પ્રિંસેસ નિયાબી - ભાગ 11 pinkal macwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

પ્રિંસેસ નિયાબી - ભાગ 11

રાત્રે વારાફરતી બધા જાગતા હતા. વહેલી સવારે ત્રણ સૈનિકો આવ્યા અને એક એક કેદીને પાંજરામાં થી બહાર કાઢી સાંકળો બાંધી લઈ જવા લાગ્યા. નુએન, નિયાબી અને ઓનીર પણ લપાતા છુપાતા એ લોકોની સાથે ચાલવા લાગ્યા. ધીરે ધીરે બધા ગુફામાં થી બહાર આવવા લાગ્યા. જેમ કેદીઓ બહાર આવતા એમ સૈનિકો પણ તેમની સાથે બહાર આવતા. નુએન અને નિયાબી પણ એક સાથે બહાર આવી ને આગળ ખસી ને સંતાઈ ગયા. ઓનીર બરાબર દેવીસિંહની પાછળ ચાલી રહ્યો હતો. એ મોકાની રાહ જોઈ રહ્યો હતો. જેથી એ દેવીસિંહને મુક્ત કરી શકે. જ્યાં સુધી દેવીસિંહ મુક્ત ના થાય ત્યાં સુધી કઈ કરવાનું નહોતું.

આ તરફ આખી રાત ઝાડ પર બેઠેલો કોહી તરત જ સતેજ થઈ ગયો અને ઉડીને નિયાબી પાસે આવ્યો. બધા કેદીઓ બહાર આવી ગયા. લગભગ 22 કેદીઓ હતા. જેવો દેવીસિંહે બધા ને બહાર આવી ગયેલા જોયા એટલે એણે ઓનીર ને ઈશારો કર્યો પોતાને મુક્ત કરવાનો. ઓનીરે સમયસૂચકતા વાપરી દેવીસિંહને સાંકળોમાં થી મુક્ત કર્યો. ને પછી તો બીજા લોકો ને મુક્ત કરવા નુએન અને નિયાબી પણ આવી ગયા. સૈનિકો સતેજ થઈ ગયા. ને પછી તો બરાબર લડાઈ જામી.

દેવીસિંહે એક સૈનિકને મારી એની તલવાર લઈ લીધી. એ ખૂબ ગુસ્સામાં આવી ગયો ને બોલ્યો, સાથીઓ એક પણ સૈનિક બચવો ના જોઈએ. તૂટી પડો. બધા લોકો સૈનિકો સાથે લડવા લાગ્યા. સૈનિકો પણ વધારે નહોતા. થોડાજ સમયમાં એ લોકોએ બધા સૈનિકોનું ઢીમ ઢાળી દીધું. દેવીસિંહનું ઝુનૂન એના ચહેરા પર દેખાતું હતું. દુશ્મનો ના લોહી ના ફુવારાના બિંદુઓ સૂર્યની પહેલી કિરણ સાથે એના ચહેરા પર ચમકી રહ્યા હતાં. એને લડતો જોઈ બધા નવાઈ પામી ગયા હતા. એની ઉંમર એની તલવાર ની ઝડપ સાથે મેળ નહોતી ખાતી. એટલી સ્ફૂર્તિ અને ઉત્સાહ થી એ તલવાર ચલાવતો હતો માનો કોઈ 25 વર્ષનો યુવાન.

દેવીસિંહ: ચાલો હવે મોઝિનોનું માથું વાઢવાનું કઈક વિચારીએ.

બધા દેવીસિંહને અનુસર્યા અને પાછા ગુફામાં ગયા. દેવીસિંહ પાણી થી પોતાનો ચહેરો ધોયો. ને પછી એ બોલ્યો, સાથીઓ મેદાન સાફ કરી દો. કોઈને ખબર ના પડવી જોઈએ કે અહીં શુ થયું છે? એક એક લાશ ને ઠેકાણે પાડી દો.

છૂટેલા કેદીઓ ઉત્સાહમાં એક સાથ, જી સેનાપતિજી.

આ સાંભળી નુએને પૂછ્યું, તમે સેનાપતિ છો?

દેવીસિંહ નુએન તરફ જોતા બોલ્યો, હા હું રાયગઢ નો સેનાપતિ છું.

તમે સેનાપતિજી છો? નિયાબી એ આશ્ચર્ય સાથે પૂછ્યું.

દેવીસિંહ એકદમ કડક અવાજ માં, હા કોઈ શંકા છે તમને?

ઓનીરે વાત સંભાળતા કહ્યું, ના એવું નથી સેનાપતિજી. પણ અમને તો ખબર જ નહોતી કે મોઝિનોએ કોઈને જીવતા પણ રાખ્યાં છે? ને એ પણ આટલા બધા વર્ષો સુધી.

દેવીસિંહ ના ચહેરા પર હતાશા આવી ગઈ.

નુએન: સેનાપતિજી અમને તમારી મદદ જોઈએ છે મોઝિનોને મારવા માટે. તો તમે.........

દેવીસિંહ: નુએન હું તમારો આભારી છું કે તમે મારી મદદ કરી. મને છોડાવવા માટે તમે લોકોએ પોતાનો જીવ જોખમમાં મુક્યો. એ કોઈ નાની વાત નથી. ને તમે પણ કોઈ સામાન્ય લોકો નહિ હોવ. તો શુ તમે મને તમારા વિશે જણાવી શકો? તમે કોણ છો? કેમ મોઝિનોને મારવા માંગો છો?

નુએન: હા દેવીસિંહ જરૂર. ને પછી નુએને પોતાની જાદુઈ નગરી, મોઝિનોની હરકતો, ત્યાં થી ત્રિશુલ ચોરી ભાગવું, રાજા કેરાક નું એમના ગુરુ ને આપેલું વચન એ બધું કહી સંભળાવ્યું. પણ એમણે નિયાબી વિશે કઈપણ ના કહ્યું.

આ બધું સાંભળી દેવીસિંહ થોડો અચરજ પામ્યો. પણ એ મોઝિનોને સારી રીતે ઓળખી ગયો હતો એટલે એને એના કારસ્તાનો પર કોઈ અફસોસ ના થયો.

દેવીસિંહ: તો તમે પણ અમારી જેમ મોઝિનોએ સતાવેલા લોકોમાં જ આવો છો? હવે આ પાપીનું બચવું શક્ય જ નથી. એનું મોત તો મારા જ હાથે લખેલું છે. હું એને છોડીશ નહિ.

નુએને જોયું કે દેવીસિંહની વાતમાં ગુસ્સો ભારોભાર ભરેલો હતો. એ ખુબ ઉકળેલો હતો. એણે શાંતિથી પૂછ્યું, સેનાપતિ દેવીસિંહ જો તમને વાંધો ના હોય તો તમે અમને જણાવી શકો કે મોઝિનોએ રાયગઢ પર હુમલો કેમ કર્યો? ને તમને હજુ સુધી કેમ આમ કેદી બનાવી રાખ્યા છે?

દેવીસિંહ દુઃખ સાથે બોલવાનું ચાલુ કર્યું, રાયગઢ એ સમય એક સુખી અને સમૃદ્ધ રાજ્ય હતું. અમારા રાજા કર્ણદેવ ખૂબ માયાળુ અને પ્રજા પ્રિય રાજા હતા. એમની પત્ની રાણી હિરીનીદેવી પણ ખૂબ માયાળુ અને હોંશિયાર હતા. એમની એક દીકરી હતી રાજકુમારી ઈલાક્ષી. ખૂબ સુંદર અને પ્યારી લાગે તેવી. એની આંખો નીલા રંગની હતી.

જ્યારે દેવીસિંહે રાયગઢની રાજકુમારીનું નામ કહ્યું ત્યારે નિયાબી એકદમ હકીબક્કી થઈ જોઈ રહી. કેમકે એને તો આ નામ ની ખબર જ નહોતી. નુએન અને ઓનીર પણ નવાઈ પામ્યા હતા. પણ કોઈ કઈ બોલ્યું નહીં.

દેવીસિંહ આગળ બોલી રહ્યો હતો, બધું બરાબર હતું. કોઈ દુઃખ કે તકલીફ નહોતી અમારા રાજ્યમાં. હું એ સમયે સેનાપતિ હતો. અમારી સેનામાં એક દસ્તો હતો હનુમાન દસ્તો. જેમાં માત્ર એવા લોકોજ સામેલ હતા જેમને માત્ર પોતાના રાજ્ય માટે કઈક કરવાની ઈચ્છા હોય. એક એવું ઝુનૂન એમનામાં હોય જેનો ઉપયોગ લડાઈમાં થઈ શકે. જેમની કોઈ નબળી કળી ના હોય. ને હું એ દસ્તાનો સરદાર પણ હતો. જ્યારે આ દસ્તો યુદ્ધ ના મેદાનમાં ઉતરતો ત્યારે ભલભલો દુશ્મન જીવ લઈને ભાગી જતો. અમને આ દસ્તા પર ખૂબ ગર્વ હતો.

પણ એકવાર ખબર નહિ આ મોઝિનો અમારા રાજ્ય પર ચડી આવ્યો. ને એણે લડાઈના બધા નિયમો નેવે મૂકી માત્ર છળકપટ નો ઉપયોગ કર્યો. પોતાની જાદુઈ શક્તિઓ થી અમારા પર વાર કર્યો. અમે તો યોદ્ધા હતા અમને લડતાં આવડે. પણ છળકપટ ના આવડે અને અમારી પાસે કોઈ જાદુ કે જાદુઈ શક્તિ નહોતી. એટલે અમે હારી ગયા. મોઝિનોએ અમારા રાજા, રાણી, રાજકુમારી, મને અને હનુમાન દસ્તા ને બંધી બનાવી લીધો.

અત્યાર સુધી આ મોઝિનો વિશે કઈ ખબર નહોતી અને એની ઈચ્છાઓ શુ છે એ પણ ખબર નહોતી. પણ એ જ્યારે બંધીગ્રહમાં અમને મળવા આવ્યો ત્યારે ખબર પડી કે એનો ઈરાદો શુ હતો.

રાજા કર્ણદેવ પાસે મીનાક્ષી રત્ન હતું. ને સાચું કહું તો આ રત્ન જ અમારી સુખસમૃદ્ધિ નું મુખ્ય કારણ હતું. આ મીનાક્ષી રત્ન રાજા કર્ણદેવના વંશમાં હજારો વર્ષ થી હતું. એવું કહેવાતું કે આ રત્ન રાજાના પૂર્વજો ને રાક્ષસો સામે રક્ષા કરવા બદલ કોઈ સૌમિત્રઋષિએ આપ્યું હતું. રાજા ના પૂર્વજોએ આ ઋષિ અને એમના આશ્રમને રાક્ષસોના હુમલા સામે રક્ષણ પૂરું પાડ્યું હતું. ને ઋષિએ ખુશ થઈ ને આ રત્ન ભેટ તરીકે એમને આપ્યું હતું.

તો મોઝિનોને આ રત્ન જોઈતું હતું એટલે એણે આ બધું કર્યું હતું. મોઝિનોએ પોતાના ઉન્માદમાં પોતાના ત્રિશુલ ની શક્તિઓ ચકાસવા કોઈ મેરુણઋષિ પર તેનો ઉપયોગ કર્યો હતો. એ ઋષિ ખૂબ પવિત્ર અને જ્ઞાની હતા. ને મોઝિનોએ જ્યારે એમની પર આ ત્રિશુલ અજમાવ્યું ત્યારે એ ધ્યાનમાં બેઠા હતા. ત્રિશુલના જાદુની એમની પર કોઈ અસર થઈ નહિ. પણ એના કારણે મોઝિનોના શરીર પર અચાનક મોટી મોટી ગાંઠો ફૂટી નીકળી. આ જોઈ એ ગભરાઈ ગયો. ને એ મેરુણઋષિના પગમાં પડી ગયો. ને પોતાની ભૂલ માટે માફી માંગવા લાગ્યો. એની સતત વિનવણી ને ભૂલનો પસ્તાવો જોઈ ઋષિ ને દયા આવી ગઈ અને એમણે એને એની આ તકલીફનો ઉપાય બતાવ્યો. ને આ ઉપાય હતો મીનાક્ષી રત્ન. જો મોઝિનો આ મીનાક્ષી રત્નને ગંગોત્રીના સુદ્ધ પાણી માં એક દિવસ રાખી એનું પાણી પીવે તો એનો આ રોગ મટી શકે. ને આ રત્ન માટે એણે રાયગઢ પર હુમલો કર્યો હતો.

પણ રાજા કર્ણદેવે આ રત્ન એને આપવાની મનાઈ કરી દીધી. જેના લીધે મોઝિનો વધુ ક્રોધિત થઈ ગયો. એણે રાજા ને એક દિવસનો સમય આપ્યો વિચારવાનો. ને જો એ રત્ન ના આપે તો અમને બધાને મારી નાખવાની ધમકી આપી. રાજા કર્ણદેવ મોત થી નહોતા ડરતા પણ પોતાની નાની રાજકુમારી ને લઈ ને ચિંતામાં હતા. એ ઈચ્છતા હતા કે રાજકુમારી ઈલાક્ષી બચી જાય. ને એટલે અમે બધાએ રાજકુમારીને બચાવવા એક નિર્ણય કર્યો. રાજ્ય અમારું હતું અને કારાવાસ પણ અમારો હતો. અમને ખબર હતી અહીં થી કેવી રીતે નીકળ્યા. પણ અમે બધા સાથે નીકળી શકીએ એમ નહોતાં. એટલે રાજા કર્ણદેવ રાજકુમારી ઈલાક્ષી ને લઈ ત્યાં થી નીકળી ગયા. અમે જાણતા હતા કે હવે અમે ક્યારેય ફરી મળી શકવાના નહોતા. રાણી હિરીનીદેવી ત્યાંજ કારાવાસ માં રોકાઈ ગયા કેમકે જો રાજા પકડાઈ જાય તો પણ એ લડી શકે એમ હતા પણ રાણી એવું ના કરી શકતા. ને અમે અશ્રુઓ સાથે રાજા અને રાજકુમારીને ત્યાં થી બહાર મોકલી દીધા.

બીજા દિવસે જ્યારે મોઝિનો આવ્યો ત્યારે એણે રાજા કર્ણદેવ અને રાજકુમારીને ના જોતા ધુંવાપુવા થઈ ગયો. એણે ગુસ્સામાં એક જ ઝટકામાં રાણી હિરીનીદેવીને મારી નજર સામે તલવાર થી મારી નાંખ્યા. હું બહુ કગરયો, વિનંતીઓ કરી પણ એ પાપીએ મારી વાત ના માની. એણે રાજા કર્ણદેવ ને શોધવા આકાશ પાતાળ એક કરી દીધું. ને એક દિવસ મને જાણ કરવામાં આવી કે રાજા કર્ણદેવ પણ મરણ પામ્યા છે.

હવે મોઝિનોને એ મીનાક્ષી રત્ન કોણ આપે? પણ એને પુરી ખાતરી હતી કે મને ખબર છે કે એ રત્ન ક્યાં છે? રાજા કર્ણદેવે મને કહ્યું જ હશે. બસ એ રત્ન માટે એણે મને આટલા વર્ષો થી અહીં કેદી બનાવી રાખ્યો છે.

અત્યાર સુધી શાંતિ થી સાંભળી રહેલી નિયાબી બોલી, ને રાજકુમારી ઈલાક્ષીનું શુ થયું? એ હજુ જીવીત છે કે પછી એ પણ......

દેવીસિંહે નિયાબી ને વચ્ચે જ બોલતી અટકાવી દીધી ને કહ્યું, રાજકુમારી ઈલાક્ષી જીવીત જ હશે. મને પૂરો ભરોસો છે કે રાજા કર્ણદેવે એમને જરૂર બચાવી લીધા હશે. ને જ્યારે રાજાના મોત ના સમાચાર આવ્યા ત્યારે રાજકુમારી ઈલાક્ષીની કોઈ વાત આવી જ નહોતી. ને હજુ સુધી પણ રાજકુમારીની મોતના કોઈ વાવડ નથી. એ જરુર જીવીત હશે. જરૂર....દેવીસિંહ વિશ્વાસ સાથે બોલી રહ્યો હતો.

ઓનીર: જો એ જીવીત પણ હશે તો પણ તમને શુ ખબર કે એ ક્યાં છે? તમે એમને ક્યાં શોધશો?

બંસીગઢમાં, દેવીસિંહ ઉત્સાહ સાથે બોલ્યો.

નુએન: બંસીગઢ? પણ ત્યાં કેમ?

દેવીસિંહ: કેમકે બંસીગઢના રાણી નુરાલીન રાજા કર્ણદેવ ના બેન છે. ને રાજા કર્ણદેવે જતા પહેલા મને કહ્યું હતું કે તેઓ રાજકુમારી ઈલાક્ષીને એમની પાસે મૂકીને અમને છોડાવવા પાછા આવશે. ને રાણી નુરાલીને જરૂર રાજકુમારી ઈલાક્ષી ને સાચવી ને રાખ્યા હશે. હું પહેલા મોઝિનોનું માથું ધડ થી અલગ કરીશ અને એ માથું લઈ હું બંસીગઢ જઈશ રાજકુમારી ઈલાક્ષી પાસે. મોઝિનોનું માથું હું એમને ભેટમાં આપીશ. ને પછી એમને અહીં લઈ આવીશ. એમના પોતાના રાજ્યમાં. હવે રાજકુમારી ઈલાક્ષી રાજ કરશે રાયગઢ પર અને અહીં પહેલા જેવીજ સુખશાંતિ હશે.

આ બધું સાંભળી નિયાબી દુઃખી થઈ ગઈ હતી. પણ એણે એ દુઃખ પોતાના ચહેરા પર ના આવવા દીધું. નુએન અને ઓનીરે નિયાબી સામે જોયું. એ બંને સમજતા હતા કે નિયાબી અત્યારે શુ અનુભવી રહી હશે. આજે પહેલીવાર નિયાબી ને પોતાના માતાપિતા અને પોતાના વિશેનો ભૂતકાળ કેવો હતો એ જાણવા મળ્યું હતું.

નુએને જોયું નિયાબી ચુપચાપ આ બધું સાંભળી રહી હતી. એના ચહેરા પર કોઈ ભાવ નહોતો. નુએન ને નવાઈ લાગી. એ નિયાબી પાસે ગયો ને બોલ્યો, નિયાબી તમે ઠીક છો?

નિયાબી એકદમ સ્વસ્થતા સાથે બોલી, હા હું બરાબર છું.

ઓનીર: સેનાપતિ દેવીસિંહ તો શુ અમે એમ સમજીએ કે તમે અમને મદદ કરશો?

દેવીસિંહ: ના છોકરા હું તમારી કોઈ મદદ નથી કરવાનો. મદદ તો તમે મારી કરી છે. ને હવે આપણે સાથે મળી ને લડીશું મોઝિનો સામે.

ત્યાં અચાનક કોહી બોલતો બોલતો ઉડી ને આવ્યા, ઓનીર......ઓનીર.....

આમ બાજ ને અંદર આવી બોલતો જોઈ દેવીસિંહ તલવાર લઈ ને એની પર વાર કરવા તૈયાર થઈ ગયો. એણે આ પહેલા કોહી ને મોઝિનો આવ્યો ત્યારે જોયો હતો. એટલે એને એમ કે આ મોઝિનો નો કોઈ જાસૂસ છે.

ઓનીર: ના સેનાપતિજી એ અમારી સાથે છે. આજે અમે તમારી સાથે છીએ તેનું કારણ આ બાજ છે. એજ અમને અહીં લઈ આવ્યો છે.

દેવીસિંહે નવાઈભરી નજરે બાજ સામે જોયું પછી ઓનીર ને પૂછ્યું, આ બોલે છે?

ઓનીર: હા આ એક તાલીમ પામેલું બાજ છે. આનું નામ કોહી છે.

દેવીસિંહે ફરી એકવાર કોહી સામે જોયું. કોહી એને જ જોઈ રહ્યો હતો.

ક્રમશ.............