Prinses Niyabi - 9 books and stories free download online pdf in Gujarati

પ્રિંસેસ નિયાબી - ભાગ 9

કોહી મોઝિનો ની સવારી સાથે નીકળ્યો. કોહી બરાબર મોઝિનો નો પીછો કરી રહ્યો હતો. કોઈને ખબર પણ ના પડે કે એક પક્ષી એમની જાસૂસી કરી રહ્યું છે. મોઝિનો ની સવારી સાંજ સુધીમાં એક ગુફા આગળ આવી ને ઉભી રહી ગઈ. લુકાસા એ કઈક બોલી ને પોતાનો જમણો હાથ આગળ કર્યો. એટલે ગુફાનો દરવાજો ખુલી ગયો. બધા ગુફાની અંદર ગયા. ગુફા અંદર થી એકદમ સાફ સુથરી હતી. ત્યાં અમુક અમુક અંતરે પ્રકાશ માટે સળગતી મશાલો મુકવામાં આવી હતી.

અંદર એક નવી જ દુનિયા હતી. ને આ દુનિયા હતી જેલની. મોઝિનોએ ત્યાં ઘણા બધા લોકોને કેદ કરી રાખ્યા હતા. આ ગુફાને સાચવવાનું કામ ભીમદેવ કરતો હતો. આ ગુફામાં મોઝિનોએ રાયગઢના રાજા ના વફાદાર સેનાપતિ દેવીસિંહ અને તેના સાથીદારો ને કેદ કરી રાખ્યા હતા.

દેવીસિંહ એ રાયગઢનો એક વફાદાર અને માનીતો સિપાહી હતો. રાજા પણ એની પર ખૂબ વિશ્વાસ રાખતો હતો. મોઝિનોએ જ્યારે રાયગઢનો કબજો કરી લીધો ત્યારે એણે આ લોકો ને કેદ કરી રાખ્યા હતાં.

મોઝિનો: દેવીસિંહ કેમ છે? તબિયત તો સારી છે ને?

સાંકળો થી બંધાયેલો, વધેલાવાળ વાળો, શરીર થી દુર્બળ થઈ ગયેલો પણ ખુમારી થી ભરેલો દેવીસિંહ કઈ બોલ્યો નહીં.

મોઝિનો એકદમ નફટાઈ થી બોલ્યો, ઓ ભીમદેવ આ દેવીસિંહનું ભોજન તે બંધ કરી દીધું છે કે શુ? આ જો એનું શરીર કેટલું કૃશ થઈ ગયું છે. ને કઈ બોલતો પણ નથી.

ભીમદેવ હસતાં હસતાં બોલ્યો, ના જાદુગર મોઝિનો મેં એવું કઈ કર્યું નથી. પણ જો તમે કહો તો એવું કરી શકાય.

મોઝિનો લુચ્ચું હસતા બોલ્યો, ના...ના... ભીમદેવ તું આને ઓળખતો નથી. આ મહાન સેનાપતિ દેવીસિંહ છે. જો તું એવું કરીશ તો આપણ ને સમસ્યા થઈ જશે.

દેવીસિંહે મોઝિનોની સામે ગુસ્સામાં જોયું.

મોઝિનો ગુસ્સામાં બોલ્યો, દેવીસિંહ હજુ તારા શરીરમાં જીવ છે એ મારી મહેરબાની છે. એ મહેરબાની મેં બંધ કરી દીધી તો આ શરીર નિસ્તેજ થઈ જશે.

દેવીસિંહજોર જોર થી હસવા લાગ્યો, હા........હા.......હા

મોઝિનો દેવીસિંહના હાસ્ય થી વધારે ગુસ્સે થઈ ગયો ને જોર થી બરાડ્યો, દેવીસિંહ.........હું તને જીવવા નહિ દઉં.

દેવીસિંહ: મોઝિનો જા.....તું જા. તારી કોઈ ના હેસિયત છે કે ના કોઈ તાકાત છે મને મારવાની. તું ઈચ્છતો તો મને ક્યારનોય મારી દીધો હોત. આટલા વર્ષો થી મને કેદ ના કરી રાખ્યો હોત. ને ઈચ્છા પણ છે તારી મને મારવાની પણ તું જાણે છે કે તું મને મારી નહીં શકે. તારી દુઃખતી રગ છે મારી પાસે. બિચારો.....રાજા મોઝિનો. અરે....અરે....ભૂલ થઈ ગઈ. મહાન જાદુગર રાજા મોઝિનો.

આ સાંભળી મોઝિનો ગુસ્સામાં લાલચોળ થઈ ગયો ને જોર થી બરાડ્યો, દેવીસિંહ તું ભૂલી ગયો છે કે તારી દુઃખતી રગ પણ મારી પાસે છે. જેને હું ગમે ત્યારે મસળી શકું છું.

એકદમ જોર થી અટહાસ્ય કરતા દેવીસિંહ બોલ્યો, તને શુ લાગે છે મને તારી વાત પર ભરોસો છે? ના મોઝિનો તારા જેવા માણસ પર મને કોઈ ભરોસો નથી. ને જો તું સાચો પણ હોય તો મને કોઈ ફર્ક પડતો નથી. દેશ માટે આટલું બધું જતું કર્યું છે તો થોડું વધારે. હા......હા......હા........

દેવીસિંહની વાત સાંભળી મોઝિનો પગ પછાળતો ત્યાં થી નીકળી ગયો ને પોતાના આરામ કરવાની જગ્યાએ ગયો. એ ખૂબ ગુસ્સામાં હતો.

લુકાસા તેની પાછળ પાછળ ગઈ ને ત્યાં જઈ બોલી, જાદુગર મોઝિનો આમ ગુસ્સે ના થાવ. થોડી ધીરજ ધરો.

મોઝિનો એકદમ ગુસ્સામાં, હજુ કેટલી ધીરજ ધરવાની છે લુકાસા? કેટલી? છેલ્લા અઢાર વર્ષ થી ધીરજ ધરીને બેઠો છું. મારી પાસે સમય નથી. આ જો લુકાસા.....આ જો.....ને મોઝિનોએ પોતાના શરીરને ઢાંકવા ઓઢેલી મખમલી શાલ હટાવી દીધી ને નીચે ફેંકી.

લુકાસાએ એનું ઉગાડું શરીર જોઈ આંખો બંધ કરી દીધી.

મોઝિનો લુકાસાને પકડી ને બોલ્યો, જોયું થઈ ગઈને આંખો બંધ? થઈ ગઈ ને? આજ વસ્તુ મને ધીરજ નથી ધરવા દેતી. આ બધું ના થયું હોત તો આજે માતંગી જેટલી દીકરી કે દીકરો હોત મારો. પણ આજ કારણે દુનિયામાં મારુ.....મારુ પોતાનું કોઈ નથી. આ દુનિયામાં જાદુગર મોઝિનોનો કોઈ વારસદાર નથી. સમજ પડે છે તને લુકાસા? બોલ સમજ પડે છે? મોઝિનોએ લુકાસાને દૂર હડસેલી દીધી.

માંડમાંડ પોતાની સ્થિરતા જાળવતા લુકાસાએ નીચે પડેલી મખમલી શાલ ઉઠાવી લીધી અને મોઝિનોના શરીર ને ઢાંકતા બોલી, હું સમજુ છું જાદુગર મોઝિનો. હું સમજુ છું. પણ દેવીસિંહની દેશભક્તિ આગળ હું પણ પાછી પડી ગઈ છું. ને તમે મારી વાત માનવા તૈયાર નથી.

મોઝિનો: એના થી કોઈ ફાયદો થશે? તે સાંભળ્યું દેવીસિંહે શુ કહ્યું? એ દેશ માટે કંઈપણ કુરબાન કરી શકે છે...કઈ પણ લુકાસા. મને તો એ સમજ નથી પડતી કે આટલી તકલીફો, યાતનાઓ સહન કર્યા પછી પણ આ માણસ કઈ આશાએ જીવી રહ્યો છે? શુ છે એની પાસે? શુ એને એમ લાગે છે કે એ અહીં થી છૂટી ને કે ભાગી ને રાયગઢ પાછું મેળવી લેશે? એની તાકાત છે?

લુકાસા: ના એની કોઈ તાકાત નથી. પણ દેવીસિંહ હવે મરણીયો બની ગયો છે. એ સારી રીતે જાણે છે કે એનું મોત તમારા મોત બરાબર છે. ને એટલે એને વિશ્વાસ છે કે તમે ત્યાં સુધી એને નહિ મરવા દો જ્યાં સુધી તમે નહિ ઈચ્છો. ને એની દેશભક્તિ ની તો સાચે જ કોઈ મિશાલ નથી.

મોઝિનો લુકાસાની વાત સાંભળી નીચે બેસી ગયો. એ નિરાશ થઈ ગયો હતો. લુકાસા ત્યાં થી બહાર નીકળી ગઈ. ને સીધી દેવીસિંહ પાસે ગઈ.

લુકાસા: દેવીસિંહ તું બહુ મોટી ભૂલ કરી રહ્યો છે. તારી પાસે છે શુ તે આટલુ અભિમાન કરી રહ્યો છે?

દેવીસિંહ હસતાં હસતાં બોલ્યો, તને નથી ખબર લુ..કા..સા..
જા જઈ ને તારા મહાન જાદુગર રાજા મોઝિનોને સંભાળ. બિચારો કોઈ ખૂણામાં બેસી રડતો હશે. જા.....જા........જા

ગુસ્સે થતી લુકાસા પણ ત્યાં થી જતી રહી. બે દિવસ સુધી આ સિલસિલો ચાલ્યો. કેટ કેટલી યાતનાઓ દેવીસિંહને આપવામાં આવી. પણ દેવીસિંહએ કંઈપણ કહ્યું નહીં. એ ચૂપ હતો. બે દિવસ થી આ બધો તમાશો જોઈ રહેલી માતંગી થોડી દ્વિધામાં હતી કે આ શુ થઈ રહ્યું છે? એ પહેલીવાર આ ગુફામાં આવી હતી.

માતંગી એક અનાથ યુવતી છે જેને મોઝિનોએ મોટી કરી છે. એ મોઝિનોની માનવસેના ની સેનાપતિ છે. ઉંચી, સુંદર, શરીરે ખડતલ અને હોશિયાર યોદ્ધા છે. એ ખૂબ સરસ રીતે તલવાર ચલાવી લે છે. ને ખૂબ ચતુર પણ છે. તે મોઝિનોને ખૂબ આદર સન્માન આપે છે. ને એની દરેક વાત માને છે. સાંજના ભોજન સમયે એ કજાલી સાથે છે. કજાલી અને જીમુતા માતંગીને દિકરીની જેમ ખૂબ પ્રેમ કરે છે.

માતંગી: કજાલી આ દેવીસિંહ કોણ છે? ને જાદુગર મોઝિનો એની પાસે શુ ઈચ્છે છે?

કજાલી: દેવીસિંહ રાયગઢ નો સેનાપતિ છે. એ ખૂબ વફાદાર અને બહાદુર યોદ્ધા છે. તે રાયગઢના રાજાનો વિશ્વાસુ માણસ હતો. રાયગઢના રાજા પાસે મીનાક્ષીરત્ન હતું. ને આ રત્ન જેની પાસે હોય એ ખૂબ સમૃદ્ધ અને સુખી હોય. ને રાયગઢ પણ એવું જ રાજ્ય હતું. મોઝિનોને આ મીનાક્ષીરત્ન જોઈતું હતું. એટલે એણે રાયગઢ પર હુમલો કર્યો. મોઝિનોએ રાયગઢના આખા રાજપરિવારને મારી નાખ્યો પણ એને મીનાક્ષીરત્ન મળ્યું નહીં. કહેવાય છે કે દેવીસિંહને ખબર છે કે એ રત્ન ક્યાં છે. પણ દેવીસિંહ કહેતો નથી. ને એટલે મોઝિનોએ એને અહીં કેદી બનાવી રાખ્યો છે.

માતંગીને આ સાંભળી નવાઈ લાગી. જેટલું એ જાણતી હતી એ પ્રમાણે મોઝિનો ખૂબ તાકતવર જાદુગર હતો. એની પોતાની જ એટલી તાકાત હતી કે એ સુખ સમૃદ્ધિ ને પોતાના રાજ્યની બહાર પણ ના જવા દે. તો પછી આ વાત શુ હતી? માતંગીને આ કઈ સમજ આવ્યું નહિ. સાચું કહું તો આ કારણ એના માન્યામાં આવ્યું નહીં. પણ એણે આગળ કઈ પૂછ્યું નહીં. પણ એનું મગજ કારણો ના તુક્કા લગાવવા લાગ્યું.

માતંગીના વિચારો બરાબર હતા. હજુ સુધી લુકાસા સિવાય કોઈ જાણતું નહોતું કે હકીકત શુ છે? મોઝિનો ઈચ્છતો તો રાયગઢથી પણ વધુ સુખ સમૃદ્ધિવાળું પોતાનું રાજ્ય ઉભું કરી શકતો. તો પછી એણે રાયગઢ જ કેમ પસંદ કર્યું?

કોહી બરાબર આ બધું સાંભળી રહ્યો હતો. જોઈ રહ્યો હતો. એ ખૂબ સાવધાની થી આ કામ કરી રહ્યો હતો. હજુ સુધી કોઈને આ વાત ની કોઈ ખબર પડી નહોતી. પણ દેવીસિંહે એને જોઈ લીધો હતો.

નિયાબી અને દાદી ઓના આજે ખૂબ બજારમાં ફર્યા. દાદી ને તો ખૂબ મજા આવી ગઈ. બીજા બે દિવસ પણ દાદી ઓના નિયાબીને લઈ બહાર જ ફર્યા. જોકે જીમુતા હંમેશા એમની સાથે રહેતો હતો. પણ એની કોઈ સમસ્યા દાદી ને નહોતી. આટલા દિવસોમાં નિયાબી અને દાદી ઓના એકબીજા ની ખૂબ નજીક આવી ગયાં હતા. નિયાબી દાદી ઓના સાથે જ રોકાઈ હતી.

નિયાબી: દાદી હવે કાલે ક્યાં જવું છે?

દાદી: ક્યાંય નહિ. કાલે તો લુકાસા આવી જશે. હું તો ઘરે જ રહીશ.

નિયાબી એમની સામે જોતા બોલી, દાદી તમે લુકાસા થી ડરો છો?

દાદી હસતાં હસતાં, ના ડરતી નથી. પણ હા એની વાતનું માન જરૂર રાખું છું.

નિયાબી: દાદી ઓના તમને એક વાત પૂછું?

દાદીએ નિયાબી સામે જોયું પછી બોલ્યાં, બોલ શુ પૂછવું છે?

નિયાબી: દાદી તમે હમેશા થી અહીં જ રહો છો?

દાદી: ના નિયાબી.

નિયાબી: તો અહીં કેવી રીતે આવ્યા?

દાદી નિસાસો નાંખતા બોલ્યાં, હું અને મારો પરિવાર આજ રાજ્યના છીએ. પણ અમે એક નાનકડા ગામમાં રહેતા હતા. જ્યારે રાયગઢમાં સત્તા ફેર થયો ત્યારે અમારા ગામમાં ખૂબ અફરાતફરી થઈ ગઈ હતી. લોકો ગામ છોડીને બીજી જગ્યાએ ભાગી ગયા. મારો દીકરો આ ભાગમભાગમાં મૃત્યુ પામ્યો. ત્યારે લુકાસા દસ વર્ષની હતી. હું લુકાસા ને લઈને અહીંતહી ભટકી રહી હતી. ત્યારે મોઝિનો એ મને આશરો આપ્યો. ને હું અને લુકાસા અહીં આવી ગયા. મોઝિનોએ લુકાસા પર ખૂબ ધ્યાન આપ્યું અને એને જાદુ, રાજનીતિ ને બીજું ઘણું બધું શીખવ્યું. આજે લુકાસા એની અતિ વિશ્વાસુ અને બહાદુર યોદ્ધા છે. ને એની ખૂબ નજીક પણ.

નિયાબીએ જોયું કે જ્યારે દાદી ઓના છેલ્લું વાક્ય બોલ્યાં ત્યારે એમના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા.

નિયાબી: દાદી પહેલાના રાજા સારા હતા?

દાદી: હા ખુબ સરસ અને પ્રેમાળ. એમની પત્ની પણ ખૂબ દયાળુ હતી. એમની એક દીકરી પણ હતી. પણ હવે એ આ દુનિયામાં નથી........દાદી ઓનાએ નિસાસો નાંખ્યો.

આ સાંભળી નિયાબીની આંખોના ખૂણા ભીના થઈ ગયા. પણ એણે તરતજ પોતાની જાત ને સંભાળી લીધી.

બીજા દિવસે મોઝિનોની સવારી પાછી મહેલમાં આવી ગઈ. લુકાસા તરત જ દાદીને મળવા આવી.

લુકાસા: ખૂબ ફર્યા ને દાદી ઓના? ખૂબ મજા કરી હશે નહીં?

દાદી લુકાસા ને ગળે લગાવતાં બોલ્યાં, હા ખોટું બોલવાનો તો કોઈ અર્થ નથી. જીમુતાએ બધું કહી દીધું હશે તને.

લુકાસા દાદી નો હાથ પકડી બોલી, હા. પણ તમે મારી વાત માનતા કેમ નથી? મેં તમને બહાર જવાની ના પાડી હતી.

દાદી: તારી જ દાદી છું તું મારી વાત માને છે?

લુકાસા: દાદી હવે એ બધું જવાદો. તમે બરાબર છો ને?

દાદી ઉદાસ ચહેરે, હા.

લુકાસા કંઈપણ બોલ્યાં વગર ત્યાં થી જતી રહી. ને દાદી એને જતી જોઈ રહ્યાં.

લુકાસા પોતાના ઓરડામાં જઈ પલંગમાં આડી પડી. એ જાણતી હતી કે દાદી શુ કહી રહ્યા હતાં. પણ એ મજબૂર હતી. લુકાસા મોઝિનોને પ્રેમ કરતી હતી. મોઝિનો પણ એને પસંદ કરતો હતો. પણ પરિસ્થિતિઓ એ બંનેને ભેગા થવા દે એવી નહોતી. ને દાદી ઈચ્છતા હતા કે લુકાસા પોતાનું જીવન આગળ વધારે અને લગ્ન કરી લે. પણ લુકાસા માનતી નહોતી. દાદી પણ એ વાત જાણતા હતા કે લુકાસા મોઝિનોને પ્રેમ કરે છે. ને મોઝિનો પણ એને પસંદ કરે છે. પણ લગ્ન કેમ નથી કરતા એ મોટો પ્રશ્ન એમને સતાવતો હતો. જેનો જવાબ એમની પાસે નહોતો. ને લુકાસા પણ કોઈ જવાબ આપતી નહોતી.


ક્રમશ.............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED