વન્સ અપોન અ ટાઈમ - 149 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વન્સ અપોન અ ટાઈમ - 149

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 149

ઈન્ડિયા ક્લબના કોન્ફરન્સ રૂમના દરવાજા તરફ નજર રાખી રહેલા યુવાને દરવાજો ખૂલતો જોઈને સિગારેટનો છેલ્લો કશ ખેંચ્યો અને ઝડપથી સિગરેટ બુઝાવીને તે સ્નૂકર રૂમમાંથી બહાર નીકળ્યો. એ જોઈને સ્નૂકર રમતો યુવાન પણ લગભગ દોડીને તેની સાથે થઈ ગયો. ત્રીજી સેકન્ડે તે બંને કોન્ફરન્સ રૂમાંથી બહાર નીકળેલા શરદ શેટ્ટીની બરાબર બાજુમાં પહોંચી ગયા અને તેમણે પિસ્તોલ ખેંચીને શેટ્ટીના શરીરમાં ધડાધડ પાંચ ગોળી ધરબી દીધી. અને થોડીવાર તરફડિયાં મારીને શેટ્ટીનું શરીર શાંત પડી ગયું. એ દરમિયાન પેલા બંને યુવાનો નાસી છૂટ્યા.

“શરદ શેટ્ટી દાઉદનો બે દાયકાથી જૂનો સાથીદાર અને મિત્ર હતો. કર્ણાટકના કન્નડા જિલ્લાનો વતની શરદ શેટ્ટી મુંબઈના જોગેશ્વરી ઉપનગરમાં સોના-ચાંદીની નાનકડી દુકાન ચલાવતો હતો, પણ પછી તે સ્મગલિંગ તરફ વળી ગયો હતો અને દાઉદ સાથે જેલમાં પણ જઈ આવ્યો હતો. આટલા જૂના અને મહત્વના સાથીદારની હત્યાથી દાઉદ અને શકીલ હચમચી ગયા અને દાઉદ ગેંગના ગુંડાઓમાં પણ ભય ફેલાયો. દુબઈમાં સુનીલ સાવંત ઉર્ફે સાવત્યાની હત્યા પછી દાઉદ ગેંગ માટે આ બીજો મોટો ફટકો હતો. શરદ શેટ્ટીની હત્યા છોટા રાજને કરાવી હતી. કારણ કે દાઉદ અને શકીલે બેંગકોકમાં છોટા રાજનની હત્યાનું કાવતરું જેની મદદથી ઘડ્યું હતું એ, રાજન ગેંગના, વિનોદ શેટ્ટીને ફોડવાનું કામ શરદ શેટ્ટીએ કર્યું હતું.”

પપ્પુ ટકલાએ પોતાના માથા પર હાથ ફેરવાતા વાત આગળ ધપાવી, ‘દુબઈમાં શરદ શેટ્ટીની હત્યા પછી યુનાઈટેડ આરબ અમીરાતના સત્તાધીશો પણ અકળાયા. મુંબઈની જેમ દુબઈ પણ ગેંગવોરનું કેન્દ્ર બની જાય એ તેમને પસંદ નહોતું. વળી બીજી બાજુ 9/11ના આતંકવાદી હુમલા પછી અમેરિકા પણ દાઉદ અને તેના સાથીદારોને મદદરૂપ બનનારા દેશો પર દબાણ લાવી રહ્યું હતું. આ દરમિયાન દાઉદના ભાઈ ઈકબાલ કાસકરે તથા દાઉદ ગેંગના અન્ય મહત્વના ગુંડાઓએ મુંબઈના કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ પાસેથી ખાતરી મેળવીને મુંબઈભેગા થઈ જવાનો તખ્તો ગોઠવી દીધો હતો. જોકે એ માટે દાઉદે જ ગ્રીન સિગ્નલ આપ્યું હતું અને દાઉદે તેના ભાઈ અને સાથીદારોની સુવિધા અને સલામતીની વ્યવસ્થાની જવાબદારી મુંબઈના કેટલાક પોલીસ અધિકારીઓને સોંપી હતી.

આ દરમિયાન યુનાઈટેડ આરબ અમીરાતના સત્તાધીશો પણ જાણે અચાનક જ ભારત પ્રત્યે ઉદાર બની ગયા અને તેમણે 19 ફે્બ્રુઆરી, 2003ના દિવસે દાઉદના નાના ભાઈ ઈકબાલ કાસકરને દુબઈથી ડીપોર્ટ કરી દીધો એટલે કે પ્રત્યર્પણ વિધિથી ઈકબાલ કાસકરને ભારત હવાલે કરી દીધો.

***

દાઉદના ભાઈ ઈકબાલ કાસકર સામે દાઉદ, અનીસ અને નૂરાના પ્રમાણમાં નહિવત કેસીસ નોંધાયેલા હતા. તેની સામે એક મર્ડર કેસ મુંબઈના એમ.આર.એ. માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો. એ કેસમાં તો ઈકબાલને બહુ આસાનીથી જામીન પણ મળી ગયા. જોકે ક્રોફર્ડ માર્કેટ વિસ્તારમાં દાઉદ ગેંગ દ્વારા અનધિકૃત રીતે ‘સારા-સહારા’ શોપિંગ સેન્ટર બાંધી દેવાયું હતું એ જગ્યાએ અગાઉ જે ભાડૂતો રહેતા હતા તેમને ધમકાવીને જગ્યા ખાલી કરાવવા માટે ઈકબાલ કાસકર સામે મહારાષ્ટ્ર ઓર્ગેનાઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ) હેઠળ કેસ નોંધાયો.

આમ છતાં ઈકબાલ કાસકર કે દાઉદના પેટનું પાણી પણ હલ્યું નહીં. કારણ કે દાઉદના નાના ભાઈના બચાવ માટે મોટા ગજાના વકીલો દિવસરાત દિમાગ કસી રહ્યા હતા એ વકીલોમાં એક તો દાઉદના કટ્ટર દુશ્મન એવા રાજકીય પક્ષ શિવસેનાના સંસદ સભ્ય અધિક શિરોડકર પણ હતા! શિરોડકરે એમસીઓસીએ કોર્ટના જજ એ.પી. ભંગાળે સમક્ષ દલીલ કરી કે ઈકબાલ કાસકરને તેના ભાઈ દાઉદ સાથે નાહવા નીચોવવાનો ય સંબંધ નથી એટલે તેને સંગઠિત ગુનાખોરીના કાયદા હેઠળ કસ્ટડીમાં રાખવો એ અન્યાયી ગણાય!

એક બાજુ ખ્યાતનામ વકીલસાહેબો દાઉદના નાના ભાઈને જામીન પર છોડાવવા માટે કાનૂની દાવપેચ અજમાવી રહ્યા હતા ત્યારે બીજી બાજુ ઈકબાલ કાસકર આર્થર રોડ જેલમાં આરામથી દિવસો પસાર કરતો હતો. ઈકબાલને આર્થર રોડ જેલમાં અંડા સેલમાં યાર્ડ નંબર વનમાં રાખવામાં આવ્યો હતો. તેને જ્યાં રખાયો હતો એ દસ બાય દસ ફૂટની રૂમમાં અલાયદું ટોઈલેટ પણ હતું. ઈકબાલ જેલમાં રહીને દર મહિને એકથી દોઢ લાખ રૂપિયાની ખરીદી કરતો હતો અને તેને સારામાં સારું ભોજન પણ મળતું હતું.

યુનાઈટેડ આરબ અમીરાતે 19 ફેબ્રુઆરી, 2003ના દિવસે ઈકબાલ કાસકરની સાથે દાઉદ ગેંગના રીઢા ગુંડા મુથપ્પા રાય અને એઝાઝ પઠાણને પણ ભારતના હવાલે કર્યા હતા. મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ્સ કેસનો આરોપી એઝાઝ પઠાણ તો કસ્ટડીમાં રહ્યો પણ મુથપ્પા રાય બહુ આસાનીથી જામીન પર છૂટી ગયો. (મુથપ્પા રાયે જ દુબઈમાં શરદ શેટ્ટીની હત્યા માટે છોટા રાજનને મદદ કરી એવી માહિતી દાઉદને પાછળથી મળી હતી.) પણ યુનાઈટેડ આરબ અમીરાતે એઝાઝ પઠાણ અને મુથપ્પા રાય પછી 18 માર્ચ, 2003ના દિવસે વિસ્ફોટ કેસના આરોપી મુસ્તફા ડોસાને અબુધાબીના દૂતાવાસને સોંપી દીધો. એ ઉપરાંત મુસ્તફા ડોસાના ભાઈ અને દાઉદના સૌથી જૂના સાથીદારોમાંના એક મોહમ્મદ ડોસાને અબુધાબીની જેલમાં ધકેલી દેવાયો.

એ પછી 24 એપ્રિલ, 2003ના દિવસે દાઉદ ગેંગના શાર્પ શૂટર અનિલ પરબને ભારતને હવાલે કરાયો. ત્યારબાદ વળી 29 મે, 2003ના દિવસે યુનાઈટેડ આરબ અમીરાતે દાઉદ ગેંગના રિયાઝ સિદ્દીકી અને રાજકુમાર શર્મા ઉર્ફે રાજુ ચીકનાને ભારતના હવાલે કરી દીધા. જોકે થોડા સમયમાં એ બંને જામીન પર છૂટી ગયા કારણ કે મુંબઈ પોલીસ તેમની સામે કોર્ટને નક્કર પુરાવા ન આપી શકી. મુંબઈ પોલીસે કહ્યું કે એનાથી દાઉદના સાથીદારો વિરુદ્ધના પુરાવા ખોવાઈ ગયા હતા!

દાઉદના સાથીદારો વિરુદ્ધ પુરાવા મુંબઈ પોલીસથી ‘ખોવાઈ’ ગયા એ પછી મુંબઈ પોલીસનું નાક કપાઈ જાય એવી સ્ફોટક માહિતી બહાર આવી!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Nitesh Shah

Nitesh Shah 4 દિવસ પહેલા

Hemant Khambhata

Hemant Khambhata 9 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Mayur

Mayur 3 વર્ષ પહેલા

Hims

Hims 3 વર્ષ પહેલા