Prinses Niyabi - 1 books and stories free download online pdf in Gujarati

પ્રિંસેસ નિયાબી - ભાગ 1

(કેમ છો વાચકમિત્રો? હું ફરી એકવાર એક નવી વાર્તા 'પ્રિંસેસ નિયાબી' સાથે આપને મળવા આવી ગઈ છું. ઘણો લાંબો બ્રેક લીધો મેં. એ બદલ ક્ષમા કરશો. આશા છે કે આપ સૌ મારી આ વાર્તા ને પણ પસંદ કરશો. તો ચાલો મળીએ 'પ્રિંસેસ નિયાબી' ને અને જાણીએ શુ છે એના જીવનમાં? કોણ કોણ છે એના જીવનમાં? કેવું છે એનું જીવન? અને આપણે પણ એની સાથે એક ટૂંકી પણ રસપ્રદ જીવનની મોજ માણીએ. તો ચાલો.......... ને હા આપના કિંમતી પ્રતિભાવો આપવાનું ચૂકતા નહીં. તમારા પ્રતિભાવો જ વાર્તા ને ઉત્તમ બનવશે. )

બંસીગઢના રાજા વિક્રમસિંહ પોતાના રાજ્યમાં ખૂબ શાંતિ થી રાજ કરી રહયા હતા. તે ખૂબ પ્રેમાળ અને બાહોશ હતો. તેમના પત્ની રાણી નુરાલીન પણ પોતાના પતિ ને એક ઉત્તમ રાજા બનવામાં મદદ કરી રહયા હતાં. રાણી નુરાલીન ખૂબ પ્રેમાળ અને સમજદાર હતી. તે પતિ ને પ્રજા માટેના દરેક કામમાં મદદ કરતી. તેમનો એક પુત્ર હતો રાજકુમાર ઓમતસિંહ. જે પોતાના માતાપિતા કરતાં બિલકુલ અલગ હતો. આળસુ અને કચકચીઓ. એને પોતાનામાં જ રહેવાનું ગમે.

રાણી નુરાલીનની સાથે તેમના ભાઈ ની દીકરી નિયાબી પણ રહેતી હતી. નિયાબી ના પિતા રાયગઢ ના રાજા હતાં. રાયગઢ એક ઉત્તમ રાજ્ય હતું. પણ તેના પર એક જાદુગર મોઝિનો એ કબજો કરી લીધો હતો. ત્યારે નિયાબી માત્ર ત્રણ વર્ષ ની હતી. તેની સાથેની લડાઈમાં નિયાબીની માતા મૃત્યુ પામી. ને નિયાબીના પિતાએ મૃત્યુ પહેલા પોતાની બેન નુરાલીનને નિયાબી ની જવાબદારી સોંપી હતી.

નિયાબી દેખાવે ખૂબ સુંદર અને રૂપાળી હતી. તે હોંશિયાર અને સ્વભાવે ચબરાક હતી. તેની આંખો નીલા રંગ ની હતી. તેની આંખોમાં કોઈ જાદુ હતો. કોઈ ને પણ ગમી જાય તેવી હતી. તેને નવી નવી વસ્તુઓ શીખવાનો ખૂબ શોખ હતો. બધાં સાથે ખૂબ હળીમળી ને રહેતી. એક રાજકુમારી હોવા છતાં એ કોઈ ની પણ સાથે ભળી જતી. ને જે શીખવા મળે તે શીખતી. તેનામાં કોઈ અભિમાન કે અહમ નહોતો.

નિયાબી ને ભગવાનમાં ખૂબ વિશ્વાસ હતો. એ હંમેશા ભગવાનને પોતાના દરેક કામ માં યાદ કરતી. ને તેમનો આભાર પણ માનતી. ને એની આ શ્રદ્ધા જોઈને રાણી નુરાલીનેએ મહેલમાં જ ભગવાન કૃષ્ણ નું મંદિર બનાવડાવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ પર નિયાબીને ખુબ શ્રદ્ધા હતી. તે દરરોજ એની પૂજા કરતી.

પણ ઓમતસિંહને નિયાબી બિલકુલ ગમતી નહીં. એને લાગતું કે એના માતાપિતા એના કરતાં નિયાબી ને વધુ પ્રેમ કરે છે. તે હમેશાં નિયાબી થી દૂર રહેતો.

નિયાબી બાર વર્ષ ની હતી ત્યારે રાણી નુરાલીન ટૂંકી બીમારીને કારણે મૃત્યુ પામી. તેમના મોત થી નિયાબી ખૂબ દુઃખી થઈ ગઈ. તે રાણી નુરાલીન ને ખૂબ પ્રેમ કરતી હતી. ને નુરાલીન પણ તેને પોતાની સગી દીકરીની જેમ સાચવતી હતી. રાણી ના મૃત્યુ પછી નિયાબી ગુમશુમ થઈ ગઈ. પણ સમય રહેતા રાજા વિક્રમે તેને સંભાળી લીધી. પણ થોડા સમય પછી રાજા પણ મૃત્યુ પામ્યાં. રાજા એ મરતાં પહેલાં રાજકુમાર ઓમતસિંહને નિયાબી ની જવાબદારી સોંપી. રાજા મૃત્યુ પામ્યાં ત્યારે નિયાબી સોળ વર્ષ ની હતી.

હવે રાજગાદી પર રાજકુમાર ઓમતસિંહ આવ્યો. ઓમતસિંહ ના કાકા ગુમાનસિંહ અને કાકી સુમિત્રા પણ તેમની સાથે જ રહેતાં હતાં. પણ તેમને કોઈ સંતાન નહોતું. એટલે તેઓ ઓમતસિંહ ને જ પોતાનું સંતાન માનતા અને નાનપણ થી જ તેને ખૂબ લાડ લડાવતા. જેના કારણે રાજકુમાર ઓમતસિંહ માં થોડી કુટેવો હતી. ને આ કુટેવો ને આ લોકો છાવરતા હતાં.

ઓમતસિંહના કાકા કાકી ને પણ ઓમતસિંહ ની જેમ નિયાબી બિલકુલ પસંદ નહોતી. પહેલાં તો એમનું કઈ ચાલતું નહોતું એટલે કઈ કરી શક્યા નહીં. પણ હવે ઓમતસિંહ ના માતાપિતા રહ્યા નહોતાં. ને ઓમતસિંહ તેમને ખૂબ સન્માન આપતો હતો. તેમની દરેક વાત માનતો હતો. એટલે તેમણે ઓમતસિંહના કાન માં નિયાબી માટે ઝેર રેડવા લાગ્યું.

ગુમાનસિંહ: રાજકુમાર ઓમતસિંહ, તમે નિયાબી ને અહીં રાખશો તો આપણો દેશ પણ તકલીફમાં મુકાઈ શકે છે. પેલો જાદુગર આપણા રાજ્ય પર પણ ચડાઈ કરી શકે છે. ને આપણે તે જાદુગર ને પહોંચી શકીએ તેમ નથી. એ ખૂબ તાકતવર છે.

ઓમતસિંહ: એ વાત ને વર્ષો થઈ ગયાં છે. એ જાદુગરે જો કઈક કરવું હોત તો ક્યારનુંય કરી દીધું હોત. હવે એ કઈ નહીં કરે.

ગુમાનસિંહ: એવું નથી ઓમતસિંહ હવે તારા પિતા રહ્યા નથી. એટલે એ જાદુગર હુમલો કરી શકે છે.

કાચા કાનનો ઓમતસિંહ બોલ્યો, તો હવે આપણે શુ કરીએ?
ગુમાનસિંહ: આપણે નિયાબી ને અહીં થી ક્યાંક દૂર મોકલી દઈએ. જ્યાં થી એ ક્યારેય પાછી ના આવી શકે.

ઓમતસિંહ: પણ આપણે એવું ના કરી શકીએ. લોકો ને શુ કહીશું?

ગુમાનસિંહ: એની તું ચિંતા ના કરીશ. ને આપણે એને અહીં થી બહાર લઈ જઈએ પછી તેને હમેશાં ને માટે આપણા રાજ્ય થી દૂર કરી દઈશું.

ને ઓમતસિંહે એ કાકાની વાત માની લીધી. એ લોકો પોતાના વિશ્વાસુ માણસો અને નિયાબી ને લઈ ને શિકાર માટે જંગલમાં ગયાં. જોકે નિયાબી ની જવાની કોઈ ઈચ્છા નહોતી પણ એ ના ના કહી શકી. એ સારી રીતે જાણતી હતી કે ઓમતસિંહ ના કાકા કાકી તેને બિલકુલ પસંદ કરતાં નથી. પણ તે ઓમતસિંહ ને નારાજ કરવા નહોતી માંગતી એટલે જવા માટે તૈયાર થઈ ગઈ.

બંસીગઢ રાજ્યનો જંગલ વિસ્તાર 5,000 હેકટર (12, 333 એકર) જેટલો મોટો હતો. એ જંગલ ખૂબ ગીચ અને ખૂંખાર જંગલી પ્રાણીઓ થી ભરેલું હતું. ત્યાં અમુક જગ્યાઓ તો એવી હતી કે ત્યાં જવું અશક્ય હતું. એટલે કે જંગલનો ઘણો ખરો ભાગ લોકો માટે અજ્ઞાત હતો. ત્યાં જવાની હિંમત કોઈ કરતું નહીં.

એ લોકો જંગલમાં ઘણા અંદર સુધી ગયાં. બપોર થવા આવી હતી પણ હજુ એકપણ શિકાર મળ્યો નહોતો. એ લોકો ખૂબ થાકી ગયાં હતાં અને ભૂખ પણ લાગી હતી. એટલે એ લોકો એક જગ્યાએ આરામ કરવા રોકાઈ ગયાં.

નિયાબી ત્યાં આજુબાજુ ના પ્રાકૃતિક સૌંદર્ય ને મન ભરી ને જોઈ રહી હતી. ત્યાં એના કાને કંઇક અવાજ સંભળાયો. એ અવાજ ની દિશા માં આગળ વધી. તો ત્યાં ઓમતસિંહ અને તેના કાકા નિયાબી વિષે વાત કરી રહ્યાં હતાં. નિયાબી ત્યાં ઉભી રહી ને તેમની વાતો સાંભળવા લાગી.

ગુમાનસિંહ: ઓમત મેં રાજકુમારી નિયાબી ના ભોજનમાં ઝેર ભેળવવાનું કહી દીધું છે. ભોજન કર્યા પછી એ સુઈ જશે. એટલે આપણે તેને અહીં મૂકી પાછા મહેલમાં જતાં રહીશું.

ઓમત: પણ પછી શું? એ પાછી આવી જશે તો?

ગુમાનસિંહ: એવી કોઈ શક્યતાઓ નથી. ઝેર ખૂબ તેજ છે. થોડાજ સમયમાં એ નિયાબીનો જીવ જતો રહેશે. ને એ મરી જશે. ને આપણે માથે થી મુસીબત ટળશે.

આ સાંભળી નિયાબી ખૂબ ગભરાઈ ગઈ. તેને વિશ્વાસ ના બેઠો જે તેણે સાંભળ્યું હતું તેના પર. તેની આંખો માં થી આંસુ વહેવા લાગ્યાં. એ ત્યાં થી જતી રહી.

ઓમત: નિયાબી ખૂબ થાકી ગઈ હશે નહીં? લે આ ભોજન કરી લે.

નિયાબી એની નિલી નિલી આંખો થી ઓમતસિંહ ને જોવા લાગી. તેણે ભોજન લઈ લીધું. ભોજન આપી ઓમતસિંહ ત્યાં થી જતો રહ્યો. એ અને એના કાકા દૂર થી નિયાબી ને જોવા લાગ્યાં. નિયાબી ધીરે ધીરે ખાવા લાગી. નિયાબીને ખાવામાં ઝેર છે ખબર હોવા છતાં બધું ખાવાનું ખાઈ ગઈ. પછી તે ઉભી થઈ ને ઓમતસિંહ પાસે આવી.

નિયાબી: ભાઈ હું થોડું ફરવા માંગુ છું. હું આવું છું. એટલું કહી નિયાબી ત્યાં થી જંગલમાં આગળ તરફ નીકળી.

ઓમત: કાકા તમે જોયું? નિયાબી ઉદાસ થઈ ગઈ હતી.

ગુમાનસિંહ: મને તો એવું કઈ ના લાગ્યું.

ઓમત: અરે ! કાકા એણે તો ભોજનમાં ઝેર ખાધું છે. એને કઈક થઈ જશે તો?

ગુમાનસિંહ: કઈ વાંધો નહીં. આપણે જૂઠું નહીં બોલવું પડે. જવાદે એને.

ગુમાનસિંહ એ બેફિકરાઈ થી કહ્યું. પછી બન્ને વાતો કરવા લાગ્યાં. ઘણો સમય થયો પણ નિયાબી પાછી આવી નહીં. એ લોકો રાહ જોવા લાગ્યાં. કાકા ને લાગતું જ હતું કે એનું પાછું આવવું શક્ય જ નથી.

ઓમત: બહુ સમય થઈ ગયો. નિયાબી પાછી નથી આવી કાકા.

ગુમાનસિંહ: અરે ! ઓમત હવે એ પાછી નહીં આવે. એતો ક્યાંય મરેલી પડી હશે.

ઓમત: ગભરાઈ ગયો, તો હવે?

ગુમાનસિંહ: સૈનિકો ની પાસે ગયાં. જાવ જઈને જુઓ રાજકુમારી નિયાબી ક્યાં છે? એમને બોલાવી લાવો. હવે આપણે રાજમહેલ પાછા જવાનું છે.

ચાર સિપાઈઓ માથું નમાવી તેમનું અભિવાદન કરી રાજકુમારી નિયાબી ને શોધવા નીકળ્યા. ચારેબાજુ દૂર સુધી જોઈ લીધું. પણ ક્યાંય રાજકુમારી નિયાબી મળી નહીં. એ લોકો રાજા ઓમતસિંહ પાસે પાછા આવી ને સંદેશો આપ્યો.

ઓમત: હવે શું કરીશું? રાજકુમારી નિયાબી ક્યાં હશે? શું થયું હશે?

ઓમતસિંહ માત્ર દેખાડા માટે ચિંતાનો ઢોંગ કરવા લાગ્યો. તેના કાકા પણ જાણે બહુ મોટી મુસીબત આવી ગઈ હોય તેમ વર્તવા લાગ્યાં.

પણ નિયાબી નો કોઈ પત્તો લાગ્યો નહીં. હવે રાત પડવા આવી હતી. એટલે ઓમતસિંહ પોતાના રસાલા સાથે ત્યાં થી પાછો વળી ગયો. તેણે થોડા સૈનિકો ને જંગલમાં નિયાબી ને શોધવા માટે રોકી દીધા અને તે પાછો મહેલ જવા ઉપડ્યો. તેના માટે તો સારું થઈ ગયું. હવે એ પોતાની પ્રજા ને આ કારણ આપી સરળતા થી નિયાબી થી છુટકારો મેળવી શકશે. તેને કોઈ સમસ્યાઓ નડશે નહીં. તે અને તેના કાકા પણ ખૂબ ખુશ થઈ ગયા.


ક્રમશ................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED