ટપકતી હતી. નીચે જમીન ઉપર એક બિલાડો બેઠો બેઠો એ લોહીની ધારાને પોતાની પીઠ ઉપર ઝીલી રહ્યો હતો. એની પીઠ ઉપર પડતા લોહીથી એને કોઈક અજબ પ્રકારનો સંતોષ મળતો હોય એમ એ આંખો બંધ કરીને પડયો હતો.

મનોજે તરત જ સિસકારા કરીને એને ભગાડી મૂકયો અને હંસાએ ઝડપથી રીમાનો હાથ પોતાના હાથમાં લઈને જોવા માંડયો.

હંસાએ રીમાનો હાથ પકડયો ત્યારે જ બધાને ખબર પડી કે રીમા બેભાન થઈ ગઈ છે.

હંસાએ ઝડપથી રીમાની આંગળીઓ સાફ કરીને પાટો બાંધવા માંડયો. મનોજ રીમાને ભાનમાં લાવવા માટે એના મોઢા ઉપર ઠંડા પાણીની છાલકો મારવા લાગ્યો. જ્યારે રંજનાબહેને જમીન ઉપરથી લોહીના ડાઘ સાફ કરી નાખ્યા.

થોડી જ વારમાં રીમા ભાનમાં આવી ગઈ. ત્યારપછી બધાં ઘણીવાર સુધી રીમાના કમરામાં બેસી રહ્યાં. પણ બે-અઢી કલાક સુધી કોઈ ઘટના બની નહીં અને રીમા ફરી ઊંઘવા લાગી. એટલે સૌ પોતપોતાના કમરામાં જઈને પથારીમાં પડયાં.

મનોરમામાસી સાથે મનોજ બીજા દિવસે સવારે સાત વાગે જ સંબલપુર જવા નીકળ્યો. અડધા કલાક પછી બન્ને જણાં સંબલપુર પહોંચ્યાં.

દરગાહ શોધતાં બન્નેને બહુ વાર ન લાગી. દરગાહના ઓટલા ઉપર જ બેઠા-બેઠા એક લાંબી દાઢીવાળા ફકીરબાબા ફૂલોની માળા ગૂંથતા હતા.

મનોરમામાસી અને મનોજ એમને એકી નજરે જોતાં જ ઓળખી ગયાં, છતાંય મનોજે એમને પૂછયું, ‘સુલતાનબાબા કયાં મળશે....?’

એ ફકીરે એમની સામે અચરજથી જોઈને ખૂબ જ અચરજથી જવાબ આપ્યો, ‘બોલો શું કામ છે ? હું જ સુલતાનબાબા છું.’

મનોજ અને મનોરમામાસીએ એમની નજીક બેઠક લીધી. પછી હળવેકથી મનોરમામાસીએ રીમાના વળગાડની, સિકંદરની અને ફકીરબાબા ખતમ થઈ ગયા ત્યાં સુધીની તમામ વાત કરતાં ઉમેર્યું, ‘હવે અમે આપની પાસે આવ્યાં છીએ...હવે આપ જ એ છોકરીનો ઈલાજ કરી શકો એમ છો.’

સુલતાનબાબા મનોરમામાસીની વાત સાંભળીને એક તરફ શૂન્યમાં તાકી રહ્યા. પછી બોલ્યા, ‘હું કદી કોઈનેય ઘેર જતો નથી. તમારે એ છોકરીનો ઈલાજ કરાવવો હોય તો અહીં લઈ આવો. મારાથી એ શયતાન દૂર નહીં થાય...!’

સુલતાનબાબાને છટકવાનો પ્રયત્ન કરતાં જોઈને મનોજે એકદમ અધીરાઈથી કહ્યું, ‘પણ ફકીરબાબાએ જ અમને તમારું નામ-ઠેકાણું સૂચવ્યું છે. હવે આપ જ એમનું વેર લો.’

સુલતાનબાબા બોલ્યા, ‘વેર લેવાનું કામ અમારું નથી. અમે તો આ દુનિયાની મોહ-માયા છોડી એની સાથે વેર-ઝેર પણ છોડી દીધાં છે. હું તો કામ કરીને છૂટી જવામાં માનું છું. એનું સારું કે ખોટું ફળ ઉપરવાળો આપે છે.’

‘ગમે તેમ પણ હવે અમે તો તમારે આશરે આવ્યા છીએ.’ મનોરમામાસીએ સુલતાનબાબા સામે કરગરી પડતાં કહ્યુું. એમની આંખોમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યાં.

સુલતાનબાબાને મનોરમાનાં આંસુઓ જોઈને દયા આવી કે પછી કોઈક બીજા કારણસર એમણે કહ્યું, ‘હું આવીશ...અને એ શયતાનને ખતમ કરીશ... ફકીરબાબાએ એને બાંધી રાખવાની ભૂલ કરી હતી. એવા શયતાનને તો બાંધવાને બદલે ખતમ કરી નાખવો જોઈએ.’

સુલતાનબાબાને રીમાના ઈલાજ માટે આવવા તૈયાર થયેલાં જોઈને મનોજ અને મનોરમામાસીના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો.

પણ એ વખતે બન્નેમાંથી એકેયને ખબર નહોતી કે સુલતાનબાબાના ઈલાજ પછી તો સિકંદર વધારે રઘવાયો અને વધારે ભુરાટો થશે અને છટકવા માટે રીમાને ખતમ કરવા માટે વધુ ને વધુ જોરદાર પ્રયત્ન કરશે. એમાં કદાચ ઘરનું એકાદ જણ ખતમ પણ થઈ જશે.

પછી..? પછી શું થયું..? રીમાનો ઈલાજ કરવા તૈયાર થયેલા સુલતાનબાબાએ શું કર્યું...? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? રીમાનું શું થયું ? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરુષ સિકંદરનું શું થયું ? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***