અર્ધ અસત્ય. - 70 - છેલ્લો ભાગ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 70 - છેલ્લો ભાગ

અર્ધ અસત્ય.

પ્રકરણ-૭૦

પ્રવીણ પીઠડીયા

ઘોડારમાં અજબ ટેબ્લો પડયો હતો. બાપુએ પૃથ્વીસિંહજી પાસે જવાની વાત કરીને અભય અને અનંતને સ્તબ્ધતામાં ધકેલી દીધા હતા. તેઓ ખરેખર વિચિત્ર, ધૂની અને પાગલ માણસ હતાં. ગંભીર રીતે ઘાયલ થયાં હોવા છતાં તેઓ અભય અને અનંત સાથે કોઇ અજબ ખેલ ખેલી રહ્યાં હોય એમ તેમને આશ્વર્ય ઉપર આશ્વર્યનાં ઝટકાઓ આપી રહ્યાં હતા. બાપુની વાત સાંભળીને એકાએક જ તે બન્ને તેમની તરફ ધસી ગયાં હતા પરંતુ તેઓ જાણતાં નહોતાં કે એ બાપુની ચાલ હતી. તે કોઇ ભૂલ કરે એ રાહમાં જ બાપુ હતા.

અને… કોઇ કંઇ વિચારે એ પહેલાં આંખનાં પલકારે એક ઘટના ઘટી ગઇ હતી. તે બન્ને બાપુની વાતથી એકદમ જ ચોંકયાં હતા અને તેમની તરફ ધસી ગયાં હતા. અભય બાપુની નજીક પહોંચ્યો બરાબર એ સમયે જ બાપુ થોડાક આગળ ઝૂક્યાં હતા અને તેમણે લાગ જોઇને એક ઝટકા સાથે અભયની પેન્ટમાં ખોસેલી રિવોલ્વર ખેંચી કાઢી હતી. વિજળીનાં ઝબકારાં કરતાં પણ વધું ઝડપે એ બન્યું હતું અને અભય તરફ ભયાનક અંદાજમાં રિવોલ્વર તકાઇ ચૂકી હતી. અભયને સહેજે ખ્યાલ રહ્યો નહોતો કે તેઓ આવું કંઇક કરશે .તે અસાવધ હતો જેનો ભરપૂર લાભ બાપુએ ઉઠાવ્યો હતો.

“હાહાહાહા…” ખતરનાક અંદાજમાં બાપુ હસવાં લાગ્યાં. તેઓ પળેપળ કોઈ કાંચિડાની જેમ પોતાનો રંગ બદલી રહ્યાં હતા. ઘાયલ હોવા છતાં તેમનો સ્ટેમિના ગજબનાક રીતે કામ કરતો હતો. એકાએક જ તેમની આંખોમાં કોઇ હિંસક પશું જેવી હૈવાનીયત ઉભરી આવી હતી. “છોકરાઓ, તમને શું લાગે છે, કે હું એટલી આસાનીથી હાર સ્વીકારી લઈશ! તમે મને હજું ઓળખતાં નથી. જો હું મારાં સગ્ગા ભાઈઓને અને બાપને ખતમ કરી શકતો હોઉં તો તમારી શું ઔકાત છે. હાહાહાહા.” બાપુનું અટ્ટહાસ્ય એ નાનકડા એવા કમરામાં પડઘાતું હતું. કમરામાં સોપો પડી ગયો હતો.

ઘડીભર તો કોઇને કંઈ સૂઝયું નહી. પરંતુ અભયનાં ભયાનક આશ્વર્ય વચ્ચે અનંત એકાએક જ આગળ વધ્યો હતો અને તેણે બાપુનો રિવોલ્વર વાળો હાથ પકડીને ગનનું નાળચું પોતાની છાતી ઉપર ગોઠવી દીધું. “ નાઉ શૂટ. પણ પહેલાં દાદા સાથે તમે શું કર્યું હતું એ જણાવી દો. નહીતર મારો જીવ અવગતે જશે.” તેના અવાજમાં મક્કમતાં હતી. તે હવે આ ઉંદર બિલાડીની રમતથી કંટાળ્યો હતો. બાપુએ માથું ઉચું કરીને અનંતની આંખોમાં તરવરતી મક્કમતાં જોઇ. તેમણે ટ્રીગર ઉપરથી પોતાની આંગળી હટાવી લીધી.

“તેં આપણી હવેલીઓની સામે જે બગીચો છે એ તો જોયો જ હશે ને! તને ખબર છે એ બગીચો કોણે બનાવ્યો છે? મેં બનાવ્યો છે. બગીચાની બરાબર વચ્ચોવચ્ચ એક સુંદર તળાવ છે. હું ઘણી વખત એ તળાવને કાંઠે જઇને બેસું છું. મારાં મનને ત્યાં જઇને અજીબ શાંતી મળે છે. શું કામ એ તને ખબર છે?” એકાએક જ બાપુ ન સમજાય એવી મૂર્ખતાભરી વાતો કરવા લાગ્યાં. અનંતને તાજ્જૂબી થઇ. તેને ક્યાંથી ખબર હોય કે બાપુ શું કામ એ તળાવને કાંઠે જઇને બેસે છે. એવી જ હાલત અભયની હતી. તેને લાગતું હતું કે બાપુનું મગજ છટકી ગયું છે અને તેઓ એલફેલ બકવાસનાં રવાડે ચડી ગયાં છે.

“એ મને ખબર છે.” કમરાનાં દરવાજેથી એકાએક જ એક સ્ત્રીનો અવાજ ગુંજયો અને બધાંએ ચોંકીને એકસાથે એ દિશામાં જોયું. “મને ખબર છે કે તમે ત્યાં જઇને શું કામ બેસો છો.” સૂસવાટાભેર વૈદેહીબા અંદર પ્રવેશ્યાં હતા અને એકદમ નજીક આવીને ઉભા રહ્યાં હતા. તેમનો દેખાવ ભયાવહ હતો. તેમનું થોડુક ભરાવદાર શરીર ક્રોધથી થરથર કાંપતું હતું. તેમણે પહેરેલી બનારસી સિલ્કની સફેદ પટ્ટાવાળી સાડી ઉપર લોહીનાં લાલ ડાઘા વિચિત્ર દેખાતાં હતા. એ લોહી કુસુમદેવીનું હતુ. તેમની આંખોમાંથી અંગારા વરસતાં હતા. તેઓ અચાનક જ આવી ચડયાં હતા. અભય તેમને બાપુની હવેલીએ છોડીને આવ્યો હતો ત્યારે એમની હાલત એકદમ અલગ હતી જ્યારે અત્યારે તેઓ કંઇક અલગ જ રૂપમાં દેખાતાં હતા.

“વૈદેહી તું?” બાપુનાં ગળામાંથી માંડ માંડ શબ્દો નીકળ્યાં. વૈદેહીને અહી જોવાની તેમને બીલકુલ આશા નહોતી. અનંત તરફ તકાયેલી રિવોલ્વર એકાએક વૈદેહીબાની દિશામાં ઘૂમી ગઇ હતી. “તું અહી શું કરે છે? તું ઘરે જા. અહી તારી કોઇ જરૂર નથી.”

“વિષ્ણું, બસ હવે… બંધ કર તારી આ વિનાશ લીલા. ક્યાં સુધી તું આમ નિર્દોષ લોકોને મારતો રહીશ. તને દેખાતું નથી કે તારાં ગાંડપણે સમસ્ત રાજગઢને બરબાદીનાં કગારે લાવી મૂકયું છે.” વૈદેહીબાનો પૂણ્ય-પ્રકોપ એકાએક ફાટી પડયો હતો. તેમણે જીંદગીમાં પહેલીવાર આજે બાપુને ’તું’ કારે બોલાવવાની હિંમત કરી હતી.

“વાહ, શું વાત છે. ખિસકોલીને પણ પાંખો ફૂટી આવી એમ! હાહાહા, હવે મોટાભાઈને કેમ બોલાવાય એ પણ મારે યાદ દેવરાવું પડશે?” વિષ્ણુંબાપુ દાંત ભિંસતા બોલ્યાં અને રિવોલ્વરનું ટ્રિગર દબાવી દીધું. એ સાથે જ અભય ઉછળ્યો હતો. તેની એક નજર વૈદેહીબા ઉપર અને બીજી નજર બાપુ ઉપર જ હતી. તેણે જોયું કે વૈદેહીબાનાં શબ્દોએ બાપુનાં મર્મ ઉપર ઘા કર્યો છે અને બાપુ ક્રોધે ભરાયા છે. તેણે બાપુનાં હાથની હલચલ ક્ષણનાં ચોથા ભાગમાં નોંધી લીધી હતી અને જેવું બાપુએ ટ્રીગર દબાવ્યું કે એ સાથે જ તે ઉછળ્યો હતો અને બાપુનાં હાથને નીચેથી ઉપર તરફ ધક્કો માર્યો હતો. બાપુ માટે એ હરકત સાવ અણધારી હતી. તેમને સહેજે ખ્યાલ નહોતો કે અભય આવું કંઈક કરશે. તેમનો હાથ હવામાં ઉંચો ઉચકાયો હતો અને એ સમયે જ ગોળી છૂટી હતી. ગોળી સીધી જ છત સાથે ટકરાઇને ત્રાંસી ફંટાઇ ગઇ હતી. અભય હવે બાપુને સહેજે મોકો આપવાનાં મૂડમાં નહોતો. બાપુએ જેવો હાથ નીચો કર્યો કે અભયે રિવોલ્વરનું ગરમ નાળચું પોતાના હાથમાં દબોચી લીધું હતું અને જોરથી એક ઝટકો માર્યો હતો. સેકન્ડોમાં રિવોલ્વર તેના હાથમાં આવી ગઇ હતી અને તેણે સીધું જ બાપુનાં કપાળનું નીશાન તાકયું હતું.

“હવે કોઇ ખોખલી વાતો નહી બાપુ. ફક્ત એક સવાલ અને તેનો સ્પષ્ટ જવાબ આપવો પડશે. પૃથ્વીબાપુ ક્યાં છે?” અભયે સપાટ સ્વરમાં પૂછયું. તે જાણી ગયો હતો કે બાપુ વાતોમાં બધાને ઉલઝાવીને પોતાનો મકસદ સાધી રહ્યાં છે. પણ હવે તે એમને કોઇ મોકો આપવા માંગતો નહોતો.

“મને એ તળાવ પાસે લઇ જાઓ.” બાપુએ જવાબ આપવાનાં બદલે માંગણી મૂકી.

“એ સાચું કહે છે. તેને તળાવ સુધી લઇ જ જવો પડશે. કારણ કે ત્યાં જ આ સવાલનો જવાબ છૂપાયેલો છે.” વૈદેહીબા બોલી ઉઠયાં. તેમને બધી જ ખબર હતી. રાજગઢની સોનેરી ધરતી ઉપર ઘટેલી એક-એક ઘટનાનાં તેઓ સાક્ષી હતાં. જો અત્યાર સુધી તેઓ ખામોશ રહ્યાં ન હોત તો ઘણી ગમખ્વાર ઘટનાઓ બનતાં પહેલાં જ અટકી ગઇ હોત. પરંતુ તેઓ વિષ્ણુંસિંહનાં પહેરા હેઠળ ધરબાઇ ગયાં હતા. આજે વર્ષોનાં અંતરાલ બાદ એ ઘૂંસરીમાંથી તેઓ મૂક્ત થયા હતા એટલે તેમનામાં સત્ય હકીકત જણાવાની હિંમત આવી હતી. તેમણે આંખોનાં ઈશારાથી જ વિષ્ણુંબાપુની વાત માની લેવાનો અભયને સંકેત આપ્યો. અભયે તુરંત કમરાનાં એક ટેબલ ઉપર પડેલી મજબૂત રસ્સી ઉઠાવી. એક ખપાટિયાની પટ્ટી શોધી, એક મોટી ચાદરમાંથી લાંબો લીરો ફાડયો અને બાપુ પાસે આવ્યો. સૌથી પહેલાં તેણે બાપુનાં હાથ આપસમાં ભેગા કરીને બાંધ્યાં. પછી સાવધાનીથી તેમનો ભાંગેલો પગ ઉઠાવ્યો અને અંદર તૂટી ગયેલાં હાડકાઓને નજદિક ગોઠવ્યાં, તેની નીચે ખપાટિયાની સીધી પટ્ટી મૂકી અને કસકસાવીને તેની ઉપર ચાદરનો લીરો વિંટી દીધો. એટલું કરવામાં પણ બાપુનો જીવ નીકળી ગયો હતો પરંતુ હવે અભય કોઇ રહેમ દેખાડવાનાં મૂડમાં નહોતો.

“અનંત, આ લે કારની ચાવી.” તેણે ઝડપથી અનંતને પોતે લઇને આવ્યો હતો એ કારની ચાવી આપી. “ તું અને બંસરી કારમાં બગીચે પહોંચો. હું, બાપુ અને બા, બીજી કારમાં આવીએ છીએ. આજે આ મામલાનો અંત લાવીને જ જંપીશું.” તેનું હદય પણ પૃથ્વીસિંહજીની હકીકત જાણવાં રીતસરનું ઉછાળા મારતું હતું. તેણે પહેલાં અનંતની મદદથી બાપુને ઉઠાવ્યાં હતા અને વૈદેહીબા જે કાર લઇને આવ્યાં હતા એની પાછલી સીટ ઉપર સૂવરાવ્યાં હતા. પછી બંસરીને તેડીને બીજી કારની સીટ ઉપર બેસાડી હતી. બંસરી હજુ પણ તંન્દ્રાંમાં જ હતી. અહી શું બની રહ્યું છે એનું તેને કશું જ ભાન નહોતું. જોકે એક રીતે તો એ સારી વાત હતી. જો એ ભાનમાં હોત તો વળી નાહકની બીજી મુસીબતો ઉદભવી હોત.

@@@

બહાર ધોધમાર વરસાદ ચાલું હતો. રસ્તાઓ પાણીથી લથપથ હતાં. આકાશ વાદળોનાં ગડગડાહટ અને વિજળીઓની ચમકથી વારેવારે ગર્જી ઉઠતું હતું. જાણે સાંજનું અવતરણ થઇ ચૂકયું હોય એવો અંધકાર ભર્યો માહોલ રાજગઢની ધરતી ઉપર જામ્યો હતો. એવા સમયે સડસડાટ કરતી બે મોંઘી કારો પૃથ્વીસિંહજીની હવેલી પાછળ આવેલાં ખખડધજ ઘોડારમાંથી નીકળીને હવેલીઓની બરાબર સામે બનેલાં સુંદરતમ બગીચાનાં ગેટે આવીને ઉભી રહી. ધડાધડ કરતાં તેના બારણાં ખૂલ્યાં અને અભય, અનંત, વૈદેહીબા તેમાથી બહાર નીકળ્યાં. તેમણે બંસરીને કારમાં જ રાખવાનું નક્કી કર્યું અને બાપુને નીચે ઉતાર્યાં હતા. અભયે અને અનંતે બાપુને સાવધાનીથી ઉંચકયાં હતા અને બગીચાની અંદર પ્રવેશ્યાં હતા. બગીચાની અંદર, થોડે દૂર તળાવ દેખાતું હતું. તેઓ એ તળાવનાં કાંઠે આવી પહોંચ્યાં. તળાવ પાણીથી આખું છલોછલ ભરાઇ ચૂકયું હતું. વરસાદ એટલો ધોધમાર ખાબકતો હતો કે પાણી તળાવની પાળી ઉપરથી વહીને બગીચામાં વહેવા લાગ્યું હતું. તળાવની ધારે સિમેન્ટનાં બ્લોક બેસાડીને ગોળ ફરતો ’વોક-વે’ બનાવાયો હતો. એ વોક-વેમાં ઠેકઠેકાણે બાંકડાઓ મુકેલાં હતા. અભયે બાપુને એવા જ એક બાંકડા ઉપર બેસાડયાં. એટલું કરવામાં તેઓ ચારેય વરસાદમાં સંપૂર્ણપણે ભિંજાઇ ગયાં હતા.

“હવે બોલો બાપુ. ક્યાં છે પૃથ્વીસિંહજી?” અભયે પૂછયું. એ દરમ્યાન જ અનંત બાંકડા પાસે ગોઠણભેર બેસી પડયો હતો.

“પૃથ્વીબાપુ ક્યાં છે મોટાબાપુ? મારો જીવ મૂંઝાય છે. અણસાર સારાં વર્તાતાં નથી. પ્લિઝ, હવે તો કંઇક બોલો.” અનંતની આંખોમાં દુનિયાભરની આજીજી તરી આવી હતી. બાપુ સ્તબ્ધ બની ગયાં. એકાએક આ જગ્યામાં આવ્યાં પછી તેમનો ક્રોધ, સંતાપ, હિનપણું, સનકીપણું, બધું જ સમાપ્ત થઇ ગયું હતું. તેઓ એકદમ જ ખામોશ બની ગયું હતું. તેમણે માથું નમાવ્યું અને અનંતની આંખોમાં ઝાંકયું.

“તે દિવસે પણ આવો જ ધોધમાર વરસાદ આવતો હતો. વૈદેહીએ બાપુને મારાં કરતૂતો જણાવ્યાં પછી તેમનો મારી ઉપર પહેરો વધી ગયો હતો. હું બન્ને તરફથી મુંઝાતો હતો. એક કુસુમ ઓછી હતી કે હવે તેમાં બાપુ પણ ભળ્યાં હતા. મારું મગજ કોઇ પ્રેસર કૂકરની જેમ ઉકળતું હતું. એ બોજ સહન કરવાં હું અસમર્થ બન્યો હતો. મારાં મનમાં તેમના પ્રત્યે ભારોભાર અભાવ જાગ્યો હતો. મને ખબર હતી કે જો બાપુ ખામોશ ન થયાં તો ક્યારેકને ક્યારેક મારો ભાંડો ફૂટી જ જશે. કોઇપણ ભોગે તેમને રસ્તામાંથી હટાવવા જ જોઇએ એવો ખ્યાલ મારા મનમાં ઉદભવતો હતો. હું એવો વિચાર કરતો જ હતો કે બરાબર એ સમયે જ મેં બાપુને જંગલ તરફ જતાં જોયાં. તેઓ એકલાં જ હતા. તેમને વરસાદ અતી પ્રિય હતો એટલે ઘણી વખત તેઓ આવું કરતાં. મને તેમાં એક તક દેખાઇ અને ખામોશીથી હું તેમની પાછળ ગયો હતો. એક વધું શિકાર અને હું દુનિયાનાં તમામ ભયથી મુક્ત થઇ જવાનો હતો. તેઓ જંગલમાં ઘણે ઉંડે સુધી પહોંચી ગયાં હતા. મારી પાસે મોકો હતો અને સમય પણ હતો. હું તેમની નજદિક પહોંચ્યો હતો અને લાગ જોઇને તેમનાં માથા ઉપર ભારેખમ અણીયાળા પથ્થરથી વાર કરી દીધો હતો. એક જ ઘા માં તેમનું પ્રાણ-પંખીડું ઉડી ગયું હતું. મરતાં પહેલાં તેમની આંખોમાં અપાર આશ્વર્ય સમાયેલું હતું. પણ મારી પાસે તેમને મારવાં સીવાય બીજો કોઇ રસ્તો બચતો નહોતો. તેમને ઉંચકીને હું ઘોડારમાં લઇ આવ્યો હતો અને એક મહિના સુધી મેં તેમનાં શવને સાચવીને રાખી મૂકયું હતું. એ દરમ્યાન જ મેં આ બગીચાનું કામ હાથ ધર્યું હતું. અને… જ્યારે આ તળાવ બનીને તૈયાર થયું અને તેમાં પાણી ભરવામાં આવ્યું ત્યારે એક રાત્રે બાપુનું શવ લઇને હું અહી આવ્યો હતો. તેમનાં શરીરને ભારેખમ પથ્થરોથી બાંધીને આ જ તળાવમાં મેં તેમને જળ સમાધી આપી દીધી હતી.” બાપુ એકાએક અટકયાં. તેમણે અનંત ઉપરથી નજર હટાવીને છલકાતાં તળાવ ભણી નજર કરી. “આજે પણ તેઓ આ તળાવમાં જ છે. એટલે જ જ્યારે મને તેમને મળવાનું મન થાય છે ત્યારે હું અહી આવતો રહું છું અને કલાકોનાં કલાકો તેમની પાસે બેસી રહું છું. મેં શાયદ ઘણાં વર્ષો પહેલાં આ સત્ય વૈદેહીને કહ્યું હતું. જેથી તે આવી કોઇ ભૂલ ન કરી બેસે અને મારે તેને પણ આ તળાવમાં ન નાંખવી પડે.”

અનંત ઘેરા આઘાતથી વિષ્ણુંબાપુને જોઇ રહ્યો. શું બોલવું, શું કરવું, એની સુધબુધ તે ખોઇ બેઠો હતો. તે એકાએક જ બાપુ પાસેથી ઉભો થઇ ગયો અને તળાવની દિશામાં મોઢું ફેરવીને ઉભો રહી ગયો. તેના દાદા સામે દેખાતાં તળાવમાં હતા. નિર્જિવ… નિશ્ચેતન… હવે તેમનું શવ પણ તેના હાથ લાગવાનું નહોતું.

માત્ર અઠવાડિયાં પહેલાં જ તે રાજગઢ આવ્યો હતો. તે થોડાક દિવસો પોતાની માતૃભુમીમાં શાંતીથી વિતાવવા માંગતો હતો. પરંતુ અહી આવ્યાં બાદ પોતાની હવેલીની ખસ્તા હાલત જોઇને તેને હવેલીની મરમ્મત કરાવવાની ઈચ્છા જાગી. તેણે એ કાર્ય શરૂ પણ કર્યું હતું. બરાબર એ સમયે સાવ અનાયાસે જ તેની નજર હવેલીની દિવાલે હારબંધ ગોઠવેલાં પોતાનાં વડવાઓનાં તૈલ ચિત્રો ઉપર પડી અને તેમાં પૃથ્વીબાપુનું ચિત્ર જોઇને તે થંભી ગયો હતો. તેઓ વર્ષો પહેલાં ક્યાંક ગુમ થઇ ગયા હતા. ક્યાં? એ કોઇ નહોતું જાણતું. તેને દાદા વિશે જાણવાની અપાર જીજ્ઞાસા જન્મી હતી અને એ અરસામાં જ તેનો મિત્ર અભય, કે જે એક પોલીસ અફસર હતો એ પણ રાજગઢ આવ્યો હતો. તેણે દાદા વિશે ભાળ મેળવવાનું કામ તેને સોંપ્યું હતું.

અને… આજે તેને ભાળ મળી હતી. તેના દાદા ક્યાં ગાયબ થઇ ગયાં હતા એ રહસ્ય ઉપરથી પરદો ઉઠયો હતો. વર્ષોથી રાજગઢની હવાઓમાં ઘૂમરાતું એક ભયાનક સત્ય એકાએક ઉજાગર થઇને તેની સામે પ્રગટ થયું હતું. એક એવું સત્ય જે અસત્યમાં તબદિલ થઇ જાય એવું તે ઈચ્છી રહ્યો હતો. તે એવા કોઇ “અર્ધ અસત્ય”ને ઝંખી રહ્યો હતો જેમાં તેના દાદા જીવિત હોવાની સંભાવના દેખાતી હોય. પરંતુ એ શક્ય નહોતું. સત્ય તો આખરે સત્ય જ હતું. એનો સ્વીકાર કરવાં સીવાય તેની પાસે બીજો કોઇ રસ્તો બચતો નહોતો. તે ખિન્ન મને ચાલતો તળાવની પાળે પહોંચ્યો અને તળાવનાં હિલોળાતાં પાણીને શૂન્યતાભરી નજરોથી તાકતો ઉભો રહ્યો.

“મને તળાવ સુધી લઇ જા.” બાપુએ એકાએક જ અભયને કહ્યું. તેમનો અવાજ રીતસરનો ધ્રૂજતો હતો. તેમનાં ચહેરા ઉપર કશુંક નક્કી કર્યું હોય એવી મક્કમતાનાં ભાવો આવ્યાં હતા. તેમનાં હાથ હજું પણ બંધાયેલા જ હતા. અભયે મહા-મહેનતે તેમને ઉભા કર્યાં અને તળાવની પાળ સુધી લઇ આવ્યો. વૈદેહીબા પણ તેની પાછળ પાછળ આવ્યાં હતા.

આકાશમાંથી અનારાધાર વરસતાં વરસાદની હેલીમાં બધાં સંપૂર્ણપણે ભિંજાતાં તળાવની પાળે આવીને ઉભા રહ્યાં હતા. તેમની વચ્ચે એક નિતાંત ખોમોશી છવાઇ હતી. કોણ શું બોલે એ કોઇ સમજી શકતું નહોતું. અને… ’છપાક’ કરતો એક અવાજ એ ખામોશીને તહસ-નહસ કરી ગયો. બાપુએ એકાએક જ છલોછલ છલકાતાં તળાવમાં છલાંગ લગાવી દીધી હતી. એ સાવ અનઅપેક્ષિત અને અણધાર્યું જ બન્યું હતું. અભય સૌથી પહેલાં ચોંક્યો હતો અને તે બાપુને બચાવી લેવા પાણીમાં છલાંગ લગાવવાની તૈયારીમાં જ હતો કે વૈદેહીબાએ તેનો હાથ પકડી લીધો. ભારે હેરાનીથી ડોક ફેરવીને તેણે વૈદેહીબાનાં ચહેરા સામું જોયું. વૈદેહીબાની નજરો તળાવનાં પાણીમાં ડૂબી રહેલાં વિષ્ણું બાપુ ઉપર હતી. તેઓ તદ્દન સ્થિર નજરોથી બાપુને ડૂબતાં જોઇ રહ્યાં. તેમને ખબર હતી કે બાપુને તરતાં નથી આવડતું. વળી તેમનાં હાથ આપસમાં બંધાયેલાં હતા અને એક પગ પણ ભાંગેલો હતો. તેઓએ સ્વેચ્છાએ જ પોતાનું મોત પસંદ કર્યું હતું. તેમને બચાવવાનો હવે કોઇ મતલબ નહોતો. એ જ તેમની નિયતી હતી જે તેમણે જાતે જ સ્વીકારી લીધી હતી. રાજગઢ હવે વધું સમય તેમનો ભાર ઝિલી શકે તેમ નહોતું.

તળાવનાં પાણીએ થોડીવારમાં જ બાપુને પોતાની અંદર સમાવી લીધા હતા. તેમની છટપટાહટ બંધ થઇ હતી અને તેઓ ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયાં હતા. વર્ષો પહેલાં પૃથ્વીસિંહજીને તેમણે આ તળાવનાં પાણીમાં જ ડૂબાડયાં હતા. આજે તેમનો વારો હતો.

અનંત અને વૈદેહીબાની આંખોમાં શૂન્યાવકાશ છવાયો હતો. તેમનાં ચહેરા ઉપર સુખ કે દુખ, કોઇ જ પ્રકારનાં ભાવો નહોતાં. તેમણે કુદરતનાં ન્યાયને નત-મસ્તક સ્વીકારી લીધો. જ્યારે અભય… તે વિચારતો હતો કે જો તે રાજગઢ આવ્યો જ ન હોત તો?

@@@

કબિલાનાં મૂખિયાએ એકાએક જ આકાશ ભણી નજર નાંખી. તેને અચાનક એવો અહેસાસ થયો કે ઉપરથી કોઇએ તેને સાદ દીધો છે. તે ક્યાંય સુધી મીટ માંડીને આકાશ તરફ તાકતો બેઠો રહ્યો. પછી તેણે પોતાના પૌત્રને પડખામાં લીધો અને તેના કપાળને ચૂમી લીધું હતું. આજે તેનો માંહ્યલો અનાયાસે જ કોઇ અનન્ય ખુશી અનુભવી રહ્યો હતો.

@@@

પહાડની કરાળ ધારેથી નીચે ખાબકતાં ધોધનાં પાણીમાં એકાએક જ વધારો થયો હતો. અનાયાસે જ જાણે સાતે-સાત ધોધ એકસાથે ખીલી ઉઠયાં હોય એમ જોશભેર તળેટી તરફ વહેવા લાગ્યાં હતા.

@@@

રમણ જોષી અને રાજસંગ રેસ્ક્યૂ બોટમાં બેઠા હતા અને પુલ ઉપરથી વહેતાં પાણીને પાર કરીને સામેની તરફ ઉતર્યાં હતા. હવે? રાજગઢ પહોંચવા માટે આ કાંઠેથી તેમને કોઇ વાહન મળે તેમ નહોતું. તેઓ એકબીજાનું મોં જોઇને વિચારતાં ઉભા હતા કે આખરે રાજગઢ પહોંચવું કેવી રીતે?

@@@

“અભય, તું આવે છે ને?” વૈદહીબાએ ભારે હેતાળ અવાજે અભયને પૂછયું. તેઓ બગીચામાંથી બહાર નીકળીને તેમની ગાડીઓ પાસે આવ્યાં હતા. વરસાદ હજું પણ જોશભેર ખાબકી રહ્યો હતો. બાની દાઢીએથી પાણીની ધાર રેળાઇને નીચે પડતી હતી. અભય ઘડીભર તેમને તાકી રહ્યો.

“નહી બા. હું મારાં ઘરે જઇશ.” તે બોલ્યો અને અનંતનાં હાથમાંથી તેણે કારની ચાવી લીધી. અનંત એકાએક જ આગળ વધ્યો હતો અને અભયને ભેટી પડયો. “થેંન્કયું દોસ્ત.” તેની આંખોમાં અથાગ પ્રેમ છલકાતો હતો. અભયે તેને ભિંસી લીધો અને થોડીવાર પછી અળગો કર્યો. તેનાં ચહેરા ઉપર હળવી મુસ્કાન હતી. તેણે આંખોથી જ અનંતને સધીયારો આપ્યો અને પછી કાર તરફ ચાલી નીકળ્યો. કારની આગલી સીટ ઉપર બંસરી બેહોશીભરી હાલતમાં બેઠી હતી. અભય ઘડીભર માટે તેના રૂપાળા ચહેરાને તાકતો ઉભો રહ્યો અને પછી ડ્રાઇવર સીટ ઉપર ગોઠવાઇને કારને પોતાનાં ઘરની દિશામાં ભગાવી મૂકી.

એ સમયે રાજગઢની શેરીઓમાં વહેતાં પાણીમાં એક કહાની પણ સાથે વહી રહી હતી.

( સમાપ્ત )