પલ પલ દિલ કે પાસ - માધુરી દિક્ષિત - 29 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પલ પલ દિલ કે પાસ - માધુરી દિક્ષિત - 29

માધુરી દિક્ષિત

મધુબાલા જેવા જ મનમોહક સ્મિતની માલિક માધુરી દિક્ષિતની બોલીવુડમાં કોઈ ધમાકેદાર એન્ટ્રી નહોતી થઇ. ૧૯૮૪ માં બારમાં ધોરણના વેકેશનમાં માધુરીએ “અબોધ” ફિલ્મના શુટિંગમાં પહેલીવાર કેમેરાનો સામનો કર્યો હતો. ફિલ્મ સદંતર ફ્લોપ નીવડી હતી. કથ્થક નૃત્યમાં સતત ત્રણ વાર ટ્રોફી જીતનાર માધુરીની ત્યાર બાદ પણ સાત ફ્લોપ ફિલ્મો આવી હતી જેવી કે “આવારા બાપ” “સ્વાતી” ,“હિફાઝત”, “માનવહત્યા”, “મોહરે”, “ઉત્તર દક્ષિણ “અને “ખતરો કે ખિલાડી”. મુંબઈની પાર્લે કોલેજમાં માઈક્રો બાયોલોજી માં એડમીશન લીધા બાદ પણ માધુરી શેખર સુમનના બાઈક પાછળ બેસીને સ્ટુડિયોના ચક્કર કાપતી રહેતી.

માધુરી દિક્ષિતનો જન્મ મુંબઈમાં ૧૫/૫/૧૯૬૭ ના રોજ થયો હતો. પિતા શંકર દિક્ષિત અને માતા સ્નેહલતાને કુલ ચાર સંતાનો હતા. એક દીકરો અને ત્રણ દીકરી. પરિવારમાં ભણવાનો માહોલ હતો. બધાએ સાયન્સ સ્ટ્રીમમાં જવાનું જ પસંદ કર્યું હતું. દુર દુર સુધી માધુરીના પરિવારને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સમ ખાવા પુરતી પણ કોઈની ઓળખાણ નહોતી. બાળપણમાં ઇવન ખુદ માધુરીનું સ્વપ્ન પણ ડોક્ટર બનવાનું હતું. પરંતુ માધુરીની નિયતિમાં અભિનય જ લખેલો હતો.

૧૯૮૮માં “દયાવાન” રીલીઝ થઈ. ફિલ્મની સફળતાની તમામ ક્રેડીટ વિનોદ ખન્નાને આપવામાં આવી હતી. “દયાવાન”માં તેનાથી એકવીસ વર્ષ મોટા વિનોદખન્ના સાથે માધુરીએ લીપ્સ ટુ લીપ્સ કિસ ના જે લાંબા ચર્ચાસ્પદ દ્રશ્યો આપ્યા હતાં તેનો માધુરીને અફસોસ છે.

૧૯૮૮ માં જ “તેઝાબ” હીટ નીવડી હતી. કોરિયોગ્રાફર સરોજ્ખાને માત્ર એક ગીત (એક. દો,તીન.. )માટે સતત ત્રીસ દિવસ સુધી માધુરી પાસે રીહર્સલ કરાવ્યું હતું. સાવ સામાન્ય શબ્દો વાળું ગીત ચાલી ગયું. ફિલ્મ પણ ચાલી ગઈ અને માધુરીને તે ફિલ્મ માટે અનીલ કપૂર જેટલી જ ક્રેડીટ આપવામાં આવી. ”તેઝાબ “પછી માધુરીના ભાવ એવા ઉંચકાયા કે તે સમયે ટોચની હિરોઈન શ્રીદેવીની તે હરીફ ગણાવા લાગી હતી. બોલીવુડમાં સામાન્ય રીતે હીરો કરતાં હિરોઈનને ઓછી રકમ મળતી હોય છે પરંતુ “હમ આપકે હૈ કૌન”માં સલમાનખાન કરતાં માધુરીને વધારે રકમ મળી હતી તે પણ એક ઈતિહાસ છે. એક સમય એવો પણ આવ્યો કે માધુરી હોય એટલે ફિલ્મ હીટ જ થઈ જતી સામે હીરો ગમે તે હોય. ૧૯૯૫માં ઇન્દર કુમારે અનીલ કપૂરના ભાઈ સંજય કપૂરને લઈને “રાજા” ફિલ્મ બનાવી હતી. સંજય કપૂર બિલકુલ નવો હતો. ”રાજા” ની સફળતાનો તમામ યશ માધુરીને જ મળ્યો હતો.

શુભાષ ઘાઈને માધુરી બેસ્ટ ટીચર માને છે. માધુરી કહે છે કે “ખલનાયક” માં “ચોલી કે પીછે ક્યા હૈ” ના શુટિંગ વખતે સુભાષજીએ જાતે ડેમો કરીને ઘુંઘટ કઈ રીતે ઉઠાવવો તે મને બતાવ્યું હતું. “ખલનાયક” માં મારો રોલ પડકારજનક હતો.

100 days માધુરીની જેકી શ્રોફ સાથે એવી થ્રીલર ફિલ્મ હતી જેમાં ભવિષ્યમાં બનતા બનાવોની માધુરીને સ્વપ્ન થકી અગાઉથી ખબર પડી જતી હતી. માધુરી સ્વપ્નના આધારે એક ખૂનીને ખૂન કરતાં રોકે છે તેવો સ્ટોરીમાં વળાંક હતો. તે ફિલ્મમાં માધુરીનો અભિનય કાબિલેતારીફ હતો.

“દેવદાસ” માં ચન્દ્રમુખી બનતી માધુરી દિક્ષિત પારો (ઐશ્વર્યા રાય )ને જયારે કહે છે “હમ તવાયફો કી તો તકદીર હી નહિ હોતી ‘ત્યારે માધુરીએ તેના ચહેરા પર ગણીકાની વ્યથા આબેહુબ રજુ કરી હતી.

ખ્યાતનામ ચિત્રકાર એમ. એફ. હુસૈનની માધુરી પ્રત્યેની દીવાનગી જગજાહેર છે. તેમણે “હમ આપકે હૈ કૌન” સડસઠ વાર જોઈ હતી અને માધુરીને લઈને “ગજગામિની “નામની ફ્લોપ ફિલ્મ પણ બનાવી હતી.

માધુરીને ઢગલાબંધ એવોર્ડ્સ મળ્યા છે પણ ફિલ્મ ફેર એવોર્ડની વાત કરીએ તો ૧૯૯૫નો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ “હમ આપ કે હૈ કૌન” માટે મળ્યો હતો. ત્યાર બાદ ૧૯૯૮ માં ફરીથી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ “દિલ તો પાગલ હૈ” માટે મળ્યો હતો. ૨૦૦૩ માં બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનો એવોર્ડ તેને “દેવદાસ” માટે મળ્યો હતો. ૨૦૦૮માં ભારત સરકારે માધુરી દિક્ષિતને પદ્મશ્રી થી સન્માનિત કરી હતી.

૧૯૯૯ મા માધુરીએ ડો. શ્રીરામ નેને સાથે અચાનક લગ્ન કરીને તેના કરોડો ફેન્સને આંચકો આપ્યો હતો. માધુરી એક ઇન્ટરવ્યુમાં કહે છે કે પહેલી મુલાકાતમાં તેણે જણાવવું પડ્યું હતું કે તે હિન્દી ફિલ્મોમાં અભિનય કરે છે. જવાબમાં એન. આર. આઈ. ડો. નેને “ઓકે’ એટલું જ બોલ્યા હતા. યુ. એસ. ગયા બાદ તેમણે સર્ચ કરીને જાણ્યું હતું કે હિન્દી ફિલ્મોમાં માધુરીનું કેટલું મોટું નામ છે. માધુરી આગળ કહે છે કે મને એ વાતનો આનંદ છે કે તેઓ મને જ પરણ્યા હતા સેલીબ્રીટી માધુરી દિક્ષિતને નહિ. અમેરિકાના વસવાટ દરમ્યાન બે પુત્રોને જન્મ આપનાર માધુરીએ થોડા વર્ષો ગૃહિણી તરીકે કાઢ્યા અને અચાનક તે પરિવાર સાથે ભારત પરત આવી ગઈ. તેણે સેકન્ડ ઇનીગ્સ માં ”દેઢ ઈશ્કિયા“ અને” આજા નચ લે “ જેવી ફિલ્મો કરી પણ તે ખાસ ચાલી નહિ. માધુરીએ ઉમરને ધ્યાન માં રાખીને ટીવીના રીયાલીટી શો માં જજ બનવાનું સ્વીકાર્યું.

લગભગ સડસઠ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરનાર માધુરીની સફળ ફિલ્મોની યાદી તો ખુબ લાંબી છે પરંતુ તેઝાબ, રામ લખન ,દિલ, સાજન, ”બેટા” ખલનાયક, હમ આપ કે હૈ કૌન, દિલ તો પાગલ હૈ તથા દેવદાસ નો ઉલ્લેખ તો કરવો જ પડે.

પ્રફુલ્લ કાનાબાર.