૨૫ મુર્ખ ગુનેગારોની હસાવી દેતી રસપ્રદ કથાઓ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

૨૫ મુર્ખ ગુનેગારોની હસાવી દેતી રસપ્રદ કથાઓ

એ બાબતે આપણને બિલકુલ શંકા નથી કે ગુનેગારોનો ઈતિહાસ આપણને કેટલીક ખતરનાક કથાઓ અને ગુનાઓની વાત કરતો હોય છે. એમની કેટલીક વેલ પ્લાન્ડ ચોરીઓ પોલીસને પણ વારંવાર થાપ આપી દેતી હોય છે.

કેટલાક એવા ગુનેગારો એવા છે જે વારંવાર ગુના કરીને પણ એવા તો અદ્રશ્ય થઇ જાય છે કે પોલીસ અને અન્ય તપાસ એન્જસીઓ વર્ષો સુધી તેમને શોધે છે તો પણ તેઓ મળતા નથી. ગુનાહિત ઈતિહાસ ધરાવતા કેટલાક ગુનેગારો તો જેલમાંથી પણ ભાગી જવામાં સફળ થતા હોય છે પરંતુ તેમને શોધતા પોલીસને આંખે પાણી આવી જતા હોય છે.

પરંતુ કેટલાક ગુનેગારો એવા પણ છે જે આપણને એમની મૂર્ખતાપૂર્ણ કામગીરીને કારણે આશ્ચર્યચકિત કરી દેતા હોય છે એટલુંજ નહીં પરંતુ એમની ગુનો કરતી વખતે કે ગુનો કર્યા બાદની ભૂલોથી આપણને હસવું પણ આવી જતું હોય છે.

આજે આપણે એવા જ ૨૫ ગુનેગારોની વાત કરવાની છે જેઓ પોતાની મૂર્ખતાને કારણેજ પોલીસને હાથે ચડી ગયા અને કદાચ તેઓ અત્યારે પણ પોતાની એ ભૂલો પર ગુસ્સો કરતા હશે.

૨૫ – ફેસબુક પર ફાંકો મારવામાં...

એન્ડ્ર્યુ હેન્નલ્સ નામનો એક વ્યક્તિ જે એક સુપર માર્કેટમાં ચોરી કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો તેણે ફેસબુક પર એક પોસ્ટ મૂકી. આ પોસ્ટમાં તેણે છરી સાથે સેલ્ફી પણ મૂકી અને લખ્યું, “ટેસ્કોમાં ચોરી કરી.”

આ પોસ્ટની માત્ર પંદર જ મિનીટમાં યુકેના નોર્ફોલ્કના કિંગ્સ લીનમાં આવેલા ટેસ્કો સ્ટોર પર પોલીસ પહોંચી ગઈ અને એન્ડ્ર્યુને ૪૧૦ પાઉન્ડ જે તેણે સ્ટોરમાંથી ચોર્યા હતા તેની સાથે ઝડપી લીધો.

૨૪ – સ્નેપચેટ પર એડ્રેસ આપી દીધું

જો તમને લાગતું હોય કે મુર્ખ ગુનેગારો માત્ર ફેસબુક દ્વારા જ પકડાઈ જાય છે તો તમે ભૂલ કરો છો. અમેરિકાના મેઈનનો એક ચોર જેનું નામ ક્રિસ્ટોફર વોલેસ હતું તે સ્નેપચેટનો ખૂબ મોટો ફેન છે અને એટલો તો મોટો ફેન છે કે તેણે પોતે જ્યાં ચોરી કરી હતી તેનું સ્થાન તેણે અહીં જાહેર કરી દીધું.

પીયર્સ પોંડ ટાઉનશીપમાં આવેલા એક કેમ્પમાંથી તેને બે જુદાજુદા પ્રકારના સ્ટોવ ચોર્યા અને ત્યારબાદ વોલેસે સ્નેપચેટ પર પોસ્ટ કર્યું કે તે ચોરી કરીને પોતાના ઘરે એટલેકે ફેરફિલ્ડ પરત આવી ગયો છે. સ્નેપચેટના અન્ય યુઝર્સે આ માહિતી પોલીસને આપી દીધી અને પોલીસે ક્રિસ્ટોફરને ઝડપી લીધો.

23 – ઓરેન્જ જ્યુસે પકડી પાડ્યો

અમેરિકાના ઓરેગોન રાજ્યના પોર્ટલેન્ડમાં એક બેનામી ચોર ૨૦૧૩માં પકડાઈ ગયો. તેણે એક ઘરમાં ઘુસણખોરી કરી હતી જેમાં રહેનારા લોકો ઘરની બહાર ફરવા ગયા હતા. અહીં આ ચોરે બિલકુલ યોજનાબદ્ધ રૂપે તમામ વસ્તુઓની ચોરી કરી અને એક પણ વસ્તુ પર તેણે પોતાની ફિંગરપ્રિન્ટ છોડી ન હતી.

પરંતુ આ ચોરભાઈ કદાચ આટલી બધી ચોરીઓ કરીને થાકી ગયા હશે એટલે એમને તરસ લાગી. તેમણે ફ્રિઝ ખોલ્યું એમાંથી ઓરેન્જ જ્યુસનું કેન બહાર કાઢ્યું અને ગટગટાવી ગયા. ચોરે ભૂલ એ કરી કે પેલું ખાલી કેન તેણે કિચન સિંકમાં છોડી દીધું અને ઘરવાળા જ્યારે પરત આવ્યા ત્યારે તેમણે પોલીસને ફરિયાદ કરી.

પોલીસે પેલા કેન પર રહેલા ફિંગરપ્રિન્ટને એક્સપર્ટ પાસે મોકલ્યા અને એક્સપર્ટે તેને ચોરના ફિંગરપ્રિન્ટ સાથે મેચ કરી દીધા અને આ ચોરભાઈ પકડાઈ ગયા!

૨૨- ફાધર્સ ડે પર પિતાજી પકડાઈ ગયા

એક દસ વર્ષનો છોકરો તેના પિતા સાથે ફાધર્સ ડે ના અવસરે ચોર પોલીસ રમી રહ્યો હતો. આ બાળકે પોતાના પિતા, વિલિયમ ક્લેઇન જુનિયર, જે ચોર બન્યા હતા તેને હથકડી પહેરાવી દીધી. વાર્તામાં ટ્વિસ્ટ હવે આવે છે. પેલા બાળકે હથકડી ખોઈ નાખી અને પિતા તેમાં બંધાયેલા જ રહ્યા. આથી તેમણે ગમેતે રીતે પોલીસને ફોન કરીને પોતાને આ બંધનમાંથી છોડાવવા વિનંતી કરી.

આઈઓવા પોલીસ આવી પણ પહોંચી, અને હથકડીની તપાસ કરતાં પોલીસને ક્યાલ આવ્યો કે ક્લેઇન ભાઈએ તો આ હથકડી પણ ચોરી હતી અને તેની સાથે ક્લેઇન સામે બે એરેસ્ટ વોરંટ પણ છે. થોડીજ વારમાં પોલીસે ક્લેઇનને ફરીથી હથકડી પહેરાવી દીધી પણ આ વખતે તે ચોરી કરેલી ન હતી.

૨૧ – ફ્લર્ટ કરવું ભારે પડી ગયું

સ્કોટલૅન્ડમાં એરોન મોરિસન નામનો એકદમ મુર્ખ ચોર પકડાયો. જો કે પકડાયા અગાઉ તે એટલો મુર્ખ ન હતો પરંતુ આ ભાઈએ એક મોટી ભૂલ કરી નાખી અને પોતાની મૂર્ખતા પણ સાબિત કરી દીધી. એરોન મોરિસને શરાબની એક દુકાનમાંથી વોદકાની ચોરી કરી. ચોરી કરીને ધમકી આપીને ભાગી જવાને બદલે તે અહીં કેશિયર તરીકે કાર્ય કરતી એક સ્ત્રી સાથે ફ્લર્ટ કરવા લાગ્યો. આટલી ભૂલ ઓછી હોય તેમ મોરિસને આ સ્ત્રીને પોતાનો ફોન નંબર અને એડ્રેસ પણ આપી દીધું. હવે એ કહેવાની જરૂર છે ખરી કે મોરિસનને પકડવા માટે સ્કોટલૅન્ડ પોલીસને વધુ મુશ્કેલી પડી હશે?

૨૦ – ગુસ્સો નડી ગયો

અમેરિકાના મિનેસોટા રાજ્યના સેંટ પોલના બસ સ્ટેન્ડ પર જસ્ટિન જોન બોઉડીન આવ્યો. જસ્ટિનનો સ્વભાવ અત્યંત ગુસ્સાવાળો હતો. જસ્ટિનને આ બસ સ્ટેન્ડ પર ઉભેલી એક મહિલા સાથે કોઈ વાતે ચર્ચા થઇ અને ચર્ચા બાદ તેને સ્વભાવ પ્રમાણે ગુસ્સો આવી ગયો અને તેણે પેલી મહિલાના ચહેરા પર મુક્કો મારી દીધો! આ મહિલાને બચાવવા આવેલા એક વ્યક્તિની સાથે પણ જસ્ટિનની લડાઈ થઇ.

પોતાની ભૂલ સમજાતા જસ્ટિન ત્યાંથી ભાગી ગયો પરંતુ ઉતાવળમાં તેના હાથમાં રહેલું એક ફોલ્ડર તે ત્યાંજ ભૂલી ગયો અને આ ફોલ્ડર પોલીસ પાસે આવી ગયું. જસ્ટિનના આ ફોલ્ડરમાં તેના એન્ગર મેનેજમેન્ટના હોમવર્ક સાથે તેના ઘરનું સરનામું અને ફોન નંબર પણ હતા.

૧૯ – પોલીસને ફોટો મોકલવાની ભૂલ

ઓહાયોની પોલીસને એક વ્યક્તિ પર હિંસક વર્તન કરવાની તેમજ અમુક જગ્યાએ તોડફોડ કરવાની શંકા હતી. પરંતુ જ્યારે આ વ્યક્તિએ પોલીસ વેબસાઈટ પર પોતાના પર લાગેલા એરેસ્ટ વોરંટનો ફોટો જોયો ત્યારે તેને ગુસ્સો આવી ગયો. તેણે તરતજ પોલીસને પોતાનો બીજો ફોટો મોકલ્યો અને કહ્યું કે અગાઉનો ફોટો કાઢી નાખો કારણકે એમાં હું સારો દેખાતો નથી. પોલીસે તરતજ એ વ્યક્તિને ઓળખી લઈને તેને પકડી લીધો.

૧૮- એક ખાસ કાગળ પર ધમકી લખવી ભારે પડી

૪૦ વર્ષનો એક વ્યક્તિ એક બેંકમાં ગયો. તેણે એક કાગળ પર લખીને કેશિયરને આપ્યો. આ કાગળમાં લખ્યું હતું કે “શાંતિથી અને ઝડપથી તારી પાસે જેટલા પૈસા છે એટલા મને આપી દે નહીં તો હું તને શૂટ કરી દઈશ.” પેલા કેશિયરે તેની પાસે પડેલા ૪૦૦ ડોલર્સ આપી પણ દીધા. બાદમાં પોલીસે જોયું કે એ વ્યક્તિએ કેશિયરને લેખિતમાં જે ધમકી આપી હતી તે કોઈ કંપનીની પે સ્લિપ હતી. વધુ તપાસ કરતા પોલીસને બેંકની બહાર એ પે સ્લિપનો બીજો હિસ્સો પણ મળી આવ્યો જેમાં એ ચોરની તમામ વિગતો પ્રિન્ટ કરી હતી.

૧૭ – કેશ રજીસ્ટરની સ્લિપ

નોર્થ કેરોલીનાના કેપ્ટન્સ ગેલે રેસ્ટોરન્ટમાં એક ચોર આવ્યો અને તેણે કેશ સાથે કેશ રજીસ્ટર પણ ઉઠાવી લીધું અને ચાલતી પકડી. પરંતુ આ ચોરે એક ભૂલ એવી કરી કે અમેરિકામાં કેશ રજીસ્ટર સાથે એક સફેદ પટ્ટી હંમેશા ચોંટેલી હોય છે. બસ પોલીસ આ પટ્ટીની પાછળ પાછળ ચાલતા ચાલતા સીધી જ એ ચોરના ઘરે પહોંચી ગઈ. પછી શું થયું એ તો તમે સમજી જ શકો છો!

૧૬ – ખોટી બેગની ચોરી

સિડની પાસે આવેલા એક વાઈલ્ડલાઈફ પાર્કમાં પાર્ક કરેલી એક કારની બારીમાંથી એક ચોરે નજીક પડેલી એક બેગ ઉપાડી લીધી અને ભાગી ગયો. આ બેગ હતી જાણીતા સાપ પકડનાર બ્રેડ મેકડોનાલ્ડની. કહેવાની જરૂર નથી કે આ બેગમાં બ્રેડ મેકડોનાલ્ડે થોડા સમય અગાઉજ પકડેલો ઝેરી સાપ હતો.

કહેવાય છે કે ચોરે જ્યારે પોતાના ઘરે જઈને આ બેગ ખોલી ત્યારે તેમાં તેણે પેલો ઝેરી સાપ જોયો અને તેણે સામેચાલીને પોલીસને બેગ સાથે આત્મસમર્પણ કરી દીધું હતું.

૧૫ – કોર્ટમાં જાત બચાવ કરતા જ ફસાઈ ગયો

૧૯૮૫માં ડેનીસ ન્યુટન નામનો એક વ્યક્તિ કોઈ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરતા પકડાઈ ગયો. પોલીસે તેને કોર્ટમાં રજુ કર્યો. કોર્ટમાં વકીલ સ્ટોરના માલિકની જુબાની લઇ રહ્યો હતો અને કોઈક કારણસર ડેનીસ ગુસ્સામાં આવી ગયો અને પેલા સ્ટોરના માલિક તરફ ધસી ગયો અને જોરજોરથી બોલવા માંડ્યો, “જો મેં તે દિવસે જ તને મારી નાખ્યો હોત તો આજે તું મારા વિરુદ્ધ બોલવા હાજર ન હોત.” પોતાની ભૂલ સમજાતાં ડેનીસ ન્યુટને ફેરવી તોળ્યું અને કહ્યું, કે, “જો હું એ ચોર હોત તો!” પરંતુ ત્યાંસુધીમાં તો જજસાહેબને ખબર પડી જ ગઈ કે ડેનીસ જ ચોર છે.

૧૪ – બુદ્ધિ કોના બાપની?

ડેટ્રોઈટ, મિશિગનમાં બે પોલીસ ઓફિસરો બાળકોની શાળા પાસે બાળકોને પોતાની અપરાધ પકડતી કાર કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવી રહ્યા હતા. આવામાં આર સી ગેઇટલાન નામનો વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યો અને પોતાને પણ આ કાર કેવી રીતે કામ કરે છે એ જાણવું છે એમ કહ્યું. પોલીસે તેને તેનું લાઈસન્સ આપવાનું જણાવ્યું જેથી તેઓ તેને એ પદ્ધતિ સમજાવી શકે. જ્યારે પેલાએ પોતાનું લાઈસન્સ પોલીસને આપ્યું તો પોલીસ સામે તેનો આખો ડેટા આવી ગયો અને ખબર પડી કે ગેઇટલાન બે વર્ષથી એક ચોરીના મામલે સંતાતો ફરે છે. પોલીસે તરતજ તેની ધરપકડ કરી લીધી.

૧૩ – ગુનાના સ્થળે નામ લખ્યું અને...

૧૮ વર્ષનો એક વ્યક્તિ જેણે માન્ચેસ્ટરના એક સ્ટોરમાં પોતાના મિત્ર સાથે કાચ તોડીને ક્રોકરી તેમજ અગ્નિશામક બેરલની ચોરી કરી હતી તેણે સ્ટોરની ભીત પર બ્લેક માર્કર પેનથી પોતાનું નામ લખ્યું. આટલુંજ નહીં તેણે આ વોલ પર પોતાની ગેંગ ‘The Adlington Massiv’ નું નામ પણ લખી નાખ્યું.

કદાચ આ નવા નવા પુખ્ત બનેલા વ્યક્તિને જેલ કેવી હોય એ જોવાની ઈચ્છા હશે નહીં તો કોઈ આવી ભૂલ તો બિલકુલ કરે ખરો?

૧૨ – ચોરી કરીને વ્હીલચેર પર ભગાય?

ચોરી કરીને વ્હીલચેર પર ભાગવાનો આઈડિયા કોઈ ખાસ કામમાં આવે તેવો તો નથી જ. પરંતુ ટેક્સાસના બે મિત્રોએ એની કોશિશ પણ કરી. નેઓમી ડુકાને નામના એક વ્યક્તિએ છરાની ધાર પર જ્વેલરી શોપમાં ચોરી કરી. તેની મિત્ર લુઈ ડેલ કેસ્ટીલો સ્ટોરની બહાર વ્હીલચેર લઈને તેની રાહ જોઈ રહી હતી. ડુકાને જે આ દુકાનની નજીક જ રહેતી હતી તેને તે પેલી વ્હીલચેર સુધી પહોંચે એ પહેલા જ એક અન્ય ગ્રાહકે ધક્કો મારીને નીચે પાડી દીધી.

૧૧ – મેં નહીં મારા ડોગીએ ચોરી કરી છે

આપણા જીવનમાં આપણે બધા જ કોઈને કોઈ મુર્ખામી કરી જ દેતા હોઈએ છીએ, પરંતુ અમે શરત મારી શકીએ છીએ કે હવે જે કિસ્સો તમે વાંચવા જઈ રહ્યા છો એવી મુર્ખામી તો તમે ક્યારેય નહીં જ કરી હોય. એક ચોર જેનું નામ રેલીફોર્ડ કૂપર હતું તેણે ચોરી કરી અને પોતાની કારમાં ભાગવા લાગ્યો. પોલીસે આ કારનો પીછો કર્યો અને કૂપરને પકડી પાડ્યો. પકડાયા પછી કૂપરે કહ્યું કે મેં નહીં પણ મારા કૂતરાએ ચોરી કરી હતી અને એજ કાર ચલાવી રહ્યો હતો. જોવાની ખૂબી એ હતી કે કારમાં એક પણ કૂતરો ન હતો!

૧૦ – કારની ચોરી તો કરી પણ...

ઓમાહા, નેબ્રાસ્કામાં એક ટીનેજરે એક મહિલાની કાર ચોરી કરી લીધી. કાર ચોરી તો કરી પરંતુ ચોરી કર્યા બાદ તેને ખબર પડી કે તેણે ચોરેલી કાર ઓટોમેટીક ન હતી પરંતુ મેન્યુઅલ હતી. હવે આ ટીનેજરને મેન્યુઅલ કાર ચલાવતા આવડતી જ ન હતી! લગભગ સાત મિનીટ સુધી કાર ચલાવવાની કોશિશ કરી ત્યાંજ પોલીસ આવી પહોંચી અને તેને પકડી પાડ્યો.

૯ – ચોરી કરી પણ પછી જરા...

ન્યૂ હેમ્પશાયરમાં એક દંપત્તિના ઘરમાં એક ચોર ચોરી કરવા ઘુસ્યો. આ ચોરે શાંતિથી ચોરી પણ કરી, પરંતુ તેમ છતાં પોલીસને તેને પકડવામાં જરાય મહેનત ન કરવી પડી, કેમ? આ ચોરભાઈએ ચોરી તો કરી પરંતુ કદાચ થાક લાગવાને કારણે એમને જરાક ઊંઘ આવી ગઈ. પેલું દંપત્તિ જ્યારે ઘેરે પરત આવ્યું ત્યારે તેમણે ચોરને ઘસઘસાટ ઊંઘતા જોયો અને તેમણે તરતજ પોલીસને બોલાવી લીધી.

૮ – જેનાથી બચ્યો એનાથી જ ફસાયો

ઓકલાહોમાના તુલસા ખાતે જેકોબ વાઈસ એક શોપમાં ઘુસ્યો. અહીં તેણે એકદમ સમજદારી પૂર્વક કપડાંઓ પર લાગેલા સ્માર્ટટેગ્સ દૂર કર્યા. પરંતુ તેમ છતાં થોડા સમય બાદ એલાર્મ વાગ્યો કેમ? કારણકે જેકોબે એ સ્માર્ટ ટેગ્સ પોતાના ખિસ્સામાં મૂકી દીધા હતા અને આથી તે જેવો સ્ટોરના દરવાજાને પસાર કરવા ગયો કે એલાર્મ વાગી ગયો.

૭ – એક નહીં પરંતુ બે ભૂલ

અત્યારસુધી આપણે એવા કિસ્સાઓ જોયા કે ચોરે એક ભૂલ કરી હોય અને તે પકડાઈ ગયો હોય. પરંતુ આ કિસ્સામાં ચોરે એક નહીં પરંતુ બે ભૂલો કરી અને તે પકડાઈ ગયો. રિચમંડ, વર્જીનીયા ખાતે રહેતો ૫૭ વર્ષના એક વ્યક્તિએ કોઈની બાઈક ચોરી લીધી. ચોરી કરવાની ભૂલ તો તેણે કરી પરંતુ ત્યારબાદ તેણે આ જ બાઈકને ઓનલાઈન શોપિંગની સાઈટ પર વેંચવા મૂકી. પોતાની ચોરાઈ ગયેલી બાઈક જોઇને મૂળ માલિકે પોલીસને એના વિષે કહ્યું.

પોલીસ ઓનલાઈન વેબસાઈટ પરથી ચોરનું એડ્રેસ લઈને પહોંચી જ્યાં તેને પેલી બાઈક ઉપરાંત ૧૦ સાઈકલ, ૫૦ સાઈકલ ટાયર્સ, ૨૪ સાઈકલના પૈડા, ૨૬ સાયકલ સીટ, ૨૧ બાઈક સીટ, ૪ સાયકલ ફ્રેમ, એક ગન અને ઘણીબધી બુલેટ્સ મળી આવી.

૬ – બર્થ સર્ટીફીકેટ ભૂલી જવાય?

એવા ઘણા કિસ્સાઓ આપણે અહીં જોયા જ્યાં ચોર કોઈને કોઈ વસ્તુ ચોરી કરેલી જગ્યાએ છોડી જતો હોય છે. ૨૦૦૧માં બોસ્ટનના ઝહારી ટેન્ટોની એ એક મહિલા પાસેથી ૪૦ ડોલર્સ ખેંચી લીધા અને ભાગવા લાગ્યો. પરંતુ ભાગતા પહેલા તે પોતાની બે બેગ ત્યાંજ ભૂલી ગયો. આ બંને બેગોમાંથી એકમાં ટેન્ટોનીનું બર્થ સર્ટીફીકેટ પણ હતું, બસ, પોલીસે તેને પકડી લીધો!

૫ – લીંબુનો રસ પણ કામમાં ન આવ્યો

૧૯૯૫માં એક દિવસ એક આધેડ વયની વ્યક્તિએ પીટર્સબર્ગની એક બેંકમાં ધોળે દિવસે ચોરી કરી. આ વ્યક્તિએ ન તો માસ્ક પહેર્યું હતું કે કોઇપણ એવી વસ્તુનો ઉપયોગ કર્યો હતો જેના થકી તે પોતાના ચહેરાને ઢાંકી શકે. ઉલટું આ વ્યક્તિ ચોરી કરીને જઈ રહ્યો હતો ત્યારે તેને CCTV સામે જોઇને સ્મિત પણ કર્યું.

એજ રાત્રે પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી લીધી જેનું નામ હતું મેકઆર્થર વ્હીલર. વ્હીલરને જ્યારે પોલીસે પેલા CCTVની ફૂટેજ દેખાડી ત્યારે તેને આઘાત લાગ્યો. વ્હીલરને કોઈને એમ કહ્યું હતું કે જો ચહેરા પર તમે લીંબુનો રસ લગાડો તો તમારો ચહેરો કોઇપણ કેમેરા પકડી શકતો નથી અને વ્હીલરે એમ જ કર્યું હતું અને આથી તેને જબરદસ્ત આઘાત લાગ્યો હતો.

૪ – છૂટાછેડા આપવાનું ભૂલી ગયો

ફ્રેન્ક ઈ બ્લેક નામનો વ્યક્તિ ઓલરેડી જેલમાં હતો. અહીં તેને મળવા તેની બીજી અને ત્રીજી પત્ની એકસાથે મળવા આવી. પોલીસે તપાસ કરતાં ખબર પડી કે ફ્રેન્કે ત્રીજી પત્ની સાથે લગ્ન કરતા પહેલા બીજી પત્નીને છૂટાછેડા નહોતા આપ્યા. વધુ તપાસમાં એવી ખબર પણ પડી કે ફ્રેન્કે બીજી તો શું પહેલી પત્નીને પણ છૂટાછેડા નથી આપ્યા. પછી શું, પોલીસે ફ્રેન્ક પર વ્યભિચારનો નવો કેસ ઠોકી દીધો!

૩ – ફેસબુકે દગો દીધો

માઈકલ બેકર જે કેન્ટકીના જેન્કીન્સમાં રહેતો હતો તેણે તો ઈતિહાસ રચી દીધો અને એ પણ ખોટા કારણોસર. બેકરે એક પોલીસ કારમાંથી પેટ્રોલ ચોર્યું અને પછી પેટ્રોલ ભરેલા બેરલ સાથે ફોટો પડાવ્યો અને ફેસબુક પર પોસ્ટ કરી દીધો. આ ફોટામાં બેકરના ચહેરા પર ગર્વ દેખાઈ રહ્યો હતો. પરંતુ બેકરનો આ ગર્વ માત્ર બે જ દિવસ ટકી રહ્યો કારણકે તેણે પોસ્ટ કરેલો ફોટો ખૂબ વાયરલ થયો અને માત્ર બે જ દિવસમાં પોલીસ તેને ઘેર પહોંચી ગઈ અને તેને પકડી ગઈ.

૨ – થોડી કસરત કરી હોત તો...

જ્હોન પીયર્સે એક ઘરમાં ધોળા દિવસે ચોરી કરવાની કોશિશ કરી. તે ઘરની દીવાલ પર ચડ્યો અને એ ઘરની બારી પર પગ મુકીને અંદર જવાની કોશિશ કરી પરંતુ તેનો પગ બારીમાં ભરાઈ ગયો. પરિણામે પીયર્સ પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને ઉંધા માથે બારીમાં જ લટકી પડ્યો. પછી શું? ત્યાંથી પસાર થતા લોકોએ તેને જોઈ લીધો અને તેમણે પોલીસને ફરિયાદ કરી દીધી. પોલીસ તરતજ ત્યાં પહોંચી ગઈ અને પીયર્સને ઝડપી લીધો. પોલીસ જ્યારે પીયર્સને પોતાની કાર સુધી લઇ જતી હતી ત્યારે ત્યાં ઉભેલા લોકોએ તેની ખૂબ ખરાબ શબ્દોમાં મશ્કરી કરી.

૧ – આ ચોર પોતાના નિશાન છોડીને ગયો

આલ્બર્ટ જેક્સને એક ઘરમાં ચોરી કરી. ચોરી કરવા માટે તેણે નજીક પડેલા પેઈન્ટના ડબ્બાથી ઘરની બારીનો કાચ તોડ્યો. અહીં સુધી તો બધું બરાબર ચાલ્યું. જેક્સનને ઘરમાં જો કે ચોરી કરવા લાયક ખાસ મળ્યું નહીં એટલે તેણે ટુના માછલીનું કેન અને ઓટમિલનું બોક્સ સાથે લીધું. જેક્સનની ભૂલ એ થઇ કે ઘરની બહાર નીકળતા પહેલા તેણે ઉપયોગમાં લીધેલા પેલા પેઈન્ટના ડબ્બામાંથી ઢોળાઈ ગયેલા પેઈન્ટ પર પોતાનો પગ મૂકી દીધો.

બસ, પોલીસે એ પગલાં પરથી જેક્સનના પગની છાપ મેળવી લીધી અને ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી લીધી!