Ek Raat Aavi Pan... books and stories free download online pdf in Gujarati

એક રાત આવી પણ...

સાડા દસ નો સમય જોતા જ તેની આંખો ફરી અકળાઈ. એક તરફ મોડું થઇ રહ્યું હતું ને બીજી તરફ તેનું ગમતું જેકેટ મળી નહોતું રહ્યું. તે કબાટના એક ખાનામાંથી બીજા ખાનામાં શોધખોળ કરી રહ્યો હતો કે ડોરબેલ રણકી. થોડા કંટાળાના ભાવ સાથે તેણે ફરી ઘડિયાળમાં જોયું ને દરવાજા તરફ દોડી ગયો. તે જતો જ હતો કે તેના ધ્યાનમાં જેકેટ આવ્યું ને તે પહેરતા પહેરતા જ તેણે બુમ પાડી.
“એ ખોલું એક મિનીટ...”.
દરવાજો ખોલતા જ તેની આંખો સ્થિર થઇ ગઈ. તેની સામે તેની ઝીંદગીના ગુલીસ્તાનનું સૌથી સુંદર ફૂલ ઉભું હતું પણ હવે તો એ બગીચો જ વેરાન થઇ ચુક્યો હતો.
“મેઘા...!” તેને નહોતું બોલવું છતાં તેના હોઠેથી તેનું નામ નીકળી ગયું.
“હાઈ વરુણ!” ફિક્કું હસવાની મહામહેનત કરતા મેઘા બોલી
“હાઈ! તું! અત્યારે!” સમયનો અંદાજો લગાડતા આશ્ચર્યમાં ડૂબતા તે બોલ્યો
“હા થોડું કામ હતું.” અસમંજસમાં તે બોલી ને ત્યાં જ તેનું ધ્યાન વરુણના કપડા પર ગયું ને તેણે ઉમેર્યું, “ક્યાંય જવાનું છે તારે?”
“અરે ના ના! આ તો જસ્ટ આંટો મારવા જતો હતો! તું અંદર આવને!” મેઘા સામે હોય ને વરુણ ક્યાંય બીજે જવાનું વિચારી પણ કઈ રીતે શકે!! તેણે ન્યુયર પાર્ટીનો પાસ પોકેટમાં સરકાવી દીધો ને અંદર જઈ સોફા પર મેઘાની સામે બેસી ગયો.

મેઘા બસ ઘરની એક એક દીવાલને જોઈ રહી હતી. થોડી ઓકવર્ડ, થોડી નર્વસ, તે બસ સંકોચાઈને વરુણ સામે જોવાની કોશિશ કરી રહી હતી. વરુણે હાથના ઈશારાથી જ પૂછ્યું પાણી માટે ને મેઘાએ ના કહી દીધી.
“હા તો શું કામ હતું?” મેઘાના ચેહરાથી આંખો હટાવી હોઠોથી વાત કરવાનું વરુણને મન તો નહોતું થતું પણ છતાં વાત કર્યા વિના ચાલે તેમ નહોતું
“તારી ચાવી મરી પાસે હતી. એ રીટર્ન કરવાની હતી... અને આ અમુક વસ્તુઓ જે મારા ઘરે હતી એ... મને લાગ્યું કે તને કામ આવશે!!” તેની આંખો સામે જોયા વિના જ મેઘાએ ચાવી અને નાનું બેગ વરુણના હાથમાં આપ્યું.
“ઓહ થેન્ક્સ! અરે તારી વસ્તુઓ પણ થોડીક રહી ગઈ છે. રે, હું પણ લઇ આવું...” તે એટલું કહી ઉભો થવા જતો જ હતો કે મેઘાએ તેને રોકી દીધો.
“રહે ને! પછી આપી દે જે.” મેઘા પણ ક્યાં ઈચ્છતી હતી વરુણને તેના આંખોથી દુર જવા દેવા!!
“હા, આમ તો એ પણ બરાબર રહેશે. તારી દરેક વસ્તુ ભેગી કરીને એક સાથે આપી દઈશ હં?” વરુણ પૂછી રહ્યો.
“બધું તો નહિ આપી શકે તું...” મેઘા હવે તેની આંખોમાં જોતા બોલી
“શું?” વરુણ સમજ્યો પણ છતાં સમજવા નહોતો માંગતો
“કંઈ નહિ... ચલ મને ફોન કરજે. હું આવીને લઇ જઈશ બધું!” મેઘા નીકળવાની તૈયારી કરી રહી
“બેસ ને... કોફી પીતી જા...” વરુણનો રણકો બદલ્યો
“અત્યારે? કોફી?” મેઘા ઘડિયાળમાં જોઈ રહી.
“કોફી તો તારે ગમે ત્યારે ચાલે ને? #કોફીલવર!!” વરુણ પરાણે હસ્યો.
“ઓકે બનાવ...” મેઘા ફક્ત બેસી રહી ત્યાં
“તું બનાવ... તારા હાથની કોફી પીવી છે!” વરુણ બોલ્યો ને મેઘા આગળ કંઇજ ના બોલી શકી. તે ફક્ત જોઈ રહી રહી તેની ભીંજાઈ રહેલી આંખોમાં અને માથું હલાવી રસોડા તરફ ચાલી ગઈ.

મેઘા રસોડામાં કોફી બનાવી રહી હતી ને વરુણ ત્યાં રસોડાના ઉંબરે ઉભો એકીટશે મેઘાને તાકી રહ્યો હતો. પહેલા તો મેઘાએ ઇગ્નોર કર્યું પણ ફરીથી તેની વ્હાલસોઈ નજરથી આંકો અથડાતા તે પોતાની જાતને રોકી ના શકી.
“આમ એકધારું શું જોયા કરે છે?” મેઘા બનાવટી ગુસ્સો કરતા બોલી
“તને...” વરુણનો અવાજ તરડાઇ રહ્યો હતો.
મેઘા ચમચી તપેલીમાં મૂકીને ઉકળતી કોફી સામે બસ જોઈ રહી.
“ખબર નહિ, હવે ક્યા જનમમાં તને આમ મારા કિચનમાં, મારા માટે કંઈ બનાવતી જોઇશ! મન ભરીને જોઈ તો લઉં તને આજે.” વરુણ કહી રહ્યો.
“આ બધું યાદ આવે છે તને?” તેણે વરુણ તરફ ચેહરો ફેરવ્યો ને ઉમેર્યું, “અરમાન તો મારા પણ હતા ને આ ઘરમાં...”
“એ ય કેન વી જસ્ટ...” વરુણ વાક્ય પૂરું કરવા ઈચ્છતો હતો પણ કરી નહોતો શકતો.
“વી ડીસાઈડેડ આપણે એ વસ્તુ પર વાત નહિ કરીએ.” મેઘા ફરી કોફી સામે જોવા લાગી.
“યાર આ બધું આમ! કેમ યાર? કાન્ટ વી વર્ક ઓન...?” વરુણનું વાક્ય ફરીથી અધૂરું જ રહી ગયું.
“આર વી કિડ્સ? કાલે ઝઘડો થયો ને આજે પાછા ભેગા? તું જ કહે જે કંઈ થયું એ પછી આ શક્ય છે?” મેઘાનો અવાજ ઊંચકાયો ને વરુણ નીચું જોઈ ગયો

મેઘા પણ આ વાતચીત અવોઇડ કરવા માંગતી હતી. તે એક પછી એક ખાના ખોલી કંઇક શોધી રહી હતી પણ તેને મળતું નહોતું.
“સાણસી ક્યાં છે? અને ગળણી પણ એની જગ્યાએ નથી!!” મેઘા અકળાતા બોલી
“અરે એ વાસણ ગોઠવવાના બાકી છે. પેલા ટબમાં જ હશે.” વરુણ પોતાની બાલીશતા પર હસી રહ્યો.
મેઘાને પણ હસવું આવી રહ્યું હતું. તેણે વાસણના ખડકલામાંથી સાણસી શોધી એક મગમાં કોફી ભરી. બીજા સ્પેશ્યલ મગ સામે તે એકક્ષણ જોઈ રહી ને વળતી જ પળે પોતાના વિચારો ખંખેરી તે મગમાં પણ કોફી ભરી રહી.
“ચાલ.”બન્ને મગ પોતાના હાથમાં લઇ વરુણ સામે ફરી મેઘા બોલી.
“સ્ટેર્સ પર જ લેતા જઈએ?” વરુણ બોલ્યો ને મેઘાની આંખમાં અલગ જ ચમક આવી ગઈ. તે બસ વ્હાલસોયું સ્મિત વેરી આંખોથી જ હા કહી રહી.

દાદરા પર બેસીને બન્ને ચુપચાપ કોફી પી રહ્યા હતા. કહેવું તો બન્ને ને ઘણુબધું હતું પણ મૌન દીવાલ તોડવાની કોશિશ કોઈ જ કરી રહ્યું નહોતું.
“બાકી બધું તો ઠીક આ કોફી અઘરી પડશે! કોફીશોપમાં રોજ ના ૧૦૦ નાંખવા પડશે!” વરુણ હસ્યો
“બહુ સારું!” મેઘા ફક્ત આછું હાસ્ય વેરી રહી.

“ચલ હું નીકળું.” કોફીનો છેલ્લો સીપ પીને પગથિયાં ઉતરવા માટે ઉભી થતા તે બોલી
“થોડીવાર રોકાઈ જા.” વરુણ નહોતો ઈચ્છતો કે મેઘા જાય.
“આજે ન્યુ યર ઈવ છે... મારે જવું છે...!” મેઘા બોલી રહી
“પ્લીઝ! ન્યુ યર ઈવ છે એટલે જ તો...” વરુણ બોલ્યો પણ મેઘા પગથિયાં ઉતરવા લાગી
“એય...” વરુણે તેને હાથથી પકડી રોકવાની ફરી કોશિશ કરી
“જો નવા વરસનો અંત હું તારી સાથે ના કરી શકવાની હોય તો એની શરૂઆત પણ મારે તારી સાથે નથી જ કરવી!!” મેઘા એક ક્ષણ વરુણની સામે જોઈ બોલી ગઈ ને વળતી જ પળે પગથિયા ઉતરી લીવીંગ રૂમમાં આવી ગઈ.
વરુણ કંઇજ બોલવાની હાલતમાં નહોતો. તેને રોકવી હતી મેઘાને પણ કેમ રોકે? મેઘાએ દરવાજો ખોલ્યો ને તે ચાલી ગઈ. વરુણ દરવાજો બંધ કરી તે જ દરવાજાને હાથ અડકાવી ઉભો રહી ગયો. થોડી ક્ષણો એમજ પસાર થવા દઈ વરુણે દરવાજો ખોલ્યો ને મેઘા પણ એમજ ત્યાં દરવાજાની પેલેપાર ઉભી હતી.
વરુણ અને મેઘા બસ એકબીજાની ભીંજાતી આંખોની સામે જોઈ રહ્યા.

(સમાપ્ત)

દર્શિતા જાની

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED