પલ પલ દિલ કે પાસ - મનોજ કુમાર - 30 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પલ પલ દિલ કે પાસ - મનોજ કુમાર - 30

મનોજ કુમાર

“મૈને કુછ અચ્છે કર્મ કિયે હોંગે કી મૈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમેં આ પાયા ઔર સફલ ભી હો પાયા આજ ભી મૈ ખુદ કો નિવૃત્ત નહિ માનતા. અભી તો મુઝે સિતાર શીખને કા બાકી હૈ”. ઘોસ્ટ રાયટર થી અભિનેતા, નિર્માતા, નિર્દેશક અને સ્ક્રીનપ્લે રાયટર બનવાની મનોજકુમારની સંઘર્ષ યાત્રા રોચક છે.

મનોજ કુમારનો જન્મ તા.૨૪/૭/૧૯૩૭ ના રોજ અબોટાબાદ (હાલ પાકિસ્તાન)માં થયો હતો.પિતા હરિવંશ ગોસ્વામી અને માતા ક્રિશ્ના ગોસ્વામીના નામ પર થી તેનું નામ હરિકૃષ્ણગીરી ગોસ્વામી રાખવામાં આવ્યું હતું.દેશના વિભાજન વખતે દસ વર્ષના હરી કૃષ્ણએ માતા પિતા સાથે દિલ્હીના શરણાર્થી કેમ્પમાં આશરો લીધો હતો. હરિનું સ્કૂલનું ભણતર દિલ્હીમાં જ થયું હતું. તે દિવસોમાં જ દિલીપકુમારનું “જુગ્નુ” ફિલ્મ જોઇને બાળક હરીએ અભિનેતા બનવાની મનમાં ગાંઠ વાળી લીધી હતી. અઢાર વર્ષની ઉમરે પિતાની પરવાનગી લઈને હરીએ મુંબઈની વાટ પકડી લીધી હતી.હરીમાંથી મનોજ કુમાર બનવાની સંઘર્ષ યાત્રા ખૂબ કષ્ટદાયક હતી.દિવસે સ્ટુડિયોના ચક્કરો કાપવાના અને રાત રેલ્વે પ્લેટફોર્મના બાંકડા પર વિતાવવાના તે દિવસો મનોજ કુમારની સ્મૃતિમાં આજે પણ અકબંધ છે. બાળપણથી જ લખવાનો શોખ હતો જે હરીને તે દિવસોમાં કામ લાગ્યો હતો. હરી ગોસ્વામીએ ઘોસ્ટ રાયટર તરીકે ફિલ્મોની સ્ક્રીપ્ટ લખવાનું કામ મેળવીને સીનેજગતમાં એન્ટ્રી મેળવી લીધી હતી.આખરે ઓગણીસ વર્ષની ઉમરે હરીને “ફેશન” ફિલ્મમાં નેવું વર્ષના વયોવૃધ્ધનો તદ્દન નાનો રોલ મળ્યો હતો.સફેદ વિગમાં તેની મંગેતર શશી પણ હરીને સ્ક્રીન પર ઓળખી શકી નહોતી. “શબનમ” ફિલ્મમાં દિલીપ કુમારનું નામ મનોજ હતું જે હરી ને ખુબ પસંદ પડી ગયું હતું. તેના પરથી તેણે પોતાનું નામ મનોજ કુમાર રાખી દીધું હતું. ૧૯૬૦ માં હરી ગોસ્વામીને પ્રથમ વાર હીરો તરીકે ઓફર મળી હતી.ફિલ્મ હતી “કાંચ કી ચૂડિયા”. મનોજની ત્યાર બાદ આવી “રેશમી રૂમાલ”.જે ફ્લોપ ફિલ્મ હતી.

મનોજકુમારના નસીબ આડેનું પાંદડું ખસેડવામાં નિમિત્ત બન્યા હતાં ગુજરાતી નિર્દેશક વિજય ભટ્ટ.૧૯૬૨ માં તેમેણે મનોજને “હરિયાલી ઔર રાસ્તા” માં ચાન્સ આપ્યો. ફિલ્મ સુપર હીટ નીવડી અને મનોજ કુમારનો સિક્કો એવો ચાલી ગયો કે તેણે ક્યારેય પાછું વળીને જોવું જ ના પડયું. ત્યાર બાદ રીલીઝ થયેલી રાજ ખોસલાની “વોહ કૌન થી” પણ સફળ ફિલ્મ હતી. મદનમોહનનું સંગીત અને લતાજીના ગીતોએ તે સસ્પેન્સ ફિલ્મને એક નવી જ ઉંચાઈ બક્ષી હતી. ત્યાર બાદ મનોજ કુમારે શહીદ ભગતસિંહ પર થી વાર્તા લખી. વાર્તા લખતી વખતે પાત્રને બરોબર ન્યાય મળે તે માટે મનોજ કુમારે અમૃતસર જઈને ભગતસિંહની માતાની પણ મુલાકાત લીધી હતી માત્ર એટલું જ નહિ પણ તે વાર્તા પર થી બનેલી ફિલ્મ “શહીદ” ને જયારે નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે મનોજકુમારે એવોર્ડ સમારોહમાં ભગતસિંહની માતાને પણ આદરપૂર્વક હાજર રાખીને સન્માન આપ્યું હતું.

૧૯૬૫ માં “શહીદ” જોઇને તત્કાલીન પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રી અત્યંત પ્રભાવિત થયા હતા.તેમણે મનોજકુમારને દિલ્હી મળવા માટે બોલાવીને “જય જવાન જય કિસાન” પર આધારિત ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું હતું. શાસ્ત્રીજીના એ સૂચને મનોજ કુમારના દિલમાં ચિનગારીનું પ્રગટાવી હતી. દિલ્હીથી મુંબઈ પહોંચતા સુધીમાં તો એ ચિનગારી એવી પ્રજ્વલિત થઇ ચૂકી હતી કે મનોજકુમારે યુધ્ધના ધોરણે એક વાર્તા લખી નાખી. તેના પર થી ફિલ્મ બનાવી.ફિલ્મનું નામ રાખ્યું “ઉપકાર”. ૧૯૬૭ માં રીલીઝ થયેલી “ઉપકાર” માં મનોજકુમાર કિસાનમાંથી જવાન બને છે તેવી વાર્તા હતી.”ઉપકાર” મનોજકુમારનું ઉત્કૃષ્ટ સર્જન હતું જેમાં મનોરંજનની સાથે દેશભક્તિનો અસરકારક મેસેજ પણ હતો. “ઉપકાર” ને સરકારે કરમુક્ત જાહેર કરી હતી. દેશભરમાં નાના શહેરોમાં સિલ્વર જ્યુબીલી અને મોટાં શહેરોમાં ગોલ્ડન જ્યુબીલી ઉજવનાર “ઉપકાર” ફિલ્મે સતત સિનેમાઘરોમાં હાઉસફૂલનાં પાટિયા ઝુલાવ્યા હતા. સમગ્ર દેશમાં દેશભક્તિનો જુવાળ લાવવામાં “ઉપકાર” નો સિંહફાળો હતો.૧૯૬૮ માં “ઉપકાર” માટે ફિલ્મફેરના બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડીરેક્ટર, બેસ્ટ સ્ક્રીનપ્લે, તથા બેસ્ટ ડાયલોગ્સના એવોર્ડ્સ મનોજ કુમારની ઝોળીમાં આવી પડયા હતા.

૧૯૭૦ માં મનોજકુમારની “પૂરબ ઔર પશ્ચિમ” અને ૧૯૭૪ માં “રોટી કપડા ઔર મકાન” ફિલ્મે તો બોક્ષ ઓફીસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. દરેક ફિલ્મમાં “ભારત” નામ ધારણ કરનાર મનોજકુમારને હવે લોકો “ભારત કુમાર” તરીકે પણ ઓળખવા લાગ્યા હતા. ૧૯૮૧ માં મનોજકુમારે તેના ફેવરીટ હીરો દિલીપકુમારને લઈને “ક્રાંતિ” બનાવી હતી.

મનોજ કુમારની માત્ર અભિનેતા તરીકેની જ નોંધપાત્ર અને સફળ ફિલ્મોમાં ગુમનામ, હિમાલય કી ગોદ મેં , દો બદન, નીલકમલ, પત્ત્થર કે સનમ, બેઈમાન, સન્યાસી, તથા દસ નંબરીનો સમાવેશ થાય છે.

દેશભક્તિ સિવાયની મનોજકુમારની અતિ સંવેદનશીલ ફિલ્મ એટલે ૧૯૭૨ માં રીલીઝ થયેલી ફિલ્મ “શોર”. જેમાં મૂંગો દીકરો અંતમાં બોલતો થાય છે ત્યારે પિતા મનોજકુમાર અકસ્માતમાં કાયમ માટે સાંભળવાની શક્તિ ગુમાવી બેસે છે. ફિલ્મના કલાઈમેક્સ સીનમાં “એક પ્યાર કા નગ્મા હૈ” જેવું કર્ણપ્રિય ગીત અને મનોજ કુમારનો જીવંત અભિનય દર્શકોની આંખ ભીંજવી ગયું હતું.

૧૯૯૯ માં મનોજકુમારની છેલ્લી ફિલ્મ “જયહિન્દ” રીલીઝ થઇ હતી જે ફ્લોપ નીવડી હતી.

સમગ્ર ફિલ્મી કરિયરમાં કુલ સાત ફિલ્મફેર એવોર્ડ મેળવનાર મનોજ કુમારને ૧૯૯૨ માં પદ્મશ્રી, ૧૯૯૯ માં ફિલ્મફેર લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ તથા ૨૦૧૬ માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો હતો.

૨૦૦૮ માં રીલીઝ થયેલી ફિલ્મ “ઓમ શાંતિ ઓમ” માં શાહરૂખખાને એક દ્રશ્યમાં મનોજ કુમારની ઠેકડી ઉડાડતી મિમિક્રી કરી હતી. મનોજ કુમારે શાહરૂખખાન તથા ફિલ્મના ડીરેક્ટર ફરાહખાન પર માનહાનીનો કેસ કરી દીધો હતો. આખરે શાહરૂખે મનોજકુમારની માફી માંગીને સમાધાન કર્યું હતું.

સમાપ્ત