અર્ધ અસત્ય. - 68 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 68

અર્ધ અસત્ય.

પ્રકરણ-૬૮

પ્રવીણ પીઠડીયા

અનંત ભયાનક વેગથી બાપુ તરફ ધસી ગયો અને તેમના નાઇટ ગાઉનનો કોલર ઝાલીને તેમને હલબલાવી નાંખ્યાં. તેણે જે સાંભળ્યું હતું એનાથી તેનો પારો આસમાને પહોચી ગયો હતો અને પોતાનાં જ મોટાબાપુ ઉપર તેને ધ્રૂણાં ઉપજતી હતી.

“મારાં દાદાનું શું કર્યું તમે? તેમને ક્યાં ગાયબ કરી દીધા છે?” તેને વિશ્વાસ નહોતો આવતો કે પોતાનાં જ સગ્ગા બાપને વિષ્ણુંબાપુએ મોતને ઘાટ ઉતારી દીધા હતાં. ભયંકર આવેગથી તેનું શરીર થરથર ધ્રૂજતું હતું.

“એ તું વૈદેહીને કેમ નથી પૂછતો. તેણે જ તો એ બખેડો ઉભો કર્યો હતો. તને બધું જ જણાવ્યું હોય તો આ વાત પણ જણાવી જ હશેને!” બાપુ હસ્યાં. વેદના મિશ્વિત તેમનું હાસ્ય વિચિત્ર અને ડરામણું લાગતું હતું.

“વોટ?” ભયાનક આશ્વર્યથી અભયનું મોં ખૂલ્લું જ રહી ગયું. તેને બાપુનાં શબ્દો ઉપર વિશ્વાસ આવ્યો નહી. વૈદેહીબાએ તેને આ વિશે તો કશું કહ્યું જ નહોતું. મતલબ કે… ઓહ નો. તે થડકી ઉઠયો. મતલબ કે વૈદેહીબા ઓલરેડી જાણતાં હતાં કે પૃથ્વીસિંહજી ક્યાં છે અને તેમની સાથે શું થયું હતું! માયગોડ, આ ઘણી ખતરનાક બાબત હતી. વૈદેહીબા એકાએક ફરી પાછા તેને રહસ્યમય પ્રતિત થવા લાગ્યાં. પરંતુ તેનો જવાબ બાપુએ જ આપી દીધો.

“કેમ, એણે તને કંઈ કહ્યું નથી? હાહાહા.. ક્યાંથી કહે બીચારી. મારો ખૌફ જ એટલો છે કે ભલભલાં ખામોશ બની જાય, તો વૈદેહીની શું વિશાત કે તે મારી વિરુધ્ધ જાય. છતાં તેણે એક ભૂલ કરી નાંખી હતી. તેણે બાપુને અમે ભાઈઓ શું કરી રહ્યાં છીએ એ કારનામાંઓ વિશે અવગત કરી દીધા હતા. તે દિવસે હવેલીમાં ભૂકંપ આવ્યો હતો. બાપુ ભયાનક ક્રોધે ભરાયાં હતા અને અમને ત્રેણેય ભાઈઓને એક જ લાઇનમાં ઉભા રાખીને હંટરેથી ફટકાર્યાં હતા. અમારી ચામડી ચીરાઇ ન જાય ત્યાં સુધી તેમનું હંટર ચાલતું રહ્યું હતું અને પછી ધૂંઆફૂંવા થતા તેઓ તેમના કમરામાં ચાલ્યાં ગયા હતા. મને ખબર હતી કે હમણાં આ વાત તેઓ બહાર કોઇને નહી કરે, કારણ કે એ ઠાકોર પરિવારની ઈજ્જતનો, માન-મરતબાનો પ્રશ્ન હતો. તેઓ પહેલા આ બાબતે ઘણું વિચારશે અને પછી કોઇ પગલાં ભરશે. બસ, મારે એટલું જ જોઇતું હતું. એ દિવસે મેં પણ એક નિર્ણય કરી લીધો હતો કે હું કોઇનાથી દબાઇને ક્યારેય જીવિશ નહી. બહું સહન કર્યું હતું મેં. પહેલાં કુસુમનું અને હવે બાપુનું. પણ હવે હું મારી રીતે અને મારી શરતોએ જીવવા માંગતો હતો. એટલે જ મેં મારા બાપુને ગાયબ કરી દેવાનો પ્લાન બનાવ્યો હતો.” બાપુ થોભ્યાં. કમરામાં સ્તબ્ધ સન્નાટો છવાઇ ગયો હતો. કોઇ કંઇ બોલવાની હાલતમાં નહોતું રહ્યું. અભય અને અનંત તો જાણે કોઇ સસ્પેન્સ થ્રિલર ફિલ્મની કહાની સાંભળી રહ્યાં હોય એમ દિગ્મૂઢ બનીને જમીન સાથે ચોંટી ગયા હતા.

“ જો એ સમયે વૈદેહી ખામોશ રહી હોત તો કોઇ ઉપાધી સર્જાઇ ન હોત. આખરે શું જરૂર હતી તેણે બાપુને સત્ય જણાવવાની! મેં તેને ચોખ્ખા શબ્દોમાં નાં કહી હતી. અરે તે કોઇની સમક્ષ મોઢું ન ખોલે એ ધ્યાન રાખવાં મેં દેવાને પણ તેની હવેલીમાં મૂકયો હતો છતાં પણ એ બાપુ સુધી પહોંચી ગઇ હતી અને તેણે અમારી સમગ્ર હકીકત તેમને જણાવી દીધી હતી. એ કારણ હતું કે બાપુને મારે રસ્તામાંથી હટાવવાં પડયા હતા. મારાં બાપુ મૂરખ હતાં. મેં તેમને ઘણાં વાર્યા હતા. ઘણી વિનંતીઓ પણ કરી હતી. પરંતુ તેઓ માન્યાં જ નહી. ન છૂટકે મારે તેમને પરધામ મોકલવાં પડયાં.” વિષ્ણુંબાપુ પોતાની ધૂનમાં જ બોલતાં જતા હતા. તેઓ કદાચ આ કમરામાં નહોતાં, એવું જણાતું હતું કે પોતાની કોઇ અલગ જ દુનિયામાં વિચરી રહ્યાં છે. તેઓ આપોઆપ, આપમેળે જ બધું બોલતાં હતા. જાણે પોતાનો જ ગૂણગાન ગાઇને તેમણે કેટલું મહાન કાર્ય કર્યું જે એ જતાવવાં ઈચ્છતાં હતા.

“અચ્છા હજું એક વાત છે. મને ખ્યાલ છે કે તારા દિમાગમાં એ નહી આવે છતાં હું તને સામેથી જણાવી દઉં. મને એક વાતનું આશ્વર્ય ઉદભવે છે કે તું એટલો હોંશિયાર છે તો તને કેમ પ્રશ્ન ન ઉદભવ્યો કે વૈદેહીને મેં શું કામ જીવતી રહેવા દીધી? તેણે તો અમારી બધી પોલ બાપુ સમક્ષ ખોલી નાંખી હતી તો સૌથી પહેલાં તેણે મરવું જોઇએ ને! છતાં એ જીવિત છે, શું કામ?” બાપુને જાણે કૌતુક થયું હોય એવા ભાવ સાથે તેમણે અભયને પૂછયું. અને પછી જવાબની અપેક્ષા રાખ્યાં વગર જ તેઓ બોલવા લાગ્યાં. “ચાલ તું પૂછે એ પહેલાં જ જણાવી દઉં. તેનું એક જ કારણ હતું. અમારાં ખાનદાનમાં ચાર-ચાર પેઢીઓ પછી કોઇ બાળકીનો જન્મ થયો હતો. ઉપરાંત મને વૈદેહી પ્રત્યે થોડો વધારે લગાવ પણ હતો. તેણે ક્યારેય મારું અપમાન નહોતું કર્યું. તે હંમેશા મને એક મોટાભાઈ તરીકે માન આપતી હતી. તે મારાં કારનામાં જાણી ગઇ હતી પછી પણ ઘણો સમય ખામોશ રહી હતી. તે મારી બહેન હતી અને તેણે બાપુનાં ગુમ થયાં બાદ ક્યારેય મારા કામમાં અડચણ ઉભી નહોતી કરી. જો તેણે એવું કરવાની કોશિશ કરી હોત તો તેનો પણ ખાત્મો બોલી જ ગયો હોત. હવે સમજાયું કે હજું વિસ્તારથી કહું?” બાપુનાં લોહી ભીના ચહેરા ઉપર હાસ્ય આવ્યું. તેમનો દેદાર વિચિત્ર થયો હતો. એવું લાગતું હતું કે પોતાના કારનામાં વર્ણવતાં તેમને અનહદ આનંદ આવતો હતો.

“અને બંસરી, આ છોકરી તમારી ચૂંગલમાં કેવી રીતે ફસાઈ?” અભયે ખુરશી પર બેહોશ ઝૂલતી બંસરી તરફ ઇશારો કર્યો. ઘણું સમજાઇ ગયું હતું. છતાં અમુક પ્રશ્નો તેને સતાવતાં હતા એ પૂછી લેવા માંગતો હતો.

“એ તને પૂછતી હવેલીએ આવી ચડી હતી. હવે સામે ચાલીને કોઇ શિકાર શિકારીની જાળમાં ફસાય એમાં વાંક કોનો? આ અનંતને જેવી રીતે બેહોશ કરીને અહી લઇ આવ્યો હતો એવી જ રીતે આને પણ કોફીમાં બેહોશીની દવા ભેળવીને પીવરાવી દીધી. બસ, પછી તો બધુ આસાન હતું.”

“તમે અનંતને શું કામ પૂરી રાખ્યો હતો? તેણે તો તમારું કંઇ બગાડયું નહોતું.”

“કોણે કહ્યું? તેના કારણે જ તો અત્યારે હું અહી છું. નહિતર મજાલ છે કે કોઇ મારી ઉપર હાથ પણ નાંખી શકે. આખરે શું જરૂર હતી તેને પૃથ્વીબાપુની ભાળ મેળવવાની? દફન થયેલાં મડદાઓને ધરતીમાંથી બેઠા કરો એટલે તકલીફ તો થવાની જ. હજું બે દિવસ જ થયાં હતા તેને અમેરિકાથી રાજગઢ આવ્યાં ને. અહી આવીને તેણે આરામ કરવો જોઇતો હતો. પરંતુ નહિં, હવેલીની મરમ્મત કરાવતાં કરાવતાં કોણ જાણે તેને શું સૂઝયું કે તે બાપુની તલાશમાં લાગી ગયો. અરે ભાઈ, જે કામ આટલાં વર્ષોમાં કોઇ કરી શકયું નહોતું એ કામમાં તમારે સમજીને જ હાથ ન નાંખવો જોઇએ ને! આટલી સાદી સમજ પણ તેનામાં નહોતી તો પછી એનું પરિણામ પણ ભોગવવું જ પડે. વળી એમાં કોણ જાણે તું ક્યાંથી આવી ચડયો. કોઇ જ લેવાદેવા વગર તું પણ આમાં કૂદી પડયો અને બધું ખેદાન-મેદાન કરી નાંખ્યું. તમે જૂવાન લોકો ક્યારે સમજશો કે અમુક બાબતોમાં ક્યારેય ટાંગ ફસાવવી જોઇએ નહી. તેનું પરિણામ કેટલું ભયાનક આવે છે એ તો તમે જોઇ જ રહ્યાં છો.” આંખોથી જ ડારો દેતાં હોય એમ બાપુ બોલ્યાં.

“અને આ કમરો? તેનું રાઝ પણ કહી જ દો.” અભય બોલી ઉઠયો.

“હાહાહા, તું હોંશિયાર છો છોકરા. આ કમરો ઘોડારમાં કામ કરતાં કર્મચારીઓ માટે બનાવાયો હતો. પરંતુ રાજગઢમાં જ્યારથી ઘોડા રાખવાની પ્રથા બંધ થઇ ત્યારથી ઘોડાર અને આ કમરો, બધું જ ખાલી પડયું હતું. મને આ જગ્યા માફક આવી ગઇ હતી કારણ કે આ તરફ લગભગ કોઇ આવતું જ નહી. બસ, ત્યારથી હું આ કમરાનો ઉપયોગ કરતો આવ્યો છું.” બાપુ અભયને સંપૂર્ણ સહકાર આપી રહ્યાં હતા. તેમનાં ભાંગેલા પગનું દર્દ અસહ્ય હોવા છતાં તેઓ એકધારું બોલતાં હતા એ ગજબનાક હતું. તેમની જગ્યાએ જો બીજો કોઇ વ્યક્તિ હોત તો અત્યાર સુધી પીડાથી જ મૃત્યું પામ્યો હોત. પરંતુ બાપુ કોઇ અનોખી માટીનાં બનેલા હતા.

“તમે એ યુવતીઓને શું કામ મારી નાંખી? સાવ અબૂધ અને ભોળી યુવતીઓ ઉપર અત્યાચાર કરતાં તમારો જીવ કેમ ચાલ્યો? તમે ભલે તમારી જાતને મહાન ગણતાં હોવ, પરંતુ એ તમારો ભ્રમ છે. તમે એક વિકૃત દિમાગ ધરાવતાં સનકી વ્યક્તિ છો. તમને દસ જન્મો સુધી પણ જો ફાંસીનાં માચડે લટકાવવામાં આવેને તો પણ તમારા અપરાધની સજા ઓછી પડે. પોતાનાં જ ભાઈઓ, પિતા અને માસૂમ યુવતીઓનાં હત્યારાને ખરેખર તો જીવવાનો કોઇ અધીકાર જ નથી.” અભય ઝનૂનભેર બોલી ગયો.

“અધિકાર તો કુસુમને પણ નહોતો. છતાં અત્યાર સુધી તે જીવિત રહી કે નહી? તેણે મને નામર્દ કહ્યો હતો. વર્ષોનાં વર્ષો તેનાં એ શબ્દો મારી છાતીમાં કોઇ ભાલાંની જેમ ભોકાતાં રહ્યાં હતા. રાજગઢનો રાજકુંવર નામર્દ કેવી રીતે હોઇ શકે ભલાં? શું કોઇ વ્યક્તિ બાળકો પેદા ન કરી શકે કે પોતાની પત્નીને સંતોષ ન આપી શકે તો એ નામર્દ કહેવાય?” બાપુ એકાએક ભયંકર આક્રોશમાં આવીને બોલી ઉઠયાં.

કમરામાં સ્તબ્ધ સોપો પડી ગયો.

(ક્રમશઃ)