અર્ધ અસત્ય. - 69 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 69

અર્ધ અસત્ય.

પ્રકરણ-૬૯

પ્રવીણ પીઠડીયા

આજનો દિવસ રાજગઢ ઉપર ભારે વિતશે એવા સ્પષ્ટ એંધાણ વર્તાતાં હતા. તેની સાબિતી રૂપે આકાશમાંથી અનરાધાર વરસતો વરસાદ બપોર થઇ હોવા છતાં ઘટવાને બદલે સતત વધી રહ્યો હતો. તેના લીધે ભરૂચથી રાજગઢ તરફ જતી સડક ઉપર આવેલાં સાંકડા પુલ ઉપર હવેતાં પાણીનાં સ્તરમાં અવીરત વધારો થઇ રહ્યો હતો. એ પુલનાં આ કાંઠે ફસાયેલો રમણ જોષી ભયંકર હતાશાથી સતત ફફડતો હતો. તે કોઇપણ ભોગે રાજગઢ પહોંચવા માંગતો હતો. બંસરીની ઉપાધીમાં તે લગભગ અડધો થઇ ગયો હતો અને રાજસંગ સાથે એ બાબતે તેણે ચર્ચા પણ કરી હતી. રાજસંગને પણ પરિસ્થિતિની ગંભીરતા સમજાતી હતી. રાજગઢ તરફની તમામ ફોન લાઇન્સ બંધ આવતી હતી પરંતુ ભરૂચની લાઇનો ચાલું હતી એટલે તેણે હેડ-ક્વાટર ઉપર ફોન કરીને અહીની પરિસ્થિતિથી મોટા સાહેબને અવગત કર્યાં હતા અને તાત્કાલિક ઘોરણે એક રેસ્ક્યૂ બોટની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. સાહેબે તુરંત એ વ્યવસ્થા કરાવડાવી હતી અને એક બોટને રાજગઢ તરફ રવાના કરાવી હતી. હવે એ બોટ આવે એની તેમને રાહ હતી.

@@@

સુરતનાં પોલીસ બેડામાં જબરજસ્ત હલચલ મચી ગઇ હતી. એસીપી કમલ દિક્ષિતનાં કારનામાં ગઈકાલ રાતથી જ એકધારાં લોકલ ન્યૂઝ ચેનલો ઉપર દેકારો મચાવી રહ્યાં હતા. તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર શહેર અને રાજ્યમાં પડયાં હતા. સુરતનાં પોલીસ કમિશનરે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી હતી અને કમલ દિક્ષિતને બરતરફ કરીને તેની ધરપકડનાં તાત્કાલિક ધોરણે આદેશો આપી દીધા હતા. એ પછી તેમની ઉપર ડિપાર્ટમેન્ટલ તપાસનો ઓર્ડર પણ આપી દીધો હતો.

એ ઉપરથી એક વાત તો પાક્કી થઇ ગઇ હતી કે હવે તેને કોઇ બચાવી શકવાનું નહોતું. રઘુભા પોલીસની ગિરફ્તમાં હતો અને તેની ગવાહી દિક્ષિત માટે મોતનું ફરમાન બનવાની હતી. બીજી તરફ અભય બેગુનાહ સાબિત થયો હતો. તેની ઉપર તોળાતી સસ્પેન્શનની તલવાર હટી ગઇ હતી અને તેને સુરત પોલીસ હેડ-ક્વાટરમાં હાજર થવાનું ફરમાન નીકળી ચૂકયું હતું.

@@@

“એ સ્ત્રીએ મારું જીવન નર્ક બનાવી દીધું હતું. મને ખુદને એવું લાગવા માંડયું હતું કે હું નક્કામો છું, નામર્દ છું. મારી મર્દાનગી અને મારાં સ્વાભિમાનને એ ઔરતની જબાન સતત પડકારતી હતી. મારું મનોબળ તેણે સાવ તોડી નાંખ્યું હતું. મને સતત એવો અહેસાસ તે કરાવતી હતી કે આ દુનિયામાં હું એક બોજ તરીકે જ અવતર્યો છું અને મેં તેનું જીવન બર્બાદ કરી નાંખ્યું છે. હું તેને શારીરીક સુખ આપી શકતો નહોતો. એવી કોશિશ કરવાં જતો તો એ મને ધૂત્કારીને આઘો હડસેલી દેતી. એના લીધે હું ધૂંધવાઇ ઉઠતો હતો અને મારામાં હિનપણાની ભાવના વધું તિવ્ર બની ઉઠતી હતી. સતત અને એકધારી અવગણનાંએ મારામાં નક્કામાંપણાની ભાવનાને વધુને વધુ તિવ્ર બનાવી મૂકી હતી અને હું તેનાથી ધરબાતો જતો હતો. એવા સમયે… એકાએક જ એક રાત્રે મેં એક યુવતીને જંગલમાં એકલી જોઇ. મને તેનામાં કુસુમનો ચહેરો દેખાયો. એવું લાગ્યું કે જાણે તે હવેલી છોડીને અહી મારો ઉપહાસ ઉડાવવા મારી પાછળ પાછળ આવી છે. મારામાં એકાએક જ પ્રતિકારની ભાવના જન્મી અને હું તેની ઉપર ધસી ગયો. મારાં આશ્વર્ય વચ્ચે તે મને જોઇને ધરબાઇ ગઇ હતી. જીવનમાં પહેલીવાર કોઇ મારાથી ગભરાયું હતું. મને મજા પડી ગઇ. મારો અહંમ્, મારો મોભો, મારાં રાજકુંવર હોવાનો અહેસાસ… હું તને જણાવી નથી શકતો કે એ સમયે એકસાથે કેટલું બધું મારાં મગજ ઉપર સવાર થઇ ગયું હતું. અને મેં તેને કચડી નાંખી. એક સ્રીને પછાડવામાં… તેને રગદોળવામાં… તેને તડપતી જોવામાં કેટલો અદભૂત આનંદ આવે છે એ મેં પહેલી વખત જ અનુભવ્યું. એ દિવસે મને મારી મર્દાનગીનો સબૂત મળ્યો. મને એ યુવતીમાં કુસુમ જ દેખાતી હતી. જેનાથી હું સતત બીતો આવ્યો હતો એ વ્યક્તિ અચાનક જ મારાં તાબામાં હતી એ અહેસાસે મારી અંદરનાં શૈતાનને અચાનક જ જાગ્રત કરી દીધો હતો અને મેં તેને બેરહમીથી પિંખી નાંખી હતી. હું જણાવી નથી શકતો કે એ દિવસે મને કેટલું સારું લાગ્યું હતું. એકાએક હું રાજા બની ગયો હતો અને કુસુમદેવીનો ડર, તેનો ખૌફ મારાં માથેથી એકાએક હટયો હોય એમ સાવ હળવોફૂલ બની ગયો હતો. હવે હું તેનાથી ડરતો નહોતો. એ અહેસાસ કેટલો રૂપાળો હતો.” વિષ્ણુંબાપુ કોઇ અજબ ટ્રાન્સમાં આવીને પોતાના કૂકર્મોને વ્યાજબી ઠેરવવાની કોશિશમાં લાગ્યાં હતા.

“પછી તો જ્યારે જ્યારે કુસુમને તડપાવવાની ઈચ્છા ઉદભવતી ત્યારે ત્યારે હું જંગલમાં ચોલ્યો જતો અને જંગલમાં વસતી કુસુમને ઉઠાવી લાવતો. તેને તડપાવતો, રિબાવતો, ધરાઇ જાઉં ત્યાં સુધી તેની સાથે ખેલતો, અને પછી તેને ખતમ કરીને પેલા ઉંચા પહાડની ટોચે આવેલી એક નાનકડી ગુફા જેવી બખોલમાં નાંખી આવતો. એવું કરવામાં મારાં મનને અજબ આનંદ મળતો. મારો આત્મવિશ્વાસ બુલંદીઓને આંબી જતો અને હું આકાશમાં વિહરતો હોઉં એવું મહેસૂસ કરતો. હવે તું જ કહે, શું ખોટું કરતો હતો હું? શું કોઇ મને રિબાવે તો મારો હક નથી કે હું પણ તેને રિબાવું?” સાવ ભોળા અવાજે તેમણે આંખો પટપટાવીને અભયને પૂંછયું. કોઇ નાનું બાળક પોતાની વાત મનાવવાં કાલીઘેલી ભાષામાં જેમ ભોળાભટાક અવાજે સામેવાળાને પૂછે એવી જ એ ચેષ્ઠા હતી.

પરંતુ અભય અને અનંત બન્ને તેમની વાતો સાંભળીને સન્નાટામાં આવી ગયાં. તેમનાં ધબકારાં તેમની જ છાતીમાં એટલાં જોરથી પડઘાતાં હતા કે એવું લાગતું હતું કે હદય છાતીનાં પાટિયા ફાડીને બહાર નીકળી આવશે. તેમની સમજ શક્તિ બહેર મારી ગઇ હતી. આટલું જધન્ય ક્રૃત્ય આચરનારો વ્યક્તિ માનસિક રીતે વિકૃત જ હોવો જોઇએ. અભયે પોતાની ડ્યૂટી દરમ્યાન ઘણાં સનકી હત્યારાઓને અને ગુનેગારોને જોયા હતા. એવા ઘણાં કેસો હેન્ડલ કર્યાં હતા જેમાં તેનું મગજ કામ કરતું બંધ થઇ જાય અને માથું ચકરાઇ ઉઠે. પરંતુ એ બધા કેસોમાં આ કેસ અનોખો હતો.

બાપુએ માત્ર અને માત્ર પોતાની મર્દાનગીને સાબિત કરવાં અને કુસુમદેવીને નીચું દેખાડવાં માટે થઇને ભયાનક બળાત્કાર અને હત્યાઓનો ભયંકર સીલસીલો આરંભ્યો હતો. તેમણે એટલી બેરહમીથી સાત-સાત ભીલ યુવતીઓ ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને પછી તેમની હત્યાઓ કરી નાંખી હતી કે ખુદ જગતનો સર્જનહાર ઈશ્વર પણ કાંપી ઉઠયો હતો. એ પણ આ ઘટનાની નોંધ લેવા મજબૂર બની ગયો હતો. શું આ હૈવાનિયતની હદ નહોતી? અભયે ભયંકર નિસાસો નાંખ્યો અને અનંત તરફ ફર્યો. તેને અનંતની ફિકર થતી હતી. પોતાનાં સગ્ગા મોટાબાપુનાં કારસ્તાન સાંભળીને જરૂર તેને ધક્કો લાગ્યો હશે એ તે સમજી શકતો હતો. તેણે અનંતની નજીક સરકીને તેનો ખભો થપથપાવીને સધીયારો આપ્યો. અનંતે ખિન્ન નજરોથી તેની સામું જોયું. પછી તે બાપુ તરફ ફર્યો.

“દાદાને ક્યાં દફનાવ્યાં છે તમે?” આ સવાલ પૂછતાં તેનું જીગર વલોવાતું હતું. આંખોમાં એકાએક આંસુ ધસી આવ્યાં હોય એવું લાગ્યું. આ એક જ પ્રશ્નનો ઉત્તર મેળવવા તે રઘવાયો બન્યો હતો. અને જ્યારે એ ઉત્તર તેને મળવાનો હતો ત્યારે તે ઈચ્છતો હતો કે તેના કાન બહેરાં થઇ જાય. બાપુ જે બોલવાનાં હતા એ તેને સંભળાય જ નહી અને તેના દાદા વર્ષો પહેલાં ગુમ થઇ ગયા હતા એ રહસ્ય સદાને માટે રહસ્ય જ બન્યું રહે કારણ કે તે દાદાનાં મોતનાં સમાચાર સાંભળી શકે એટલો મજબૂત નહોતો.

“અરે એવું શું કામ પૂછે છે? મેં તેમને ક્યાંય દફનાવ્યાં નથી. મારે પણ એમને મળવું છે. ઘણો લાંબો સમય વિતી ગયો છે તેમને મળ્યા ને. ચાલ આપણે સાથે જ જઇએ તેમની પાસે.” બાપુ બોલ્યાં અને જાણે સાવ સાજા નરવા હોય એમ ઉભા થવા ગયા કે એકાએક જ તેમનાં મોઢામાંથી રાડ ફાટી પડી. તેમનો પગ હજું પણ ટેબલ ઉપર જ હતો અને ઉભા થવા જતાં થયેલાં હલન ચલનમાં ભાંગેલું હાડકું વળી તેની જગ્યાએથી છટકયું હતું અને તેમને તિવ્ર દર્દનો ઝટકો લાગ્યો હતો. તેમને ચક્કર આવી ગયા અને આંખો આગળ અંધારું છવાયું. “અનંત પ્લિઝ, પેલું ઈન્જેકશન લાવી આપ. આ દર્દ મારાથી સહન નથી થતું.”

પરંતુ અનંતે તેમનાં શબ્દો જાણે સાંભળ્યાં જ ન હોય એમ સન્નાટામાં આવી ગયો હતો. બાપુએ એક વખત ચોખવટથી કહ્યું હતું કે તેમણે તેના ભાઈઓને અને પિતાજીને મારી નાંખ્યાં છે. તો અત્યારે તેમની પાસે જવાની વાત કેમ કરે છે? તે ચકરાઇ ઉઠયો. બાપુ તેમને મૂંઝવી રહ્યાં હતા કે પછી વાતને આડે પાટે ચડાવી રહ્યાં હતા એ તેમને સમજાતું નહોતું.

“વોટ ડુ યુ મીન કે આપણે તેમની પાસે જઇએ? શું તેઓ જીવિત છે?” ભયંકર આઘાતથી તેણે બાપુને પૂછયું અને રીતસરનો તે બાપુ તરફ ધસી ગયો. અભયને પણ ઝટકો લાગ્યો હતો અને તે પણ બાપુની ઓર સમિપ પહોંચ્યો હતો. બાપુએ વળી પાછો નવો ધડાકો કર્યો હતો અને તે બન્નેનાં જીગરમાં ફરીથી એકાએક ખળભળાટ મચી ગયો હતો.

@@@

વૈદેહીબાએ બાપુની કાર લીધી હતી અને ભયાનક વેગથી કારને ભગાવતાં તેઓ ઘોડાર તરફ જઇ રહ્યાં હતા. તેમનાં મનમાં ઉદ્વેગનો વંટોળ છવાયેલો હતો. હવેલીમાં કુસુમદેવીની લાશ પડી હતી અને તેમના લોહીથી તેમની સાડી ખરડાઇને લાલ થઇ હતી. તેઓ જાણતાં હતા કે તેમની ખામોશીએ રાજગઢમાં સત્યાનાશ સર્જયો છે. પરંતુ હવે તેઓ આનો અંત લાવવા માંગતાં હતા. રાજગઢે પાછલાં વર્ષોમાં ઘણું સહન કર્યું હતું. એક સમયે અત્યંત જાહોજલાલીમાં આળોટતું રાજગઢ એકાએક ગુમનામીનાં અંધકારમાં ધકેલાઇને ખોખલું બની ગયું હતું. તેનો દિલદાર રાજવી પૃથ્વીસિંહ જ્યારથી ગાયબ થયો હતો ત્યારથી કોઇ તેનું ધણીધોરી રહ્યું નહોતું. તેમની પાછળ વધેલાં વિષ્ણુંબાપુએ રાજગઢને બરબાદ કરવામાં કોઇ કસર બાકી છોડી નહોતી. તેમણે રાજગઢનું ધનોત-પનોત કાઢી નાંખ્યું હતું અને અત્યારે પણ તેઓ એ જ કરવા જઇ રહ્યાં હતા. પરંતુ હવે તેમને રોકવા જરૂરી હતા. અનંત તેમના કબજામાં હતો અને બાપુ જો તેને કંઇ કરી નાખે તો રાજગઢનો વારસો અહીં જ ખતમ થઇ જવાનો હતો. પછી રાજગઢમાં ઠાકોર પરિવારનું કોઇ બચે જ નહી. વૈદેહીબા એ વિચારે ધ્રૂજતાં હતા. સ્ટિયરિંગ ઉપર તેમનાં હાથની પકડ વારેવારે ઢિલી પડતી જતી હતી પરંતુ તેઓ અટકયા નહી અને ઘોડાર સુધી આવી પહોંચ્યાં હતા.

પરંતુ આ સમયે તેમને ખબર નહોતી કે ઘોડારમાં એકાએક એક ભયાનક ઘટનાએ આકાર લીધો હતો.

(ક્રમશઃ)